જસ્ટિસ બોબડે : સુપ્રીમ કોર્ટના નવા નિમાયેલા મુખ્ય ન્યાયાધીશ વિશે તમે કેટલું જાણો છો?

જસ્ટિસ બોબડે Image copyright Sci.gov.in
ફોટો લાઈન જસ્ટિસ બોબડે ભારતની સુપ્રીમ કોર્ટના 47મા મુખ્ય ન્યાયાધીશ બનશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ શરદ અરવિંદ બોબડેને સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બનાવવાના નિર્ણય પર પોતાના હસ્તાક્ષર કરી દીધા છે.

જસ્ટિસ બોબડે ભારતની સુપ્રીમ કોર્ટના 47મા મુખ્ય ન્યાયધીશ બનશે.

જસ્ટિસ બોબડે 18 નવેમ્બરે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત થશે.

18 નવેમ્બરે ન્યાયાધીશ બોબડે કાર્યભાર સંભાળશે અને બાદમાં તેમની પાસે 18 મહિનાનો કાર્યકાળ હશે.

તેઓ ન્યાયાપાલિકામાં ઘણા સમયથી રાહ જોવાઈ રહેલા સુધારા કરીને તેને અમલમાં લાવવા માગે છે. જોકે, આ માટે તેમના પાસે ખૂબ વધારે સમય નહીં હોય.

પરંપરાનું પાલન કરતા મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ સેવાનિવૃત્ત થવાના એક મહિના પહેલાં પોતાની ભલામણ કાયદા મંત્રાલયનો મોકલી આપી હતી.


જસ્ટિસ બોબડે અંગે કેટલું જાણો છો તમે?

Image copyright Getty Images

24 એપ્રિલ 1956ના રોજ જન્મેલા ન્યાયાધીશ બોબડે નાગપુરમાં મોટા થયા છે. એસએફએસ કૉલેજમાં તેમણે બીએ કર્યું હતું.

તેમણે વર્ષ 1978માં નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી હાંસલ કરી હતી.

13 સપ્ટેમ્બર 1978ના રોજ તેમણે વકીલ તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું અને બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બૅન્ચમાં પ્રેક્ટિસ કરી હતી. વર્ષ 1998માં તેમણે સિનિયર ઍડ્વોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

29 માર્ચ 2000માં તેમની બૉમ્બે હાઈકોર્ટમાં ઍડિશનલ જજ તરીકે નિમણૂક થઈ હતી.

16 ઑક્ટોબર 2012માં મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ બન્યાના બીજા જ વર્ષે એટલે કે 2013માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમની સેવાનિવૃત્તિની તારીખ 23 એપ્રિલ 2021 છે.

ન્યાયાધીશ બોબડે વકીલોના પરિવારમાંથી આવે છે. તેમના દાદા વકીલ હતા, જેમણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે તેમના પૌત્ર ક્યારેક સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ પણ બનશે.

તેમના પિતા અરવિંદ બોબડે મહારાષ્ટ્રમાં ઍડ્વોકેટ જનરલ હતા. તેમના મોટા ભાઈ દિવંગત વિનોદ બોબડે પણ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ હતા.

તેમની પુત્રી રુક્મણી પણ દિલ્હીમાં વકીલાત કરી રહ્યાં છે અને તેમના પુત્ર શ્રીનિવાસ પણ મુંબઈમાં વકીલાત કરી રહ્યા છે.


મહત્ત્વપૂર્ણ ચુકાદા

Image copyright PTI

ન્યાયાધીશ બોબડે એવી ઘણી બૅન્ચોમાં સામેલ રહ્યા છે જેણે કેટલાક મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ સંભળાવ્યા હોય. તેમાં આધારકાર્ડ સાથે જોડાયેલો ચુકાદો પણ સામેલ છે.

એક અન્ય મામલો એ મહિલાનો છે જેમાં ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી ન હતી. કારણ કે ભ્રૂણ 26 અઠવાડિયાંનું થઈ ચૂક્યું હતું અને ડૉક્ટરોનું કહેવું હતું કે જન્મ બાદ શિશુની જીવિત રહેવાની સંભાવના છે.

કર્ણાટક સરકારે માતા મહાદેવી નામના એક પુસ્તક પર એ આધારે પ્રતિબંધ લગાવ્યો હતો કે આ ભગવાન વાસવન્નાના અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. ન્યાયાધીશ બોબડે એ બૅન્ચમાં સામેલ હતા જેમાં આ પ્રતિબંધને ચાલુ રાખવામાં આવ્યો હતો.

તેઓ એ બૅન્ચના પણ હિસ્સો હતા જેમાં રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં ભારે પ્રદૂષણના કારણે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ન્યાયાધીશ બોબડે અયોધ્યા વિવાદ અને એનઆરસી સંબંધિત મામલાની બૅન્ચમાં પણ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો