ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં, ક્યાર સુધી રહેશે વરસાદી માહોલ?

વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, IMD

ગુરુવારે સાંજે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે રાજ્યભરમાં ઠંડક પ્રસરી હતી.

ગુજરાતમાં આ વર્ષે સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો છે અને હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

દિવાળીના સમયમાં ગુજરાતમાં આવેલા વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયાની પણ આશંકા સેવાઈ રહી છે.

દિવાળીના સમયમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો અને એ ઘટનાક્રમ હજી યથાવત્ છે.

ગુજરાતમાં એક દિવસનો રેકૉર્ડ 1176 મિલીમિટર વરસાદ પડ્યો હતો.

આણંદમાં 113 મિમી, વઢવાણમાં 102 મિમી, લખતરમાં 69 મિમી, સુરેન્દ્રનગર, સાયલા અને વાકાંનેરમાં 69 મિમી વરસાદ નોંધાયો છે.

IMDના ડિરેક્ટર જયંતા સરકારના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજુ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા છે.

ટ્વિટર પર રાજકીય જાહેરાતો બંધ થશે

ઇમેજ સ્રોત, Reuters

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર રાજકીય જાહેરાતોનું માધ્યમ નહીં બને. ટ્વિટરનું કહેવું છે કે તેઓ દરેક પ્રકારની રાજકીય જાહેરાતો બંધ કરશે.

ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સીએ કહ્યું કે ઇન્ટરનેટ પર જાહેરાત બહુ તાકાતવર અને પ્રભાવક હોય છે. ધંધાકીય જાહેરાતો ઠીક છે, પરંતુ આ તાકાત રાજકારણમાં એક મોટું જોખમ પેદા કરે છે.

તેનાથી વિપરીત ફેસબુક કહી ચૂક્યું છે કે તે રાજકીય જાહેરાતો બંધ નહીં કરે.

આ પ્રતિબંધ 22 નવેમ્બરથી લાગુ થશે. તેના અંગે 15 નવેમ્બરે વધુ માહિતી જાહેર કરવામાં આવશે.

ટ્વિટર પર રાજકીય જાહેરાતોના બંધની ખબરથી અમેરિકાના રાજકારણમાં ભાગ પડી ગયા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચૂંટણીપ્રચારના મૅનેજર બ્રેડ પાસ્કલે તેને ટ્રમ્પ અને કંઝર્વેટિવ્સનું મોઢું બંધ કરવાની કોશિશ ગણાવી છે.

પી. ચિદમ્બરમ્ 13 નવેમ્બર સુધી જેલમાં

ઇમેજ સ્રોત, PRESS TRUST OF INDIA

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ 13 નવેમ્બર સુધી તિહાડ જેલમાં રહેશે. દિલ્હીના કોર્ટે પ્રવર્તન નિદેશાલય (ED)ને ચિદમ્બરમની કસ્ટડી સોંપવાનો ઇન્કાર કરી દીધો છે.

કોર્ટે ચિદમ્બરમને અલગ સેલમાં રાખવાની સુવિધા પણ આપી છે.

સાથે જ પૂર્વ નાણામંત્રીને ઘરનું ભોજન, પશ્ચિમી ટૉઇલેટ અને દવાઓ પણ આપવામાં આવશે.

પી. ચિદમ્બરમની જામીનઅરજી પર દિલ્હી હાઈકોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાશે.

કૉંગ્રેસ નેતાએ સ્વાસ્થ્યને લઈને જામીનઅરજી કરી છે. તેમની 21 ઑગસ્ટે સીબીઆઈએ ધરપકડ કરી હતી.

નરેન્દ્ર મોદીની કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. તેમણે કેવડિયા કૉલોની ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

તેમણે નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા કૉલોની ખાતે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.

વડા પ્રધાન પ્રથમ સરદારસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

તેમજ તેમણે બપોરના સમયે આઈએએસ પ્રોબેશનર્સના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

તેઓ ગાંધીનગરમાં તેમનાં માતા હીરાબાને પણ મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 31 ઑક્ટોબર, 2018ના રોજ સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

આ પ્રતિમા આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના જંગી ખર્ચે તૈયાર કરાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો