મહારાષ્ટ્રમાં સરકાર કઈ રીતે બનાવવી, ભાજપ સામે મોટો સવાલ

અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ Image copyright Getty Images
ફોટો લાઈન મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અમિત શાહની ભૂમિકા મહત્ત્વની

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ સરકાર બનાવવાનો મામલો વધારે ગૂંચવાતો જાય છે.

છેલ્લાં પાંચ વર્ષોથી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સરકાર હતી. હવે પરિણામો બાદ ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકે તેમ નથી.

આ બધાની વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે તેમની પાસે ભાજપ સિવાય પણ સરકાર બનાવવાના વિકલ્પો છે.

શિવસેનાએ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને 50-50ની ફૉર્મ્યુલાની યાદ અપાવી છે અને આ મામલે ભાજપ લેખિતમાં ખાતરી આપે તેવી માગ કરી છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને જવાબ આપતાં કહ્યું છે કે શિવસેના સાથે 50-50ની કોઈ ફૉર્મ્યુલા અંગેની ચર્ચા થઈ ન હતી.

હાલ બંને પાર્ટીઓ અપક્ષોને પોતાના સમર્થનમાં લાવવા માટેના પ્રયત્નો કરી રહી છે.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી) અને કૉંગ્રેસે સરકારમાં સામેલ થવાની ના પાડી દીધી છે અને કહ્યું છે કે તેઓ વિપક્ષમાં જ બેસશે.

શિવસેના પોતાની માગને લઈને હાલ અડગ છે અને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માગતી નથી.

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો અમિત શાહ જોડે પણ વાત કરવામાં આવશે.


શિવસેનાને મુખ્ય મંત્રી પદ કેમ જોઈએ છે

Image copyright Getty Images
ફોટો લાઈન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના અઢી વર્ષ માટે મુખ્ય મંત્રી પદની માગણી કરી રહ્યા છે

26 ઑક્ટોબરના રોજ શિવસેનાના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી.

બાદમાં તેમના ધારાસભ્યોએ મીડિયાને જણાવ્યું હતું કે શિવસેના અઢી વર્ષ માટે મુખ્ય મંત્રીપદની માગણી કરી રહી છે.

એવી પણ વાત છે કે શિવસેનાના ધારાસભ્યો ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત ચૂંટાયેલા આદિત્ય ઠાકરેને મુખ્ય મંત્રીપદ પર જોવા માગે છે.

શિવસેનાના નેતા પ્રતાપ સરનાઇકે બીબીસીને જણાવ્યું કે ભાજપ જો અઢી વર્ષ માટે મુખ્ય મંત્રીપદની લેખિતમાં ખાતરી આપે તો જ તેઓ સરકારમાં સામેલ થશે.

શિવસેના જાણે છે કે હાલ ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકે તેમ નથી અને સંગઠનમાં શિવસેનાનો સાથ જરૂરી છે.

શિવસેના સાથે ચૂંટણી પહેલાં અમિત શાહે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મળીને બેઠકો અને ચૂંટણી બાદની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.

જોકે, બીજી તરફ ભાજપ પોતાના હાથમાંથી મુખ્ય મંત્રીનું પદ જવા દેવા માગતો નથી.

આ મામલે બીબીસી સાથે વાત કરતા ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું છે કે આ મામલાનો ઉકેલ ભાજપના અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મળીને લાવશે.

30 ઑક્ટોબરે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળવાની છે. જેમાં ધારાસભ્યદળના નેતાને ચૂંટવામાં આવશે.


શિવસેના-ભાજપ બંને માટે કોઈ વિકલ્પ નહીં

Image copyright Getty Images
ફોટો લાઈન ભાજપ અને શિવસેના બંને જાણે છે કે સરકાર બનાવવા બંનેએ સાથે આવવું પડશે

શિવસેના કે ભાજપ બંને પોતાના હાથમાંથી હવે મુખ્ય મંત્રી પદ જવા દેવા માગતા નથી.

મંગળવારે શિવસેનાના નેતા સંજય રાઉતે પક્ષના આકરાં તેવરો દેખાડતાં કહ્યું મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી, જેના પિતા જેલમાં હોય, અમારી પાસે અન્ય વિકલ્પ પણ છે.

રાઉતે કહ્યું, "ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમારી પાસે અન્ય વિકલ્પો પણ છે, પરંતુ અમે એ વિકલ્પો સ્વીકારીને પાપ કરવાનું ઇચ્છતા નથી."

"શિવસેનાએ હંમેશાં સચ્ચાઈની રાજનીતિ કરી છે, અમે સત્તાના ભૂખ્યા નથી."

તેની સામે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે શિવસેના સાથે 50-50ની કોઈ ફૉર્મ્યુલા અંગેની ચર્ચા થઈ ન હતી.

તેમણે કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે આવનારા પાંચ વર્ષોમાં હું જ મુખ્ય મંત્રી બનીશ."

ફડણવીસે કહ્યું, "અમિત શાહે મને કહ્યું હતું કે શિવસેના સાથે મુખ્ય મંત્રીપદને લઈને કોઈ ફૉર્મ્યુલાની ચર્ચા કરવામાં આવી નથી."

મહારાષ્ટ્રમાં ત્રીજા નંબરે સૌથી વધારે બેઠકો મેળવનાર એનસીપી છે.

જોકે, એનસીપીના પ્રમુખ શરદ પવારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વિપક્ષમાં બેસશે અને સરકારમાં સામેલ થશે નહીં.

રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈના કહેવા પ્રમાણે શિવસેનાએ ચૂંટણીમાં સતત શરદ પવારની ટીકા કરી છે એટલે તેના સાથે જઈ શકે નહીં.

તેમના કહેવા પ્રમાણે, "ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યા હતા એવામાં બંને પક્ષને ખબર છે કે સરકાર મહાયુતિની જ બનશે."

"શરદ પવાર પર સતત હુમલા કરનારી શિવસેના તેમની સાથે જાય તો તેમની સ્થિતિ હાસ્યાસ્પદ થઈ જાય."

"પોતાના સિદ્ધાંતોથી વિરુદ્ધ જવું શિવસેનાને પણ પોસાય તેમ નથી. એવામાં ભાજપ અને શિવસેના જ સરકાર બનાવશે તેમાં કોઈ શંકા નથી."


અમિત શાહના હાથમાં મહારાષ્ટ્રની બાજી?

Image copyright Getty Images
ફોટો લાઈન શિવસેનાનું કહેવું છે કે જરૂર પડી તો અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવશે

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ભાજપના અધ્યક્ષ અમિત શાહ આ મામલે ઉદ્ધવ ઠાકરેને મળી શકે છે.

આ પહેલાં ઉદ્ધવ ઠાકરે પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જો જરૂર પડી તો તેઓ અમિત શાહ સાથે પણ વાત કરશે.

શિવસેનાએ સરકાર બનાવવા મામલે કહ્યું છે કે તેણે નિર્ણય લઈ લીધો છે, પરંતુ ખરેખર શિવસેના પાસે ભાજપ સાથે જવા સિવાય કોઈ વિકલ્પ છે ખરો?

આ મામલે બીબીસી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર યદુ જોશી કહે છે કે બંને વચ્ચે 50-50ની ફૉર્મ્યુલા નક્કી થઈ હતી. શિવસેનાનું કહેવું છે કે તેમની સામે બધા વિકલ્પો ખુલ્લા છે, પરંતુ તે સરળ નથી.

તેઓ કહે છે, "105 બેઠકો જિતેલા ભાજપને જો 10 અપક્ષ ધારાસભ્યનું સમર્થન મળી જાય તો પણ તેની સંખ્યા 115 થાય."

"રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી) અને કૉંગ્રેસે વિરોધપક્ષમાં બેસવાનું સ્પષ્ટ કરી દીધું છે. એવામાં બીજા કોઈ પક્ષ સાથે સરકાર બનાવાની શક્યતા દેખાતી નથી."

"56 બેઠકો જીતનારી શિવસેનાને ભાજપ સાથે જવા સિવાય છૂટકો નથી."

તેમણે કહ્યું કે ઉપમુખ્ય મંત્રી અને મહત્ત્વના વિભાગ આપીને ભાજપ સમાધાન કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ તેઓ ક્યારેય મુખ્ય મંત્રીપદ શિવસેનાને આપશે નહીં.

જો આ મામલે કોકડું ગૂંચવાય તો અમિત શાહને ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કર્યા વિના કોઈ આરો નથી.


સરકારના દાવપેચ વચ્ચે શરદ પવારનું રાજકારણ

Image copyright Getty Images
ફોટો લાઈન ભાજપ અને શિવસેનાની ખેંચતાણ વચ્ચે શરદ પવારની ચાલ

વિધાનસભાનાં પરિણામ બાદ એનસીપી અને કૉંગ્રેસના કેટલાક નેતાઓ તરફથી એવું નિવેદન પણ આવ્યું હતું કે તેઓ શિવસેનાને સાથ આપી શકે છે.

હેમંત દેસાઈનું માનવું છે કે કૉંગ્રેસ અને એનસીપીના નેતાઓનાં આવાં નિવેદનો શિવસેના અને ભાજપ વચ્ચે અંતર ઊભું કરવાનું રાજકારણ છે.

તેઓ કહે છે, "ગત વિધાનસભાની ચૂંટણી બાદ એનસીપીએ ભાજપને બહારથી સમર્થન આપ્યું હતું. શપથવિધિ બાદ કેટલાક દિવસ પછી શિવસેના સરકારમાં સામેલ થઈ હતી."

"જે બાદ શરદ પવારે કહ્યું હતું કે તેમણે સેના અને ભાજપ વચ્ચે ભાગલા પડાવવા માટે આવું કર્યું હતું. આ વખતે એનસીપી અને કૉંગ્રેસ એ જ રાજકારણ શિવસેના સાથે રમી રહી છે."

"આ પણ રાજકારણ કરવાની એક પદ્ધતિ છે. શરદ પવારની દૃષ્ટિએ રાજ્યમાં એનસીપીને મજબૂત કરવાની આ એક કવાયત હોઈ શકે છે."

ભાજપ અને શિવસેના બંને મુખ્ય મંત્રીપદને લઈને અડગ છે અને બંને ઢીલું મૂકવાના મૂડમાં નથી. એવામાં અમિત શાહ સામે આ મામલાનો ઉકેલ લાવવો મોટો પડકાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ