TOP NEWS: અમે નાઝીપ્રેમી નથી : કાશ્મીરની મુલાકાતે આવેલા યુરોપિયન સાંસદો

ઇમેજ સ્રોત, PIB
ભારત પ્રશાસિત કાશ્મીરની મુલાકાતે આવેલા યુરોપિયન સાંસદોના પ્રતિનિધિમંડળે પોતાને 'નાઝીપ્રેમી' ગણાવાતા આક્રોશ વ્યક્ત કર્યો છે.
કાશ્મીરની મુલાકાતને લઈને યોજાયેલી એક પત્રકારપરિષદમાં તેમણે કાશ્મીર અને અનુચ્છેદ 370ને ભારતની આંતરીક બાબતો પણ ગણાવી છે.
'ઇન્ડિયા ટુડે'ની વેબસાઇટ અનુસાર આ પ્રતિનિધનિમંડળના એક સંસદે જણાવ્યું, "અમે નાઝીપ્રેમી નથી. જો અમે નાઝીપ્રેમી હોત તો અમે ચૂંટાયા ન હોત. નાઝીપ્રેમી ગણાવાને કારણે અમને બહુ આક્રોશ છે."
આ પહેલાં AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભારત સરકાર પર નાઝીવાદની વિચારધારામાં વિશ્વાસ કરનારા અને પોતાને ફાસીવાદી ગણાવનારા યુરોપિયન સાંસદોને કાશ્મીર મોકલવાનો આરોપ લગાવ્યો હતો.
જેના જવાબમાં યુરોપિયન સાંસદોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

કાશ્મીર : ઉગ્રવાદીઓએ ચાર મજૂરોની ગોળી મારીને હત્યા કરી

ઇમેજ સ્રોત, Getty Images
ભારત પ્રશાસિત કાશ્મીરના કુલગામ જિલ્લાના કાતરસુ ગામમાં મંગળવારે ઉગ્રવાદીઓએ પાંચ નાગરિકોની ગોળી મારીને હત્યા કરી નાખી.
જમ્મુ-કાશ્મીર ઝોન પોલીસે પોતાના ટ્વિટર હૅન્ડલ પર આ અંગે જાણકારી આપી છે. ટ્વીટ અનુસાર પોલીસ ઘટનાસ્થળે હાજર છે.
બીબીસીના સંવાદદાતા રિયાઝ મસરુરે જણાવ્યું કે મંગળવારની રાતે લગભગ નવ વાગ્યે આ ઘટના ઘટી.
આ ઘટનાને એવા સમયે અંજામ અપાયો છે કે જ્યારે યુરોપિયન સંસદનું પ્રતિનિધિમંડળ પ્રદેશની વાસ્તવિક સ્થિતિની તપાસ કરવા માટે પહોંચ્યું છે.
આ હુમલા અને હત્યા અંગે રાષ્ટ્રીય તેમજ સોશિયલ મીડિયામાં પણ બહુ ચર્ચા થઈ રહી છે અને ટ્વિટર પર #Kulgam પણ ટ્રૅ્ન્ડ થઈ રહ્યું છે.
બીબીસીને મળેલી જાણકારી અનુસાર મૃતકો બિહારના રહેવાસી હતા. જોકે, સમાચાર એજન્સી પીટીઆઈના મતે તમામ મજૂરો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના હતા.

'મોદી સરકારના PR સ્ટંટનો હિસ્સો બનવા માગતો ન હતો'

ઇમેજ સ્રોત, CHRIS DAVIES MEP/TWITTER
યુરોપના સાંસદોનું એક દળ ભારત પ્રશાસિત કાશ્મીરની મુલાકાતે છે. યુરોપિયન સંસદના સભ્ય ક્રિસ ડૅવિસને પણ આ દળ સાથે આવવાનું હતું.
જોકે, તેમનો દાવો છે કે તેમને અપાયેલું આમંત્રણ બાદમાં પાછું લઈ લેવાયું અને પૅનલમાં તેમને સ્થાન ન અપાયું.
ઉત્તર-પશ્ચિમ ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કરનારા ડૅવિસના મતે તેમણે આ મુલાકાત માટે ભારત સરકાર સામે એક શરત રાખી હતી.
એમની શરત હતી કે કાશ્મીરમાં 'તેમને હરવાફરવા અને લોકોને મળવાની સ્વતંત્રતા આપવામાં આવે.'
ડૅવિસે બીબીસીને જણાવ્યું કે તેમની આ વિનંતીના થોડા દિવસ બાદ તેમને અપાયેલું કાશ્મીરની મુલાકાતનું આમંત્રણ પરત લઈ લેવાયું હતું.
આમંત્રણ પરત લઈ લેવાની ઘટના અંગે તેમણે જણાવ્યું કે તેમને લાગે છે કે આયોજકોને તેમની શરત યોગ્ય નહોતી લાગી.
ડૅવિસે કહ્યું, "હું મોદી સરકારના પીઆર સ્ટંટમાં ભાગ લેવા માટે અને એ દેખાડવા માટે તૈયાર નહોતો કે બધું જ બરોબર છે. જો કાશ્મીરમાં લોકશાહીના સિદ્ધાંતનો કચડવામાં આવી રહ્યા છે તો વિશ્વએ તેની નોંધ લેવી જોઈએ."

કોલકાતામાં ભારતની પ્રથમ નાઇટ ટેસ્ટમૅચ

ઇમેજ સ્રોત, EUROPEAN PHOTOPRESS AGENCY
ભારતીય ધરતી પર પ્રથમ ડૅ-નાઇટ ટેસ્ટમૅચ 22 નવેમ્બર કોલકાતાના ઈડન ગાર્ડન મેદાનમાં રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝનો આ બીજો મુકાબલો હશે.
બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ નાઇટ ટેસ્ટમૅચ રમવાની મંજૂરી આપવા બદલ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ભારતના કૅપ્ટન વિરાટ કોહલીનો પણ આભાર માન્યો છે.
ગાંગુલીએ કહ્યું, "હું બહુ જ સન્માનિત અનુભવી રહ્યો છું કે ઈડન ગાર્ડનમાં પ્રથમ ડૅ-નાઇટ ટેસ્ટમૅચ રમાવા જઈ રહી છે."
"હું બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને તેમની ટીમનો આટલા ટૂંકા સમયગાળા દરમિયાન વિનંતીને માન્ય રાખવા બદલ આભાર વ્યક્ત કરું છું."
"ભારતના કૅપ્ટન વિરાટ કોહલીનો પણ તેમણે આપેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કરું છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો