પાકિસ્તાનનું સહયોગી સાઉદી અરેબિયા ભારતને સાથ કેમ આપી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Twitter/Narendra Modi
વડા પ્રધાન મોદી સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયા છે. 29 ઑક્ટોબરે સાઉદીના કિંગ સલમાન સાથે મુલાકાત કરશે.
દાવોસ ઈન ડેઝર્ટ તરીકે ઓળખાતી FII ફોરમમાં પણ નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. 2017ના વર્ષથી સાઉદી અરેબિયા આ ફોરમનું આયોજન કરી રહ્યું છે.
મોદીની આ મુલાકાતમાં વિદેશી સંસ્થાગત રોકાણ પર વાત થવાની છે.
ભારતમાં આર્થિક મંદીની મુશ્કેલી છે ત્યારે વૈશ્વિક આર્થિક મંદીને કારણે સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા પણ સંકટમાં છે.
ત્યારે બંને દેશોના નેતાઓ વચ્ચે થનારા મોટા કરારો પર દુનિયાની નજર છે.
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સંબંધોના અભ્યાસી મધ્ય-પૂર્વ મુદ્દાઓના જાણકાર કમર આગાનો દૃષ્ટિકોણ.
દૃષ્ટિકોણ
ઇમેજ સ્રોત, Twitter/Narendra Modi
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ઘનિષ્ઠ વેપારી સંબંધો છે. ભારત 17 ટકા ખનીજ તેલ અને 32 ટકા એલપીજી ત્યાંથી જ આયાત કરે છે. બંને દેશો વચ્ચે લગભગ 27.5 અબજ ડૉલરનો વેપાર થાય છે.
તેમાંથી 22 અબજ ડૉલરના તો પેટ્રોલિયમ પદાર્થો જ ખરીદાય છે. જ્યારે ભારત માત્ર 5.5 અબજ ડૉલરની નિકાસ કરે છે.
તેથી ભારત માટે આ વ્યાપારી અસંતુલન ચિંતાજનક છે. બીજી તરફ સાઉદી અરબ પણ ભારતમાં 100 અબજ ડૉલરનું રોકાણ કરવા માગે છે.
તેથી માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની આ મુલાકાતમાં તેલ અને ઊર્જા ક્ષેત્રે વધુ ચર્ચા થશે. જોકે સાઉદીની અર્થવ્યવસ્થા પણ હાલ મંદીનો ભોગ બનેલી છે.
તેનું કારણ છે કે તેલના ભાવ ઘટી ગયા છે અને યમન સાથે યુદ્ધમાં ઊતરવાને કારણે સાઉદી અરેબિયાનો ખર્ચ વધી ગયો છે.
અત્યાર સુધી સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા ઑઇલ પર નિર્ભર રહી છે. હવે તેઓ અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવા ઇચ્છે છે.
સાઉદી ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં રોકાણ કરીને પૈસા બનાવવા માગે છે. સાથે જ સાઉદીમાં ઘણાં પરિવર્તનો થઈ રહ્યાં છે, પ્રવાસનને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અને નવી કંપનીઓ ખોલાઈ રહી છે.
વેપારની દૃષ્ટિએ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપરાંત ભારત સાથે સાઉદી અરેબિયાનાં અન્ય હિતો પણ જોડાયેલાં છે.
ત્યાં લગભગ 15 લાખ ભારતીયો કામ કરે છે, જેમનાથી ભારતને ઘણું વિદેશી હુંડિયામણ મળે છે.
ભારતના મધ્યપ્રદેશમાં એક મોટું પેટ્રોકેમિકલ કૉમ્પલેક્સ બની રહ્યું છે, જેમાં સાઉદી અરેબિયા અને યુએઈનું મોટું યોગદાન છે.
અરેબિયા જો 100 અબજ ડૉલરના રોકાણ કરવાની વાત કરી છે. તેમાં રિલાયન્સ એનર્જી અને બીપીસીએસ સાથે સમજૂતી પણ સામેલ છે. આશા છે કે આ વખતે સમજૂતી થઈ જાય.
ભારત કૂટનીતિક રીતે ઑઇલ માટે રિઝર્વ બનાવી રહ્યું છે. દક્ષિણ ભારતમાં આ પ્રકારના રિઝર્વ બની પણ ગયા છે.
ભારત ત્રીજું રિઝર્વ બનાવવા માગે છે. જેથી કટોકટીની સ્થિતિમાં અથવા અચાનક કિંમતો વધી જાય તો તેનો ઉપયોગ કરી શકે.
આ યોજનામાં પણ સાઉદી અને યુએઈ મદદ કરી શકે છે.
જોકે, ભારતની નીતિ એવી છે કે લગભગ ત્રણ મહિનાના ઑઇલનો સંગ્રહ કરવામાં આવે એટલે કે એટલા સમય માટે તેલ આયાત ન કરીએ તો પણ ચાલી શકે.
પરંતુ જે હાલના મુદ્દા છે તેમાં ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો હેતુ મુખ્ય છે.
સાઉદીની ભૂમિકા શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
એક દેશ દ્વારા થયેલું રોકાણ પૂરતું નથી પરંતુ આ મુલાકાતથી સાઉદી અરેબિયા સાથેના વેપારી સંબંધો પર અસર જરૂર થશે તેમાં કોઈ શંકા નથી.
વૈશ્વિક અર્થવ્યવસ્થા બહુ નબળી પડી ગઈ છે. આપણને પશ્ચિમના દેશોમાંથી જેટલા રોકાણ આવવાની અપેક્ષા હતી તેટલું હાલ આવી રહ્યું નથી.
જોકે, જાપાન અને દક્ષિણ કોરિયા પાસે અપેક્ષા છે કારણ કે તેમની સાથે ભારતના સંબંધો સારા છે. ત્યાં ભારે રોકાણની શક્યતાઓ પણ છે.
આ રોકાણનો એક મોટો હિસ્સો તો ભારત આવી ચૂક્યો છે. દક્ષિણ કોરિયા અને જાપાનની જેટલી મોટી કંપનીઓ છે તેમના હસ્તકની કંપનીઓ પણ અહીં આવી જશે. જ્યાં સ્માર્ટ સિટી બનશે, ઔદ્યોગિક ટાઉન બનશે.
આ બધી યોજનાઓ તો છે પરંતુ તેમાં થોડો વિલંબ થઈ રહ્યો છે. કારણ કે ભૂમિ અધિગ્રહણ, શ્રમને લગતા કાયદા અને બૅંકિંગ ક્ષેત્રમાં સુધાર લાવીને હજુ ઘણું કરવાનું બાકી છે. આ બધી જ યોજનાઓમાં સાઉદી અરેબિયાની ભૂમિકા મુખ્ય છે.
બીજી તરફ ઈરાન પાસેથી જે ક્રૂડઑઇલ મળતું હતું એ બંધ થઈ ગયું અને તેથી ભારતને સાઉદી અને ઇરાક પાસેથી ક્રૂડઑઇલ લેવું પડે છે.
ભારત અને સાઉદી અરેબિયાના સંબંધોમાં પાકિસ્તાન પર એક મોટો મુદ્દો છે.
જોકે, ભારત અને સાઉદીના રાજકીય સંબંધો ઘણા અલગ છે. સાઉદી અરેબિયાને પણ કાશ્મીર મુદ્દે કોઈ સમસ્યા નથી.
બલકે ખાડીના મોટા ભાગના દેશોએ માન્યું છે કે આ ભારતની આંતરિક બાબત છે.
તેથી એવું નથી લાગતું કે આંતરરાષ્ટ્રીય મંચ પર આ ખાડીના દેશો કોઈ વિરોધ ઊભો કરશે.
ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કરવા પર યુએઈ અને બહેરીને પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે.
સાઉદી અરેબિયા ખાડીના દેશોનું એક રીતે આગેવાન છે.
ભારત કેટલું નિર્ભર
ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે એકબીજા વચ્ચેની નિર્ભરતા ઘણી વધી ગઈ છે. આ સંબંધો સતત ઘનિષ્ઠ બની રહ્યા છે.
તેનું જ પરિણામ છે કે એક સમયે સંપૂર્ણ રીતે પાકિસ્તાનના ટેકામાં રહેલું સાઉદી હવે ભારતની નજીક આવી રહ્યું છે. તેનું એક કારણ 2008માં આઈ લૂક ઇસ્ટની નીતિ પણ છે.
જોકે પાકિસ્તાન સાથે તેના અન્ય ક્ષેત્રે સંબંધો છે. પાકિસ્તાન દક્ષિણ એશિયાનો પહેલો એવો દેશ છે, જેણે વહાબી તહેરીકને લઈને અરેબિયાને ખાસ માન્યતા આપવામાં આવી છે.
બીજી વાત એવી પણ છે કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સેનાઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે.
બંને દેશો વચ્ચે થોડો તણાવ પણ છે કારણ કે સાઉદીનું માનવું હતું કે ઈરાન સાથે તણાવમાં પાકિસ્તાન ખૂલીને સાથ આપશે અને યમન સાથેના યુદ્ધમાં મોટી ભૂમિકા નિભાવશે, પણ આવું થયું નહીં.
ઇમેજ સ્રોત, Getty Images
કતાર સાથેના સંબંધોને કારણે પણ સાઉદી અરેબિયામાં તણાવ પેદા થયો છે.
કુલ મળીને ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલમાં એક પ્રકારના તિરાડ પડી ગઈ છે.
ભારત અને સાઉદીની વાતચીતમાં ઉગ્રવાદનો મુદ્દો મોટો હશે.
ભારત ઇચ્છે છે કે ઉગ્રવાદ પર એક આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવે જેમાં બધા દેશો મળીને એક નીતિ તૈયાર કરે.
આ મુદ્દે સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે ઘણા સમયથી સહયોગ રહ્યો છે. હવે જ્યારે-જ્યારે ભારતે કોઈ પ્રત્યાર્પણની અપીલ કરી છે, સાઉદી અરેબિયાએ માન્ય રાખી છે.
ઇમેજ સ્રોત, Getty Images
જોકે તેના અફઘાનિસ્તાન તાલિબાન સાથે ઘણા નજીકના સંબંધો છે.
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન ઇચ્છે છે કે અફઘાનિસ્તાનમાં તાલીબાનની સત્તા આવે જ્યારે ભારત ઇચ્છે છે કે ત્યાં એક બિનસાંપ્રદાયિક સરકાર બને.
આ એક એવો મુદ્દો છે કે જેમાં ભારત અને સાઉદી અરેબિયા અલગ-અલગ દૃષ્ટિકોણ ધરાવે છે.
હવે જોવાનું એ છે કે વડા પ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન કયા કયા મુદ્દા પર સહમત થાય છે અને કેવા કરાર થાય છે.
એવા પણ સમાચાર છે કે કેટલાક સુરક્ષા સંબંધી સોદા પર પણ બંને દેશો વચ્ચે વાતચીત થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો