મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રીપદ માટેના વિવાદનો ઉકેલ કેમ આવી રહ્યો નથી?

દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે Image copyright PTI

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં સરકાર બનાવવાનું કોકડું વધુ ગૂંચવાતું જાય છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આજે દિલ્હીમાં મળ્યા હતા.

તો એનસીપી પ્રમુખ શરદ પવાર અને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે પણ દિલ્હીમાં મુલાકાત થવાની છે.

મીડિયા સાથે વાતચીત કરતાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રમાં થયેલા નુકસાનને લઈને અમિત શાહને મળ્યા હતા. તેઓએ કેન્દ્ર સરકાર પાસે મદદની આશા સેવી છે.

બાદમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ચાલતાં વિવાદ અંગે પૂછતાં તેઓએ કહ્યું કે ઘણા લોકો સત્તાનાં નવાંનવાં સમીકરણ ગોઠવી રહ્યાં છે. પણ તેઓ તેના વિશે કંઈ કહેવા માગતા નથી. ભાજપ આવા કોઈ વિવાદ પર ટિપ્પણી નહીં કરે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને બહુ ઝડપથી મુખ્ય મંત્રીની જરૂર છે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને અમને વિશ્વાસ છે.

Image copyright TWITTER/SHIVSENA

ભાજપ અને શિવસેનાએ ગઠબંધન કરીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડી હતી.

તેઓ બંને બહુમતયોગ્ય સીટો તો જીતી લાવ્યા, પરંતુ હવે મુખ્ય મંત્રીને લઈને વિવાદ સર્જાયો છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું 24 ઑક્ટોબરે પરિણામ આવ્યું હતું અને હજુ સુધી નવી સરકારનો કોઈ રસ્તો નજરે ચડતો નથી.

એવી પણ ચર્ચા ચાલી હતી કે શિવસેના આ વખતે ભાજપથી અલગ થઈને એનસીપી અને અપક્ષ ઉમેદવારોના ટેકાથી સરકાર બનાવાનો દાવો રજૂ કરી શકે છે.

જોકે એનસીપી આ વાતને લઈને ઇન્કાર કરી રહી છે.

રવિવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ ઝડપથી અંતિમ નિર્ણય સુધી પહોંચી રહ્યા છે.

અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ પર પલટી મારવાનો આરોપ લગાવતાં કહ્યું કે શિવસેનાને મુખ્ય મંત્રીપદનો અધિકાર છે અને તેને મેળવવાની રીત પણ જાણે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે શિવસેનાના નેતા શિવાજી પાર્કમાં મુખ્ય મંત્રીના શપથ લેશે.

તો બીજી તરફ ભાજપે અગાઉ જ નક્કી કરી દીધું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હશે.

આ મામલે શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.

મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યપાલ સાથે તમામ વિષયો પર ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે 'મહારાષ્ટ્રમાં સરકાર ન બનવા માટે શિવસેના જવાબદાર નથી.'

સંજય રાઉતે કહ્યું, કોઈ સરકાર બનાવવા માગતા હોય તો અમે અવરોધ ઊભા નથી કરતા. જેની પાસે બહુમતી હોય એ સરકાર બનાવી શકે છે."

Image copyright Getty Images

બીબીસી સાથેની વાતચીતમાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ચૂંટણીપરિણામ બાદ ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાને લઈને કોઈ ચર્ચા થઈ નથી.

બીબીસી મરાઠી સેવાના સંપાદક આશિષ દીક્ષિતે જણાવ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ પહેલી વાર દિલ્હીમાં આવીને અમિત શાહને મળ્યા હતા.

"મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં ભાજપ-શિવસેના વચ્ચેના વિખવાદનો રાજ્યસ્તરે ઉકેલ લવાતો હતો."

"પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ શિવસેના 50-50 ફૉર્મ્યુલાને લઈને અડગ છે. શિવસેનાનું કહેવું છે કે રાજ્યમાં અઢી-અઢી વર્ષ સુધી મુખ્ય મંત્રી બનાવવામાં આવે."

શું શિવસેના મહારાષ્ટ્રમાં એનસીપી કે અન્યને સાથે લઈને સરકાર બનાવી શકે છે?

આ સવાલ પર આશિષ દીક્ષિત કહે છે કે હાલની સ્થિતિ જોતાં મહારાષ્ટ્રમાં આવી કોઈ શક્યતા નથી.


Image copyright Getty Images

સંજય રાઉતે ભાજપ પર એવો આરોપ લગાવ્યો કે તેણે ચૂંટણી પહેલાં થયેલી સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. તેમનો દાવો હતો કે અઢી-અઢી વર્ષ માટે મુખ્ય મંત્રી બનાવવાનું ચૂંટણી અગાઉ નક્કી થયું હતું.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105, શિવસેના 56, એનસીપી 54 અને કૉંગ્રેસને 44 સીટ મળી હતી.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટ છે અને બહુમતી માટે 145 સીટ હોવી જરૂરી છે.

છેલ્લાં 40 વર્ષોમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના એવા પહેલા મુખ્ય મંત્રી છે જેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો