રાજસ્થાનઃ 'શ્યામ વર્ણ'ને લીધે પત્નીએ કરી આત્મહત્યા, પતિ પર દુષ્પ્રેરણાનો આરોપ

  • નારાયણ બારેઠ
  • જયપુરથી બીબીસી ગુજરાતી માટે
ભૂલી બાઇનો પરિવાર

ઇમેજ સ્રોત, NARAYAN BARETH

તેમનું દાંપત્ય જીવન છ મહિનાથી પણ ઓછું રહ્યું. રાજસ્થાનના ઝાલાવડ જિલ્લામાં 21 વર્ષનાં ભૂલીબાઈ ઉર્ફે માંગીબાઈ માટે શ્યામ વર્ણ કથિત રીતે મૃત્યુનું કારણ બન્યો છે.

પરિવારજનોનો આરોપ છે કે ભૂલીના પતિ દિનેશ તેમના રંગ-રૂપને લઈને તેમને માનસિક ત્રાસ આપતા હતા. તેના કારણે ભૂલીએ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી.

પોલીસે તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મહિલા સંગઠનોનું કહેવું છે કે માત્ર શ્યામ રંગ જ નહીં પણ મહિલાના ગોરા રંગ પર પણ નિશાન સાધવામાં આવે છે. ત્યારે તેની ચાલ ચલગત પર શંકા કરવામાં આવે છે.

મધ્યપ્રદેશની સીમા પર આવેલા ઝાલાવાડ જિલ્લામાં બકાની ચોકી વિસ્તારમાં ગણેશપુર ગામની ભૂલીના આ વર્ષના એપ્રિલ મહિનામાં જ બાજુના ગામ ખોયરાના દિનેશ લોઢા સાથે લગ્ન થયાં હતાં.

બકાનીના ચોકી અમલદાર બલવીરસિંહે બીબીસીને જણાવ્યું કે ભૂલીના પિતા દેવીલાલની ફરિયાદના આધારે તેમના પતિ દિનેશ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

પતિનો માનસિક ત્રાસ

ઇમેજ સ્રોત, NARAYAN BARETH

ઇમેજ કૅપ્શન,

ભૂલીબાઈ

પોલીસ પાસે નોંધાયેલી ફરિયાદ મુજબ દેવીલાલનો આરોપ છે કે તેમના જમાઈએ લગ્ન પછી તરત જ ભૂલીના વાનને લઈને ભૂલીને પરેશાન કરતા હતા. તેઓ ભૂલીને કાળી-કૂબડી કહીને તેમનું અપમાન કરતા હતા.

ઝાલાવાડ પોલીસ અધિક્ષક ગોપાલ મીણાએ બીબીસીને જણાવ્યું કે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દેવાઈ છે.

પોલીસને આપેલા નિવેદનમાં દેવીલાલે જણાવ્યું કે દિનેશ લગ્ન પછી તરત જ ભૂલીને ત્રાસ આપવા લાગ્યા હતા. તેમનાથી પરેશાન થઈને દીકરી પિયરમાં પાછી આવી ગઈ હતી. પણ હમણાં જ ભૂલી સાસરે પરત ગયાં હતાં.

દેવીલાલે પોલીસને જણાવ્યું કે દિનેશે તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે તેનો રંગ કાળો છે, એ તેને નહીં રાખે. આ ઘટનાથી ભૂલીને ખૂબ અપમાનજનક લાગ્યું અને તેમણે કૂવામાં ડૂબીને આત્મહત્ય કરી લીધી.

ઇમેજ સ્રોત, NARAYAN BARETH

ભૂલાના પિતા દેવીલાલે પોલીસને જણાવ્યું કે રવિવારે જ તેઓ પોતાની દીકરીને સાસરે મૂકીને આવ્યા હતા. ત્યારબાદ સોમવારે તેમને ફોન પર જણાવવામાં આવ્યું કે ભૂલીનું પાણીમાં ડૂબવાથી અવસાન થયું છે.

પોલીસે ભૂલીના મૃતદેહને પોસ્ટમૉર્ટમ કરીને પરિવારને સોંપી દીધો છે.

રાજ્ય મહિલા આયોગના પૂર્વ અઘ્યક્ષ લાડ કુમારી જૈને જણાવ્યું, "રંગરૂપ અને ક્ષમતાનાં બધાં જ માપદંડો મહિલાઓ પર જ લાગૂ પાડવામાં આવે છે. જો તેનો રંગ ગોરો છે તો તેની ચાલ ચલગત પર શંકા કરવામાં આવે છે."

તેઓ કહે છે કે તકલીફ એ જ છે કે ભારતે મહાત્મા ગાંધીની આગેવાનીમાં રંગભેદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી અને એ જ દેશમાં રંગ-રૂપને લઈને આવા ભેદભાવ કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો