વાવાઝોડું 'ક્યાર' : અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું તોફાન ગુજરાતને અસર કરશે?

અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું વાવાઝોડું 'ક્યાર'

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન,

અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું વાવાઝોડું 'ક્યાર'

અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું 'ક્યાર' વાવાઝોડું હવે તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે.

હવામાન વિભાગે ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું છે કે આ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન વધુ જોખમી બની શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ વાવાઝોડું પશ્ચિમ-વાયવ્ય દીશા તરફ આગળ વધી રહ્યું છે.

હાલ મહારાષ્ટ્રના રત્નાગીરીથી અરબ સાગરમાં 270 કિલોમિટર દૂર છે, જે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગની માહિતી અનુસાર આવનારા 5 દિવસોમાં ઓમાનના દરિયાકિનારે પહોંચે તેવી શક્યતા છે.

વાવાઝોડાની તીવ્રતા હજી પણ વધે તેવી શક્યતા છે, જેના કારણે દરિયાકિનારે માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ચોમાસા પહેલાં ગુજરાતના દરિયાકાંઠા પાસેથી પસાર થયેલા 'વાયુ' વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને લાખો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું.

ગુજરાતને 'ક્યાર'ની અસર થશે?

ઇમેજ સ્રોત, Imd

ઇમેજ કૅપ્શન,

ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું ક્યાર

હવામાન વિભાગની વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે આ વાવાઝોડું ગુજરાત કે મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવશે નહીં.

વાવાઝોડની ગતિ હાલ ઓમાન તરફ છે અને આવનારા 5 દિવસોમાં તે ત્યાંના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.

હાલ પૂરતું વાવાઝોડું ગુજરાત નહીં આવે પરંતુ તેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શનિવાર અને રવિવારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાઓ તથા દાદારાનગર હવેલી અને દમણમાં શનિવારે હળવાથી મધ્યમ છુટોછવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, ગીર-સોમનાથ જિલ્લાઓ અને દીવમાં શનિવારે વરસાદ પડવાની શક્યતા છે.

વાવાઝોડું વધારે તીવ્ર બન્યા બાદ રવિવારે નવસારી, વલસાડ, તાપી, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ તથા દીવ અને દમણમાં છુટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

દરિયાકાંઠે ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images

વાવાઝોડાના કારણે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

તોફાનના પવનની ગતિ 120-130 કિલોમિટર પ્રતિ કલાક છે, જે વધીને 145 કિલોમિટર થઈ શકે છે.

27 ઑક્ટોબરના રોજ પવનની ગતિ વધીને 200 કિલોમિટર થઈ શકે છે.

જેના લીધે દરિયાકાંઠે 50થી 60 કિલોમિટરની ઝડપ પવન ફૂંકાઈ શકે છે.

મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ વધવાની શક્યતાને જોતાં માછીમારોને આવતા 24 કલાક સુધી દરિયામાં ન જવા માટે સૂચના આપી દેવાઈ છે.

વાવાઝોડું ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધતા 28 ઑક્ટોબરના રોજ ભારતના દરિયાકિનારે ગતિ ઘટવા લાગશે.

હાલ ગુજરાતમાં લણણીની મોસમ ચાલી રહી હોવાથી ખેડૂતો વરસાદની આગાહીને લઈને ચિંતામાં મુકાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો