અમૃતા પ્રીતમના સાત પુરુષપાત્રો સાથેના વિશિષ્ટ સંબંધોનું સરવૈયું

  • દીપક સોલિયા
  • વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
અમૃતા પ્રીતમ

પંજાબી તેમ જ હિંદી ભાષામાં વિપુલ સર્જન કરનારાં અને પદ્મવિભૂષણનું સન્માન મેળવનારાં સાહિત્યકાર અમૃતા પ્રીતમ (1919-2005) એક અતિ રોમેન્ટિક સન્નારી હતાં. તેમણે કુલ સાત પુરુષો પ્રત્યે તીવ્ર આકર્ષણ અનુભવેલું.

તેમાંનો પહેલો પુરુષ તો એક કિશોર હતો. એનું નામ હતું રાજન. અસલમાં રાજન હતો જ નહીં. એ કિશોરી અમૃતાએ મનોમન સર્જેલો કાલ્પનિક છોકરો હતો.

ઘરમાં માતા નહોતાં (એ વહેલાં મૃત્યુ પામેલાં), પિતા એકદમ સાધુ જેવા હતા અને પોતાની ધૂનમાં ડૂબેલા રહેતા. આવામાં, એકલતાના ઇલાજ રૂપે કિશોરી અમૃતાએ મનોમન એક ફ્રેન્ડ બૉય (ઓકે, બૉયફ્રેન્ડ)ની કલ્પના કરી.

એ સાથીને તેમણે નામ આપ્યું, રાજન. અમૃતાના હૃદયમાં રાજન સતત સળવળતો રહેતો. અમૃતા એની સાથે મનોમન વાતો કરતાં, એને સંબોધીને કશુંક લખતાં પણ ખરાં.

જીવનના આરંભિક તબક્કામાં રાજન પ્રત્યે તીવ્ર અનુરાગ અનુભવનાર અમૃતાએ જીવનના અંતિમ તબક્કામાં જે બે પુરુષો પ્રત્યે ઉત્કટ લાગણી અનુભવી એ બેમાંના એક પુરુષ હતા આચાર્ય રજનીશ (ઓશો) અને બીજા હતા સિદ્ધપુરુષ મનાતા સાંઈ કાકા.

અલબત્ત, આ બન્ને પુરુષો પ્રત્યેના સ્નેહના કેન્દ્રમાં આદર હતો. તેમના પ્રત્યેનું અમૃતાનું આકર્ષણ આધ્યાત્મિક તરસમાંથી જન્મ્યું હતું.

તો, રાજન સાથેનો સંબંધ કાલ્પનિક હતો, જ્યારે રજનીશ તથા સાંઈ કાકા સાથેનો સંબંધ આધ્યાત્મિક હતો. આ સિવાય, અમૃતાના જીવનમાં ચાર પુરુષોએ સ્થાન મેળવ્યું.

પ્રથમ પુરુષઃ પતિ પ્રીતમસિંહ ક્વાત્રા

ઇમેજ સ્રોત, IMROZ

લાહોરમાં ઉછરેલાં અમૃતા પ્રીતમને ફક્ત 16 જ વર્ષની ઉંમરે લાહોરના એક પ્રતિષ્ઠિત પરિવારના યુવક પ્રીતમસિંઘ ક્વાત્રા સાથે પરણાવી દેવામાં આવ્યાં.

અમૃતા અતિ રોમેન્ટિક કવયિત્રી હતાં, પરંતુ પતિ પ્રીતમસિંઘ એક સીધાસાદા બિન-રોમેન્ટિક પુરુષ હતા.

આવામાં, લગ્નના નવમા વર્ષે 25 વર્ષનાં અમૃતાની મુલાકાત 23 વર્ષના અત્યંત પ્રભાવશાળી શાયર સાહિર લુધિયાનવી સાથે થઈ અને અમૃતાના હૃદયમાં પ્રીતની આગ સળગી. ઘરમાં પતિ પ્રીતમ હતા, પણ દિલમાં પ્રીતમ તરીકે સાહિરની સ્થાપના થઈ. આગ બન્ને પક્ષે લાગી.

અમૃતા ગભરુ નહોતાં. સાહિર પ્રત્યેનો પ્રેમ છૂપાવી રાખવાની એમણે ઝાઝી માથાકૂટો નહોતી કરી. પતિ પ્રીતમસિંઘને અમૃતાની સાહિર પ્રત્યેની લાગણી વિશે જાણ થઈ ચૂકી હતી, છતાં બન્ને અલગ ન થયાં.

લાહોરમાં પણ અલગ ન થયાં અને ભાગલા પછી બન્ને દિલ્હી આવ્યાં ત્યારે પણ પતિ-પત્ની અને બે સંતાનો સાથે જ રહ્યાં. કુલ પચ્ચીસ વર્ષ સુધી બેય હાલકડોલક લગ્નનૈયામાં સાથે સફર કરતાં રહ્યાં.

છેવટે 1960માં અમૃતા પતિથી છૂટાં થયાં. એ વખતે તેઓ દિલ્હીના પટેલ નગરમાં રહેતાં હતાં. ઘર અમૃતાના નામે હતું એટલે પતિએ ઘર છોડ્યું.

બન્ને છૂટાં પડ્યાં એના લગભગ દોઢેક દાયકા બાદ પતિએ છૂટાછેડા માગ્યા. અમૃતાએ આપી દીધા. સંતાનોના કબ્જા વિશે કોઈ ઝઘડા નહીં, ભરણપોષણની માથાકૂટો નહીં. બધું શાંતિથી પત્યું.

એ બન્ને વચ્ચે જેમ ધબકતો પ્રેમ નહોતો, એમ ભારોભાર ધિક્કાર પણ નહોતો.

માજદા અસદને આપેલી એક મુલાકાતમાં અમૃતાએ કહ્યું, 'એ (પતિ પ્રીતમસિંઘ) ક્યારેય મારી પ્રગતિમાં અડચણરૂપ નહોતા બન્યા. મારા પતિએ જીવનમાં ક્યારેય મારા માટે મુશ્કેલી નહોતી પેદા કરી."

"એમની પીઠ પાછળ પણ હું એમનો આદર કરું છું. ક્યારેક ક્યારેક અમે એકમેકને મળીએ પણ છીએ. અમે બન્ને એકમેકનું ભલું ઇચ્છીએ છીએ. દીકરા-દીકરીનાં લગ્નમાં પણ એ હાજર રહેલા.'

જીવનના અંતિમ તબક્કે એકલાઅટૂલા પ્રીતમસિંઘ બહુ માંદા પડ્યા ત્યારે દીકરાએ મમ્મી અમૃતાને પૂછ્યું, પાપાને ઘરે લઈ આવીએ? અમૃતાએ તરત હા પાડી.

અલબત્ત, ઘરમાં અમૃતાના નવા સાથી ઇમરોઝ પણ હતા (ઇમરોઝની વાત પછી કરીશું). છતાં, પ્રીતમસિંઘને પ્રેમથી ઘરે લાવવામાં આવ્યા. અમૃતાએ ભૂતપૂર્વ પતિની સેવાચાકરી કરી. અમૃતા-ઇમરોઝના એ ઘરમાં જ પ્રીતમસિંઘે છેલ્લા શ્વાસ લીધા.

દ્વિતીય પુરુષઃ સજ્જાદ હૈદર

ઇમેજ સ્રોત, IMROZ

ઇમેજ કૅપ્શન,

અમૃતા પ્રીતમ

હવે વાત કરીએ અમૃતાના જીવનમાં આવેલા બીજા પુરુષની. એમનું નામ હતું સજ્જાદ હૈદર. ભાગલા પહેલાં અમૃતા હજુ લાહોરમાં હતાં ત્યારથી જ બેયની ગાઢ દોસ્તી હતી.

અમૃતા પોતાની સૌથી અંગત વાતો સજ્જાદ સાથે શેર કરતાં. ભાગલા થયા ત્યારે અમૃતાને મળવા સજ્જાદે ઘણી જદ્દોજહદ કરેલી, રમખાણોમાં જીવ જોખમમાં મૂકીને અમૃતા સુધી પહોંચવાનો પ્રયત્ન કરેલો.

પછી અમૃતા તો દિલ્હી આવી ગયાં અને સજ્જાદ ત્યાં જ લાહોરમાં રહ્યા, પરંતુ સજ્જાદના મૃત્યુ લગી બન્નેનો સંબંધ પત્રો દ્વારા લીલોછમ્મ રહેલો. અમૃતા પ્રીતમની બે કથાઓ 'નેબરિંગ બ્યૂટી' અને 'સેવન યર્સ'માં સજ્જાદ-આધારિત પાત્રોનું ચિત્રણ હતું.

અમૃતા-સજ્જાદના સંબંધ વિશે અમૃતાના મજબૂત સાથી ઇમરોઝે એક વાર અમૃતાની સહેલી ઉમાને કહેલું, "સજ્જાદ હૈદર પણ (સાહિરની માફક) અમૃતાના અત્યંત નિકટના મિત્ર હતા."

"અસલમાં એ એક એવા મિત્ર હતા જેમને મળ્યા પછી અમૃતાને પહેલી વાર લાગ્યું કે કવિતા ફક્ત પ્રેમભાવમાંથી જ નથી પ્રગટતી, બલ્કે સાચી દોસ્તીમાંથી પણ નીપજી શકે છે. અમૃતાએ સજ્જાદ માટે લખેલું - અજનબી યા તો મને પાંખો આપ, નહીંતર મારી પાસે આવીને રહે... સજ્જાદ હૈદર અમૃતાની બહુ કદર કરતા."

"ભાગલા પછી એ બન્ને પત્રો દ્વારા જોડાયેલાં રહ્યાં... એક વાર મેં (ઇમરોઝે) અને અમૃતાએ સાથે મળીને એમને પત્ર લખ્યો ત્યારે એમણે જવાબમાં (મને, ઇમરોઝને) લખ્યું, 'મારા દોસ્ત, તને ક્યારેય મળ્યો તો નથી, પણ 'આમી' (અમૃતા)ના પત્રોના આધારે મેં (મનમાં) તારી એક છબિ રચી છે. એને લીધે હું તને જાણું છું. તારો રકીબ (પ્રેમિકાનો પ્રેમી) તને સલામ કરે છે.' અમૃતાએ લખેલા તમામ પત્રો સજ્જાદે પોતાના મૃત્યુ પહેલાં એક મિત્ર દ્વારા હાથોહાથ અમૃતાને હિંદુસ્તાન પહોંચાડ્યા."

"એ પત્રોનું પોટલું જેવું મળ્યું કે તરત અમૃતાએ મને (ઇમરોઝને) આપીને કહ્યું કે મન થાય તો વાંચી લે. પણ હું શું કામ વાંચું? મેં એ તમામ પત્રો બાળી નાખ્યા."

તૃતીય પુરુષઃ સાહિર લુધિયાનવી

ઇમેજ સ્રોત, UMA TRILOK

ઇમેજ કૅપ્શન,

સાહિર લુધિયાનવી સાથે અમૃતા પ્રીતમ

1944થી 1960 દરમિયાન અમૃતાના જીવન પર છવાયા સાહિર લુધિયાનવી.

લાહોરમાં એ બન્ને મળ્યાં ત્યારે એકદમ જુવાન હતાં, જોશમાં હતાં અને તેમના પ્રેમની આગ અત્યંત તીવ્ર હતી. લાહોરમાં બન્ને એકમેકને ક્યારેક ક્યારેક મળતાં રહેતાં અને બાકીનો સમય એકમેકને મળવા માટે તરસતાં રહેતાં.

એ જોશના દિવસો હતા, જુવાનીના દિવસો હતા, તીવ્રતાના દિવસો હતા.

એ દિવસો તો છેવટે પૂરાં થયાં અને બન્ને પાત્રો ભૌતિક રીતે બહુ દૂર રહેવાં લાગ્યાં (અમૃતા દિલ્હીમાં અને સાહિર મુંબઈમાં), પણ લાહોરમાં અનુભવેલો ધગધગતો પ્રેમ એ બન્નેના હૃદયમાં સપાટી નીચે સતત જીવતો રહ્યો.

તે એટલી હદે કે 1960ની આસપાસ સાહિરને સુધા મલ્હોત્રા પ્રત્યે આકર્ષણ જાગ્યું હોવા વિશેની ગોસિપ વાંચીને અમૃતા પ્રીતમ ભાંગી પડેલાં. તેમનામાં તીવ્ર રોષ જાગ્યો. હૃદયમાં રચાયેલો એક ભવ્યાતિભવ્ય રોમેન્ટિક મહેલ સાહિરની કથિત બેવફાઈને લીધે અમૃતાને તૂટતો દેખાયો.

એનાથી એ એટલાં હચમચી ઊઠ્યાં કે ગંભીર હતાશામાં સરી પડ્યાં, એમણે મનોચિકિત્સકની મદદ લેવી પડી. જીવનના એ ઝંઝાવાતી તબક્કા દરમિયાન અમૃતાએ સૌથી કરુણ-કાળી-કડવી કવિતાઓ કંડારી.

ખેર, અમૃતા-સાહિરની નિકટતા અતિ તીવ્ર હતી અને અતિ ચર્ચિત પણ હતી. તે એટલી હદે કે પ્રીતમસિંહને પરણેલાં અમૃતાએ લગ્નજીવન દરમિયાન દીકરા નવરાજને જન્મ આપ્યો ત્યારે અફવા એવી ફેલાઈ કે અસલમાં નવરાજના પિતા સાહિર છે.

ખૂદ દીકરાએ મોટા થયા પછી અમૃતાને પૂછેલું કે "શું હું સાહિરઅંકલનો દીકરો છું?" 1960માં અમૃતા મંબઈ આવ્યાં ત્યારે લેખક રાજીન્દર સિંઘ બેદીએ અમૃતાને નવરાજના અસલી પિતા વિશે મોંઢામોંઢ પૂછી નાખેલું. જેનામાં સહેજ પણ સજ્જનતા બચી હોય એવો પુરુષ કોઈ નારીને આવો (તારા દીકરાનો બાપ કોણ છે એવો) સવાલ ન પૂછી શકે, જ્યારે બેદીજી તો નખશીખ સજ્જન હતા, છતાં એ અમૃતાને આ સવાલ પૂછવાની હદે જઈ શક્યા એનું કારણ ખૂદ અમૃતા પોતે પણ હતાં.

અમૃતાએ એવું સાંભળેલું કે બાળક પેટમાં હોય ત્યારે માતાના હૃદયમાં જેની છબિ હોય, માતા જેના વિશે ખૂબ વિચારે એ પુરુષ જેવો દીકરો જન્મે. એટલે અમૃતાએ સગર્ભાવસ્થા દરમિયાન (પેટમાં પતિ પ્રીતમસિંઘ ક્વાત્રાનું બાળક હોવા છતાં) સાહિરના વિચારો કર્યા અને જ્યારે બાળક જન્મ્યું ત્યારે અમૃતાને ખાતરી થઈ ગઈ કે દીકરો સાહિર જેવો જ દેખાય છે. દીકરાનું 'સાહિરપણું' અમૃતાએ પોતે જાહેર કરેલું.

ચતુર્થ પુરુષઃ ઇમરોઝ

ઇમેજ સ્રોત, IMROZ

ઇમેજ કૅપ્શન,

ઇમરોઝને સાથે અમૃતા પ્રીતમ

ઇમરોઝ એક ચિત્રકાર હતા. એ અમૃતાથી સાત વર્ષ નાના હતા. કવયિત્રીનાં બેય બાળકોને મમ્મીના સાથી એવા ઇમરોઝ ઘરમાં સાથે રહે એ વાત ગમે એવી નહોતી. સંતાનોના આ કચવાટ સહિતની અનેક સમસ્યાઓ અને પડકારોનો સામનો કરીને, હિંમત કરીને, પતિથી અલગ થયા બાદ ચાર વર્ષે 45 વર્ષની અમૃતાએ 38 વર્ષના ઇમરોઝને પોતાના ઘરમાં રહેવા માટે બોલાવી લીધા.

એમણે ક્યારેય લગ્ન ન કર્યાં અને સંતાનો પણ પેદા ન કર્યાં (એ વિશે ઇમરોઝે એક મુલાકાતમાં કહેલું, 'સંતાનો માટે યોગ્ય વાતાવરણ નહોતું. પહેલેથી જ ઘણી સમસ્યાઓ હતી. સંતાનો થયાં હોત તો નવી સમસ્યાઓ ઊભી થઈ હોત.')

પછી તો 41 વર્ષ સુધી, અમૃતા 86ની ઉંમરે અવસાન પામ્યાં ત્યાં સુધી, ઇમરોઝ-અમૃતા સાથે જ રહ્યાં. 82ની ઉંમરે પડી જવાને કારણે અમૃતાનું હાડકું તૂટ્યું ત્યાર પછી એ ચારેક વર્ષ પથારીવશ જ રહ્યાં. એ વર્ષોમાં અમૃતાને ખવડાવવાનું, નવડાવવાનું, એમનાં કપડાં બદલવાનું વગેરે તમામ કામ કરવાની છૂટ ફક્ત એક જ વ્યક્તિને હતી, ઇમરોઝને.

જીવનના એ અંતિમ તબક્કે અમૃતા સ્મૃતિભ્રંશથી પણ પીડાયાં. ક્યારેક એ ઇમરોઝ વિશે પણ પૂછતાં, 'આ કોણ છે? મારો બાપ છે?' પુત્રવધુને પણ એ ક્યારેક પૂછતાં કે આ ચિત્રકાર (ઇમરોઝ) સાથે તારો શું સંબંધ છે?

આખી વાતમાં મુદ્દો એ છે કે ઇમરોઝ સાથે જોડાયા પછીની કવયિત્રીની વાસ્તવિક જિંદગીમાં પેલો શાયર પ્રેમી સાહિર લુધિયાનવી ક્યાંય નહોતો. અંતિમ વર્ષોમાં અસંબદ્ધ બબડાટમાં અમૃતાએ એક વાર પણ સાહિરનો ઉલ્લેખ નહોતો કર્યો.

પ્રેમી નં. 1 તો સાહિર જ

ઇમેજ સ્રોત, Getty Images

પતિ પ્રીતમ, મિત્ર સજ્જાદ, પ્રેમી સાહિર અને સાથી ઇમરોઝ... આવું એક સમીકરણ હતું અમૃતાનું. ચારેય ખાનાં અલગ હતાં. એમાં ભેળસેળ નહોતી. પતિ પ્રીતમથી ચોક્કસ અંતર જળવાયેલું હતું.

મિત્ર સજ્જાદ સાથેની ઉષ્મા સ્થિરપણે અકબંધ હતી. સાથી ઇમરોઝ પીલર જેવા અડીખમ હતા. ટૂંકમાં, ત્રણ ખાનાંમાં સ્થિરતા હતી, પરંતુ ચોથું ખાનું, સાહિરનું ખાનું, પ્રેમીનું ખાનું થોડું પેચીદું અને સૌથી તીવ્ર હતું.

આ સંબંધને સમજવા માટે અમૃતાનું આ લખાણ ઉપયોગી બની શકે તેમ છે, જેમાં અમૃતાએ પોતે જાણે કોઈ ત્રીજી જ વ્યક્તિ હોય એમ લખ્યું :

અમૃતાને યાદ આવે છે ત્રણેક દાયકા પહેલાંની એમની (અમૃતા-સાહિરની) પહેલી મુલાકાત, જ્યારે એક રસ્તો અમૃતાના શહેરથી આવેલો, બીજો રસ્તો સાહિરના શહેરથી આવેલો અને બેય રસ્તાના મિલનસ્થાને અમૃતા-સાહિર મળેલાં.

ત્યારે પણ એમણે વાતો કરવાને બદલે નીચી મૂંડીએ નજર વડે જમીનમાં ઘરનો પાયો ખોદેલો અને અચાનક રચાયેલા જાદુઈ ઘરમાં એ બન્ને મનોમન રહેલાં. પણ પછી બન્નેને પોતપોતના રસ્તાઓએ સાદ કર્યો. બન્નેની તંદ્રા તૂટી. જાગીને જોયું તો બન્ને વચ્ચે ખાઈ હતી.

સાહિર લાંબા સમય સુધી એ ખાઈ તરફ જોઈ રહ્યા. એ જાણે અમૃતાને પૂછી રહ્યા હતા કે આ ખાઈ તું કઈ રીતે પાર કરીશ? અમૃતા સાહિરના હાથ તરફ તાકી રહ્યાં. એ જાણે સાહિરને ઇશારો કરી રહ્યા હતાં કે હાથ આપ તો ધરમની આ ખાઈ (શીખ-ઇસ્લામ વચ્ચેની ખીણ) ઓળંગીને હુ તારી પાસે આવતી રહીશ.

એટલામાં સાહિરનું ધ્યાન અમૃતાની આંગળી પર ચમકતી હીરાની અંગૂઠી (લગ્નની નિશાની) પર ગયું. સાહિર એ અંગૂઠી તરફ જોઈ રહ્યા. એ જાણી પૂછી રહ્યા હતા કે તારી આંગળી પરના આ કાનૂની બંધનનું હું શું કરીશ? અમૃતાએ પોતાની જ આંગળી સામે જોઈને, સહેજ હસીને, આંખો વડે કહેલું, 'તું બસ એક વાર વાત કર. હું કાનૂનનું આ બંધન ખોલી નાખીશ. નખથી નહીં ખૂલે તો દાંતથી ખોલી નાખીશ.'

...બીજો એક કિસ્સો. સાહિરના શહેરથી એક વાર રસ્તો અમૃતાના શહેર તરફ આવ્યો અને સાહિરનો અવાજ સાંભળીને અમૃતા એના એક વર્ષના બાળકને તેડીને સાહિરને મળવા પહોંચી ગયાં. સાહિરે અમૃતાએ તેડેલું બાળક હળવેકથી પોતાના ખભે સૂવડાવ્યું. આખો દિવસ બેય શહેરના રસ્તાઓ પર ચાલતાં રહેલાં.

એ ભરપૂર જુવાનીના દિવસો હતા. તાપ કે ઠંડી એમને નડતાં નહોતાં. પછી એ લોકો કેફેમાં ચા પીવા ગયાં. એક નર, એક નારી અને એક બાળકને જોઈને વેઇટરે ખૂણાનાં ટેબલ-ખુરશી લૂછી આપેલાં. ત્યાં, કેફેના એ ખૂણામાં પણ એમનું પેલું જાદુઈ ઘર રચાઈ ગયેલું.

અને એક વાર... ચાલુ ટ્રેનમાં મુલાકાત થયેલી. સાહિર સાથે અમ્મી અને એક મિત્ર હતો. અમૃતાનો સીટ નંબર દૂર હતો. સાહિરનો મિત્ર અમૃતાની સીટ પર જતો રહ્યો. રાત પડી. ટ્રેનમાં દિવસે તો ઠંડી નહોતી, પણ રાતે ઠંડી બહુ હતી. સાહિરની માતાએ બેયને એક ધાબળો આપ્યો, અડધો સાહિર માટે, અડધો અમૃતા માટે. ચાલુ ગાડીએ, એ સહિયારા ધાબળાની નીચે પણ એમનું જાદુઈ ઘર રચાયેલું.

સાહિરને કોઈ બંધન નહોતું, અમૃતાને હતું, પણ અમૃતા બંધન તોડી શકે તેમ હતાં. અને છતાં આ કેવું કે બન્ને આખી જિંદગી સડકો પર ચાલતાં રહ્યાં... એક વાર અમૃતાએ વર્ષોનું મૌન તોડીને સાહિરને કહેલું, 'તું કહેતો કેમ નથી? કંઈક તો બોલ.' સાહિર હસી પડ્યા. એ કહે, 'અહીં અજવાળું બહુ છે. ચારે તરફ અજવાળું છે અને અજવાળામાં મારાથી બોલાતું નથી.' અને અમૃતાને એવી ઇચ્છા થઈ આવેલી કે એક વાર સૂરજને પકડીને ઠારી નાખે.

જોકે, પછી એક વાર સાહિર બોલેલા, જ્યારે ચૂપચાપ બેઠેલા સાહિરને અમૃતાએ પૂછેલું, 'શું વિચારે છે?' તો એ કહે, 'વિચારું છું કે છોકરીઓ સાથે ફ્લર્ટ કરીને તને દુઃખી કરું.' અને બન્ને હસી પડેલાં. એમ તો એક અન્ય પ્રસંગે પણ સાહિર બોલેલા. અચાનક એમણે અમૃતાને કહેલું, 'ચાલ, ચીન જઈએ.'

'ચીન?'

'જવાનું, પણ પછી પાછાં નહીં આવવાનું.'

સહજીવનની પોતાની ઇચ્છા વ્યક્ત કરવાની સાહિરની આ રીત હતી.

ત્રિકોણના ત્રણ ખૂણાનું મિલન

ઇમેજ સ્રોત, Getty Images

એક દિવસ સાહિરને દિલ્હી આવવાનું થયું. એ ઘટના અમૃતાએ પોતાની (રેવેન્યૂ સ્ટેમ્પ પછીની) આત્મકથા 'અક્ષરોં કે સાયે'માં આ શબ્દોમાં નોંધી છેઃ ''સાહિરે મને અને ઇમરોઝને મળવા માટે હોટેલ પર બોલાવ્યાં. અમે લોકો ત્યાં લગભગ બે કલાક બેઠાં. સાહિરે વ્હીસ્કી મગાવી. મેજ પર ત્રણ ગ્લાસ રાખેલા હતા. રાત ગાઢ બની ત્યારે અમે ઘરે પાછાં ફર્યાં."

"લગભગ અડધી રાતે સાહિરનો મારા પર ફોન આવ્યોઃ હજુ પણ મેજ પર ત્રણ ગ્લાસ પડ્યા છે અને હું ત્રણેયમાંથી વારાફરતી પી રહ્યો છું અને લખી રહ્યો છું- મેરે સાથી ખાલી જામ.''

આ પંક્તિને કેન્દ્રમાં રાખીને પછી તો સાહિરે 1964ની ફિલ્મ 'દૂજ કા ચાંદ' માટે એક ગીત પણ લખ્યું,

મહફિલ સે ઉઠ જાનેવાલોં, તુમ લોગોં પર ક્યા ઇલઝામ?

તુમ આબાદ ઘરોં કે બાસી, મૈં આવારા ઔર બદનામ.

મેરે સાથી, મેરે સાથી, મેરે સાથી ખાલી જામ....

અહીં સુધી તો ગીત 'અહિંસક' છે. ખતરનાક વાત અંતરામાં આવે છેઃ "દો દિન તુમને પ્યાર જતાયા, દો દિન તુમ સે મેલ રહા... અચ્છા ખાસા વક્ત કટા, ઔર અચ્છા ખાસા ખેલ રહા... અબ ઉસ વક્ત કા ઝિક્ર હી કૈસા, વક્ત કટા ઔર ખેલ તમામ..." ટૂંકમાં, ટાઇમપાસ. ફક્ત ટાઇમપાસ...

અલબત્ત, આ છેલ્લી પંક્તિઓ ફિલ્મની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને લખાયેલી હશે. બાકી, બન્ને વચ્ચેનો સંબંધ ટાઇમપાસ તો નહોતો જ.

અમૃતા, સાહિર, લાહોરઃ પ્રણયનું અસલી સંગમતીર્થ

ઇમેજ સ્રોત, IMROZ

ઇમેજ કૅપ્શન,

અમૃતા પ્રીતમ અને સાહિર

સ્મૃતિના વિજ્ઞાનનું તારણ એવું છે કે જેમ પુસ્તકાલયમાં પુસ્તકો હોય છે એમ મગજમાં સ્મૃતિ નથી ગોઠવાયેલી હોતી. સ્મૃતિ કઈ રીતે સંઘરાય છે અને સ્મૃતિ કઈ રીતે સપાટી પર આવે છે એ આખો ખેલ ખાસ્સો 'જાદુઈ' હોય છે. ફક્ત એક શબ્દ મગજમાં સ્ફૂરે કે તરત મગજમાં એ શબ્દ સાથે સંકળાયેલી વિચારોની, રંગની, ગંધની, સ્વાદ, ધ્વનિની અનેક સ્મૃતિઓ ઝબૂકવા લાગે.

જિંદગીભર સાહિરના મનમાં અમૃતાનું (કે અમૃતાના મનમાં સાહિરનું) નામ ઝબૂક્યું હશે ત્યારે પળવારમાં જાણે ધરતી ફાડીને ઊગી નીકળ્યું હશે એક આખું મોહેં-જો-ડેરો, એ બન્નેનું એ લાહોર... એમની જુવાનીનું લાહોર... એ ગુમટી બજારમાંનું અમૃતાનું ઘર... એ અનારકલી એરિયામાં અમૃતાએ ખરીદેલો ફ્લેટ... અમૃતાના ઘરની બારી સામેનો પાનનો એ ગલ્લો... એ ગલ્લા પર ઊભા રહીને પીધેલી સોડાનો સ્વાદ.... અમૃતાએ છાતી પર લગાવી આપેલા વિક્સની મહેક... એ લોરેંસ બાગ જ્યાં સાંજે અમૃતા પોતાની શાનદાર ફિટન કારમાં બેસીને ફરવા આવતી... એ ટેનિસ રમતી અમૃતા... એ સાઇકલ ચલાવતી અમૃતા... એ સિતાર વગાડતી અમૃતા... એ ઉંમર... એ બેફિકરાઈ... એ હોર્મોન્સપ્રેરિત ઉન્માદ... એ ચૂપચાપ એકમેકની સામે બેસી રહેવું... એ શિયાળા... એ ઉનાળા... એ ચોમાસાં... એ વૃક્ષો... એ પક્ષીઓના અવાજો... એ કેટકેટલું બધું...

અમૃતા-સાહિર વચ્ચે 900 માઈલનું અંતર હતું, જીવનના સંઘર્ષો હતા, ખ્યાતનામ-અમીર લોકો વચ્ચે ગુજરતું કંઈક અંશે પ્લાસ્ટિક જેવું કૃત્રિમ જીવન હતું, ઍવૉર્ડ્ઝ હતા, વાહવાહી હતી, શાન-ઓ-શૌકત હતાં... બધું હતું, પણ સાહિર પાસે અમૃતા નહોતી અને અમૃતા પાસે સાહિર નહોતો.

બેય પાસે હતું એમનું લાહોર, હંમેશાં.

મૂળ વાત આ છે. અમૃતા-સાહિરને સાંકળનારી કડી હતું લાહોર શહેર, એ શહેરમાં જીવાયેલી યૌવનની ક્ષણો, એ ક્ષણોમાં અનુભવેલો અતિ ઉત્કટ પ્રેમ.

આફ્ટરઑલ, પ્રેમ પણ મામલો તો સ્થળ-કાળનો જ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો