વલ્લભ ઝવેરભાઈ પટેલથી સરદાર પટેલ બનવા સુધીની કહાણી

"કર્મ નિસંદેહપણે સાધના છે, પરંતુ હાસ્ય એ જીવન છે." સરદાર પટેલના આ વાક્યમાં જ તેમનો જીવન પ્રત્યેનો મિજાજ અને જિંદાદિલી છલકે છે.

ગુજરાતના નડિયાદ શહેરમાં 31 ઑક્ટોબર 1875માં ઝવેરભાઈ અને લાડબાઈને ત્યાં વલ્લભભાઈ પટેલનો જન્મ થયો. જોકે, આ જન્મતારીખ વલ્લભભાઈએ સ્વીકારેલી છે. તેમની સાચી જન્મતારીખ અંગે કોઈ પુરાવા નથી.

15 ડિસેમ્બર 1950ના દિવસે તેમનું મૃત્યુ થયું હતું.

છ ભાઈ-બહેનોમાં વલ્લભભાઈ ખૂબ જ હોશિયાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતા.

પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં લીધું. વિદ્યાર્થીકાળથી જ તેઓ નીતિ અને સત્ય સાથે મક્કમ રહેવાનો ગુણ ધરાવતા હતા.

'લાઇફ ઍન્ડ વર્ક ઑફ સરદાર વલ્લભભાઈ પટેલ' પુસ્તકમાં પી.ડી. સાગ્ગી લખે છે કે 'તેમની શાળામાં એક શિક્ષક ખોટી રીતે શાળાનાં પુસ્તકો અને પેન્સિલ અન્ય જગ્યાએ વેચી દેતા.

જ્યારે વલ્લભભાઈને આ અંગે જાણ થઈ ત્યારે તેમણે આ વાતનો વિરોધ કર્યો અને છ દિવસ સુધી ધરણાં પર બેસી ગયા. આખરે શિક્ષકનું આ કરતૂત જાહેર થયું.'

ખરા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલના સત્યાગ્રહની શરૂઆત આ બનાવથી થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો