કાશ્મીરના પ્રવાસે ગયેલા 23 યુરોપિયન સાંસદોએ શું કહ્યું?

સાંસદો

ઇમેજ સ્રોત, Getty Images

યુરોપિયન યુનિયનના 23 સાંસદોનો કાશ્મીર પ્રવાસ વિવાદમાં ઘેરાઈ ગયો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે દેશના સાંસદો અને સામાજિક કાર્યકર્તાઓને મોદી સરકાર કાશ્મીર જવા દેતી નથી અને બીજી તરફ વિદેશી સાંસદોને કાશ્મીર મોકલી રહી છે.

મંગળવારે 23 સાંસદોનો આ સમૂહ શ્રીનગર પહોંચ્યો તો ભારતીય સેનાના અધિકારીઓ સાથે મુલાકાત કરી દાલ લેકની પણ મુલાકાત લીધી.

આ સાંસદોનો પ્રવાસ ભારે સુરક્ષા વચ્ચે થયો અને બુધવારે સવારે કાશ્મીર પ્રવાસે આવેલા સાંસદોએ મીડિયા સાથે વાત કરી અને પોતાના અનુભવો કહ્યા હતા.

શ્રીનગરના બીબીસીના સંવાદદાતા રિયાઝ મસરુર કહે છે કે પ્રેસ કૉન્ફરસન્સમાં સ્થાનિક મીડિયાને જવા દેવામાં આવ્યા ન હતા.

રિયાઝે કહ્યું, "23 સાંસદોનું આ પ્રતિનિધિમંડળ આવવાની સાથે જ આર્મીના મુખ્યાલયે ગયું અને સેના જ તેમને નિયંત્રણ રેખા સુધી લઈ ગઈ હતી."

"નેશનલ કૉન્ફરન્સના સાંસદ અકબર લોનનું કહેવું છે કે આ આંતરરાષ્ટ્રીય સમુદાયને અંધારામાં રાખવાની કોશિશ છે."

મીડિયા સાથેની વાતચીતમાં આ પ્રતિનિધિમંડળના સાંસદે કહ્યું, "અમે લોકો આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળનો હિસ્સો છીએ."

"ભારત શાંતિ સ્થાપિત કરવા માટે આતંકવાદને ખતમ કરવાની કોશિશ કરી રહ્યો છે અને અમે તેનું પુરું સમર્થન કરીએ છીએ."

"અમે ભારત સરકાર અને સ્થાનિક પ્રશાસને અમારા કરેલા સ્વાગત બદલ આભાર વ્યક્ત કરીએ છીએ."

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક સાંસદોએ કહ્યું કે કાશ્મીરમાં આતંકવાદ એક ગંભીર સમસ્યા છે. કેટલાક સાંસદોએ કહ્યું કે કાશ્મીરમાં સમસ્યા છે પરંતુ ભારત સરકાર તેનો ઉકેલ લાવી દેશે.

મંગળવારે કાશ્મીરમાં ઉગ્રવાદીઓએ પાંચ મજૂરોની હત્યા કરી દીધી હતી. આ સાંસદોએ તેની પણ નિંદા કરી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ફ્રાન્સના સાંસદ હેનરી માલોસે કહ્યું, "જો આપણે કલમ 370ની વાત કરીએ તો આ ભારતનો આંતરિક મામલો છે."

"અમારી ચિંતા આતંકવાદને લઈને છે અને એ એક વૈશ્વિક સમસ્યા છે. જેમાં અમે ભારત સાથે ઊભા છીએ. અમે તેની નિંદા કરીએ છીએ."

આ પ્રતિનિધિમંડળમાં સામેલ બ્રિટનના ન્યૂટન ડને કહ્યું, "અમે યુરોપના છીએ અને વર્ષોના સંઘર્ષ બાદ ત્યાં શાંતિ આવી છે."

"હું ઇચ્છું છું કે ભારત દુનિયાનો શાંતિપૂર્ણ દેશ બને. આપણે ભારત સાથે ઊભા રહેવાની જરૂર છે કેમ કે તે આતંકવાદ સામે લડી રહ્યો છે. આ આંખ ઉઘાડનારો પ્રવાસ છે."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

દાલ લેકમાં હોડીમાં સેર કરતા યુરોપિયન યુનિયનના સાંસદ

ઇન્ડિયા ટુડે'ની વેબસાઇટ અનુસાર આ પ્રતિનિધનિમંડળના એક સંસદે જણાવ્યું, "અમે નાઝીપ્રેમી નથી. જો અમે નાઝીપ્રેમી હોત તો અમે ચૂંટાયા ન હોત. નાઝીપ્રેમી ગણાવાને કારણે અમને બહુ આક્રોશ છે."

આ પહેલાં AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભારત સરકાર પર નાઝીવાદની વિચારધારામાં વિશ્વાસ કરનારા અને પોતાને ફાસીવાદી ગણાવનારા યુરોપિયન સાંસદોને કાશ્મીર મોકલવાનો આરોપ લગાવ્યો હતો.

જેના જવાબમાં યુરોપિયન સાંસદોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ પહેલી વાર થયું છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા બાદ કોઈ આંતરરાષ્ટ્રીય ટીમને જમ્મુ-કાશ્મીરમાં જવાની મંજૂરી આપવામાં આવી હોય.

પાંચ ઑગસ્ટે મોદી સરકારે કલમ 370 અંતર્ગત મળતો વિશેષ દરજ્જો પરત ખેંચી લીધો હતો અને જમ્મુ-કાશ્મીરના બે ભાગ કરી દીધા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો