શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવને પ્રાદેશિક પક્ષો રોકી શકશે?

  • અભિજીત શ્રીવાસ્તવ
  • બીબીસી સંવાદદાતા
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં જ પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં મહારાષ્ટ્રમાં શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને હરિયાણામાં માત્ર 11 મહિના પહેલાં અસ્તિત્વમાં આવેલી દુષ્યંત ચૌટાલાની આગેવાનીવાળી જનનાયક જનતા પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે.

લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપને જેવી પ્રચંડ બહુમતી હાંસલ થઈ હતી, તેમને એવાં જ પરિણામોની આશા આ બંને રાજ્યોની ચૂંટણીમાં પણ હતી.

પરંતુ આ ચૂંટણીઓમાં પ્રાદેશિક પક્ષોનાં પ્રદર્શનોએ ફરી એક વાર એવી ચર્ચાને જન્મ આપ્યો છે કે શું ભવિષ્યમાં પ્રાદેશિક પક્ષો નરેન્દ્ર મોદીના પ્રભુત્વને પડકારી શકશે?

વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષણ આ વિશે જણાવે છે, "આવું કહેવું હાલ યોગ્ય નથી, કારણ કે ઘણાં રાજ્યોમાં હજુ સુધી પ્રાદેશિક પક્ષો નથી. ડિસેમ્બર, 2018માં 3 રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ હતી. એ ચૂંટણીઓમાં ભાજપ વિરુદ્ધ કૉંગ્રેસે જ સારું પ્રદર્શન કર્યું હતું."

જોકે, રાધિકા એવું પણ કહે છે કે જ્યાં-જ્યાં ભાજપની પકડ મજબૂત નથી. ત્યાં પ્રાદેશિક પક્ષો જ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ભાજપ સમક્ષ પડકાર ઊભો કરે છે.

તેમણે કહ્યું, "તેથી એવું કહી શકાય કે જ્યાં કૉંગ્રેસ પાર્ટી કમજોર પડી ગઈ છે ત્યાં ભાજપને ટક્કર આપવા માટે પ્રાદેશિક પક્ષો સામે આવે છે, કારણ કે રાજકારણમાં લાંબા સમય સુધી ખાલીપો રહેતો નથી."

મહારાષ્ટ્ર અને હરિયાણાનાં ચૂંટણી પરિણામોમાં પ્રાદેશિક પક્ષોએ સારું પ્રદર્શન કર્યા બાદ પણ વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડણીસને નથી લાગતું કે ભવિષ્યમાં પ્રાદેશિક પક્ષો મોદીના પ્રભુત્વને અટકાવવામાં સફળ થશે.

તેઓ જણાવે છે કે, "ખરેખર તો પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ માત્ર રાજ્યની ચૂંટણી સુધી જ સીમિત રહ્યું છે. મોદી રાષ્ટ્રીય સ્તરના નેતા છે."

"આવી પરિસ્થિતિમાં એવું બની શકે કે રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સાથે તેમણે સમાધાન કરવું પડે, પરંતુ કેન્દ્રના રાજકારણમાં પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ ગૌણ જ રહેશે."

શું ફરીથી ઊભી થશે ત્રીજા મોરચાની વાત?

ઇમેજ સ્રોત, PTI

હાલના રાજકીય માહોલમાં શું મોદીનો મુકાબલો કરવા માટે પ્રાદેશિક પક્ષો એકસાથે આવશે એવા અણસાર છે?

આ અંગે રાધિકા જણાવે છે, "હાલ આ વિશે કંઈ પણ કહેવાની ઉતાવળ ન કરવી જોઈએ. દિલ્હી અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાવાની છે, ત્યાર બાદ આવતા વર્ષે બિહારમાં ચૂંટણી યોજાશે. તમામની નજર બિહાર પર છે."

"મારી નજર એ વાત પર છે કે ત્યાં કેવાં સમીકરણો સામે આવી રહ્યાં છે, કારણ કે નીતીશ કુમારની જે.ડી.(યૂ) પણ એક મહત્ત્વપૂર્ણ પ્રાદેશિક પાર્ટી છે."

પ્રાદેશિક પક્ષોના એકસાથે આવવા અંગે પ્રશ્ન

ઇમેજ સ્રોત, Getty Images

જો કે, વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડણીસ માને છે કે ભાજપને પડકારવા માટે પ્રાદેશિક પક્ષોએ કૉંગ્રેસ સાથે જ આવવું પડશે અને આવું થાયની સંભાવના દેખાતી નથી.

જો કે, એક વાર તમામ પ્રાદેશિક પક્ષો કૉંગ્રેસનાં નેતા ઇંદિરા ગાંધી વિરુદ્ધ ભેગા થયા હતા, તો શું આ તમામ પક્ષો મોદી સાથે મુકાબલો કરવા માટે એકસાથે નહીં આવે?

અદિતિ આ વિશે જણાવે છે કે, "ત્યારે પ્રાદેશિક પક્ષોએ ઇંદિરા સામે પડકાર ફેંક્યો હતો અને આજે કૉંગ્રેસ એવા પ્રયત્નો કરી રહી છે કે પ્રાદેશિક પક્ષો તેમની સાથે આવી જાય."

"જો કે, આ સંભવ નથી, કારણ કે ઘણી જગ્યાએ કૉંગ્રેસ પાર્ટી જ પ્રાદેશિક પક્ષોની સૌથી મોટી પ્રતિસ્પર્ધી છે."

રાધિકા રામાશેષણ ત્રીજા મોરચાની રાહમાં રહેલા અવરોધો વિશે પણ વાત કરે છે.

તેઓ જણાવે છે કે, "સમસ્યા એ છે કે જે પ્રાદેશિક પક્ષો પોતપોતાના ક્ષેત્રમાં મહત્ત્વ અને પ્રભાવ ધરાવે છે."

"જ્યાં તેમનો જનાધાર હોય છે, તેમની પાસે નેતૃત્વ પણ હોય છે, આવા પક્ષો જ્યારે ભાજપ સાથે ગઠબંધન કરી લેતા હોય તો આવી પરિસ્થિતિમાં ત્રીજા મોરચાનો વિકલ્પ જ બાકી બચતો નથી."

"તેમ છતાં કેટલાક પક્ષો સાથે આવીને ત્રીજો મોરચો બનાવી લે છે, પરંતુ તેઓ સફળ થઈ શકતા નથી."

"સમસ્યા એ છે કે એકસાથે આવ્યા પછી અને એક-બે ચૂંટણી સાથે લડ્યા બાદ તેઓ ફરીથી અલગ પડી જાય છે અને ભાજપ કે કૉંગ્રેસ સાથે સમાધાન કરી લે છે."

ભવિષ્યમાં ત્રીજો મોરચો બનવાની સંભાવના છે ખરી?

ઇમેજ સ્રોત, SAT SINGH

મોદીના વડપણવાળા ભાજપનો મુકાબલો કરવા માટે શું ભવિષ્યમાં ક્યારેય પ્રાદેશિક પક્ષો એક સાથે આવી શકશે ખરા?

રાધિકા રામાશેષણ આ વિશે કહે છે, "જો ઝારખંડમાં ઝા.મુ.મો. કે ઝા.વિ.મો. જેવા પ્રાદેશિક પક્ષો સાથે મળીને ભાજપને ચૂંટણીમાં હરાવશે તો મારા મતે ત્રીજા મોરચાનો વિકલ્પ વધુ મજબૂત થઈ જશે."

જો કે, તેઓ ભારપૂર્વક જણાવે છે કે જ્યારે આપણે ત્રીજા મોરચાની વાત કરીએ છીએ ત્યારે તેમાં સમાજવાદી પાર્ટી(સ.પા.) અને બહુજન સમાજ પાર્ટી(બ.સ.પા.) એકબીજાની સાથે રહે એ પણ ખૂબ જ જરૂરી છે, પરંતુ આ વર્ષે લોકસભા ચૂંટણીમાં બંને પક્ષોએ ગઠબંધન કરીને બાદમાં બંને પક્ષો છૂટા પડી ગયા હતા.

તેથી ફરીથી તેઓ એકબીજાની સાથે આવીને ચૂંટણી લડશે એ વાત અશક્ય લાગે છે. જો બ.સ.પા. ત્રીજા મોરચામાં નહીં રહે તો સ.પા. પણ ત્રીજા મોરચામાં સામેલ થાય તેવી સંભાવના ઘટી જાય છે અને છેલ્લે આ તમામનો લાભ ભાજપને મળે છે.

આર્થિક સુસ્તીનો મુદ્દો રાષ્ટ્રવાદ પર છવાયેલો રહ્યો

ઇમેજ સ્રોત, Getty Images

લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણામાં સારી સફળતા મેળવી હતી.

તેથી હાલ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં એવું લાગી રહ્યું હતું કે મોદીનો જાદુ ફરી એક વાર ચાલી જશે અને ભાજપ બંને રાજ્યોમાં પ્રચંડ વિજય હાંસલ કરવામાં સફળ રહેશે, પરંતુ આવું ન બની શક્યું.

અદિતિ જણાવે છે કે, "અમને મળેલી જાણકારી પ્રમાણે હરિયાણા અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં આર્થિક સુસ્તીની અસર પડી છે. મહારાષ્ટ્રમાં પારલે કંપનીએ હજારો કામદારોને છૂટા કરી દીધા છે."

"ઘણાં નાનાં-નાનાં ઉદ્યોગો બંધ થઈ ગયાં છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદી દેવાથી અસંગઠિત રિટેલર અને તેના ઉત્પાદનમાં જોડાયેલા લોકોને લાગી રહ્યું છે કે અમારે તો હવે ભૂખ્યા રહેવું પડશે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ પ્રકારનાં કામ વધુ થાય છે."

તેઓ જણાવે છે કે, "આ પ્રકારે આર્થિક સુસ્તીના મારની અસરના કારણે રાષ્ટ્રવાદનો મુદ્દો પાછળ છૂટી ગયો. આ ચૂંટણીમાં બંને રાજ્યોમાં આર્થિક સુસ્તીનો મુદ્દો જ ભાજપના વિજયમાં પડકાર ઊભો કરતો હોય એવું લાગ્યું."

"વૈશ્વિક મંદીની અસર અને દેશમાં આર્થિક કુપ્રબંધનને કારણે આર્થિક સુસ્તીની સમસ્યા વધુ બળવત્તર બની ગઈ છે."

પ્રાદેશિક પક્ષોની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્ર અને હરિયાણામાં થયેલી ચૂંટણીઓમાં રાધિકા રામાશેષણ પ્રાદેશિક પક્ષોની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ માને છે.

તેઓ માને છે કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં જ્યારે ચૂંટણીઓ યોજાઈ રહી હતી ત્યારે એવું કહેવાઈ રહ્યું હતું કે આ રસપ્રદ ચૂંટણીઓ નથી, કારણ કે ભાજપને તેમાં એકતરફી જીત મળવાની છે.

જો કે, આ ચૂંટણીનાં પરિણામો જોઈને તો ઘણા રાજકીય વિશ્લેષકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓ જણાવે છે કે, "ભાજપ માટે ક્યાંકને ક્યાંક પડકારો તો ઊભા થયા જ છે."

શું ભાજપ પોતાની રણનીતિમાં ફેરફાર કરશે?

ઇમેજ સ્રોત, Getty Images

આ બંને રાજ્યોની ચૂંટણીમાં ભાજપ ભલે સૌથી મોટો પક્ષ બન્યો હોય, પરંતુ તે અપેક્ષિત પરિણામો નથી મેળવી શક્યો. તેથી એવું લાગી રહ્યું છે કે ભાજપની રણનીતિમાં ક્યાંક કોઈ ચૂક રહી ગઈ છે. તો શું ભાજપ ભવિષ્યમાં પોતાની રણનીતિમાં ફેરફાર કરશે.

અદિતિ જણાવે છે કે, "મારા મત પ્રમાણે ભવિષ્યમાં રાજ્યની ચૂંટણીઓ દરમિયાન રાજ્યોના મુદ્દા વધુ ચર્ચામાં રહેશે. એ વાતમાં કોઈ બેમત નથી કે ભાજપ સમયાંતરે પોતાની રણનીતિમાં ફેરફાર કરતો રહ્યો છે."

તેઓ જણાવે છે કે, "ભાજપે ઉત્તર પ્રદેશમાં એ વાતનો ખૂબ પ્રચાર કર્યો કે તેઓ જાતિના આધારે કામ નથી કરતા. જો કે, આપણે હરિયાણામાં આનાથી બિલકુલ વિપરીત રણનીતિનો ઉપયોગ થતા જોયું."

"હરિયાણામાં માત્ર જાતિના કારણે જ ખટ્ટરને મુખ્ય મંત્રી બનાવી દેવાયા."

તેમણે કહ્યું કે, "મારા મત પ્રમાણે અમે જાતિમાં નથી માનતા કે તેમાં વિશ્વાસ નથી ધરાવતા એ વાત એક દેખાડોમાત્ર છે. જ્યાં જરૂર હોય ત્યાં ભાજપે પણ જાતિનો ઉપયોગ કરવો પડે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો