કાશ્મીરમાં યુરોપિયન સાંસદો, નરેન્દ્ર મોદી સરકારનો ઇરાદો શું છે?

  • ઝુબેર અહેમદ
  • બીબીસી સંવાદદાતા, દિલ્હી
પ્રતિનિધિમંડળ સાથે વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Pib

યુરોપીય સંઘના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ કાશ્મીરની મુલાકાતે પહોંચી ગયું છે. આ મુલાકાતને બિનસરકારી ગણાવાઈ રહી છે.

કેટલાક લોકોએ આ મુલાકાતનું સમર્થન જરૂર કર્યું છે પરંતુ કેટલાક વિશ્લેષકો અનુસાર આ સાંસદોને કાશ્મીર જવાનું નિમંત્રણ આપીને ભારત સરકારે પોતાના પગ પર કુહાડી મારી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુરોપીય સંઘના સાંસદોની આ મુલાકાત સેલ્ફ ગોલ સાબિત થઈ શકે છે.

પાંચ ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરને કલમ 370 અંતગર્ત મળતો વિશેષ દરજ્જો હટાવી લેવામાં આવ્યો હતો. જે બાદ વિદેશી સાંસદોનો આ પ્રથમ પ્રવાસ છે.

ભારત સરકારે 5 ઑગસ્ટથી અત્યાર સુધી માત્ર ભારતીય સાંસદોને જ કાશ્મીર જતા રોકી રાખ્યા હોય એવું નથી પરંતુ વિદેશી મીડિયા અને રાજદૂતોને પણ ખીણમાં જવાની મંજૂરી આપી નથી.

કાશ્મીરની વાસ્તવિકતા જાણતા હશે તે દરેક વિદેશી સાંસદો કાશ્મીર જવાની માગ કરી શકે છે અથવા તેમને આ પ્રવાસથી એ સંકેત મળી શકે છે કે હવે કાશ્મીર જવામાં ભારત સરકાર વચ્ચે નહીં આવે.

ઇમેજ સ્રોત, Reuters

વૉશિંગ્ટનમાં ભારતીય મૂળના રાજકીય નિષ્ણાત અજિત સાહી કહે છે હવે મોદી સરકાર પર કાશ્મીર જવાની માગ કરનારા અમેરિકન સાંસદો અને માનવાધિકાર કાર્યકર્તાઓનું દબાણ વધશે.

તેઓ કહે છે, "આવનારાં બેથી ત્રણ સપ્તાહમાં તમને અમેરિકન કૉંગ્રેસ તરફથી એ સાંભળવા મળશે કે કૉંગ્રેસના સભ્યો કહી રહ્યા છે કે હવે અમે પણ કાશ્મીર જઈશું."

તેમનું કહેવું હતું કે યુરોપીય સંઘના સાંસદોના કાશ્મીર પ્રવાસથી અમેરિકાના લોકોમાં એવો સંદેશ જઈ શકે છે કે સરકાર હવે અમેરિકન સાંસદોને પણ કાશ્મીર જવાની મંજૂરી આપશે.

અજિત સાહી કહે છે, "મોદી સરકાર માટે હવે તેમને (અમેરિકન સાંસદોને) રોકવા ખૂબ મુશ્કેલ થઈ જશે, આ તેમના ગળાની ફાંસ બની જશે."

ભારતે આ મહિનાની શરૂઆતમાં અમેરિકન કૉંગ્રેસમૅન ક્રિસ વાન હોલેનની કાશ્મીર યાત્રાની માગને નકારી દીધી હતી.

માનવાધિકાર પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રના વિશેષ પ્રતિનિધિઓએ ફરિયાદ કરી હતી કે કાશ્મીરની યાત્રાની તેમની દરખાસ્ત નકારી દીધી હતી.

22 ઑક્ટોબરે અમેરિકન કૉંગ્રેસની વિદેશ સંબંધી સમિતિના સભ્યોએ વૉશિંગ્ટનમાં એક બેઠક દરમિયાન ભારતીય દૂત પાસેથી કાશ્મીરની સ્થિતિ મામલે સ્પષ્ટીકરણ માંગ્યું હતું.

અજિત સાહી આ બેઠક અંગે કહે છે, "આ મિટિંગમાં એક બાદ એક અમેરિકન કૉંગ્રેસના 20 સભ્યો આવ્યા અને તેમણે ભારત સરકાર ને એટલા કડક સવાલો કર્યા કે ત્યાં હાજર ભારતીય સરકાર સાથે જોડાયેલા લોકો જાણે ચૂપ થઈ ગયા."

યાત્રાનો સંદેશ શું છે?

ઇમેજ સ્રોત, Pib

યુરોપીય સંઘના સાંસદોનું પ્રતિનિધિમંડળ કાશ્મીરના પ્રવાસથી ભારત સરકારને શું સંદેશ આપવા માગે છે?

ભારત સરકાર આ યાત્રાને કાશ્મીરની વાસ્તવિકતાને સામાન્ય દેખાડવાના રૂપમાં પ્રસ્તુત કરી રહી છે.

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળની બેઠક બાદ જારી કરવામાં આવેલા એ અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું, 'જમ્મુ-કાશ્મીરની યાત્રા પ્રતિનિધિમંડળને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને સમજવામાં મદદ કરશે.'

ભારતની વિદેશનીતિના જાણકાર અને પાકિસ્તાન સ્થિતિ ભારતીય દૂતાવાસમાં કામ કરી ચૂકેલા નિવૃત્ત ભારતીય રાજદૂત રાજીવ ડોગરા અનુસાર આ યાત્રાનું આયોજન કરીને ભારત સરકારે આત્મવિશ્વાસ બતાવ્યો છે.

તેઓ કહે છે કે આ યાત્રા માત્ર યોગ્ય સમયે થઈ રહી છે એટલું જ નહીં પરંતુ તેનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે ભારત દુનિયાને એ દર્શાવવા માગે છે કે કાશ્મીરમાં સ્થિતિ હવે સામાન્ય છે.

તેઓ કહે છે, "જ્યારે સરકારે કલમ 370ની વિશેષ જોગવાઈ હટાવી દીધી ત્યારે દુનિયાના કેટલાક ઠેકેદારોએ કહ્યું કે તેઓ કાશ્મીર જવા માગે છે."

"જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય, જ્યાં સુધી આતંકવાદીઓને કાબૂમાં ના કરી લેવામાં આવે, કોઈ પણ લોકશાહી ધરાવતો દેશ વિદેશીઓને જવાની મંજૂરી ના આપે."

"હવે હાલત થોડી સુધરી છે તો ભારત સરકારે વિદેશી ડેલિગેશનને કાશ્મીર જવાની મંજૂરી આપી દીધી છે."

ઇમેજ સ્રોત, EPA

જોકે, અજિત શાહી અનુસાર મોદી સરકારે વિદેશીઓને સારી સ્થિતિનો સંદેશ આપવા સિવાય પોતાના સમર્થકોને એ દેખાડવાની કોશિશ કરી છે કે કલમ 370 હટાવવાનો નિર્ણય સાચો હતો.

તેઓ કહે છે, "મને લાગે છે કે મોદી માત્ર અને માત્ર દેશની અંદર તેમના સમર્થકોને વારંવાર દિલાસો આપવા માગે છે કે જુઓ આપણે કાશ્મીરમાં જે કર્યું તેની પ્રશંસા યુરોપના લોકો પણ કરી રહ્યા છે."

ભારત અને યુરોપમાં યુરોપીય સંઘના સાંસદોના પ્રતિનિધિમંડળના ગઠન પર સવાલ થઈ રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સાંસદોમાંના મોટા ભાગનાની પાર્ટીઓને ખુદ તેમના દેશમાં નાની પાર્ટીઓમાં ગણવામાં આવે છે.

આ પ્રતિનિધિમંડળમાં સામેલ સાંસદોની વિચારધારા જમણેરી છે અને જેને યુરોપમાં ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો