કાશ્મીરમાં 5 મજૂરોની હત્યા : 'બહારના લોકોની હત્યા, એક ખતરનાક દોરની શરૂઆત'

  • સલમાન રાવી
  • બીબીસી સંવાદદાતા, દિલ્હી
કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

ઑક્ટોબર મહિનો જમ્મુ-કાશ્મીર માટે છેલ્લા ત્રણ મહિનાઓમાં સૌથી હિંસક મહિનો રહ્યો છે.

પાંચ ઑગસ્ટે જ્યારે કલમ 370 અને 35-Aને રદ કરવામાં આવ્યા ત્યારે સરકાર દાવો કરી રહી હતી કે આટલું બધું થવા છતાં બધું હિંસામુક્ત રહ્યું.

જોકે ખીણામાંથી છૂટીછવાઈ ઘટનાઓની ખબર આવતી રહી જેને સરકાર નકારતી રહેતી હતી.

ઑક્ટોબર મહિનામાં ઉગ્રવાદીઓએ અચાનક એક પછી એક હિંસક ઘટનાઓને અંજામ આપવાનું શરૂ કર્યું.

આ હિંસામાં ઉગ્રવાદીઓના નિશાન પર માત્ર જમ્મુ-કાશ્મીરની બહારથી આવેલા લોકો રહ્યા. પછી તેઓ નોકરિયાત હોય, મજૂર કે ટ્રક ડ્રાઇવર.

ક્યારે ક્યારે બની ઘટનાઓ

  • 14 ઑક્ટોબરથી શરૂ થયેલી હિંસામાં લગભગ 10 થી 12 લોકોનાં મૃત્યુ થયાં છે જે દેશના વિવિધ ભાગોમાંથી કાશ્મીર આવ્યા હતા.
  • 29 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ઉગ્રવાદીઓએ પશ્ચિમ બંગાળના 6 મજૂરોને એક લાઇનમાં ઊભા રાખીને ગોળી મારી દીધી. આ ઘટનામાં પાંચ મજૂરોનાં ઘટના સ્થળ પર જ મોત થયાં અને એક મજૂરની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
  • 28 ઑક્ટોબરે સોપોર બસ સ્ટેન્ડ પર થયેલા ગ્રૅનેડ હુમલામાં 15 નાગરિકો ઘાયલ થયા.
  • 28 ઑક્ટોબરે જ અનંતનાગમાં બે ટ્રક ટ્રાઇવરની હત્યા કરવામાં આવી.
  • 24 ઑક્ટોબરે રાજસ્થાનથી ટ્રક લઈને આવેલા ડ્રાઇવરની હત્યા. ઉગ્રવાદીઓએ ત્રણ ટ્રકમાં આગ લગાડી દીધી.
  • 16 ઑક્ટોબરે ઈંટની ભઠ્ઠીમાં કામ કરતા છત્તીસગઢના મજૂરની હત્યા. આ જ વિસ્તારમાં પંજાબથી આવેલા એક વેપારીની હત્યા કરવામાં આવી.
  • 14 ઑક્ટોબરે દક્ષિણ કાશ્મીરમાં રાજસ્થાનથી આવેલા ટ્રક ડ્રાઇવરની ગોળી મારીને હત્યા.

બોલવાવાળું કોઈ નહીં

ઇમેજ સ્રોત, SANJAY DAS

જમ્મુ-કાશ્મીરના મામલાના નિષ્ણાતોનું માનવું છે કે આવું છેલ્લા દાયકામાં પ્રથમ વખત થયું છે કે જ્યારે ઉગ્રવાદીઓએ એક ખાસ વર્ગને નિશાન બનાવ્યો છે, જેઓ કાશ્મીરની બહારથી આવ્યા છે.

વરિષ્ઠ પત્રકાર અનુરાધા ભસીન આને 'એક ખતરનાક ઘટનાક્રમ' તરીકે જુએ છે.

તેમનું માનવું છે કે આવું પહેલાં ક્યારેય નથી થયું કે કાશ્મીરમાં માત્ર બહારથી આવતા લોકો પર આ રીતે હુમલા થયા હોય.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે પ્રદેશની અપેક્ષિત સ્થિતિ નથી તે પણ આ નવી ઘટનાઓ પાછળનું કારણ હોઈ શકે.

તેઓ કહે છે, "મુખ્ય પક્ષોના નેતાઓ સહિત સ્થાનિક અને અલગતાવાદી નેતાઓ પણ જેલોમાં છે અથવા પોતાનાં જ ઘરોમાં નજરકેદ છે."

"તેથી આ ઘટનાઓના વિરોધનો અવાજ પણ બહાર આવી શકતો નથી. પહેલાં જ્યારે સ્થિતિ સામાન્ય હતી અને જો કોઈ આવી ઘટના બનતી તો બધા તેનો વિરોધ કરતા હતા."

"આ વિરોધના કારણે ઉગ્રવાદીઓ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવાની હિંમત કરી શકતા નહોતા. પરંતુ હવે તો ખતરનાક સન્નાટાનો દોર છે હવે ક્યાંયથી કોઈ અવાજ આવતો નથી."

અનુરાધા ભસીનના મતે પહેલાં જ્યારે પણ કોઈ સામાન્ય નાગરિકની હત્યા થતી તો કાશ્મીરીઓ તેમનો વિરોધ કરતાં અને એ પણ ખૂલીને. પણ હવે કોઈ બોલવાવાળું નથી."

કલમ 370 અને 35-A અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલો હતો. આ રાજ્યમાં ભારતીય દંડસંહિતા અને સીઆરપીસીના બદલે રણબીર દંડ વિધાન અમલમાં હતું.

એટલે કે ભારતના બંધારણનાં ઘણાં એવાં પાસાં હતાં જે આ રાજ્યને લાગુ પડતા નહોતાં. અહીં બહારના લોકોને જમીન ખરીદવાનો અધિકાર પણ નહોતો.

ઇમેજ સ્રોત, Getty Images

સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કલમ 370ને ખતમ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં વિકાસના માર્ગો ખૂલી જશે અને અહીં મોટા પાયે રોકાણ થશે જેનાથી રોજગાર અને તકો વધશે.

કલમ 370 હઠાવ્યા બાદ જમ્મુમાં તો લોકોએ તેનું સ્વાગત કર્યું પણ કાશ્મીર ખીણમાં લોકોને લાગવા લાગ્યું કે હવે બહારના લોકો આવીને વસવા લાગશે.

અચાનક ઉગ્રવાદી હુમલાઓમાં બહારના લોકો નિશાન બનવા લાગ્યા તે અંગે પણ જાણકારોને લાગે છે કે આ પણ તેનું કારણ હોઈ શકે.

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર કેવલ શર્માએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે ઉગ્રવાદી, જમ્મુ-કાશ્મીરના વિકાસને રોકવા માટે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.

તેમનો એવો પણ દાવો છે, "સેના, સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર ઉગ્રવાદીઓને જડબાંતોડ જવાબ પણ આપી રહ્યા છે."

"લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશો બની ગયા છે. ઉગ્રવાદીઓ એવા પ્રયત્નોમાં છે કે શાંતિપૂર્વક ચાલી રહેલી પ્રક્રિયામાં વિઘ્નો ઊભાં કરે. પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા."

સરકારી તંત્રને પણ લાગે છે કે ઉગ્રવાદી બહારના લોકોને આ કારણે પણ નિશાન બનાવી શકે છે કારણ કે તેઓ નથી ઇચ્છતા કે કોઈ જમ્મુ-કાશ્મીરની બહારથી આવીને ત્યાં વ્યવસાય શરૂ કરે.

રાજસ્થાન ટ્રક ટ્રાન્સપોર્ટ સંઘે અચાનક ઉગ્રવાદી હુમલામાં આવેલી તેજી અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સંઘે નક્કી કર્યું છે કે જ્યાં સુધી સરકાર અને પ્રશાસન તેમના માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી રાજસ્થાનના ટ્રક જમ્મુ-કાશ્મીર નહીં જાય.

શું મેળવી લેશે?

ઇમેજ સ્રોત, Majid jahangir

પૂર્વ ઉગ્રવાદી સૈફુલ્લાહ હવે ભારતીય જનતા પક્ષમાં છે. તેઓ કહે છે કે આ નવી ઘટનાઓની અસર લાંબા સમય સુધી રહેશે.

જોકે, તેમના મતે પહેલાં ઉગ્રવાદી આ રીતે બહારથી આવેલા લોકોને નિશાન બનાવતા નહોતા. સામાન્ય લોકોને પણ નહીં.

તેમનું માનવું છે કે આ હિંસા બિલકુલ અલગ પ્રકારની છે. જેનાં પરિણામ પ્રદેશના લોકો માટે નકારાત્મક પણ હોઈ શકે છે.

સૈફુલ્લા કહે છે, "જો ઉગ્રવાદી સતત બહારથી આવતા લોકો પર હુમલા કરતા રહેશે તો પછી જમ્મુ કાશ્મીરમાં ભારતના અન્ય પ્રદેશોમાંથી રહેવા કે નોકરી કરવા માટે આવતા લોકોની સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઊભો થશે."

"લડાઈ અમારી છે. કાશ્મીરીઓની. બીજા રાજ્યોમાંથી આવેલા લોકોની આ રીતે હત્યા કરીને ઉગ્રવાદીઓને શું મળશે."

તેમણે કહ્યું,"અનુચ્છેદ 370 તો ખતમ થઈ ગયો અને બધાને આગળનું વિચારવું જોઈએ કે કઈ રીતે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સારી થઈ શકે છે અને શાંતિ સ્થાપિત થઈ શકે છે."

"ઉગ્રવાદીઓએ નવી રીતે હિંસાને અંજામ આપવાનું શરૂ કર્યું છે જે બધા માટે નુકસાનકારક છે."

ઇમેજ સ્રોત, Getty Images

સુનિલ પંડિતા સામાજિક કાર્યકર છે અને જમ્મુમાં રહે છે.

તેઓ કહે છે કે અચાનક ઉગ્રવાદી હુમલાઓમાં આવેલી તેજીનો સરકારે જવાબ આપવો જોઈએ. કારણ કે આ હિંસા આટલા કડક પ્રતિબંધો અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે થઈ રહી છે.

તેમનું કહેવું છે, "જો આ સમયે કેન્દ્રની સત્તામાં બીજો કોઈ પક્ષ હોત અને જમ્મુ-કાશ્મીરમાં આવી સ્થિતિ થઈ હોત તો ભાજપે હોબાળો મચાવી દીધો હોત."

"સરકાર પણ જબરદસ્તી કરી રહી છે અને ઉગ્રવાદીઓ પણ. કાશ્મીરીઓ ફરી બંને વચ્ચે પીસાઈ રહ્યા છે."

"હવે તો બહારના લોકો પણ પિસાઈ રહ્યા છે. હું કાશ્મીરી પંડિત છું પરંતુ મને કાશ્મીર ખીણ જવાની મંજૂરી નથી જ્યારે યૂરોપના સાંસદો ત્યાં જઈ રહ્યા છે."

ઑક્ટોબરની 31 બાદ જમ્મુ-કાશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે, જ્યારે લદ્દાખ બીજા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવશે.

બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. બંને રાજ્યોના ઉપરાજ્યપાલની નિયુક્તિ થઈ ગઈ છે. પરંતુ ઉગ્રવાદી હિંસામાં અચાનક આવેલી તેજીએ સરકારી તંત્રને ચિંતામાં મૂકી દીધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો