'ફટાકડા ફોડવાનો અધિકાર નથી' કહી દિવાળીના દિવસે દલિત પર સવર્ણે હુમલો કર્યો?

  • જય મકવાણા
  • બીબીસી ગુજરાતી
મૂળાભાઈ વાજા

ઇમેજ સ્રોત, Chandrajit Vaja

ઇમેજ કૅપ્શન,

મૂળાભાઈ વાજાની હાલમાં જૂનાગઢની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

દિવાળીની રાતે ગુજરાતમાં દલિત વિરુદ્ધ અત્યાચારની કથિત ઘટના ઘટી છે.

કોડિનાર તાલુકાના સિંધાજ ગામમાં ફટાકડા ફોડવાની બાબતમાં મૂળાભાઈ વાજા નામના દલિત પર કુહાડીથી કથિત રીતે હુમલો કરાયો છે.

મૂળાભાઈને માથામાં ચાર ટાંકા લેવા પડ્યા છે અને હાલમાં જૂનાગઢની સિવિલ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

મૂળાભાઈનો આરોપ છે કે 'દલિતોને ફટાકડા ફોડવાનો અધિકાર ન હોવાનું' કહીને આરોપીએ જ્ઞાતિને લઈને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

ઘટના શું છે?

ઇમેજ સ્રોત, Chandrajit Vaja

ઇમેજ કૅપ્શન,

મૂળાભાઈ વાજાનો દાવો છે કે તેમનો પુત્ર તેમના ઘરની ડેલીમાં ફટાકડા ફોડતો હતો

આ મામલે પીડિતના મોટા પુત્ર સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી. ચંદ્રજિત વાજાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું:

"દિવાળીની રાતે અમારી ડેલીમાં મારો નાનો ભાઈ મારા કાકાની દીકરીઓ સાથે ફટાકડા ફોડતો હતો. એ વખતે આરોપી કુહાડી લઈને આવ્યો અને મારાં ભાઈ-બહેનોને ગાળો દેવા લાગ્યો."

"એમને જાતિવાદી ગાળો કાઢી અને કહ્યું કે દિવાળી તમારો તહેવાર નથી. બૂમાબૂમ સાંભળીને ઘરની અંદર જમી રહેલા મારા પિતા બહાર આવ્યા એટલે એમની બોલાચાલી થઈ અને આરોપીએ કુહાડીથી હુમલો કરી દીધો."

ઘટના ઘટી ત્યારે ચંદ્રજિત ઘરે નહોતા. તેઓ જણાવે છે, "મને જાણ થતાં જ હું સીધો ઘરે પહોંચ્યો. આરોપી હુમલો કરીને ભાગી ગયો હતો અને મારા પિતા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. 108ને ફોન કર્યો અને તેમને કોડિનાર હૉસ્પિટલમાં લઈ ગયા."

કોડિનારમાં પ્રાથમિક સારવાર કરાયા બાદ વધુ સારવાર માટે મૂળાભાઈને જૂનાગઢની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ ઘટનાના પીડિત મૂળાભાઈ વાજા સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું :

"ગઈકાલે રાતે અમે જમતા હતા અને મારો દીકરો ડેલીમાં ફટાકડા ફોડતો હતો, ત્યારે એ(આરોપી) આવ્યો અને મારા દીકરાને ધમકાવવા લાગ્યો કે તમારો અધિકાર નથી ફટાકડા ફોડવા પર. એટલે હું વચ્ચે પડ્યો તો એણે મારા પર હુમલો કરી દીધો અને નાસી ગયો."

"અમે આ પહેલાં ન તો ક્યારેય એની સાથે કોઈ માથાકૂટ કરી હતી કે ન કોઈ બોલાચાલી થઈ હતી. અમે અમારા ઘરમાં હતા અને ત્યાં આવીને એ (આરોપી) અમારી સાથે ઝઘડ્યો."

આરોપી પણ ઈજાગ્રસ્ત

આ ઘટનામાં આરોપી હરિ સોલંકીને પણ ઈજા પહોચી હોવાનું અને હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હોવાનું આરોપીના ભાઈ રામસિંહ સોલંકીએ જણાવ્યું છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં રામસિંહે જણાવ્યું :

"ગામની વચ્ચે અમારું શેરડીનું ખેતર છે. ફટાકડાથી એ સળગે નહીં એ માટે મારો ભાઈ બાજુમાં રહેતા મૂળાભાઈના છોકરાને સમજાવવા ગયો હતો. જે દરમિયાન બોલાચાલી થઈ અને આ ઘટના ઘટી."

રામસિંહના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કથિત રીતે હરિ સોલંકીના હાથમાં ફ્રૅક્ચર થયું છે અને માથા પર ઈજા પહોંચી છે. આ ઘટના પાછળ જાતિવાદી વેરઝેર કારણભૂત ન હોવાનું રામસિંહનું માનવું છે.

બન્ને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસ ચાલી રહ્યા હોવાનું પણ રામસિંહે બીબીસી ગુજરાતીને જણાવ્યું છે.

રામસિંહના જણાવ્યા અનુસાર આરોપી શિક્ષક છે અને જામવાળા ગામમાં ફરજ બજાવે છે.

'ગામ માટે કલંક'

ઇમેજ સ્રોત, Chandrajit Vaja

ઇમેજ કૅપ્શન,

ગામના સરપંચનું કહેવું છે કે ગામના લોકો વચ્ચે સુમેળ છે અને આવી ઘટના કલંકરુપ છે

ગામના સરપંચ બાબુભાઈ વાજા જણાવે છે, "ગામનાં બાળકો ફટાકડા ફોડતાં હતાં ત્યારે આ ઘટના ઘટી. વાત એમ છે કે ગામની વચ્ચે આરોપીનું ખેતર છે અને એટલે એ નહોતો ઇચ્છતો કે આસપાસ કોઈ ફટાકડા ફોડે."

"એણે બાળકોને ધમકાવ્યાં એટલે બોલાચાલી થઈ અને એમાં આ ઘટના ઘટી ગઈ."

ગામમાં દલિત સમુદાય અને અન્ય સમાજો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ હોવાનો દાવો કરતાં બાબુભાઈ જણાવે છે, "આ પ્રકારની ઘટના અમારા ગામ માટે કલંકરૂપ છે."

"અમે આ મામલે સમાધાન કરવાના અને ફરીથી આવી ઘટના ન ઘટે એ માટેના પ્રયાસો કરી રહ્યા છીએ."

સરપંચ પોતે દલિત છે અને ગામમાં ડૉ. બી. આર. આંબેડકરની જયંતી સૌ હળીમળીને ઊજવતા હોવાનો દાવો કરે છે.

ગામના ઉપસરપંચ હરિભાઈ જાદવનો દાવો છે કે ગામમાં શાંતિ છે અને જાતિવાદનો કોઈ માહોલ નથી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ફટાકડા ફોડવાની બાબતે બોલાચાલી થઈ અને બોલાચાલીએ આવું વરવું રૂપ લઈ લીધું. ગામના લોકો આ ઘટનાથી રાજી નથી."

ગામના લોકો એકબીજા સાથે સંપીને રહેતા હોવાનો હરિભાઈનો દાવો છે અને આ ઘટનાને જાતિવાદ સાથે જોડવી યોગ્ય ન હોવાનું તેમનું માનવું છે.

પોલીસનું શું કહેવું છે?

ખેતર નજીક ફટાકડા ફોડવાની આ ઘટના છે અને તેની પાછળ જાતિવાદી કારણ ન હોવાનું ગીર-સોમનાથના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ રાહુલ ત્રિપાઠીનું માનવું છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ત્રિપાઠીએ જણાવ્યું, "છોકરાને ખેતર નજીક ફટાકડા ફોડતા અટકાવતી વખતે આ ઘટના ઘટી હતી અને તેમાં જાતિવાદનો કોઈ મામલો નથી."

આ મામલે તપાસની પ્રક્રિયા ચાલી રહી હોવાનું અને હજુ ફરિયાદ દાખલ ન કરાઈ હોવાનું પણ ત્રિપાઠીએ બીબીસીએ જણાવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો