દેવેન્દ્ર ફડણવીસ : મેયરમાંથી મુખ્ય મંત્રી કેવી રીતે બન્યા?

  • અભિજિત કાંબલે
  • બીબીસી સંવાદદાતા
ફડણવીસ

ઇમેજ સ્રોત, Getty Images

શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે એકાએક મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા અને તેમની સાથે એનસીપીના અજિત પવારે પણ ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

છેલ્લાં 40 વર્ષોમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના એવા પહેલા મુખ્ય મંત્રી છે જેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે અને ફરીથી તેઓ મુખ્ય મંત્રી બન્યા છે.

દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી પદ સુધી કેવી રીતે પહોંચ્યા? તેમની રાજનીતિ કેવી છે? શું તેમણે પાર્ટીમાં મુખ્ય મંત્રીપદ માટેની હરીફાઈ ખતમ કરી નાખી છે?

મીડિયાની સમજ ધરાવતા ફડણવીસ શું હવે મીડિયાને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા છે? આવનારાં પાંચ વર્ષોમાં તેમની સામે કેવા પડકારો આવશે? ચાલો આ પ્રશ્નોના જવાબો મેળવવાની કોશિશ કરીએ.

29 જુલાઈ 2014ના રોજ અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માંગ સાથે એનસીપી પ્રમુખ શરદ પવારના બારામતી મત વિસ્તારમાં ધનગર સમુદાયના લોકોએ ધરણાં કર્યાં. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદે રહેલા ફડણવીસ ત્યાં પહોંચ્યા અને આ પ્રશ્નનું નિરાકરણ લાવ્યા.

તેમણે વચન આપ્યું હતું કે જ્યારે ભાજપ સત્તામાં આવશે ત્યારે કૅબિનેટની પહેલી જ બેઠકમાં ધનગર સમુદાયનો મુદ્દો ઊઠાવશે.

પાંચ વર્ષો વીતી ગયાં પણ હજુ ધનગર સમુદાયને અનામતની વાત તો એક તરફ પણ વિધાનસભામાં તેમના મુદ્દાને પ્રાથમિકતા પણ આપવામાં આવી નહીં.

આ દરમિયાન ધનગર સમુદાયના એક જાણીતા નેતા ગોપીનાથ પડલકર ભાજપમાં જોડાઈ ગયા અને બારામતીમાં અજીત પવાર સામે ચૂંટણી લડ્યા.

આ એ ઉદાહરણોમાંનું એક છે, જેના આધારે છેલ્લાં પાંચ વર્ષમાં દેવેન્દ્ર ફડણવીસે કંઈક આ રીતે કૂટનીતિથી રાજકારણમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images

90ના દાયકામાં રાજનીતિમાં પ્રવેશ કરનાર ફડણવીસનો પરિવાર પહેલાંથી જ રાજનીતિમાં હતો.

તેમના પિતા જનસંઘના નેતા હતા અને તેમનાં કાકી શોભા ફડણવીસ ભાજપ-શિવસેનાની પહેલી સરકારમાં મંત્રી હતાં.

90ના દાયકામાં તેઓ નાગપુરના મેયર હતા અને પહેલી વખત 1999માં તેઓ વિધાનસભામાં ચૂંટાયા.

રસપ્રદ વાત એ છે કે મુખ્ય મંત્રી બન્યા તે પહેલાં તેમનો વહીવટી અનુભવ મેયરના પદ સુધી જ સીમિત હતો. આ પહેલાં તેઓ ક્યારેય મંત્રીપદે પણ રહ્યા નહોતા.

જ્યારે દેવેન્દ્ર ફડણવીસે નાગપુરથી પોતાની રાજકીય સફર શરૂ કરી તો ત્યારે સમગ્ર વિદર્ભ અને નાગપુરમાં ભાજપના નેતા માત્ર ગડકરી જ હતા. ફડણવીસે ગડકરીના માર્ગદર્શનમાં જ પોતાની સફર શરૂ કરી હતી.

પાછળથી જેમ જેમ ભાજપનાં આંતરિક સમીકરણો બદલાવા લાગ્યાં તેમ તેમ ફડણવીસે ગડકરીથી પોતાને દૂર કરી લીધા અને પાર્ટીમાં તેમના વિરોધી મનાતા ગોપીનાથ મુંડેનો હાથ પકડી લીધો.

આ ઘનિષ્ઠતાને કારણે ફડણવીસ રાજ્યમાં પાર્ટી પ્રમુખના પદ સુધી પહોંચવામાં સફળ રહ્યા.

ફડણવીસ મુખ્ય મંત્રી કઈ રીતે બન્યા?

ઇમેજ સ્રોત, Getty Images

મુખ્ય મંત્રીપદ મેળવવામાં ફડણવીસ માટે પાર્ટી પ્રમુખનું પદ બહુ ઉપયોગી સાબિત થયું.

તેમના જ નેતૃત્વમાં ભાજપ રાજ્યનો સૌથી મોટો પક્ષ બન્યો પરંતુ તેનું આ એક માત્ર કારણ નથી.

સંઘની વિચારધારામાં ઊછરેલા ફડણવીસમાં આરએસએસને બહુ વિશ્વાસ હતો.

એ ઉપરાંત લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપની કેન્દ્રમાં સરકાર બની જે ગડકરીને અનુકૂળ આવ્યું નહીં.

અન્ય રાજ્યોમાં ભાજપની રણનીતિ લઘુમતી સમુદાયમાંથી મુખ્ય મંત્રી બનાવવાની રહી છે, બહુમતીમાંથી નહીં.

હરિયાણામાં બિન જાટ મનોહરલાલ ખટ્ટર, ઝારખંડમાં બિનઆદિવાસી રઘુબર દાસ અને મહારાષ્ટ્રમાં બિનમરાઠા દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા.

તેનો ફાયદો એ થયો કે મહારાષ્ટ્રમાં ભાજપને બિનમરાઠાનું સમર્થન મળ્યું.

મુખ્ય મંત્રી બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અપનાવી.

મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં બહુ ઓછા નેતાઓ એવા થયા છે જેમણે મુખ્ય મંત્રી તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હોય.

ફડણવીસ સામે પણ એવી સંકટની સ્થિતિઓ આવી પણ તેમણે માત્ર આંતરીક હરીફાઈને જ કાબૂ ન કરી પરંતુ ગઠબંધનની સહયોગી શિવસેના સાથે ઊભી થયેલી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો પણ બખૂબી સામનો કર્યો.

કેવી રીતે પાર્ટીની આંતરીક હરીફાઈ પર કાબૂ મેળવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એકનાથ ખડસે અને પંકજા મુંડે સાથે ફડણવીસ

ફડણવીસને પોતાની પાર્ટીની અંદર જ હરીફાઈનો સામનો કરવો પડ્યો.

નિતિન ગડકરી, એકનાથ ખડસે, પંકજા મુંડે, વિનોદ તાવડે અને ચંદ્રકાન્ત પાટીલ જેવા નેતાઓને ફડણવીસના મુખ્ય હરીફ માનવામાં આવે છે.

તેમાંથી ગડકરીને કેન્દ્રમાં મહત્ત્વનું પદ આપવામાં આવ્યું જેથી સ્વાભાવિક રીતે રાજ્યના રાજકારણમાં તેમનું કદ ઘટી જાય.

બીજી તરફ, એકનાથ ખડસે, પંકજા મુંડે અને વિનોદ તાવડે જેવા નેતાઓને રાજ્યમાં મંત્રી પદ તો આપવામાં આવ્યું પરંતુ સમયાંતરે તેમની સામે મુશ્કેલીઓ આવતી રહી અને તેઓ વિવદોમાં ઘેરાતાં રહ્યાં.

ખડસે પર ભ્રષ્ટાચારનો આરોપ હતો, જેથી તેમણે મંત્રીપદ છોડવું પડ્યું. પછી ન એમને ક્યારેય કૅબિનેટમાં સ્થાન મળ્યું, ન ચૂંટણીની ટિકિટ મળી.

વિનોદ તાવડેને નકલી ડિગ્રી અને સ્કૂલ માટે સામાનની ખરીદીમાં અનિયમિતતાને કારણે મુશ્કેલી પડી.

જ્યારે પંકજા મુંડે પર પણ ચિક્કી ખરીદી મામલે આરોપ લાગ્યા. આ દરેક મામલામાં સીધો રાજકીય લાભ ફડણવીસને મળ્યો.

તેમણે કેટલાક વૈકલ્પિક નેતાઓને મજબૂત બનાવ્યા જેથી ઉપર ગણાવેલા નેતાઓને ફરી આગળ આવવામાં મુશ્કેલી પડે.

તેઓ ખડસેના બદલે ગિરીશ મહાજન અને વિનોદ તાવડેના સ્થાને આશિષ શેલારને લાવ્યા.

જોકે, ફડણવીસને હજુ પણ ચંદ્રકાંત પાટીલ તરફથી કેટલીક મુશ્કેલીઓ આવતી રહે છે.

પાટીલ રાજ્યની કૅબિનેટમાં બીજા નંબરે છે અને કેન્દ્રીય નેતૃત્વમાં પણ તેમના સારા સંબંધો છે.

અમિત શાહના વફાદાર તરીકે જોવામાં આવે છે. તેમની પાસે મરાઠા હોવાનો પણ લાભ છે. તેથી આવનારા સમયમાં ચંદ્રકાંત પાટીલ ફડણવીસના હરીફ હશે.

બીજી તરફ ખડસે અને તાવડે સાથે જે થયું તે જોતાં પાર્ટીની અંદર અન્ય વિરોધી એકજૂથ થઈને ફડણવીસની સામે પડી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

તેની સાથે જ ફડણવીસને ગઠબંધનના સહયોગી શિવસેનાનો પણ સામનો કરવો પડશે.

જોકે, ભાજપને વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત મળી શક્યો નથી. તેથી તેમને શિવસેનાને સાથે લઈને જ ચાલવાનું છે.

ભલે તેમણે શિવસેનાને મંત્રીમંડળમાં કોઈ મહત્ત્વનું સ્થાન ન આપ્યું હોય પણ ગઠબંધન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

મુંબઈ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપને મળેલી ભારે સફળતા આ સૂચવે છે. એવાં ઘણાં કારણો છે જેનાથી તેઓ શિવસેના સાથે યુતિ જાળવી રાખવામાં સફળ થયા અને ઓછી બેઠકો પર ચૂંટણી લડવા માટે પણ રાજી કરી શક્યા.

આ વખતે તો તેમણે શિવસેનાને પોતાની ચતુરાઈથી સંભાળી લીધી પરંતુ તેના ભૂતકાળના અનુભવો જોતાં શિવસેના આ વખતે દબાણના રાજકારણનો ઉપયોગ કરશે.

મરાઠા સમુદાયના પડકારોનો સામનો કઈ રીતે કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images

ફડણવીસ સામે વધુ એક પડકાર મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠા વર્ચસ્વનો સામનો કરવાનો અને આ સમુદાયનું સમર્થન પ્રાપ્ત કરવાનો હતો.

મરાઠા અનામતની માંગ સાથે તેઓ રસ્તા પર ઊતરી આવ્યા અને રાજ્યભરમાં મોટી-મોટી રેલીઓનું આયોજન કર્યું.

તેના કારણે ફડણવીસને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પણ તેમણે મરાઠા સમુદાયને અનામત આપવાની જાહેરાત કરીને આ પડકાર સફળતાપૂર્વક પાર પાડ્યો.

કારવાં મૅગેઝીનમાં દેવેન્દ્ર ફડણવીસ પર લેખ લખનારા વરિષ્ઠ પત્રકાર અનોશ માલેકર મરાઠા સમુદાય સાથે ફડણવીસના સંબંધોનું આકલન કરતાં કહે છે, "મરાઠા મતમાં 1995માં જ વિભાજન થઈ ગયું હતું. દેવેન્દ્ર ફડણવીસ સૂઝ-બૂઝથી સફળતાપૂર્વક પોતાની તરફેણમાં તેનો ઉપયોગ કરતાં મુખ્ય મંત્રી પદ સુધી પહોંચી ગયા."

તેઓ કહે છે, "જ્યારે પૃથ્વીરાજ ચૌહાણે મુખ્ય મંત્રીપદ સંભાળ્યું તો મરાઠાઓ વચ્ચેની તિરાડે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું અને સમાજના લોકો એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે વહેંચાઈ ગયા."

"2014માં સત્તામાં આવ્યા બાદ ફડણવીસને આ વિભાજનનો લાભ મળ્યો. 2010 અને 2014 દરમિયાન કેટલાક મરાઠા નેતાઓને પોતાના પક્ષમાં લેવામાં સફળ રહ્યા."

ઇમેજ સ્રોત, Getty Images

માલેકર ત્યારબાદ કહે છે, "ભાજપના નેતા ટીવીના માધ્યમથી લોકો સામે પોતાની છબિ બનાવવામાં બહુ ચતુર છે."

"આ જ રણનીતિ અપનાવીને 2016માં છત્રપતિ સંભાજી રાજેને ભાજપમાં લાવવામાં આવ્યા."

"તેના પરિણામ સ્વરૂપે મરાઠા સમુદાયના જે લોકો સરકારની વિરુદ્ધમાં હતા તેઓ અસમંજસમાં પડી ગયા."

"તેના પછી પણ ઘણા મરાઠા નેતાઓને ભાજપમાં લાવીને તેમના ગુસ્સાને શાંત કરી દેવામાં આવ્યો."

તેઓ કહે છે કે, "ફડણવીસનું તંત્ર પણ ઘણું મજબૂત છે. તેમને કોણ તેમનો વિરોધ કરે છે અને પાર્ટીમાં તિરાડ પાડવાની કોશિશ કરે છે તેની પાકી માહિતી મળી જાય છે."

"તેમણે આ જ રીતે ખેડૂતો અને મરાઠા આંદોલનનો સામનો કર્યો. તેથી તેમની સામે અત્યાર સુધીમાં કોઈ ઊભું થઈ શક્યું નથી."

માલેકર કહે છે, "ભલે ફડણવીસે મરાઠા આંદોલન અથવા પાર્ટીની આંતરીક સમસ્યાઓ પાર પાડી હોય પરંતુ પશ્ચિમ મહારાષ્ટ્રમાં મરાઠા નેતાઓમાં હજુ અસંતોષ છે."

"પાર્ટીએ તે પણ પાર પાડવાનું છે. સામાન્ય રીતે આ ખાંડ અને શિક્ષણ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ કોઈનું સાંભળતા નથી તેથી ફડણવીસ સામે આ એક મોટો પડકાર છે."

તે ઉપરાંત ફડણવીસે આવનારાં પાંચ વર્ષોમાં નોકરીઓ ઊભી કરવાની સમસ્યા પણ હલ કરવી પડશે."

"મરાઠા અનામત પર તો મહોર મારી દીધી પરંતુ હવે તેમની મહત્ત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે ફડણવીસ સામે મોટો પડકાર છે."

મીડિયા પ્રેમી કે મીડિયા નિયંત્રક?

ઇમેજ સ્રોત, Getty Images

માનવામાં આવે છે કે ફડણવીસને મીડિયાની સારી સમજ છે પરંતુ હવે એ પણ પ્રશ્ન છે કે શું તેઓ મીડિયાને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે?

હફિંગ્ટન પોસ્ટના પવન દહાત કહે છે, "દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી બનતા પહેલાં અને પછી મીડિયાનો બહુ ચતુરાઈપૂર્વક ઉપયોગ કર્યો."

"સૌથી અગત્યની વાત, તેમણે પત્રકારો વચ્ચે પોતાના શુભચિંતકો ઊભા કર્યા. તેમને મુંબઈમાં લશ્કર-એ-દેવેન્દ્ર કહેવામાં આવે છે."

"તેઓ એક રીતે ભાજપના પ્રવક્તાની જેમ કામ કરે છે. તેઓ બહુ સારી રીતે સરકારનું સમર્થન કરે છે."

"મીડિયાના માધ્યમથી સરકારની હકારાત્મક છબિ કેવી રીતે બનાવી શકાય અને નકારાત્મક કવરેજથી કઈ રીતે બચી શકાય તેમાં ફડણવીસને મહારત હાંસલ છે. જોકે, મીડિયા માટે તે સારું નથી."

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ કહે છે, "મીડિયાકર્મીઓના ઉપયોગની આ રણનીતિ તેમને રાજનીતિમાં બહુ મદદ કરે છે."

"જો મીડિયા પર નિયંત્રણ હોય તો લોકો સુધી ક્યારેય સાચા સમાચાર પહોંચી શકે નહીં."

"ઉદાહરણ તરીકે સરકાર કહે છે કે તેમના કાર્યકાળ દરમિયાન કોઈ ગોટાળા થયા નથી, ભ્રષ્ટાચારના કોઈ આરોપ લાગ્યા નથી પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં સરકાર પર ઘણા આરોપ લાગ્યા છે."

"એકનાથ ખડસે, પ્રકાશ મહેતાને આ જ કારણે મંત્રીપદ છોડવું પડ્યું. પરંતુ મીડિયાને નિયંત્રિત કરીને સરકારની સાફ છબિ બનાવવામાં આવી."

લોકમતના વરિષ્ઠ પત્રકાર યદુ જોશી કહે છે કે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી બન્યા બાદ છબિને બચાવી રાખવામાં સોશિયલ મીડિયાનો બહુ સમજણપૂર્વક બખૂબી ઉપયોગ કર્યો છે.

હવે આગળ કેવા પડકારો?

ઇમેજ સ્રોત, Getty Images

ભલે દેવેન્દ્ર ફડણવીસ આવનારાં પાંચ વર્ષો માટે ફરી એક વખત મુખ્ય મંત્રીના આસન પર બેસી ગયા પરંતુ આ વખતે પડકારો વધુ ગંભીર બની શકે છે.

સૌથી પહેલો પડકાર મરાઠા યુવાનોને રોજગાર આપવાનો હશે. પછી રાજ્યમાં બેરોજગારીની સમસ્યાનો હલ લાવવો. સરકારે રાજ્યમાં આર્થિક મંદીનો પણ સામનો કરવો પડશે.

જ્યારે ધનગર સમુદાયને અનામત મુદ્દે કેટલાક નિર્ણયો લેવા પડશે. ખેડૂતોમાં વિશ્વાસ ઊભો કરવા માટે તેમને બહુ મહેનત કરવી પડશે અને આ બધા ઉકેલ આગામી પાંચ વર્ષમાં આપવા પડશે.

તે ઉપરાંત ઘણી અધૂરી યોજનાઓ પૂરી કરવી પડશે અને આ બધા જ પડકારો પાર પાડવા માટે ઘણી મહેનત કરવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો