ગુજરાતમાં 'ક્યાર'ને કારણે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Imd

સુપર સાયક્લોન 'ક્યાર' અરબ સાગરમાં હવે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ કલાકના 9 કિલોમિટરની ઝડપે આગળ વધી રહ્યું છે અને વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અને ઊભા પાકને નુકસાન જાય એવી આશંકા સેવાઈ રહી છે.

કમોસમી વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસ તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં હજી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

છૂટાછવાયા વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. 29 જિલ્લા અને 137 તાલુકામાં વરસાદને પગલે ઊભા પાકને નુકસાન થયા હોવાના અહેવાલો છે.

નુકસાનને પગલે સૌરાષ્ટ્રના કેટલાય ખેડૂતોએ પાકવીમાની માગ કરી હોવાનું પણ મીડિયા-રિપોર્ટ જણાવી રહ્યા છે.

હવામાનવિભાગે આગાહી કરી છે કે હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તથા છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં ક્યાર વાવાઝોડાના કારણે ગત અઠવાડિયાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓ તથા દાદરાનગર હવેલી અને દમણમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

વાવાઝોડાના કારણે કચ્છમાં પણ કમોસમી વરસાદ પડે એવી શક્યતા છે. આવનારા ચાર દિવસો માટે કચ્છના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

'ક્યાર' ક્યાં પહોંચ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

'સ્કાયમૅટ વેધર'ના જણાવ્યા અનુસાર મુંબઈથી લગભગ 990 કિલોમિટર દૂર અને ઓમાનના સલાલાથી 1010 કિલોમિટર દૂર અરબ સાગરમાં આગળ વધી રહ્યું છે. જે હવે દક્ષિણ તરફ વળે એવી સંભાવના સેવાઈ રહી છે.

અરબ સાગરમાં હવે 'ક્યાર' ઍડનના અખાત અને ઓમાન-યમનના દરિયાકિનાર તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડું જેમજેમ આગળ વધી રહ્યું છે, એમએમ એની તીવ્રતા ઘટી રહી છે. હાલમાં તે 'ખૂબ જોખમી'માંથી 'જોખમી' શ્રેણીમાં મુકાયું છે.

જોકે, અરબ સાગરમાંથી પસાર થઈ રહ્યું હોવાથી ગુજરાતના દરિયાકિનારે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.

કમોસમી વરસાદ અને ભારે પવનોને કારણે ગુજરાતના તાપમાનમાં પણ ઘટાડો આવ્યો છે.

'ક્યાર' બાદ બીજું વાવાઝોડું?

'સ્કાયમૅટ વેધર'ના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતના કોમરિન તરીકે ઓળખાતા પ્રદેશ પર ઉપર લૉ પ્રેસર ડીપ્રેશનમાં ફેરવાશે. જે દક્ષિણપૂર્વ તરફ અરબ સાગરમાં આગળ વધશે.

આગળ વધતાં હવાનું આ દબાણ વધુ મજબૂત બનશે. જેને લીધે અરબસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે.

જેને ઓમાન દ્વારા 'માહા' નામ અપાયું છે. આ પહેલાં ચાલુ વર્ષે જ અરબસાગરમાં 'વાયુ', 'હિક્કા', 'ક્યાર' સર્જાઈ જેવાં વાવાઝોડાં સર્જાઈ ચૂક્યાં છે.