અમેરિકાના હાથે માર્યો ગયો એ અબુ બકર અલ બગદાદી કોણ હતો?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
બગદાદી

ઇમેજ સ્રોત, AFP

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્રકારપરિષદમાં ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ અલ-શામ(આઈએસઆઈએસ)નો નેતા અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકન સેનાના એક ઑપરેશન દરમિયાન માર્યો ગયો હોવાની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે નહિવત્ સમયમાં આખી દુનિયામાં કથિતપણે દહેશતનું બીજું નામ બની ગયેલા અબુ બકર અલ બગદાદીની લાંબા ગાળાથી અમેરિકાની સેનાને તલાશ હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પત્રકારપરિષદમાં માહિતી આપતા કહ્યું કે આ ઑપરેશનમાં એક પણ અમેરિકન સૈનિકનું મૃત્યુ થયું નથી.

ઓસામા બિન લાદેનના ખાતમા બાદ અમેરિકા બગદાદી સુધી પહોંચવા તલપાપડ હતું.

અસંખ્ય ઉગ્રવાદી ઘટનાઓની જવાબદારી સ્વીકારનાર અને પશ્ચિમના દેશોમાં પોતાના નામનો ફફડાટ ફેલાવનાર બગદાદી, ખરેખર કોણ હતો એ પ્રશ્ન મનમાં ઊઠવો સ્વાભાવિક છે.

આજે જ્યારે અમેરિકા દ્વારા ઇસ્લામિક સ્ટેટના વડા બગદાદીના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે ત્યારે આવો જાણીએ બગદાદી વિશેની કેટલીક રહસ્યમયી અને રસપ્રદ વાતો.

કોણ હતો બગદાદી?

ઇમેજ સ્રોત, AFP

કહેવાય છે કે બગદાદીનો જન્મ વર્ષ 1971માં ઈરાકમાં ઉત્તરમાં સ્થિત સમારા ખાતે થયો હતો.

કેટલાક જૂના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2003માં જ્યારે અમેરિકાની સેના ઇરાકમાં પ્રવેશી, ત્યારે બગદાદી શહેરની એક મસ્જિદનો મૌલાના હતો.

કેટલાક લોકો માને છે કે સદ્દામ હુસેનના શાસનકાળ દરમિયાન પણ બગદાદી એક ચરમપંથી જેહાદી હતો.

સાથે જ એવું પણ કહેવાય છે કે તેણે બક્કાની અમેરિકન શિબિરમાં 4 વર્ષ વીતાવ્યાં અને એ દરમિયાન જ તે એક ચરમપંથી બની ગયો. કહેવાય છે કે અલકાયદાના ઘણા કમાંડરોની ધરપકડ કરીને આ જ શિબિરમાં રાખવામાં આવ્યા હતા.

ઇરાકમાં અલ-કાયદાના નેતા તરીકે અને ઇસ્લામિક સ્ટેટના નેતા તરીકે બગદાદીને વર્ષ 2010માં નવી ઓળખાણ મળી.

વર્ષ 2014ના અહેવાલો અનુસાર, ઇસ્લામી કટ્ટરવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક ઍન્ડ અલ-શામે ઇરાક અને સીરિયામાં પોતાના કબજા હેઠળના વિસ્તારોમાં 'ખિલાફત' એટલે કે ઇસ્લામી રાજ્યની ઘોષણા કરી હતી.

સંગઠને પોતાના આગેવાન અબુ બકર અલ-બગદાદીને 'ખલીફા' અને દુનિયામાં મુસ્લિમોના નેતા જાહેર કર્યા હતા.

લાદેનનો ખરો વારસ હતો બગદાદી?

ઇમેજ સ્રોત, Getty Images

ઘણા લોકો બગદાદીને ઓસામા બીન લાદેનનો ખરો વારસ માનતા હતા.

ઓસામાના ખાતમા બાદ તેની લડાઈને આગળ ધપાવવા માટે જરૂરી તમામ લાયકાતો બગદાદીમાં હોવાનું પણ ઘણા નિષ્ણાતો માનતા હતા. બગદાદીને ઓસામાએ સ્થાપેલા ઉગ્રવાદના નેટવર્કનો ખરો વારસ ગણાવતાં ડૅવિડ ઇગ્નાશિયસ વોશિંગટન પોસ્ટમાં લખે છે કે, "ઓસામા બિન લાદેનનો ખરો વારસ આઈએસઆઈએસનો નેતા અબુ બકર અલ બગદાદી બની શકે છે."

જોકે, પાકિસ્તાન, આરબ ભૂખંડ અને ઉત્તર આફ્રિકામાં અલ-કાયદાની હાજરીના કારણે અલકાયદાના અન્ય એક કુખ્યાત નેતા ઝવાહિરી પાસે હજુ પણ ખૂબ જ તાકાત છે.

પરંતુ બગદાદીએ સૌથી સંગઠિત અને યુદ્ધના સૌથી નિર્મમ રણનીતિજ્ઞ તરીકેની ખ્યાતિ મેળવી હતી.

વિશ્લેષકો પ્રમાણે યુવાન જેહાદીઓમાં ધાર્મિક ગુરુની છબિ ધરાવનારા ઝવાહિરીની સરખામણીમાં આઈએસઆઈએસ પ્રત્યે વધુ આકર્ષણ જોવા મળે છે, તે માટે આ કારણ મુખ્યપણે જવાબદાર છે.

ઑક્ટોબર, 2011માં અમેરિકાના અધિકારીઓએ બગદાદીને 'ઉગ્રવાદી' જાહેર કરી દીધો હતો અને તેને જીવતો કે મૃત પકડવા માટે એક કરોડ ડૉલરના ઈનામની જાહેરાત કરી હતી.

આ જાહેરાતમાં બગદાદીના વિવિધ ઉપનામોનો જેમ કે - અબુ દુઆ અને ડૉક્ટર ઇબ્રાહિમ અલી અલબદ્રી અલ સમારાઈનો પણ ઉલ્લેખ હતો.

તેની વાસ્તવિક ઓળખને લઈને અનિશ્ચિતતા જોવા મળે છે. તેથી તેના સરનામા વિશેની માહિતી પણ અસ્પષ્ટ હતી. જો કે, કહેવાય છે કે તે સીરિયાના રક્કામાં હતો.

કથિતપણે દહેશતનો પર્યાય બની ચૂકેલા બગદાદીની મૃત્યુ બાદ તેના જીવનનાં ઘણાં રહસ્યો અકબંધ રહી ગયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો