વૉટ્સઍપ મૅસેજને ટ્રેક કરવાનો સરકારનો ઇરાદો કેમ છે?

સોશિયલ મીડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ભારત સરકારે સોશિયલ મીડિયા પર આવનારા મૅસેજો પર નજર રાખવાની યોજના બનાવી છે.

જ્યારથી આ વાત સામે આવી છે ત્યારથી સોશિયલ મીડિયા યૂઝર્સ અને પ્રાઇવસીના ક્ષેત્રમાં કામ કરનારા કાર્યકર્તાઓ તેને શંકાની નજરે જોઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પરના મૅસેજીસના મૉનિટરિંગ, ઇન્ટરસેપ્શન અને ટ્રેકિંગના ભારત સરકારના ઇરાદાને લીધે તેના યૂઝર્સ, પ્રાઇવસી ઍક્ટિવિસ્ટ્સ અને એવાં પ્લૅટફૉર્મ્સનું સંચાલન કરતી કંપનીઓ ચોંકી ગઈ છે.

આ પગલાંની સંભવિત અસરનો તાગ મેળવવાનો પ્રયાસ પ્રશાંતો કે. રોયે અહીં કર્યો છે.

દેશનું ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી મંત્રાલય જાન્યુઆરી-2020 સુધીમાં ઇન્ટરમીડિયરીઝ એટલે કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ ચલાવતી કંપનીઓ માટેના નવા નિયમો પ્રકાશિત કરશે.

તેનો સૂચિતાર્થ વ્યાપક છે, જેમાં ઈ-કૉમર્સ અને અન્ય ઘણા પ્રકારની ઍપ્સ તથા વેબસાઇટ્સનો પણ સમાવેશ થાય છે.

ફેક ન્યૂઝના વિસ્ફોટક પ્રમાણને પગલે ફાટી નીકળેલી હિંસા અને કેટલાંક લોકોનાં મૃત્યુના અનુસંધાને સરકારનું આ પગલું આવી પડ્યું છે.

તેના મૂળમાં બાળકોનું અપહરણ કરતી ટોળકીની અને વૉટ્સઍપ તથા અન્ય પ્લૅટફૉર્મ મારફત ફેલાવવામાં આવતી અફવા હતી. વાસ્તવમાં સદંતર આધારવિહોણા એ મૅસેજીસને કારણે ટોળાંઓએ નિર્દોષ લોકોની હત્યા કરી હતી.

આ પ્રકારનાં 'ફૉરવર્ડઝ' કલાકોમાં લાખોની સંખ્યામાં ફેલાઈ જતાં હોય છે અને એક વખત તે ફેલાય પછી તેને રોકવાનું મુશ્કેલ બની જાય છે.

2018માં બનેલી એક ઘટના તેનું ઉદાહરણ છે. તેમાં સોશિયલ મીડિયા મારફત ફેલાવવામાં આવતી અફવા પર ભરોસો નહીં કરવાનો સંદેશો ગામડાંઓમાં લાઉડસ્પિકર મારફત ફેલાવવાનું કામ સરકારી અધિકારીઓએ જે પુરુષને સોંપ્યું હતું એ પુરુષ પોતે જ ટોળાની હિંસાનો ભોગ બન્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

વૉટ્સઍપ મારફત ફેલાવવામાં આવેલી ખોટી માહિતીને પગલે ટોળાએ આચરેલી હિંસાના 50થી વધારે કેસ ભારતમાં છેલ્લાં બે વર્ષમાં નોંધાયા છે. ફેસબુક, યૂટ્યૂબ કે શૅરચેટ સહિતનાં પ્લૅટફૉર્મ્સની પણ તેમાં ભૂમિકા હોય છે.

આ બધામાં ફેસબુકની માલિકીની વૉટ્સઍપ સૌથી વધુ લોકપ્રિય પ્લૅટફૉર્મ છે. વિશ્વમાં કુલ 1.5 અબજ યૂઝર્સ ધરાવતી આ ઍપના ભારતમાં 40 કરોડથી વધારે યૂઝર્સ છે.

આ સ્થિતીમાં ખોટી માહિતીના પ્રસાર સંબંધી ચર્ચાનું કેન્દ્ર વૉટ્સઍપ હોય એ દેખીતું છે.

અફવાના અનુસંધાને ઉશ્કેરાયેલા લોકોનાં ટોળાંએ આચરેલી હિંસાની સંખ્યાબંધ ઘટનાઓ 2018માં બની એ પછી ભારત સરકારે વૉટ્સઍપને 'બેજવાબદારીભર્યા અને વિસ્ફોટક મૅસેજીસ'ને ફેલાતા અટકાવવા જણાવ્યું હતું.

એ પછી વૉટ્સઍપે ફૉરવર્ડ્ઝનું પ્રમાણ ઘટાડીને પાંચ કરવા અને એ મૅસેજીસ પર ફૉરવર્ડનું ટેગ લગાવવા સહિતના અનેક પગલાં લીધાં હતાં.

સરકાર એવું ઇચ્છે છે કે વૉટ્સઍપે ચોક્કસ મૅસેજીસ હટાવવા માટે ચીનની માફક ઑટોમૅટેડ મૉનિટરિંગ ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ.

એવા મૅસેજ કે વીડિયો સૌથી પહેલાં જે વ્યક્તિએ વહેતા કર્યા હોય તેને વૉટ્સઍપે ખોળી કાઢવા જોઈએ એવું પણ સરકાર ઇચ્છે છે.

દેશના એટર્ની જનરલે આવા એક કેસમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દેશદ્રોહ અને પોર્નોગ્રાફી સહિતના ગુનાઓમાં તપાસ એજન્સીઓ માટે સોશિયલ મીડિયા કંપનીઓ માહિતી ડિક્રિપ્ટ કરી ન શકતી હોય તો તેમણે ભારતમાં આવવું જ ન જોઈએ.

એક સરકારી અધિકારીએ મને ઑફ ધ રેકૉર્ડ કહ્યું હતું કે "આ સોશિયલ મીડિયા કંપનીઓ અમને રોકવા માટે કોર્ટમાં સુદ્ધાં ગઈ હતી."

તેમણે ઉમેર્યું હતું કે ચીનમાં ઑનલાઇન સર્વેલન્સ તલસ્પર્શી અને વ્યાપક છે. તેમની વાત સાચી છે. ચીનમાં લોકપ્રિય વીચેટ પ્લૅટફૉર્મ પરથી પ્રતિબંધિત શબ્દો ધરાવતા મૅસેજીસ તત્કાળ અદ્રશ્ય થઈ જાય છે.

વૉટ્સઍપ કહે છે કે તેણે જે પગલાં લીધાં છે તેની અસર થઈ રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વૉટ્સઍપ પર ફૉરવર્ડ મૅસેજીસના પ્રમાણમાં 25 ટકા ઘટાડો થયો છે. જથ્થાબંધ અથવા ઑટોમૅટેડ મૅસેજિંગમાં સંડોવાયેલાં 20 લાખ અકાઉન્ટ્સ કંપનીએ એક મહિના માટે બંધ કરી દીધાં હતાં. એ ઉપરાંત કંપની જંગી જનજાગૃતિ ઝૂંબેશ પણ ચલાવી રહી છે, જે લાખો ભારતીયો સુધી પહોંચી છે.

દરમિયા, મૅસેજ વહેતો કરનાર પહેલી વ્યક્તિને ખોળી કાઢવાની માગણીથી સૌથી વધુ ચિંતિત પ્રાઇવસીના અધિકારતરફી લોકો છે.

સરકાર કહે છે કે હિંસા અને મોતનું કારણ બનતા મૅસેજીસને અમે શોધી કાઢવા ઇચ્છીએ છીએ, પણ ઍક્ટિવિસ્ટ્સને ભય છે કે સરકાર તેની ટીકા કરતા લોકો પર તૂટી પડશે અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તેની ઘાતક અસર થશે.

કેટલીક ઘટનાઓને ધ્યાનમાં લેતાં તેમની આ ચિંતા વાજબી છે. ગયા ઑગસ્ટમાં કાશ્મીરમાં લેવાયેલાં આકરાં પગલાં બદલ સરકારની જેમણે ટીકા કરી હતી અથવા તો જેણે વડા પ્રધાનને વિરોધ વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો તેમના પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

વૉટ્સઍપના કમ્યુનિકેશન્સ વિભાગના વૈશ્વિક વડા કાર્લ વૂંગ કહે છે કે "અમે ઍન્ડ-ટુ-ઍન્ડ ઍનક્રિપ્શનનો ઉપયોગ કરતા હોવાથી તેઓ (ભારત સરકાર) ઇચ્છે છે એ આજે શક્ય નથી."

"એ માટે વૉટ્સએપનું સમગ્ર ટેક્નિકલ માળખું નવેસરથી તૈયાર કરવું પડે અને વૉટ્સએપ મૂળભૂત ખાનગીપણાનું તેનું લક્ષણ ગૂમાવી બેસે. તમે મોકલેલા પ્રત્યેક મૅસેજની તમારા ફોન નંબર સાથે નોંધ રાખવાનું કેટલું દુષ્કર છે તેની કલ્પના કરો. એ સ્થિતીમાં પ્રાઇવેટ કમ્યુનિકેશન જેવું કશું નહીં રહે."

ભારતીય કાયદાઓ 2011ના વર્ષથી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સને અનુકૂળ બની રહ્યા છે. કોઈ ફોન કંપનીને તેની ફોનલાઈન પર તેના ગ્રાહકો શું વાત કરે છે એ માટે જવાબદાર ઠરાવી શકાય નહીં. એવી જ રીતે ઈ-મેઇલ સર્વિસ પ્રોવાઈડર કંપનીને પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિને જે ઈ-મેઇલ મોકલે છે તેમાંની સામગ્રી માટે જવાબદાર ઠરાવી શકાય નહીં.

કંપનીઓ કાયદાનું પાલન કરતી હોય, સત્તાવાળાઓને જરૂર પડ્યે ફોન રેકૉર્ડ્ઝ શૅર કરતી હોય ત્યાં સુધી તે કાયદાકીય પગલાં સામે સલામત હોય છે. નવા, સૂચિત કાયદાઓને કારણે કંપનીઓ માટેની શરતો આકરી બની રહેશે.

ઇમેજ સ્રોત, Getty Images

દરેક દેશમાં અલગ-અલગ ઍપ્સ મેઇન્ટેઈન કરવાનું મુશ્કેલ હોય છે. એ સંદર્ભમાં સૂચિત કાયદાઓના ફરજિયાત પાલનથી ઍપ્સ અથવા પ્લૅટફૉર્મ્સ વૈશ્વિક સ્તરે નબળાં પડશે.

સમસ્યા માત્ર આટલી જ નથી. ભારતમાં 50 લાખથી વધારે યૂઝર્સ ધરાવતા કોઈ પણ પ્લૅટફૉર્મે ભારતમાં તેની ઓફિસ રાખવી પડશે, તેવી માગણી પણ સૂચિત નિયમોના મુસદ્દામાં કરવામાં આવી છે. આ માગણીનો હેતુ, કોઈ સમસ્યા સર્જાય ત્યારે જવાબદાર વ્યક્તિને શોધવાનો છે.

ભારતના ટૅક્નૉલૉજી કાયદામાં ઇન્ટરમીડિયરીઝની વ્યાખ્યા વ્યાપક સ્વરૂપની છે. તેમાં ઇન્ફૉર્મેશન શેર કરવા માટે વપરાતા કોઈ પણ પ્લૅટફૉર્મનો સમાવેશ થાય છે.

તેથી આ બધાની અસર અન્યોને પણ થશે. દાખલા તરીકે, વિકિપીડિયા આ પ્રકારનું પ્લૅટફૉર્મ હોવાથી તેણે, ઉક્ત કાયદાનો અમલ થશે તો, ભારતીયોને ઍક્સેસ આપવાનું બંધ કરી દેવું પડે એવું બને.

સિગ્નલ કે ટેલિગ્રામ જેવાં લોકપ્રિય બની રહેલાં મૅસેજિંગ પ્લૅટફૉર્મ્સ આ નિયમોનું પાલન નહીં કરે તો શું થશે એ બાબતે પણ કોઈ સ્પષ્ટતા મળતી નથી.

એ મૅસેજિંગ પ્લૅટફૉર્મ્સને ઍક્સેસ આપવાનું બંધ કરવાનો આદેશ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આપવામાં આવે એવું બની શકે.

મૉનિટરિંગ અને સંદેશો કે વીડિયો મોકલનાર મૂળ વ્યક્તિને શોધી કાઢવાની (ટ્રેસેબિલિટી) વિવાદાસ્પદ જોગવાઈઓ સામે પ્રાઇવસી ઍક્ટિવિસ્ટોએ આકરું વલણ લીધું છે ત્યારે જાહેર નીતિ ક્ષેત્રે કાર્યરત પ્રોફેશનલ્સ કહે છે કે મૅસેજિંગ પ્લૅટફૉર્મ્સને બંધ કરાવવા કે વિખેરાવી નાખવાને બદલે સરકાર આ સમસ્યાનું નિરાકરણ શોધવા વધારે ઉત્સુક છે.

એક વૈશ્વિક ટૅક્નૉલૉજી કંપનીના ઈન્ડિયા પૉલિસી વડાએ મને કહ્યું હતું કે "આપણે બધા વૉટ્સઍપનો ઉપયોગ કરી છીએ. સનદી અમલદારો, રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ કોઈ નથી ઇચ્છતું કે વૉટ્સઍપ બંધ થાય. તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે એક વાસ્તવિક, ગંભીર સમસ્યાના સામના માટે વૉટ્સએપ વધારે ગંભીર પગલાં લે."

જોકે, બીજા અનેક લોકોની માફક તેઓ પણ એ જણાવી શક્યા ન હતા કે એ પગલાં કયાં હોવાં જોઈએ.

(પ્રશાંતો કે. રૉય ટૅક્નૉલૉજી વિશેના લેખો લખે છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો