બુલેટ ટ્રેન : ખેડૂતો કેમ સરકારને પોતાની જમીન આપવા રાજી નથી? શું છે વળતરનો વિવાદ

  • રોક્સી ગાગડેકર છારા
  • બીબીસી સંવાદદાતા
દિનેશ પટેલ
ઇમેજ કૅપ્શન,

દિનેશ પટેલ

નવસારીના દિનેશભાઈ પટેલ પાસે નવસારીમાં ત્રણ વીઘાં જમીન છે. તેઓ આ ખેતરમાંથી જ પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.

અમદાવાદથી મુંબઈ માટે શરૂ થઈ રહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સરકાર આ જમીનનું સંપાદન કરવા માગે છે.

દિનેશભાઈ છેલ્લાં બે વર્ષથી વિવિધ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે કે તેમની જમીનનું સંપાદન થાય તો તેમને યોગ્ય વળતર મળે.

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ખેડૂતોની એક અરજી ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં નકારી દીધી છે.

હાઈકોર્ટમાં જમીન સંપાદન અંગેનો કેસ હારી ગયા બાદ દિનેશભાઈ માટે હવે જમીનનું યોગ્ય વળતર મેળવવાનો સંઘર્ષ વધી ગયો છે.

કેટલી જમીન સંપાદિત કરવાની છે?

વીડિયો કૅપ્શન,

બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે જમીન સંપાદન અંગે ખેડૂતોનો વિરોધ

2002માં શરૂ થનારી હાઈસ્પીડ બુલેટ ટ્રેન માટે સરકાર ગુજરાતમાંથી 5,400 પ્રાઇવેટ પ્લૉટનું સંપાદન કરવા માગે છે.

તેમાંથી હજી આશરે 3,100 પ્લૉટના માલિકોએ સરકારને જમીન સુપરત કરી દીધી છે. જેની સામે ખેડૂતોને વળતર ચૂકવી દેવાયું છે.

નેશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL) પ્રમાણે ગુજરાતમાં જમીન સંપાદન મામલે અત્યાર સુધી 2,000 કરોડ રૂપિયા સુધીનું વળતર ચૂકવાઈ ગયું છે.

આ 5,400 પ્લૉટમાંથી આશરે 80 ટકા જમીન ગ્રામ્ય વિસ્તારની છે, જેમાં અનેક ખેડૂતોની ખેતીલાયક જમીન પણ આવે છે. 20 ટકા જેટલી જમીન શહેરી વિસ્તારમાં આવેલી છે.

ખેડૂતોની મુશ્કેલી અને વળતર

જોકે, 508 કિલોમિટર લાંબા બુલેટ ટ્રેનના ટ્રૅક માટે હજી સુધી ઘણી જમીનનું સંપાદન કરવાનું બાકી છે. જેમાં દિનેશભાઈ પટેલ જેવા અનેક ખેડૂતોની જમીન સંપાદન થવાની બાકી છે.

દિનેશભાઈ પાસે ત્રણ વીઘાં જમીન છે, જેમાંથી બે વીઘાં જમીન બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જવાની છે.

NHSRSCLના અધિકારીઓએ તેમના ખેતરની માપણી કરી લીધી છે અને ખેતરમાં તેની નિશાનીઓ પણ મૂકી દીધી છે. જોકે, હજી સુધી તેમને એ ખબર નથી કે સરકાર તેમની જમીનનું કેટલું વળતર આપશે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા નવસારી જિલ્લાના પાથરી ગામે રહેતા દિનેશભાઈ કહે છે, "મારી વાડીમાં 105 ચીકુનાં ઝાડ છે અને તેમાંથી લગભગ 70 જેટલાં ચીકુનાં ઝાડ કાપવામાં આવશે."

"મેં વાડીમાં બોરવેલ અને પાઇપલાઇન માટે બૅન્કમાંથી લૉન લીધી છે, હવે મારા માટે તો તમામ નુકસાનની જ વાત છે."

બજારભાવની ચારગણી કિંમત આપો : ખેડૂતોની માગ

મોટા ભાગના ખેડૂતોની માગણી છે કે સરકારી જંત્રી પ્રમાણે નહીં પરંતુ હાલના બજારભાવને આધાર ગણીને તેની ચારગણી કિંમત ચૂકવવામાં આવે.

જોકે, સરકાર ખેડૂતોની બજારભાવને આધાર ગણવાની માગણી સ્વીકારી રહી નથી.

નવસારીના માણેકપુર ગામનાં રહેવાસી મંજુલાબહેનની 20 વીઘાં જમીનમાંથી 2 વીઘાં જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જવાની છે.

તેમની જમીન સંપાદન કરવા માટે સરકારી અધિકારીઓ જમીન માપી ગયા છે અને તેના પર નિશાનીઓ કરી ગયા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, "જો મને મારી જમીનના બજારભાવ કરતાં ચારગણા ભાવ નહીં મળે તો હું મરી જઈશ પરંતુ જમીનનો ટુકડો પણ બુલેટ ટ્રેન માટે નહીં આપું."

તેઓ જમીન પર જ પોતાનું ગુજરાન ચલાવે છે, જમીનની માપણી થયા બાદ તેમના પતિ સુરેશભાઈ નાઇકનું મૃત્યુ થઈ ગયું છે. મંજુલાબહેન કહે છે કે તેમની છેલ્લી ત્રણ પેઢીઓ આ ખેતર પર જ નભી છે.

તેઓ કહે છે, "મારી બંને દીકરીઓનાં લગ્ન થઈ ગયાં છે અને બંને સાસરે છે. હું સાવ એકલી છું. આ જમીન પર જ મારો જીવનનિર્વાહ ચાલે છે."

"જો આ જમીનને નુકસાન થાય તો મારા જીવનને નુકસાન થાય."

તેઓ કહે છે કે બુલેટ ટ્રેનનો ટ્રૅક તેમની જમીનની વચ્ચેથી નીકળે છે, તેમની જમીન બે ભાગમાં વહેંચાઈ જશે. હવે આ જમીનમાં ખેતી કેવી રીતે કરવી તે પણ એક પ્રશ્ન છે. આખા ખેતરમાં પાણીની પાઇપલાઇન પણ નાખેલી છે.

બીબીસી ગુજરાતી એવા ઘણા ખેડૂતોને મળ્યું જેમણે પોતાની જમીન હજી સુધી સરકારને સુપરત નથી કરી. મંજુલાબહેનની જેમ ઘણા ખેડૂતોની માંગણી બજાર કિંમતની ચાર ઘણી કિંમતની છે.

જંત્રીનો વિવાદ શું છે?

ગુજરાત રાજ્યમાં અલગ-અલગ વિસ્તારો માટે અલગ-અલગ જંત્રી છે. આ નક્કી થયેલી જંત્રીના આધારે જમીનના ભાવ નક્કી થાય છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પાથરી ગામમાં પિયતવાળી ખેતીની જંત્રી પ્રમાણે પ્રતિ સ્ક્વેર મીટરે કિંમત 48 રૂપિયા છે.

જ્યારે સુરતના પલાસણા ગામની પિયતવાળી જમીનની જંત્રી પ્રમાણે પ્રતિ સ્ક્વેર મીટરે 3,000 રૂપિયા કિંમત છે.

સુરતના ઓલપાડના મુલડ ગામની જંત્રી 111 રૂપિયા, જ્યારે ભરૂચના દીવા ગામની જમીનની જંત્રી 150 રૂપિયા છે.

રાજ્યમાં જંત્રીનો ભાવ અલગ-અલગ હોવાથી ખેડૂતોની માગણી છે કે જે વિસ્તારોમાં જંત્રીનો ભાવ ખૂબ ઓછો છે તે વિસ્તારોમાં બજારભાવ પ્રમાણે કિંમત ચૂકવવી જોઈએ. હાલમાં NHSRCL જંત્રીની કિંમતને આધાર રાખીને વળતર ચૂકવી રહી છે.

ખેડૂત આગેવાન અને વ્યવસાયે ચાર્ટડ એકાઉટન્ટ વિનોદ દેસાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે જંત્રીના ભાવમાં અંતર હોવાથી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે.

દિનેશભાઈ પટેલું ઉદાહરણ આપતા તેઓ કહે છે, "પાથરી ગામમાં જંત્રીની કિંમત પ્રતિ સ્ક્વેર મીટર 35 રૂપિયા છે."

"એ મુજબ વીઘાના 2 લાખ રૂપિયા કિંમત મળે. જો ચાર ગણા ગણીએ તો 8 લાખ રૂપિયા મળે."

"બીજી તરફ જમીનનો બજારભાવ પ્રતિ વીઘા 58 લાખ રૂપિયા છે, જેની ચારગણી કિંમત 2 કરોડ રૂપિયા થાય છે."

"એનો સાદો અર્થ એ થયો કે 2 કરોડ જ્યાં મળી શકે એમ છે ત્યાં સરકાર 8 લાખ રૂપિયા આપવા માગે છે. જે વાજબી નથી."

દેસાઈ હાલમાં સરકાર સાથે વાટાઘાટો કરવામાં વ્યસ્ત છે. તેમનું માનવું છે કે જો સરકાર સાથે વાત કરીશું તો સરકાર ખેડૂતોની વાત સાંભળશે અને ખેડૂતોને યોગ્ય કિંમત ચૂકવશે.

તેઓ કહે છે, "અમારી માગણી છે કે સરકાર અમને સાંભળે અને ખેડૂતોની માંગ પ્રમાણે વળતર ચૂકવીને પ્રોજેક્ટને સકારાત્મકતાથી આગળ વધારે."

ખેડૂતોની દૃષ્ટિએ જમીન સંપાદનમાં વાંધો શું છે?

કોઈ ખેડૂતની આખી જમીન જઈ રહી છે તો કોઈ ખેડૂતની જમીનનો એક દિશાનો ભાગ. જ્યારે અમુક ખેડૂતોની જમીનની વચ્ચેથી બુલેટ ટ્રેન પસાર થવાની છે.

જમીનની કઈ દીશા અને કેવી રીતે સંપાદન થઈ રહ્યું છે તે સમજ્યા વિના વળતર આપવું તે કેટલાક ખેડૂતોના મતે યોગ્ય નથી.

જેમ કે મનુભાઈ રાઠોડ નામના એક ખેડૂતની જમીન રોડની પાસે આવેલી છે. તેમની જમીનમાં પાણી, પાઇપલાઇન વગેરેની સગવડ છે. તેમની 1.5 વીઘા જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જવાની છે.

તેઓ કહે છે, "મને વાંધો એ છે કે આ સંપાદન બાદ મારી જમીનની બજારકિંમત ઓછી થઈ જશે અને બાકીની જમીન કોઈ ખરીદશે નહીં."

જમીન સંપાદન મામલે સરકારનું શું કહેવું છે?

ખેડૂતોના પ્રશ્નો વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલનો વારંવાર પ્રયત્ને કર્યો પરંતુ આ મામલે તેમની સાથે વાત થઈ શકી નહીં.

મહેસૂલ વિભાગના એસીએસ પંકજ કુમારનો પણ સંપર્ક થઈ શક્યો ન હતો.

જોકે, આ મામલે જ્યારે ભાજપના સાંસદ સી. આર. પાટિલ જોડે વાત કરી તો તેમણે કહ્યું કે જે ખેડૂતોએ હજી સુધી તેમની જમીનો આપી નથી, તેમની સાથે સરકાર વાટાઘાટો કરી રહી છે.

તેમણે કહ્યું કે તમામને યોગ્ય હશે એવો રસ્તો કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બીબીસી ગુજરાતીએ જ્યારે NHSRCLના મૅનેજિંગ ડિરેક્ટર અચલ ખરેએ આ વિશે વાત કરી તો તેમણે કહ્યું, "ગુજરાતમાં જંત્રીની કિંમત જૂની હતી."

"અમને આ બાબતની જાણ થઈ ત્યારે અમે ગુજરાત સરકારને જાણ કરી અને ત્યારબાદ ઘણા વિસ્તારોમાં કિંમતની ફરીથી આકારણી થઈ રહી છે."

"કિંમતમાં વધારો થયા બાદ ઘણા ખેડૂતોને 53 ટકા જેટલો વધારો થયો છે. જેમની જંત્રીની ફરીથી આકારણી થઈ નથી તેવા ખેડૂતોને વળતર ચૂકવવા માટે સરકાર મધ્યસ્થી કરી રહી છે."

"હાલમાં ગુજરાતમાં તમામ ખેડૂતોને જમીન સંપાદનના 2013ના કાયદા પ્રમાણે વળતર ચૂકવવામાં આવી રહ્યું છે."

"જેમાં નક્કી કરાયેલી કિંમતનાં શહેરી વિસ્તારોમાં 2 ગણી અને ગ્રામ્ય વિસ્તારોમાં 4 ગણી કિંમત ચૂકવવાની હોય છે."

ગુજરાત હાઈકોર્ટમાં અરજી અને ચુકાદો

100થી વધુ ખેડૂતોએ 2018માં ગુજરાત હાઈકોર્ટમાં વળતર બાબતે અરજી કરી હતી.

જોકે તેમની અરજી હાઈકોર્ટે નકારી કરી દીધી હતી પરંતુ એવું કહ્યું હતું કે અગાઉનાં હાઈવે કે ડૅમ જેવા પ્રોજેક્ટમાં જે રીતે વળતર ચૂકવાયું હતું, એ પ્રમાણે ખેડૂતોને વળતર જોઈએ તો તેમને અરજી કરવાની રહેશે.

જોકે આ ચુકાદાને પડકારવા ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીઓ કરી રહ્યા છે.

મંજુલાબહેન કહે છે. "જો અમને અમારી માંગણી પ્રમાણે વળતર નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો