સુરતમાં દિવાળી પહેલાં નાણાભીડ કારણે વેપારીની આત્મહત્યા

આત્મહત્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

સુરતમાં 34 વર્ષના સોપારીના વેપારીએ તાપી નદીમાં પુલ પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે.

પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આત્મહત્યા કરનાર વેપારીએ આર્થિક સંકળામણના કારણે આ પગલું લીધું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આત્મહત્યા કરતાં પહેલાં તેમણે પોતાના પિતાને કૉલ કર્યો હતો.

તાજેતરમાં જ એક લૉન ભરવા માટે તેમના પરિવારના સભ્યોએ તેમને મદદ કરી હતી. પરંતુ કોઈ કારણસર તેઓ ફરી આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર વેપારી ઘરેથી કોઈ વેપારી પાસેથી પૈસા વસૂલવા જતા હોવાનું કહીને નીકળ્યા હતા.

તેમણે પુલ પર પોતાનું વાહન પાર્ક કર્યું, પિતાને ફોન કરીને કહ્યું કે પોતે જીવન ટૂંકાવી રહ્યા છે અને પોતે જ્યાં હતાં, તે સ્થળ વિશે પણ કહ્યું. ત્યાર બાદ મોબાઇલ પુલ પર જ મૂકીને તેમણે નદીમાં પડતું મૂક્યું.

રો-રો ફેરી નજીકના ભવિષ્યમાં શરૂ થવાના કોઈ આસાર નહીં

ઇમેજ સ્રોત, PIB

ઘોઘા અને દહેજ વચ્ચેની બહુચર્ચિત રો-રો ફેરી સેવા નજીકના ભવિષ્યમાં શરૂ થાય તેવા કોઈ આસાર જણાતા નથી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ નર્મદાનું પાણી ઓવરફ્લો થતાં 24 સપ્ટેમ્બરના રોજ દહેજ બંદરમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે આ સેવા અટકાવી દેવામાં આવી હતી.

આ ઘટનાને એક મહિનો થઈ ચૂક્યો છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ સેવા ફરી ક્યારે શરૂ થશે.

સેવા ફરી શરૂ કરવા માટે એકઠો થયેલો કાંપ દૂર કરવો પડે. જે પ્રક્રિયા ગુજરાત મેરીટાઇમ બોર્ડને મોંઘી પડે છે.

ફેરી શરૂ કરવા માટે 5 મીટર ઊંડા કિનારાની જરૂર પડે છે, પરંતુ 14 ઑક્ટોબરથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં હજૂ સુધી 2 મીટર સુધીની સફાઈ થઈ શકી છે.

કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

શ્રીનગરના કરનનગરમાં શનિવારે સીઆરપીએફની એક ટૂકડી પર ઉગ્રવાદીઓએ ગ્રૅનેડથી હુમલો કર્યો જેમાં છ જવાન ઘાયલ થયા છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ દિવાળીની પૂર્વ સંધ્યાએ શ્રીનગરમાં ઉગ્રવાદીઓએ ગ્રૅનેડથી હુમલો કર્યો છે.

પોલીસે જણાવ્યું કે સીઆરપીએફની આ ટૂકડી સુરક્ષા ચોકી સંભાળી રહી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર મોટા અવાજ સાથે ગ્રૅનેડ ફાટ્યું, જેના જવાબમાં સૈનિકોએ હવામાં ગોળીબાર કર્યો હતો.

ઘાયલ જવાનો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અયોધ્યા ચુકાદા પહેલાં કૉંગ્રેસના બે નેતાઓએ કહ્યું તેમને મંદિર જોઈએ છે

ઇમેજ સ્રોત, Getty Images

એક તરફ કૉંગ્રેસ દ્વારા અયોધ્યાના ચુકાદાની રાહ જોવાઈ રહી છે, ત્યારે કૉંગ્રેસના બે નેતાઓએ કહ્યું કે રામમંદિર બનવું જોઈએ.

પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ અને ઉત્તરાખંડના મુખ્ય મંત્રી હરિશ રાવતે કહ્યું કે તેઓ અયોધ્યામાં રામમંદિર બનેલું જોવા ઇચ્છે છે. સાથે ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જ આખરી નિર્ણય હશે જેને દરેકે સ્વીકારવાનો રહેશે.

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ કૉંગ્રેસ એક તરફ ચુકાદા અંગે પ્રતિસાદ આપવા અંગે યોજના ઘડી રહી છે, ત્યારે કૉંગ્રેસ વર્કીંગ કમિટીના સભ્યો દ્વારા આ નિવેદનોએ ચર્ચા જગાવી છે.

શુક્રવારે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની આગેવાનીમાં અયોધ્યા અને એનઆરસી બાબતે પોતાનો પ્રતિસાદ શું હશે તે અંગે ચર્ચા કરવા માટે એક બેઠક મળી હતી.

જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પાર્ટીનો પ્રતિસાદ આધાર રાખે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો