Sardar Patel: સ્ટેચ્યૂ ઑફ યુનિટીના એક વર્ષમાં નર્મદા નજીક રહેતા આદિવાસીઓનું જીવન કેટલું બદલાયું?

  • ભાર્ગવ પરીખ
  • બીબીસી ગુજરાતી માટે
કેવડિયા

"પહેલાં અમારા વડવા પાસેથી જમીન લઈ લીધી અને હવે અમારી પાસેથી પણ જમીન લઈ, રોજગારીનાં સપનાં દેખાડ્યાં. લારીગલ્લા આપ્યાં એ પણ છીનવી લીધાં. પહેલાં જમીન ગઈ, પછી ઘર ગયું અને હવે રોજગાર પણ ગયો. ઢોર ચરાવવા જઈએ તો અમારી ગાયોને પૂરી દે. 300 રૂપિયાનો દંડ વસૂલે છે. અમે ક્યાં જઈએ? આ પૂતળાના પડછાયામાં અમે મરી જઈશું."

આ શબ્દો છે કેવડિયાના જિતેન્દ્ર તડવીના.

સરદાર સરોવર માટે જે જમીન સંપાદિત કરાઈ તેમાં જિતેન્દ્રના પિતા જીવણ તડવીની જમીન અને ઘર જતાં રહ્યાં હતાં.

એ જમીનના વળતરના રૂપે જે જમીન મળી હતી એ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ વખતે સંપાદિત કરી લેવાઈ.

જમીન સંપાદિત કરાયા બાદ રોજગાર માટે જિતેન્દ્ર નર્મદા ડૅમ નજીક લારી પર ચા વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા. વનબંધુ યોજના અંતર્ગત તેમને લારીની સહાય મળી હતી.

જોકે, સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ દરમિયાન તેમને પોતાના ધંધાની જગ્યાની છોડી દેવી પડી અને લારી દૂર ઊભી રાખવી પડી.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ બાદ આસપાસના વિસ્તારનું સૌંદર્ય વધારવા માટે લારીગલ્લાને હઠાવાયાં અને ફરી એક વખત જિતેન્દ્ર તડવીને પોતાના ધંધાનું સ્થળ છોડવું પડ્યું.

દરમિયાન 'શ્રેષ્ઠ ભારત ભવન'નું નિર્માણ આરંભાયું અને જિતેન્દ્ર તડવીની ખેતીની જમીન સંપાદિત કરાઈ.

'સપનાં રોળાઈ ગયાં'

ઇમેજ સ્રોત, javed Khan

બીબીસી સાથે વાત કરતાં જિતેન્દ્ર તડવી જણાવે છે, "જ્યારે વનબંધુ યોજના અંતર્ગત અમને લારી મળી ત્યારે લાગ્યું હતું કે અમારા બાપદાદાએ જે જમીન આપી દીધી હતી એના પુણ્યનાં ફળ મળી રહ્યાં છે. પણ બે મહિના પહેલાં જ હું ખોટો પડ્યો."

"શ્રેષ્ઠ ભારત ભવન બનાવવા માટે સંપાદિત કરાયેલી અમારી જમીનના બદલામાં અમને જે જમીન મળી તે કેવડિયાથી 50 કિલોમિટર દૂર છે."

"મારા પિતા જીવણભાઈએ સરદાર સરોવર ડૅમ બનાવવા માટે જમીન આપી ત્યારે કહેતા હતા કે બીજાના લાભ માટે આપણે જમીન આપી છે તો આપણને પણ ફાયદો થશે."

"પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ દરમિયાન અમને વળતરમાં મળેલી જમીન પણ ગઈ અને પ્રતિમા પાસે પાણી ભરવા માટે વીયર ડૅમ ભરાયો તો અમારો ઊભો પાક પણ ડૂબી ગયો. એનું કોઈ વળતર મળ્યું નથી."

"સુંદરતાના નામે અમારાં લારીગલ્લા હઠાવી દેવાયાં છે અને અમારે ભૂખે મરવાનો વારો આવ્યો છે."

પીનલ તડવીની કહાણી પણ કંઈક આવી જ છે. બાળકોને ભણાવવા માટે પીનલ વનબંધુ યોજના હેઠળ મળેલી લારી પર વડાંપાંઉ વેચતાં હતાં.

બીબીસીને પીનલ જણાવે છે, "અમને જ્યારે વનબંધુ યોજના હેઠળ લારીગલ્લા આપવામાં આવ્યાં ત્યારે લોકો અમારી પાસે આવતા હતા."

"અમારો ધંધો પણ સારો ચાલતો હતો. મને હતું કે બે પૈસા કમાઈને મારાં બાળકોને સારું શિક્ષણ આપી શકીશ."

"પણ અચાનક અમારા લારીગલ્લા ખસેડી દેવાયાં. અમારો રોજગાર છીનવાઈ ગયો. મારાં બધાં સપનાં રોળાઈ ગયાં."

"ગાયનું દૂધ વેચીને અમે થોડી ઘણી આવક રળી લેતાં હતા, પણ હવે તો અમારી ગાય પણ પકડી લેવાય છે. એને છોડાવવા માટે રૂપિયા 300 આપવા પડે છે. ઢોર પૂરવા માટે વડોદરાથી ગાડી લવાઈ છે."

"ધંધારોજગાર વગર બે મહિનાથી ભૂખે મરીએ છીએ પણ અમને પૂછવાવાળું કોઈ નથી."

પીનલ અને જિતેન્દ્ર ખાસ ભણેલાં નથી પણ તેમનો અવાજ હવે ભણેલા આદિવાસીઓ ઉઠાવી રહ્યા છે.

'ગોચરની જમીન સંપાદિત કરાઈ રહી છે'

ઇમેજ કૅપ્શન,

નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો વિરોધ કરતા આદિવાસીઓ

આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવા બીબીસીને જણાવે છે, "સરદાર સરોવર ડૅમની પરિયોજનામાં બદલાવ થતાં કેવડિયાની આસપાસનાં છ ગામો વિસ્થાપિત થતાં બચી ગયાં હતાં."

"આદિવાસી લોકો અહીં રહેતા હતા, ખેતી કરતા હતા. પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું નિર્માણ થયું એટલે અમારી જમીન લઈ લેવાઈ."

"અહીંની ગ્રામપંચાયતની અવગણના કરીને ગોચરની જમીન સંપાદિત કરાઈ રહી છે. અમારાં ખેતરો પર પાર્કિંગ બનાવવાના નામે બુલડોઝર ફેરવી દીધાં છે."

"અહીંનાં છ ગામ કેવડિયા, ગોરા, લીબડી, નવાગામ, વાઘડિયાની આસપાસ ટાઇગર પાર્ક, સફારી પાર્ક બનાવવા માટે જમીન લઈ લેવાઈ છે."

"પેસા (પંચાયત ઍક્સટેન્શન શિડ્યુલ એરિયાઝ ઍક્ટ)નો કાયદો ગુજરાતમાં લાગુ કરાયો હોવાની વાતો કરાય છે પણ એનું ઉલ્લંઘન કરીને આદિવાસી વિસ્તારોની ગોચરની જમીન સંપાદિત કરાઈ રહી છે. વૃક્ષો કાપવામાં આવી રહ્યાં છે."

"આ અંગે અમે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં કોર્ટે સ્ટે અપાયો હતો. જોકે, સરકાર કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન કરીને હરિયાણાભવનથી માંડીને પાર્ક અને બીજું બધું બનાવી રહી છે. સ્થાનિકોને રોજગારીની વાત કરાઈ હતી પણ કોઈને રોજગારી મળી નથી."

ઇમેજ કૅપ્શન,

વિરોધ કરી રહેલાં આદિવાસીઓ

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા આ સમગ્ર પરિયોજનાને સરકારની આપખુદશાહીનો નમૂનો ગણાવે છે.

મહેતા જણાવે છે, "સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નામે આદિવાસીઓને ખતમ કરી નાખવાનું આ ષડયંત્ર છે."

"2010માં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાની સરકારનાં 10 વર્ષ પૂર્ણ કર્યાં ત્યારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની જાહેરાત કરી હતી."

"એના માટે પૈસા ક્યાંથી લાવવા એ એક સવાલ હતો એટલે પરિયોજનાને પાછી ઠેલવા માટે દેશભરમાંથી લોખંડ ઉઘરાવવાની વાર્તા કરી. પણ લોખંડ ઉઘરાવવા માટેનો ખર્ચ કઈ રીતે કાઢવો એ પણ એક સમસ્યા હતી."

"એટલે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્ટ્રિગેશન ટ્રસ્ટ બનાવાયું અને દેશભરમાં 36 કાર્યાલયો શરૂ કરાયાં."

"આ ટ્રસ્ટમાં સરકારે પૈસા નાખ્યા. સરદાર સરોવર નિગમના અધ્યક્ષને ટ્રસ્ટમાં સામેલ કરીને નિગમના પૈસા ટ્રસ્ટમાં જમા કરાવાયા."

"2013માં જ્યારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું ખાતમુહૂર્ત કરાયું ત્યારે આદિવાસીઓને ત્યાંથી ખસેડી મુકાયા. વનબંધુ યોજનાના નામે આદિવાસીઓને દૂર ખસેડવા લારીગલ્લા અપાયાં."

"મોટા નિગમો અને કૉર્પોરેટ સેક્ટરને સી.એસ.આર.ના ફાળા થકી 9 હજાર કરોડ રૂપિયા ભેગા કરાયા અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવાયું."

"આ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે પ્રવાસી આવતા થયા અને આવક દેખાડવી પડે એટલે એક વર્ષમાં 6 કરોડની આવક દર્શાવાઈ. કોઈ અવાજ ઉઠાવનારું નથી એટલે ગરીબ-લાચાર આદિવાસીઓ ભોગ બની રહ્યા છે."

સરકારનું શું કહેવું છે?

આદિવાસી નેતા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ તથા ધારાસભ્ય છોટુ વસાવા જણાવે છે, "વર્ષ 2014ના લૅન્ડ ઍકિવઝિશન ઍક્ટની કલમ 24/2 પ્રમાણે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે."

"ગેરકાયદે રીતે અહીં આદિવાસીઓની જમીન પચાવવામાં આવી રહી છે. ડૅમ માટે ગરીબ આદિવાસીએ આપેલી જમીન હવે લોકોના મોજશોખ માટે વાપરવામાં આવી રહી છે."

કંઈક આવો જ સૂર આદિવાસીઓની જમીન પરત મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરનારા વડોદરાના આનંદ મઝગાંવકર પૂરે છે.

મઝગાંવકર કહે છે, "કેવડિયા, વાઘોડિયા, નવાગામ, લીમડી, ગોરા અને કોઠા ગામના લોકોની જમીન ગેરકાયદે સંપાદિત કરવામાં આવી છે."

"ગુજરાત હાઈકોર્ટે જમીનના સંપાદન પર સ્ટે-ઑર્ડર આપ્યો છે પણ સરકાર એને ઘોળીને પી ગઈ છે."

"કોર્ટના આદેશ બાદ પણ હરિયાણાભવન અને સફારી પાર્ક સહિત જુદાજુદા પ્રોજેક્ટ માટે ગેરકાયદે જમીન સંપાદિત કરાઈ રહી છે."

આદિવાસીઓના હક માટે લડતા કર્મશીલ દેવ દેસાઈ જણાવે છે, "વાઘોડિયામાં 288 એકર, કેવડિયામાં 100 એકર, નવાગામ, બારફળિયા, લીમડી ગામની કુલ મળીને 1200 પરિવારની જમીન ગેરકાયદે સંપાદિત કરાઈ રહી છે."

જોકે, આદિવાસીઓના આ આક્ષેપ વિશે સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના મુખ્ય કારોબારી અધિકારી અને પુનર્વસવાટ કમિશનર અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુખ્ય વહીવટકર્તા આઈ. કે. પટેલ જણાવે છે, "આ આક્ષેપો સત્યથી તદ્દન વેગળા છે."

તેઓ કહે છે, "જે આદિવાસીઓની જમીન સંપાદિત કરાઈ છે તે પૈકી 500 કરતાં વધુ લોકોને આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે કાયમી નોકરીઓ અપાઈ છે. જ્યારે 1000 કરતાં વધારે લોકોને અન્ય પ્રોજેક્ટમાં નોકરી મળી છે."

"તેમજ જે તે સમયે સંપાદિત કરેલી જમીનના બદલામાં યોગ્ય વળતર અને જમીનના બદલે જમીન પણ અપાઈ છે. જે લોકોએ જમીનના બદલે વળતરનો સ્વીકાર નથી કર્યો, તેમને યોગ્ય વળતર આપવા માટે પણ સરકારે સમયાંતરે ઠરાવો કર્યા છે."

તો ગુજરાતના વનમંત્રી ગણપત વસાવા આ મામલે જણાવે છે કે કેટલાક જમીન ગુમાવી ચૂકેલા નેતાઓ આદિવાસીના હિતના નામે ગુજરાતવિરોધી પ્રવૃત્તિ કરે છે."

વસાવા આદિવાસીઓને અન્યાય થવાની વાત પાયાવિહોણી ગણાવીને પુનર્વસનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે એવું વચન આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો