નરેન્દ્ર મોદી સરકાર RCEPમાં સામેલ થાય તો આપણાં બજારો કેટલાં તૈયાર?

  • જય નારાયણ વ્યાસ
  • અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
RCEP

ઇમેજ સ્રોત, Getty Images

1 જાન્યુઆરી, 1995ના રોજ મરાકેશ સમજૂતી હેઠળ વિશ્વ વેપાર સંગઠન અસ્તિત્વમાં આવ્યું. આજની તારીખે આ વિશ્વ વેપાર સંગઠન કુલ વિશ્વ વેપારના 95 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરતાં 153 સભ્યરાષ્ટ્રો અને 30 નિરીક્ષકો ધરાવે છે.

વિશ્વ વેપાર સંગઠનનું મુખ્ય કાર્યાલય જીનીવા, સ્વિત્ઝર્લૅન્ડ ખાતે આવેલું છે. વિશ્વ વેપાર સંગઠન વેપારનીતિઓનું માળખું રચે છે, પણ પરિણામ નક્કી કરતું નથી.

સમાનતા, પરસ્પર સમાન વ્યવહાર, બંધનકર્તા અને અમલ કરવા યોગ્ય ખાતરીઓ, પારદર્શિતા અને સલામતી એ પાંચ મહત્ત્વના સિદ્ધાંતો પર આધારિત રહી વિશ્વ વેપાર સંગઠન કામ કરે છે.

જથ્થાબંધ કૃષિ કોમોડિટીના નિકાસકારો અને સબસિડી પર નભતા હોય તેવા મોટી સંખ્યામાં ખેડૂતો ધરાવતા દેશો વચ્ચે અસહમતી સર્જાતા દોહા-મંત્રણા તરીકે જાણીતી ચર્ચા હજુ ફળદાયી બની નથી.

કોઈ પણ દેશ વિશ્વ વેપાર સંગઠનના ચાર્ટર પર સહી કરે એટલે અન્ય સભ્ય દેશોમાંથી પોતાને ત્યાં વેચાવા આવતા માલસામાન પર ખૂબ જ આકરી જકાત નાખીને રક્ષણાત્મક દીવાલ ઊભી કરી શકતો નથી.

આ ચાર્ટર ઉપર ભારતે સહી કરી ત્યારે અન્ય દેશોમાંથી આવતા માલસામાન અને સેવાઓ આ દેશના બજારોમાં ઘૂસી જશે અને પરિણામે ઘરઆંગણાનું ઉત્પાદન અને વેપારી પાયમાલ થઈ જશે એવી મોટાપાયે દહેશત ઊભી થઈ હતી.

હજુ આજે પણ કેટલાક દેશોમાંથી આવતો માલસામાન આપણે ત્યાં ખૂબ સસ્તામાં ઘૂસી શકે છે, જેનું નુકસાન દેશને થાય છે તેવી ફરિયાદો ઊઠતી રહે છે.

ચીન સામે કેવી રીતે ટકી શકશે ભારતીય ઉદ્યોગો?

ઇમેજ સ્રોત, Getty Images

ખાસ કરીને ચીનમાંથી આપણે ત્યાં આવતાં રમકડાંથી માંડીને કેમિકલ અને ફર્નિચર સુધીની ચીજવસ્તુઓ જે ભાવે આપણે ત્યાં વેચાય છે તે ભાવે અને તે ગુણવત્તા સામે આપણો ઉત્પાદક ટકી શકતો નથી એવી વ્યાપક ફરિયાદો ઊભી થવા પામી છે.

હવે આવી જ બીજી એક મોટી ઘટના આકાર લઈ રહી છે. એની થોડી થોડી ચર્ચાઓ પણ થવા માંડી છે.

આ વાત છે રિજનલ કોમ્પ્રેહેનસિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ કરાર (RCEP) જેની શરૂઆત 2011-12ના અરસામાં થઈ હતી.

તેમાં ભારત, ચીન, દક્ષિણ કોરિયા, ન્યુઝીલૅન્ડ, અને જાપાન તેમજ એશયાન દેશોનો(જેમાં ઇન્ડોનેશિયા, કમ્બોડીયા, વિયતનામ, મલેશિયા બ્રુનાઈ, લાઓસ, મલેશિયા, સિંગાપોર, મ્યાનમાર, થાઇલૅન્ડ અને વિયેતનામ) નો સમાવેશ થાય છે. RCEP કરાર લાગુ પડે તો ઝીરો કસ્ટમ ડ્યૂટીથી આ દેશો એકબીજા સાથે વેપાર કરી શકશે.

RCEP સાથે સંકળાયેલા 16 દેશો વિશ્વની કુલ જીડીપીનો 34 ટકા હિસ્સો ધરાવે છે અને વિશ્વ વેપારમાં 40 ટકા હિસ્સો ધરાવે છે.

આ ઉદ્યોગોને થશે અસર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આ કરારને લઈને ભારતમાં ટેક્સટાઇલ, કેમિકલ, ડાઈ ઍન્ડ ઇન્ટર્મીડિએટ, ડેરી, સ્ટીલ સહિતના સ્થાનિક ઔદ્યોગિક એકમોનો ચીન અને એશિયાન જેવા દેશોમાં સસ્તી આયાત થતાં મૃત્યુઘંટ વાગી જશે તેવી દહેશત ફેલાઈ છે.

ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થાપિત ટેક્સટાઈલ, કેમિકલ, ડાઈ ઍન્ડ ઇન્ટર્મીડિએટ, ડેરી, સ્ટીલ સહિતના ઉદ્યોગો સાથે સંકળાયેલા ઍસોસિએશનોએ આ બાબતે સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે.

ભારતમાંથી થતા આયાત-નિકાસના આંકડા તપાસીએ તો કુલ આયાત 565 અબજ ડૉલર થઈ હતી તેની સામે નિકાસ 478 અબજ ડૉલર થઈ હતી.

ભારતમાં થતી આયાતના આંકડા ઉપર નજર કરીએ તો 100 અબજ ઑઇલ ઇમ્પૉર્ટ બાદ કરતાં અન્ય નોન-ઑઇલ ઇમ્પૉર્ટ 378 અબજ જેટલો રહ્યો છે.

જેમાંથી 165 અબજ ડૉલર એટલે કે 44 ટકા જેટલી આયાત આ દેશોમાંથી આપણે કરી રહ્યા છીએ, પરંતુ જો નવેમ્બર, 2019થી કદાચ આ કરાર અમલી બને તો આ આયાતના આંકડા ડબલ કરતાં વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

કારણ કે કેમિકલ અને ડાયસ્ટાફ માટે ચીન, ટેક્સટાઇલ માટે ચીન અને બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા જેવા દેશો જ્યારે ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલૅન્ડ જેવા દેશો ડેરી અને ડેરી ઉત્પાદનોની ભારતમાં ઝીરો ડ્યૂટીએ નિકાસ કરશે જેની સીધી અસર ડેરીઉદ્યોગને અને આડકતરી અસર ખેડૂતો કે જે મોટા ભાગે પશુપાલન ઉપર આધાર રાખે છે તેમના પર પડશે.

એ જ રીતે ચીનથી સસ્તા કેમિકલ અને ડાયસ્ટાફની આયાત વધશે એવું સ્થાનિક સૂત્રોનું માનવું છે. કેમિકલમાં ડાયસ્ટાફ 33 ટકા હિસ્સો ધરાવે છે.

આમાં જો ચીનથી ઝીરો ડ્યૂટી ડાયસ્ટાફ અને કેમિકલની આયાત થશે તો તેની અસરરૂપે 50 ટકા ધંધો બંધ થઈ જશે.

આમાં મોટા ભાગના નાના અને મધ્યમ કદના એકમો હશે. ગુજરાત આ ક્ષેત્રનું એક મોટું ઉત્પાદક છે એટલે ગુજરાતમાં આની સીધી અસર દેખાય તેવું બની શકે.

ગુજરાતના ઉદ્યોગો અને RCEP

ઇમેજ સ્રોત, Getty Images

એક માહિતી મુજબ ગુજરાતના ડાઈ ઍન્ડ ઇન્ટર્મીડિએટનું કદ અંદાજે 25,000 કરોડનું છે. RCEP કરાર લાગુ પડતાં ચીન સહિતના અન્ય દેશોમાંથી સસ્તા ડાઈ ઍન્ડ ઇન્ટર્મીડિએટની આયાત થતાં ગુજરાત અંદાજે 8,000 કરોડનો ધંધો ગુમાવી શકે છે.

એ જ રીતે ભારત સાથે છ દેશો હાલ ટેકસટાઇલની આયાત-નિકાસ માટે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ હેઠળ જોડાયા છે. જેમાં ભારતમાંથી 60 અબજ ડૉલરની નિકાસ થાય છે અને 200 અબજ ડૉલરની આયાત થાય છે.

ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટથી ભારતને ખાસ ફાયદો થયો દેખાતો નથી, પરંતુ આ ક્ષેત્રે જો બીજા 16 દેશો જોડાશે તો સ્થાનિક ટેકસટાઇલઉદ્યોગ સસ્તી આયાત સામે ટકી નહીં શકે.

આમ RCEP કરાર ભારત માટે યમરાજ ને તેડવા જેવું કામ કરશે. આમેય વૈશ્વિક મંદી ચાલી રહી છે. દેશમાં પણ મંદી પ્રવર્તી રહી છે ત્યારે ઉદ્યોગો ઉપર આ કરાર મરણતોલ ફટકો મારશે.

બેરોજગારી સર્જાવાની સંભાવના

ઇમેજ સ્રોત, Getty Images

ડેરીઉદ્યોગ સાથે સીધી અને આડકતરી રીતે સંકળાયેલા લોકો બેરોજગાર બનશે.

ખાસ કરીને પશુપાલકો અને ખેડૂતો કે જે અત્યારે ખેતી વળતર આપતી નથી એ સંયોગોમાં દૂધ ઉત્પાદન ઉપર ઘર ચલાવતાં કરોડો કુટુંબો ઉપર ડેરીઉદ્યોગની નફાકારકતા ઘટતાં અસર થશે.

ખેતીની જેમ જ પશુપાલનથી પણ પલાયન થશે અને વ્યાપક અરાજકતા સર્જાશે એ જ રીતે મોટી રોજગારી આપતા ટેકસટાઇલ અને રસાયણ તેમજ હેવી એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં વ્યાપક બેરોજગારી સર્જાશે.

આમ RCEP કરાર કરતાં પહેલાં ભારત સો વાર વિચારશે અને "પોતાના પગ ઉપર જ કુહાડી નહીં મારે" તેવી આશા રાખીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો