TOP NEWS : ગુજરાત દેશમાં ઉચ્ચકક્ષાના આર્થિક ગુનામાં સૌથી આગળ

કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં ગત વર્ષ કરતાં ઉચ્ચકક્ષાના આર્થિક વ્યવહારના ગોટાળાના કેસમાં વધારો થયો છે.

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (NCRB)ના 'ક્રાઇમ ઇન ઇન્ડિયા 2017'ના અહેવાલ પ્રમાણે ઉચ્ચકક્ષા આર્થિક ગુનાઓમાં દેશભરમાં ગુજરાત મોખરે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 2017માં ઉચ્ચકક્ષાના આર્થિક વ્યવહારના 128 કેસ નોંધાયા છે, જેની કિંમત 10 કરોડથી વધુ થવા જાય છે.

જ્યારે મહારાષ્ટ્ર બીજા નંબરે (108 કેસ) અને ત્રીજા નંબરે કર્ણાટક રાજ્ય (47 કેસ) આવ્યું છે.

ગુજરાતમાં આ સિવાયના નાનામોટા આર્થિક ગોટાળાના 3,477 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 608 અને સુરતમાં 719 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં આર્થિક ગુનામાં 27 ટકા અને સુરતમાં રેકૉર્ડ 58 ટકાનો વધારો થયો છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે સીઆઈડી (ક્રાઇમ) અને શહેર પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવીને આ કેસની તપાસ ચાલી રહી છે, સંખ્યાબંધ કેસ ઉકેલી લેવાયા છે.

પાકિસ્તાને ફરી વાર નરેન્દ્ર મોદીને રસ્તો ન આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાને ફરી એક વાર ભારતની વિનંતીને ઠુકરાવી દીધી છે. ભારતે વડા પ્રધાન મોદીના સાઉદીપ્રવાસ માટે પાકિસ્તાનના હવાઈક્ષેત્રના ઉપયોગની મંજૂરી માગી હતી.

રવિવારે પાકિસ્તાનના વિદેશમંત્રી મહમૂદ કુરેશીએ કહ્યું કે આજે 27 ઑક્ટોબર છે અને કાશ્મીર માટે કાળો દિવસ છે. અમે કાશ્મીરના માનવાધિકારના ઉલ્લંઘનને લઈને ભારતની વિનંતીને ઠુકરાવી દીધી છે.

કુરેશીએ કહ્યું કે આ મામલે પાકિસ્તાનસ્થિત ભારતના દૂતાવાસને પણ સૂચિત કરી દેવાયા છે.

છેલ્લા બે મહિનામાં બીજી વાર પાકિસ્તાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રવાસ માટે પાકિસ્તાનના હવાઈક્ષેત્રના ઉપયોગની પરવાનગી નથી આપી.

અગાઉ ભારતે 20 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જર્મનીપ્રવાસ માટે પાકિસ્તાન પાસે તેમના હવાઈક્ષેત્રના ઉપયોગની મંજૂરી માગી હતી, જેને પાકિસ્તાને ઇન્કાર કરી દીધો હતો.

વર્લ્ડ બૅન્કના પ્રમુખ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારે વર્લ્ડ બૅન્કના પ્રમુખ ડેવિડ માલપાસે નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.

પ્રમુખ ડેવિડ સાથે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પહોંચ્યા હતા.

માલપાસ 28 ઑક્ટોબરે સિવિલ સર્વિસના પ્રોબેશનરોને સંબોધન કરશે. અંદાજે 450 સનદી અધિકારીઓ તાલીમના ભાગરૂપે આ સત્રમાં ભાગ લઈ રહ્યા છે.

ડેવિડ માલપાસે કહ્યું કે તેઓ પ્રોબેશનરોને પ્રોત્સાહિત કરશે અને તેમની સાથે ભારતના વિકાસ માટેની રીતોની પણ ચર્ચા કરશે.

એકતા ઑડિટોરિયમમાં ગુજરાતના સરકારના અધિકારીએ પણ પ્રેઝન્ટેશન આપ્યું હતું.

પ્રમુખ માલપાસે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

દિવાળીમાં દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું

ઇમેજ સ્રોત, Getty Images

દિવાળીની રાતે ફટાકડા ફોડતાં દિલ્હી અને નોઇડાની હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે.

ઍર ક્વૉલિટી ઍન્ડ વેધર ફોરકાસ્ટિંગ ઍન્ડ રિસર્ચ અનુસાર દિલ્હીમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 306 અને નોઇડામાં 365 પર પહોંચી ગયો છે.

બીજી તરફ છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈની દિવાળી સૌથી સ્વચ્છ રહી છે.

શૂન્યથી 50 સુધીના ઍર ક્વૉલિટી ઇન્ડેક્સને સૌથી સારો માનવામાં આવે છે.

300થી વધુનો આંક સૌથી ખતરનાક માનવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો