મહારાષ્ટ્રમાં 9 નવેમ્બર સુધી સરકારનું ગઠન ન થાય તો?

દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે Image copyright Getty Images

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી રાજકીય બેઠકો અને નિવેદનબાજી અટકવાનું નામ નથી લઈ રહી.

'ક્યારેક હા, ક્યારેક ના'નો સિલસિલો ચાલી રહ્યો છે અને સરકાર કોની બનશે તેનું સસ્પેન્સ યથાવત્ છે.

એક તરફ શિવસેના અને ભાજપના સંબંધમાં સંઘર્ષ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજકીય હલચલ પણ ઝડપી બની રહી છે.

આ બધા વચ્ચે મહારાષ્ટ્રનાં મુખ્ય રાજકીય દળોના નેતા સોમવારે બેઠકમાં વ્યસ્ત રહ્યા.

મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સોમવારે દિલ્હી પહોંચ્યા અને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી.

તો શિવસેનાના નેતાઓએ સાંજે મુંબઈમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી.

જ્યારે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(એનસીપી)ના પ્રમુખ શરદ પવારે કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી.

રાજકીય વર્તૂળો માનવામાં આવતું હતું કે આ બેઠકમાં સરકાર બનવા અંગેનો કોઈ ફૉર્મ્યુલા નક્કી થઈ જશે પરંતુ આવું થયું નહીં.


મહારાષ્ટ્રમાં આવેલું ચૂંટણીનું પરિણામ

Image copyright ANI
ફોટો લાઈન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે દિલ્હીમાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીને 54 અને કૉંગ્રેસને 44 બેઠકો મળી છે.

આ સિવાય સમાજવાદી પાર્ટીને 2, એમઆઈએમને 2, એમએનએસ અને સીપીઆઈને એક-એક તથા અન્યને 23 બેઠકો મળી છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે અને બહુમત સાબિત કરવા માટે 145 સભ્યોનું સમર્થન જરૂરી છે. પરંતુ, બહુમતની સંખ્યા એ વાત પર નક્કી થાય છે કે બહુમત સાબિત કરતી વખતે વિધાનસભામાં કેટલા સભ્યો હાજર રહે છે.

ઉદાહરણ તરીકે જો એનસીપી એ દિવસે મતદાનથી અલગ રહે છે તો બહુમત માટે હાજર રહેલા સભ્યોમાંથી માત્ર 115 સભ્યોના સમર્થનની જરૂરિયાત રહેશે, જે ભાજપ સરળતાથી હાંસલ કરી શકે.

ભાજપ અને શિવસેનાના ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળી છે પરંતુ હજુ સુધી તેઓ સાથે મળીને સરકાર બનાવવાના નિર્ણયને લઈને કોઈ ચોખવટ કરી શક્યા નથી.

રાજ્યમાં રાજકીય માહોલ મૂંઝવણથી ભરેલો છે. એવામાં આગળની સ્થિતિને લઈને કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે.

જો 9 નવેમ્બર સુધી રાજ્યમાં સરકાર નહીં બને તો આગળ શું વિકલ્પ હોઈ શકે? સરકાર ન બનવાથી શા ફેરફાર થઈ શકે? કૅર-ટેકર સરકાર ક્યાં સુધી કામ કરી શકે?


9 નવેમ્બરે નવી વિધાનસભાનું ગઠન

Image copyright TWITTER/NCP

વકીલ અસીમ સરોદ કહે છે, "ભારતીય બંધારણનો અનુચ્છેદ 172 રાજ્યની વિધાનસભાના કાર્યકાળને નિર્ધારિત કરે છે. આ એનુચ્છેદ ચોક્કસપણે કહે છે કે જો વિધાનસભા પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પહેલાં ભંગ ન થાય તો તેણે પાંચ વર્ષ કામ કરવું પડે."

"તે પાંચ વર્ષ કામ કરી લે એ બાદ તેને ભંગ ગણવામાં આવશે અને એક નવી વિધાનસભાની રચના થશે."

વર્ષ 2014ની ચૂંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભાની રચના 10 નવેમ્બર, 2014એ થઈ હતી. એ સ્થિતિમાં વિધાનસભાનો 9 નવેમ્બર, 2019 સુધી ભંગ થઈ જવો જોઈએ.

જે પક્ષે સૌથી વધારે બેઠક મેળવી છે તે આગળ આવીને સરકાર બનાવે તેવી આશા રાખવામાં આવે છે અથવા રાજ્યપાલ તેને સરકાર બનાવવાનું આમંત્રણ આપે છે. પરંતુ, વર્તમાન સંદર્ભમાં આવું કંઈ થયું નથી.


જો સરકાર નહીં બને તો...

Image copyright Getty Images
ફોટો લાઈન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી

જો 9 નવેમ્બર સુધી કોઈ પણ પક્ષની સરકાર નહીં બની શકે અથવા તો કોઈ પક્ષ રાજ્યપાલના આમંત્રણનો સ્વીકાર કરી ન શકે તો એવામાં રાજ્યપાલની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની બની જાય છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ સચિવ અનંત કળસે બીબીસીની મરાઠી સેવા સાથે વાત કરતાં જણાવે છે, "રાજ્યપાલ અને સૌથી વધારે સીટ મેળવનારી પાર્ટી સરકાર રચવા મહત્ત્વની ભૂમિકા અદા કરે છે."

"કોઈ પણ પાર્ટીને બહુમત ન મળતાં ભાજપે રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો કરતો પત્ર આપવો જોઈએ અથવા રાજ્યપાલ તેમને આ માટે નિમંત્રણ આપી શકે છે."

ભારતના બંધારણના નિષ્ણાંત ડૉ. ઉલ્હાસ બાપત કહે છે, "રાજ્યપાલ સૌથી વધારે બેઠક મેળવનારા પક્ષને નિમંત્રણ આપે છે. મહારાષ્ટ્રમાં હાલની સ્થિતિને જોતાં રાજ્યપાલ ભાજપને બોલાવશે."

"જો ભાજપના નેતા સરકાર રચવા આમંત્રણનો સ્વીકાર કરશે તો તેમણે બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે."

"જો ભાજપ સરકાર બનાવવાનો ઇન્કાર કરી દે તો બીજા નંબરના પક્ષને તક આપવામાં આવશે."

ડૉ. ઉલ્હાસ કહે છે, "જો તમામ દળ સરકાર બનાવવાની ના પાડી દે છે તો રાજ્યપાલ તેની જાણકારી રાષ્ટ્રપતિને આપશે અને અનુચ્છેદ 356 મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જશે."


રાષ્ટ્રપતિ શાસન દરમિયાન શું થશે?

Image copyright Getty Images
ફોટો લાઈન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ભારતમાં રાષ્ટ્રપતિને ત્રણ અનુચ્છેદ હેઠળ કટોકટી લાદવાની શક્તિ મળેલી છે.

અનુચ્છેદ 352 હેઠળ યુદ્ધ અથવા વિદેશી આક્રમણની સ્થિતિમાં રાષ્ટ્રીય કટોકટી લાદી શકાય. અનુચ્છેદ 360 હેઠળ આર્થિક કટોકટી લાદી શકાય. મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ જોતાં અનુચ્છેદ 356 હેઠળ કટોકટી લાગુ કરી શકાય છે.

આ કટોકટીને રાષ્ટ્રપતિ શાસન પણ કહે છે. પરંતુ બંધારણમાં આવી વ્યાખ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

બંધારણમાં આનો ઉલ્લેખ 'રાજ્યમાં બંધારણીય મશીનરીની નિષ્ફળતા' તરીકે કરવામાં આવ્યો છે.

જો કટોકટી લગાવવામાં આવે છે તો રાજ્યની કારોબારી સત્તા રાષ્ટ્રપતિના હાથમાં આવી જશે. સંસદ વિધાનસભાના તમામ કાર્યોને જોશે. આ બાબતોની અસર ન્યાયાલય પર નહીં પડે. સંસદને આના પર બે મહિનાની અંદર સહમતિ આપવી પડશે.

પ્રોફેસર અશોક ચોસલકર કહે છે, "આ પ્રકારની સ્થિતિમાં રાજ્યપાલ રાજ્યના પ્રતિનિધિ તરીકે કામ કરે છે રાજ્યની તમામ શક્તિઓ તેમના હાથમાં હોય છે."

"વિધાનસભા ફરજ મોકૂફ થઈ જાય છે, જો કેટલાક સમયમાં સરકારનું ગઠન નથી થતું તો વિધાનસભા ભંગ થઈ જાય છે. રાજ્યપાલના સલાહકાર તરીકે ત્રણ આઈએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે."

આ રાષ્ટ્રપતિશાસનની સમયમર્યાદા છ મહીના અથવા એક વર્ષની હોય છે.

જો રાષ્ટ્રપતિશાસનને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ આગળ વધારવાનું હોય તો તે માટે ચૂંટણીપંચની પરવાનગી લેવાની હોય છે.

જો ચૂંટણીપંચ સહમતિ આપે તો પણ રાષ્ટ્રપતિશાસન ત્રણ વર્ષની સમયમર્યાદાથી વધારે ચાલુ રાખી શકાય નહીં.

રાષ્ટ્રપતિશાસન દરમિયાન પણ રાજ્યપાલ રાજકીય પક્ષોને બહુમત સાબિત કરવા માટે નિમંત્રણ આપી શકે છે.


કામચલાઉ સરકાર

Image copyright TWITTER

હાલમાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર સરકારના 'કામચલાઉ મુખ્ય મંત્રી' છે.

પરંતુ બંધારણમાં 'કામચલાઉ મુખ્ય મંત્રી'ની અવધારણાને લઈને વિસ્તૃતમાં કંઈ કહેવામાં આવ્યું નથી. અનંત કળસે કહે છે કે આ શબ્દાવલી અનૌપચારિક રીતે ઉપયોગમાં લેવાય છે.

અનંત કળસે કહે છે, "કામચલાઉ સરકાર કોઈ નીતિગત નિર્ણય નહીં લઈ શકે. તેમણે માત્ર સરકારનું દૈનિક વહીવટી કામકાજ જ જોવાનું હોય છે."

ઉલ્હાસ બાપટ કહે છે, "કારોબારી સરકાર નવ નવેમ્બર સુધી રહેશે. આના પછી તમામ શક્તિઓ રાજ્યપાલ પાસે પહોંચી જશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો