અલ્પેશ ઠાકોરની હારનો પાયો મંદિરમાં બનેલી એ ઘટનાએ નાખ્યો?

  • અર્જુન પરમાર
  • બીબીસી ગુજરાતી
રઘુ દેસાઈ

ઇમેજ સ્રોત, Raghu Desai FB

ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીનાં પરિણામો બાદ રાધનપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો પરાજય સૌથી વધારે ચર્ચિત મુદ્દો રહ્યો છે.

ભાજપના સંગઠનબળ અને ધારદાર રણનીતિ સાથે ચૂંટણીમેદાને ઊતરેલા અલ્પેશ ઠાકોરને હરાવનારા કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ પણ પરિણામ બાદ ચર્ચામાં આવ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી અને બેરોજગારી મુદ્દે આંદોલન ચલાવી નામના મેળવનાર અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

અલ્પેશ ઠાકોર 2017માં રાધનપુરની બેઠક પરથી જ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ તે સમયે તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. જે બાદ તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું.

રાધનપુર વિધાનસભા બેઠક પર પોતાની જીત અંગેની રણનીતિ વિશે રાધનપુર વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્ય રઘુ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી. વાંચો આ વાતચીતના અંશ.

'શહેનશાહ નહીં સેવકની થઈ પસંદગી'

ઇમેજ સ્રોત, Alpesh Thakor FB

બીબીસી ગુજરાતી સાથે અલ્પેશ ઠાકોરના પરાજય અને ચૂંટણીજંગમાં જીત માટેની પોતાની રણનીતિ વિશે વાત કરતા કૉંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ જણાવે છે, "આ એક શહેનશાહ અને એક સેવક વચ્ચેની લડાઈ હતી."

"આ ચૂંટણીમાં પ્રજાએ અલ્પેશ ઠાકોરની 16 મહિનાની ધારાસભ્ય તરીકેની કારકિર્દી સામે 16 વર્ષની રાધનપુરની પ્રજાના સેવક તરીકેની મારી કારકિર્દી પર પસંદગી ઉતારી છે."

"પ્રજાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેથી હું તેમનો આભાર માનું છું."

નિષ્ણાતોના મત પ્રમાણે અલ્પેશ ઠાકોરે આ ચૂંટણીજંગમાં માત્ર ઠાકોરવાદ ચલાવ્યો હતો. તેમના આ વલણે પણ પેટાચૂંટણીમાં તેમની હારમાં મુખ્ય ભાગ ભજવ્યો છે એવું કહેવાઈ રહ્યું છે.

જ્યારે રઘુ દેસાઈને ચૂંટણીમાં ઠાકોર સમાજના મત તેમને મળ્યા છે કે નહીં એ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "મારા મત પ્રમાણે હું કોઈ એક કોમનો નહીં, પરંતુ રાધનપુરની સમગ્ર જનતાનો ઉમેદવાર હતો."

"ઠાકોર સમાજ સાથે અન્ય સમાજોના સમર્થનને કારણે જ હું ચૂંટણીમાં જીત મેળવી શક્યો છું."

"તેમજ ચોક્કસ ઠાકોર સમાજની જ વાત કરું તો રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના કેટલાક સમર્થકો અને ઠાકોર સમાજના અન્ય આગેવાનો જેઓ કૉંગ્રેસના સમર્થક હતા, તેમણે પણ આ વિજય મેળવવામાં પોતાના સમાજના ઉમેદવારના સ્થાને મારો સાથ આપ્યો હતો."

2017માં શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, Raghu Desai FB

નોંધનીય છે કે વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

અલ્પેશ ઠાકોરે કથિતપણે રાધનપુર બેઠક પરથી જ ચૂંટણી લડવાનો આગ્રહ રાખ્યો હતો. જ્યારે રઘુ દેસાઈ આ બેઠક પરથી પોતે ચૂંટણી લડવા માગતા હતા.

જે શક્ય ન બન્યું અને તેમને ચાણસ્મા બેઠક પરથી ચૂંટણી લડવી પડી. જ્યાં રઘુ દેસાઈને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘટના વિશે વાત કરતા રઘુ દેસાઈ જણાવે છે કે, "કૉંગ્રેસ પક્ષના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીના આદેશને પગલે મારે રાધનપુર બેઠક અલ્પેશ ઠાકોર માટે ખાલી કરવી પડી હતી."

"ચાણસ્મા મારી બેઠક ન હોવા છતાં પક્ષના આગ્રહને માન આપી હું ત્યાંથી ચૂંટણી લડ્યો."

"રાધનપુરમાં મેં અલ્પેશ ઠાકોરનો વિજય સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ તેમણે ચાણસ્મા બેઠક પર મને ટેકો ન આપ્યો અને ભાજપના તત્કાલીન મંત્રી દિલીપભાઈ ઠાકોરને ટેકો આપ્યો."

"આમ તેમણે એ સમયે મને હરાવવા માટે મહેનત કરી જ્યારે હું પક્ષના આદેશને અનુસરીને તેમને જીતાડવા માટે મથ્યો."

ચૂંટણીપ્રચાર સમયે વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

પેટાચૂંટણી દરમિયાન રાધનપુરમાં ચૂંટણીપ્રચાર સમયે વરાણા સ્થિત ખોડિયાર માતાના મંદિરમાં બનેલી એક ઘટના બાદ અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈના સમર્થકો સામસામે આવી ગયા હતા. આ ઘટનાને જ પેટાચૂંટણીનો ટર્નિંગ પૉઇન્ટ માનવામાં આવે છે.

આ ઘટના વિશે વાત કરતા રઘુ દેસાઈ જણાવે છે કે, "વરાણા ખાતે ખોડિયાર માતાનું મોટું મંદિર આવેલું છે."

"આ મંદિરમાં ઠાકોર સમાજનું સંમેલન ગોઠવવામાં આવ્યું હતું. આ સંમેલન દરમિયાન અલ્પેશભાઈના માણસો અને ટેકેદારોએ આવીને રસોડામાં રંધાઈ રહેલાં ભોજનમાં રેતી નાખી અને ભોજન ફેંકી દીધું."

"તેમજ રસોઇયાને પણ માર માર્યો અને સૂત્રોચ્ચાર કરીને તોફાન કરવાનું શરૂ કરી દીધું."

"આ ઘટના દરમિયાન મેં અને મારા સમર્થકોએ ઘર્ષણ ટાળવા માટે ખૂબ જ સંયમ જાળવી રાખ્યો."

"આ બનાવના કારણે લોકોમાં એવો સંદેશો ગયો કે અમે લોકો શાંતિપૂર્વક ચૂંટણી લડવા માગીએ છીએ જ્યારે એમના માણસો ગુંડાગીરી કરવા માગે છે."

"આ ઘટનાના કારણે ઠાકોર સમાજ સહિત અન્ય સમાજોમાં પણ અલ્પેશ ઠાકોરની ગુંડાગીરીની નીતિ પ્રત્યે અણગમો ઊભો કર્યો. જેનો ગેરલાભ ચૂંટણીમાં તેમને જ ભોગવવો પડ્યો."

આ ઘટના અંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેનાના ખેડા જિલ્લા પ્રમુખ ઈશ્વરસિંહ પરમાર જેઓ પેટાચૂંટણીના પ્રચાર માટે એ સમયે રાધનપુરમાં જ હતા તેઓ જણાવે છે કે, "આ ઘટના પહેલાં કૉંગ્રેસના સમી તાલુકાના પ્રમુખ માઇક પર ઘટનાસ્થળે એવી જાહેરાત કરી રહ્યા હતા કે કાર્યક્રમમાં જમવાનું બંધ છે."

"આ ઘટનામાં ત્યાંના સ્થાનિક લોકો જેઓ ત્યાં જમવા માટે ગયા હતા તેઓ ઉશ્કેરાઈ ગયા, જે કારણે ત્યાં નાસભાગ મચી જવા પામી હતી."

"આ તમામ ઘટના માટે માત્ર કૉંગ્રેસ પક્ષ જવાબદાર છે. તેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કે અલ્પેશ ઠાકોરની કોઈ ભૂમિકા નથી."

"તેથી ઠાકોરસેનાના માણસોએ કાયક્રમમાં વિઘ્ન ઊભું કર્યાની વાત પાયાવિહોણી છે."

નિષ્ણાતોના મત પ્રમાણે પેટાચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી ગુજરાતમાં વધારે ઉત્સાહથી કાર્યરત નહોતી.

તેમજ પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારોને વિજય અપાવવા બાબતે કૉંગ્રેસના મોવડીમંડળે પૂરી તાકાત નહીં લગાવી હોવાની ચર્ચા હતી.

તેમજ પેટાચૂંટણીની જીત કૉંગ્રેસની પક્ષની નહીં, પરંતુ તેના ઉમેદવારોની વ્યક્તિગત જીત હતી એ વાતનો છેદ ઉડાડતા રઘુ દેસાઈ જણાવે છે કે, "પક્ષે પૂરી તાકાત નથી લગાવી એવું માનવું મારા માટે અશક્ય છે."

"પક્ષના આગેવાનોએ મારા ઉપર મૂકેલા વિશ્વાસ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓની અથાગ મહેનતના પરિણામે જ આ વિજય શક્ય બન્યો છે."

"પક્ષે જ્યારે મને રાધનપુરથી ટિકિટ આપવાની જાહેરાત કરી ત્યારે પક્ષમાં બીજા જેટલા પણ આગેવાનોએ ટિકિટની માગણી કરી હતી તેઓ મને મદદ કરવામાં તરત જ જોતરાઈ ગયા હતા."

"તેથી આ જીત મારી વ્યક્તિગત જીત હોવાનું હું નથી માનતો."

શંકર ચૌધરીની ભૂમિકા

ઇમેજ સ્રોત, Shankar Chaudhary FB

સ્થાનિકોમાં એ વાતની ચર્ચા હતી કે રાધનપુરથી અલ્પેશ ઠાકોરને ભાજપે ઉમેદવાર બનાવ્યાની વાતથી ભાજપના જ નેતા શંકર ચૌધરી અને તેમના સમર્થકો નારાજ હતા.

તેથી એવી પણ ચર્ચા થઈ રહી છે કે રઘુ દેસાઈની મહેનત કરતાં અલ્પેશ ઠાકોરને હરાવવા માટેની શંકર ચૌધરીની મહેનત ફળી છે.

આ અંગે પોતાનો મત વ્યક્ત કરતા રઘુ દેસાઈ જણાવે છે કે, "હું શંકર ચૌધરીએ અલ્પેશ ઠાકોરને જીતાડવા માટે કોઈ પણ પ્રકારે ઓછી મહેનત કરી છે એવું નથી માનતો."

"તેમણે પક્ષના એક જ અવાજે અલ્પેશ ઠાકોરને સમર્થન જાહેર કરી દીધું હતું. તેમજ પોતાના ટેકેદારોને અલ્પેશ ઠાકોરને મત મળે એ દિશામાં કામ કરવા કાર્યરત કરી દીધા હતા."

"અલ્પેશ ઠાકોર વિરુદ્ધ શંકર ચૌધરીએ 'નોટા'નું અભિયાન ચલાવ્યું હશે એ વાત પણ હું નથી માનતો."

કેમ હાર્યા અલ્પેશ ઠાકોર?

ઇમેજ સ્રોત, Alpesh Thakor FB

ગુજરાતના રાજકીય નિષ્ણાતો અને વરિષ્ઠ પત્રકારોના મતે અલ્પેશ ઠાકોરની હાર એ ગુજરાતની જનતા હંમેશાં પક્ષપલટુઓને પાઠ ભણાવે છે એ વાતની સાબિતી પૂરી પાડે છે.

રઘુ દેસાઈ કહે છે કે, "તેમનું અભિમાન, તેમનું તકસાધુપણું, પ્રજાને અવગણવાની તેમની નીતિ, પક્ષ કરતાં વ્યક્તિગત મહત્વકાંક્ષાને અગત્યનું ગણવું, તેમજ તેમનો વાણીવિલાસ, પ્રજા સાથેનું તેમનું તોછડું વર્તન વગેરે જેવાં કારણોને લીધે તેમને રાધનપુરની જનતાએ ધરાર નકારી દીધા છે."

"રાધનપુરના રાજકીય ઇતિહાસ પ્રમાણે રાધનપુરની જનતાએ ક્યારેય પક્ષપલટુઓને ફરીથી વિધાનસભામાં જવા દીધા નથી."

"મારા મતે આ પેટાચૂંટણીમાં પણ આ ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. ભલે રાધનપુરની જનતા વધુ ભણેલી ન હોય, પરંતુ અહીંના સ્થાનિક આગેવાનોમાં ગણતર વધુ છે."

"તેઓ ક્યારેય વ્યક્તિગત મહત્ત્વકાંક્ષાના કારણે પક્ષપલટો કરનાર નેતાનો સાથ આપતા નથી."

રઘુ દેસાઈ કહે છે, "અલ્પેશનું રાજકીય ભવિષ્ય હવે ભાજપ નક્કી કરશે."

"તેમજ હું આ વિશે માત્ર એક જ વાત કહેવા માગીશ કે કૉંગ્રેસે અલ્પેશને લઈને જેમ હાલ પસ્તાવું પડ્યું છે એમ જો ભાજપ હજુ તેમને સાથે રાખશે તો તેમને પણ ચોક્કસ પસ્તાવું જ પડશે એ વાત નક્કી છે."

રાધનપુરની જનતાનું સમર્થન મેળવીને ધારાસભ્ય બન્યા બાદ રઘુ દેસાઈ પોતાના વિસ્તારના કયાં કાર્યો કરવામાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે એ વિશે જણાવતા રઘુ દેસાઈ જણાવે છે કે, "હું હાલ વિસ્તારમાં વ્યાપક બનેલી કેટલીક સમસ્યાઓ જેમ કે ઘરવપરાશના અને સિંચાઈના પાણીના પશ્નો, ગટર, સ્ટ્રીટલાઇટ, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ, રોડ-રસ્તા, વાહનવ્યવહાર વગેરે જેવાં કામો પર ધ્યાન કેન્દ્રીત કરીશ."

"આ સિવાય ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહીશ. તેમને ટેકાના ભાવ મળી રહે અને પોતાની ઊપજનું યોગ્ય મૂલ્ય મળી રહે એ દિશામાં કાર્ય કરીશ.

"તેમજ આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધાઓ વિસ્તારમાં પ્રાપ્ય બને એ માટે પ્રયત્ન કરીશ. તેમજ મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમોને વધુ મહત્ત્વ આપીશ."

હાર બાદ અલ્પેશ ઠાકોરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

નોંધનીય છે કે 24 ઑક્ટોબરના રોજ અલ્પેશ ઠાકોરે ચૂંટણીપંચે પરિણામોની જાહેરાત કરી એ પહેલાં જ મીડિયા સામે આવીને પોતાની હાર સ્વીકારી લીધી હતી.

તેમણે પોતાના પરાજય વિશે વાત કરતા કહ્યું હતું કે, "ઠાકોર સમાજે તો મને મત આપ્યા, પરંતુ જાતિવાદની રાજનીતિને કારણે હું હાર્યો. આ પરિણામો આવનારી લોકશાહી માટે ખતરારૂપ સાબિત થશે."

"આવનારા સમયમાં ઠાકોર સમાજના હક માટે જ્યાં લડવું પડશે ત્યાં જરૂર લડીશ."

"ગરીબોને કંઈક આપવું એ જાણે ગુનો હોય એમ મને હરાવવા માટે કાવતરાં ઘડવામાં આવ્યાં. હું મારી હાર સ્વીકારું છું."

"હું હાર્યો ભલે છું, પરંતુ બમણી ઊર્જા સાથે પાછો ફરીશ. ચૂંટણીમાં ગરીબોને ડરાવવામાં અને લલચાવવામાં આવ્યા જે કારણે મારી હાર થઈ."

"હંમેશાં સત્યનો જ વિજય થાય છે, ફરીથી સત્યનો જ વિજય થશે."

"જો કોઈ સમાજ માટેની લડતને જ્યારે લોકો જાતિવાદની નજરથી જુએ ત્યારે આ વાતથી દુ:ખ થાય છે."

"અમને તોફાની કહેવામાં આવે છે. હું ક્યારેય કોઈને નડ્યો નથી, તમામ સમાજ માટે હું લડ્યો છતાં મને જાતિવાદીની ઉપમા મળી."

"હું હારીને બેસી રહેવાનો નથી પરંતુ ફરીથી આવીશ. હવે રાધનપુરનો વિકાસ ભગવાન કરશે એવું લાગી રહ્યું છે. હવે તેનો વિકાસ કેવી રીતે થશે તે સવાલ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો