કાશ્મીરમાં પાંચ મજૂરોની હત્યા, મુર્શિદાબાદમાં માતમનો માહોલ

બહાલનગર Image copyright SANJAY DAS

કાશ્મીર ખીણમાં ઉગ્રવાદીઓ દ્વારા પાંચ મજૂરોની હત્યા કરાઈ એ અંગેના સમાચાર સ્થાનિક ટીવી ચેનલો પર મંગળવારે મોડી રાત્રે જેવા ફ્લૅશ થયા, હજારો કિલોમિટર દૂર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનાં બે ગામોમાં સન્નાટો છવાઈ ગયો.

લોકો તરત પોતાના પરિવારજનોને સંપર્ક કરવા લાગ્યા. કેટલાક લોકો ભાગ્યશાળી રહ્યા તો કેટલાક લોકોની શંકા સાચી સાબિત થઈ.

આવા જ અમુક લોકોમાં અઝિદા બીબી પણ છે. તેમના પતિ કમરુદ્દીન પણ મૃતકોમાં સામેલ છે.

સફરજનની લણણીની મોસમમાં આ જિલ્લાના ઘણાં ગામોમાં સેંકડો લોકો મજૂરી માટે કાશ્મીર ખીણમાં આવે છે.

રાત્રે પોલીસની એક ટીમે પણ જિલ્લાના બહાલનગર અને બ્રાહ્મણી નામનાં ગામોની મુલાકાત લીધી હતી. કાલે રાતથી જ સમગ્ર વિસ્તારમાં સ્મશાન જેવો સન્નાટો છવાયેલો છે.

બુધવારે સવારથી કૉંગ્રેસ નેતા અધીર ચૌધરી સહિત રાજકીય દળોના લોકો દરેક શક્ય સહાય અને આશ્વાસન સાથે પીડિતોના ઘરે પહોંચવા લાગ્યા છે. મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કરતાં પીડિત પરિવારોની દરેક શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

ઉગ્રવાદી હુમલામાં પાંચ લોકોનાં મૃત્યુના સમાચાર બાદ સમગ્ર ગામે બેચેનીમાં ઉજાગરો કરીને રાત પસાર કરી છે.

Image copyright SANJAY DAS

મુર્શિદાબાદની લાગરદીધી ચોકીના અમલદાર સુમિત વિશ્વાસે જણાવ્યું, "બહાલનગર ગામથી ત્યાં ગયેલા 15 મજૂરોનું એક જૂથ ત્યાં એક ઘરમાં ભાડે રહેતું હતું."

"મંગળવાર રાત્રે ઉગ્રવાદીઓએ તેમને ઘરમાંથી કાઢીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. પાંચ મજૂરોએ સ્થળ પર જ જીવ ગુમાવ્યા."

"મૃતકોમાં રફીક શેખ(25), કમરુદ્દીન શેખ(30), મુરસાલિમ શેખ(30), નઈમુદ્દીન શેખ(30) અને રફીકુલ શેખ(300 સામેલ છે. તે ઉપરાંત ગંભીર રીતે ઘાયલ થયેલા ઝહીરુદ્દીન અનંતનાગની હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે."

મૃતકો પૈકી સૌથી કમનસીબ કમરુદ્દીન રહ્યા. તેઓ બુધવારની ટ્રેનમાં ઘરે પાછા આવવાના હતા.

કમરુદ્દીનનાં પત્ની અઝિદા જણાવે છે, "સોમવારે જ તેમની સાથે વાત થઈ હતી. સ્થિતિ ખરાબ હોવાથી બુધવારની ટ્રેનમાં તેઓ ત્યાંથી પરત આવવાનું કહેતા હતા."

"મંગળવારે રાત્રે ટીવી પર સમાચાર જોયા બાદ અઝિદાએ ઘણી વખત કમરુદ્દીનને ફોન કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો. તેથી તેઓ અઘટિત-ઘટનાની શક્યતાથી કંપી ઊઠ્યાં."

અડધી રાત્રે પોલીસ ગામમાં પહોંચી તેથી તેમની શંકા વધી ગઈ. પરંતુ રાત્રે પોલીસે અધિકૃત રીતે મૃતકોના પરિવારજનોને કોઈ માહિતી આપી નહીં.

કમરુદ્દીનના પરિવારના ફિરોઝ શેખે જણાવ્યું, "ખીણમાં ઉપદ્રવ અને અશાંતિને ધ્યાનમા લઈને કમરુદ્દીનને આ વર્ષે ત્યાં જવાની ઇચ્છા નહોતી. પણ બાકીના યુવાનો જતા હતા તેથી તેઓ માત્ર 15 દિવસ માટે ગયા હતા."

"અહીં પાછા આવીને નવેમ્બરના પહેલા અઠવાડિયાથી તેમને પાકની લણણી કરવાની હતી. પણ નિયતિને કદાચ કંઈક જુદું જ મંજૂર હતું."

બહાલનગરમાં રહેતા રફીક શેખ એક દીકરો અને એક દીકરીને છોડીને ચાલ્યા ગયા. તેમની પાસે ગામમાં થોડીક જમીન છે.

Image copyright SANJAY DAS

રફીકના પિતા ગફુર જણાવે છે, "શું કરીએ? અહીં કોઈ કામ નથી. તેથી જ સફરજન ઉતારવાની મોસમમાં ગામના ઘણા યુવાનો બે-ત્રણ મહિના માટે કાશ્મીર ખીણમાં જાય છે. કોને ખબર હતી કે આ મારા દીકરાની છેલ્લી સફર હશે."

અન્ય એક મૃતક રફીકુલ શેખના પિતા સાદિકુલે જણાવ્યું, "રફિકુલ 27 દિવસ પહેલા કાશ્મીર ગયા હતા."

લોકસભામાં કૉંગ્રસના નેતા અને જિલ્લાના સાંસદ અધીર ચૌધરી કહે છે, "કેન્દ્ર સરકાર ખીણમાં બધું સામાન્ય હોવાનો ખોટો દાવો કરતી રહી છે. સરકારની વાતો પર વિશ્વાસ મૂકીને જ વિસ્તારના કેટલાક યુવાનો ત્યાં ગયા હતા."

"આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે ત્યાં સ્થિતિ સામાન્ય નથી."

અધીરે બુધવારે સવારે બહાલપુર જઈને મૃતકોના પરિવારની મુલાકાત લીધી.

Image copyright SANJAY DAS

મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કરીને પરિવારને દરેક શક્ય સહાય કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.

એક નિવેદનમાં તેમણે જણાવ્યું, "યુરોપિયન સંઘના સાંસદોની ટીમની મુલાકાતના દિવસે જ આટલી મોટી ઘટના બની તેથી સ્પષ્ટ છે કે સ્થિતિ ખરાબ છે."

તૃણમૂલ કૉંગ્રેસના મુર્શિદાબાદ જિલ્લાના એક નેતા ઝહીરુલ શેખ જણાવે છે, "વિસ્તારના સેંકડો યુવાનો મજૂરી માટે ખીણમાં જાય છે. હવે સરકાર પ્રયત્ન કરશે કે તેમને અહીં જ રોજગાર મળે જેથી તેમને જીવના જોખમે ખીણમાં ન જવું પડે."

સાગરદીધીના તૃણમૂલ ધારાસભ્ય સુબ્રત સાહાએ કહ્યું, "આ બહુ દુખદ ઘટના છે. અમે પીડિત પરિવારોની સાથે છીએ."

આ વિસ્તારનાં પાંચ ઘરો અને તેમાં રહેતા લોકો જ નહીં પરંતુ સમગ્ર ગામને મૃતકોના મૃતદેહ આવે તેની રાહ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો