વૉટ્સઍપ જાસૂસી : પ્રિયંકા ગાંધીની જાસૂસી થઈ હતી, કૉંગ્રેસનો આરોપ

પ્રિયંકા ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસે રવિવારે દાવો કર્યો હતો કે તેમનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના વૉટ્સઍપની જાસૂસી થઈ હતી.

પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે જેમના મોબાઇલ હૅક થયા, તેમને વૉટ્સઍપ દ્વારા મૅસેજ મોકલવામાં આવ્યા હતા, આવો મૅસેજ પ્રિયંકા ગાંધીને પણ મળ્યો હતો.

સુરજેવાલાએ દાવો કર્યો હતો કે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી, ત્યારે કેન્દ્રની મોદી સરકાર વૉટ્સઍપ જાસૂસી અંગે જાણતી હતી, પરંતુ તે સમયે આ વાતને દબાવી રાખવામાં આવી હતી.

કેન્દ્રીય આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદ ચૂંટણી પૂર્વે વૉટ્સઍપ તથા ફેસબુકના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા, પરંતુ આ મુદ્દે ચર્ચા કરી નહોતી.

સ્પાયવૅર બનાવનારી કંપનીનું કહેવું છે કે ગુનાને ઉકેલવા તથા ગુના બનતા અટકાવવા માટે દેશ કે રાજ્યની સુરક્ષા એજન્સીઓને જ 'પેગાસસ' નામનો સોફ્ટવૅર વેચવામાં આવતો હતો.

1400થી વધુ લોકો ભોગ બન્યા

મૅસેજિંગ ઍપ વૉટ્સઍપે જણાવ્યું છે કે ભારતીય પત્રકારો અને કર્મશીલો (ઍક્ટિવિસ્ટ્સ) સહિત વિશ્વના 1,400 લોકો ઇઝરાયલમાં નિર્મિત સ્પાયવૅરનું નિશાન બન્યા હતા.

એનએસઓ ગ્રૂપ સામે ગત બુધવારે દાવો માંડતાં વૉટ્સઍપે આક્ષેપ કર્યો હતો કે એપ્રિલ અને મે મહિનામાં કરવામાં આવેલા સાયબર-ઍટેક માટે એનએસઓ ગ્રૂપ જવાબદાર હતું.

સર્વેલન્સ માટેનાં સૉફ્ટવૅર બનાવતી ઇઝરાયલી કંપની એનએસઓ ગ્રૂપે આ આક્ષેપનો જોરદાર પ્રતિકાર કર્યો હતો.

ભારતમાં વૉટ્સઍપના 40 કરોડ વપરાશકર્તાઓ છે અને એ રીતે ભારત વૉટ્સઍપનું સૌથી મોટું માર્કેટ છે.

વૉટ્સઍપમાં રહેલી એક મોટી ખામીનો લાભ લઈને હૅકર્સે ફોન્સ તથા અન્ય ડિવાઇસોમાં સર્વેલન્સ સૉફ્ટવૅર ગુપચુપ ઇન્સ્ટૉલ કરી નાખ્યું હતું.

વૉટ્સઍપે એક નિવેદનમાં જણાવ્યું હતું, "આ સાયબર-ઍટેકમાં સિવિલ સોસાયટીના કમસેકમ 100 સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું અમે માનીએ છીએ. એ નિશ્ચિત રીતે દુરુપયોગનો સંકેત આપે છે."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારતમાં 40 કરોડ લોકો વૉટ્સઍપનો ઉપયોગ કરે છે. તેથી ભારત વૉટ્સઍપનું સૌથી મોટું માર્કેટ છે.

મે મહિનામાં સાયબર-ઍટેકની ખબર પડ્યા પછી વૉટ્સઍપે ઝડપભેર સમસ્યાનું નિરાકરણ કર્યું હતું અને તેમની સિસ્ટમમાં 'નવી રક્ષણાત્મક પ્રણાલિ' ઉમેરી હતી તથા અપડેટ્સ ઇશ્યુ કરી હતી.

ઇન્ટરનેટ પર બાજનજર રાખતી ટોરન્ટોસ્થિત સંસ્થા સિટીઝન લૅબે વૉટ્સઍપને સિવિલ સોસાયટીના સભ્યોની ડિવાઇસો પર થયેલા સાયબર-ઍટેકને ખોળી કાઢવામાં મદદ કરી હતી.

સિટીઝન લૅબે જણાવ્યું હતું કે આફ્રિકા, એશિયા, યુરોપ, મધ્ય-પૂર્વ અને ઉત્તર અમેરિકા સહિતના વિશ્વના કમસે કમ 20 દેશોમાંના માનવાધિકાર કર્મશીલો તથા પત્રકારોને નિશાન બનાવાયાના 100થી વધુ કેસ અમે શોધી કાઢ્યા હતા.

વૉટ્સઍપના પ્રવક્તા કાર્લ વૂંગે ધ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારને જણાવ્યું હતું, "ભારતીય પત્રકારો તથા માનવાધિકાર કર્મશીલોને સર્વેલન્સનું નિશાન બનાવવામાં આવ્યા હતા."

"હું તેમની ઓળખ અને સંખ્યા જાહેર કરી શકું તેમ નથી, પણ એટલું જરૂર કહીશ કે એ પ્રમાણ સારું એવું હતું."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

દુનિયાભરમાં વૉટ્સઍપના દોઢ અબજથી વધુ યુઝર્સ છે, પરંતુ સાયબર-ઍટેક ચોક્કસ ડિવાઇસોને ધ્યાનમાં રાખીને કરાયો હોવાનું તે માને છે.

કાર્લ વૂંગે એમ પણ જણાવ્યું હતું કે નિશાન બનાવવામાં આવેલી પ્રત્યેક વ્યક્તિનો વૉટ્સઍપે સંપર્ક કર્યો હતો અને તેમને સાયબર-ઍટેક વિશે જાણકારી આપી હતી.

વૉટ્સઍપમાંના મૅસેજિસ ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે તેથી વૉટ્સઍપ ખુદને 'સલામત' કૉમ્યુનિકેશન ઍપ ગણાવે છે.

ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શનનો અર્થ એ થયો કે વૉટ્સઍપ પરના મૅસેજિસ મોકલનાર અને જેને મૅસેજ મોકલવામાં આવ્યો છે એ વ્યક્તિની ડિવાઇસ પર જ તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકાય છે.

વૉટ્સઍપને ફેસબૂકે 2014માં હસ્તગત કરી હતી. વૉટ્સઍપે જણાવ્યું હતું કે કોઈ એન્ક્રિપ્ટેડ મૅસેજિંગ સર્વિસ પ્રોવાઇડરે કાયદાકીય પગલું લેવું પડ્યું હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે.

ઇઝરાયલના એનએસઓ ગ્રૂપે જણાવ્યું હતું કે અમે આ આક્ષેપો સામે લડત આપીશું.

કંપનીએ બીબીસીને મોકલેલા એક નિવેદનમાં જણાવ્યું હતું, "અમે આજના આક્ષેપોને આકરામાં આકરા શબ્દોમાં પ્રતિકાર કરીએ છીએ અને તેની સામે અમે જોરદાર લડત આપીશું."

કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે "એનએસઓનો એકમાત્ર હેતુ સરકારી ગુપ્તચર અને કાયદાપાલન એજન્સીઓને ત્રાસવાદ તથા ગંભીર ગુનાઓ સામેની લડાઈમાં મદદ માટે ટૅક્નૉલૉજી પૂરી પાડવાનો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો