ગુજરાતના ખેડૂતોને શા માટે પરાળ બાળવું પડે છે?

પરાળ Image copyright Getty Images

હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતો ઘઉં અને ડાંગરનું પરાળ બાળે છે, જેના કારણે થતાં પ્રદૂષણ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી.

ગુજરાતમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે, અહીં આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવો પાક આવે એ પહેલાં પરાળ બાળવામાં આવે છે.

ઉત્તર ગુજરાતમાં પણ ઝડપી પાક લેવા એરંડાનાં અને દક્ષિણ ગુજરાતમાં શેરડીનાં પરાળ બાળવામાં આવે છે.

જાણીતાં પ્રોફેસર અને આદિવાસીઓની રીતભાત પર પી.એચ.ડી. કરનાર ડૉ. ઉત્પલા દેસાઈએ વાતચીતમાં કહ્યું, "આદિવાસીઓમાં વર્ષોથી આ પરંપરા છે. એ લોકો હોળી પહેલાં જે પાક થાય એને લણીને એનાં સૂકાં ડૂંડાં બાળે છે."

"આવી જ રીતે આદિવાસીઓ દિવાળી પહેલાં મકાઈનો પાક લણી એની પરાળ પણ બાળે છે. દક્ષિણ ગુજરાતથી માંડીને છોટાઉદેપુર સુધીના આદિવાસી ખેડૂતોમાં આ પરંપરા છે."

"દક્ષિણ ગુજરાતમાં શેરડીનો ઉપરનો પાંદડાવાળો ભાગ અને મૂળિયા બાળે છે અને નીચે ઊતરતા છોટાઉદેપુરના વિસ્તારમાં દિવાળી મકાઈના પાક પછી મકાઈની પરાળ પણ સળગાવે છે."


આદિવાસીઓની વર્ષો જૂની પરંપરા

Image copyright Getty Images

જાણીતા પર્યાવરણવિદ્ મહેશ પંડ્યાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આદિવાસીઓમાં આ પરંપરા વર્ષો જૂની છે. એ લોકો ખેતરમાંથી પરાળ ઊંચકીને દૂર લઈ જઈને બાળે ત્યારે સૂકાં ઝાડવાં આગ પકડી લે તો જંગલમાં આગ પણ લાગે છે.

"અલબત્ત પરાળ બાળવાની પ્રથા વર્ષો જૂની છે, પરંતુ પહેલાંના સમયમાં ખેતરો મોટાં હતાં એટલે પાક લણ્યા પછી જે પરાળ બનતી હતી તેને ખેતરના એક ખૂણામાં બાળી નાંખવામાં આવતી હતી. અને બીજી પરાળ પશુઓના ખોરાક માટે રાખતા હતા."

"એટલું જ નહીં આ પરાળનો કેટલોક હિસ્સો ચૂલામાં બાળવા માટે વપરાતો અને શિયાળામાં તાપણું કરવાથી માંડીને પાણી ગરમ કરવા સુધી પરાળનો ઉપયોગ થતો હતો."

પંડ્યા કહે છે, "જ્યારે બાકીની પરાળ ખેતરના એક ખૂણામાં પાથરી એમાં ગાયનું છાણ અને પાણી નાંખી દેતા હતા, જેથી એ કોહવાઈ જાય અને એનું કુદરતી ખાતર બનતું હતું."

"જમીનમાં બૅક્ટેરિયાં બચી જતાં હતાં જેથી જમીન ફળદ્રુપ રહેતી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં જે પ્રકારે ખેતીની જમીનો એનએ કરવામાં આવી છે અને વિકાસના બહાને સરકારે જે જમીનો સંપાદિત કરી છે, એના કારણે ખેતરો નાનાં થતાં ગયાં છે તો બીજાં ખેતરોમાં ભાઈ-ભાઈઓ વચ્ચે ભાગ પડવાના કારણે હવે મોટાં ખેતરોની સંખ્યા ઓછી થતી ગઈ છે."

પંડ્યા કહે છે, "જેના પરિણામે ખેડૂતો જ્યારે પરાળ બાળે છે ત્યારે મોટા પ્રમાણમાં કાર્બનડાયૉકસાઇડ અને કાર્બનમૉનોક્સાઇડ પેદા થાય છે. પહેલાંના વખતમાં ઉદ્યોગ અને વાહનોનું પ્રદૂષણ ઓછું હતું એટલે પરાળ બળવાથી પ્રદૂષણની માત્રા વધતી ન હતી. હવે વધી છે."

"પહેલાં લોકો માત્ર વરસાદી ખેતી પર આધારિત હતા હવે વર્ષમાં ત્રણ કે વધુ પાક લેવા માટે એ ઝડપથી ખેતર સાફ કરી નાંખે છે અને સાફ થયેલાં ખેતરોને ફરીથી વાવે છે."

મહેશ પંડ્યા કહે છે, "ખેડૂત ઝડપી પાક લેવા માટે આ બધુ કરે છે. પણ સરકાર એમને ઍજ્યુકેટ કરે અથવા તો પરાળના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરે તો જ આ પ્રદૂષણને અટકાવી શકાય. નહીંતર ઉત્તરપ્રદેશ હરિયાણા અને પંજાબની જેમ ગુજરાતમાં પણ પરાળના કારણે પ્રદૂષણની સમસ્યા વધતી જ જશે."


પરાળ બાળવાની પ્રથા

Image copyright Getty Images

મહેશ પંડયાની વાત સાથે આણંદ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ડીન ડૉ. ડી.જે પટેલ પણ સંમત થાય છે.

તેમણે બી.બી.સી સાથેની વાતચીતમાં કહ્યું , "ગુજરાતની અંદર ડાંગર અને ઘઉંનો પાક બહુ મોટા પ્રમાણમાં થતો નથી. પણ પરાળ બાળવાની પ્રથા તો અહીં પણ વર્ષોથી ચાલી આવે છે."

"ચરોતરનો વિસ્તાર ફળદ્રુપ છે. અમે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા અનેક વખત ખેડૂતોને પરાળ નહીં બાળવા માટે સમજાવ્યા પણ છે."

"ડાંગર અને ઘઉનું પરાળ પશુઓ માટે સારો ખોરાક છે અને પરાળને જમીનમાં દાટી એમાં છાણ નાંખી દેવામાં આવે તો કુદરતી ખાતર બની જાય છે અને જમીન પણ ફળદ્રુપ બની જાય છે."

"રાસાયણિક ખાતરનો ઉપયોગ 60 ટકાથી પણ વધુ ઘટી જાય. જોકે ખેડૂતો ઝડપી પાક લેવાની લ્હાયમાં અમારા અનેક પ્રયાસો છતાં આ દિશામાં વળ્યા નથી."

પટેલ કહે છે, "પરાળને બાળે છે એટલે હવામાં તો પ્રદૂષણ થાય જ છે. સાથે-સાથે જમીન પણ ખરાબ થાય છે."

"જમીન ગરમ થવાના કારણે એમાં રહેલાં કુદરતી બૅક્ટેરિયા મરી જાય છે અને એક વર્ષમાં ત્રણ ચાર વખત પરાળ બાળવામાં આવે તો છ સાત વર્ષમાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય છે."

"અમે આ વિસ્તારના ખેડૂતોને એ પણ સમજાવ્યું હતું કે પરાળનો બીજો ઉપયોગ એ લોકો ન કરવા માગતા હોય તો બ્રિક્સ ઇન્ડસ્ટ્રીઝને આપી દેવાં જોઈએ. જેથી એનો બળતણ તરીકે પણ ઉપયોગ થઈ જાય અને એમની જમીન પણ બચે."

પટેલ જણાવે છે, "મજૂરી ઘણી વધારે હોવાને કારણે ખેડૂતો આવી મહેનત કરવાના બદલે પોતાના ખેતરમાં જગ્યા કરવા માટે પરાળને બાળી નાંખે છે. જેના કારણે શિયાળામાં હવા ઘટ્ટ હોય ત્યારે વાયુ પ્રદૂષણ થાય જ છે. સાથે-સાથે જમીન પણ ખરાબ થઈ જાય છે."


આ કારણે બાળે છે પરાળ

Image copyright Getty Images

કૃષિ નિષ્ણાત ડૉ. સત્યેશ પટેલ પણ માને છે કે "પહેલાંના વખતમાં બે પાક વચ્ચે 20થી 25 દિવસનો સમય રહેતો હતો એટલે ખેડૂતો પરાળને ગાયના છાણ અને પાણી સાથે ભેળવીને પાથરી દેતાં હતાં. જેથી જમીનમાં ફરી બૅક્ટેરિયા બની જાય અને નવો પાક લઈ શકાય."

"પરંતુ આ પરાળ ભેગું કરવાનો ખર્ચ વધુ આવે છે. એટલે ખેડૂતો એને બાળી નાંખે છે."

"પરંતુ નવી ટેકનૉલૉજી પ્રમાણે પાયરોલિસિસ ટૅકનિકથી વગર ઑક્સિજનના ચેમ્બરમાં આ પરાળને ગરમ કરવામાં આવે તો તેમાંથી લો ડેન્સિટી ઑઇલ પણ મળી શકે છે."

"જે ઑઇલને બૉઇલરમાં વાપરી શકાય. અલબત્ત એના માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. પરાળને ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે એમ છે."

"પરાળના ઉપયોગથી ઇન્ડસ્ટ્રીનો બળતણ પાછળનો ખર્ચ ઓછો થઈ જાય છે, પણ હવે ખેતમજૂરોના વેતન વધી જવાના કારણે આ પ્રક્રિયા એટલી ખર્ચાળ થઈ ગઈ છે કે ખેડૂતો પોતનાં ખેતરોમાં જ પરાળને બાળી નાંખે છે."


પરાળ ક્યાં મૂકવી એ સમસ્યા

Image copyright Getty Images

દક્ષિણ ગુજરાતમાં નવસારી પાસેના ખેડૂત નેતા રાકેશ ચૌધરીએ વાતચીતમાં કહ્યું કે અમારા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં શેરડીનો પાક આવ્યા પછી બગાસ શેરડીના સાંઠાની ઉપરનાં પાંદડાં અને મૂળિયાં દૂર કરવાં માટે કોઈ વ્યવસ્થા નથી જેના પરિણામે અમારે બગાસને ફરજિયાત ખેતરમાં જ બાળવી પડે છે.

છોટાઉદેપુરના ખેડૂત આગેવાન રમેશ તડવીનું કહેવું છે, "અહીં અમારા વિસ્તારમાં મકાઈ-જુવાર જેવા પાક થયા પછી એની પરાળ ક્યાં મૂકવી એ સમસ્યા હોય છે. ખેતરો નાનાં હોય છે એટલે જગ્યા રોકવી પોસાતી નથી."

"જેના કારણે અમે જંગલમાં જઈને આ પરાળ બાળી નાંખીએ છીએ."

ઉત્તર ગુજરાતમાં વાવ તાલુકાના ખેડૂત આગેવાન મેસાજી ઠાકોરે કહ્યું કે અમારો આ વિસ્તાર પહેલા સૂકો ભઠ્ઠ હતો. માત્ર વરસાદી ખેતી પર જ નભતા હતા.

મેસાજી કહે છે, "હવે નહેરનું પાણી મળવાને કારણે અમે વધુ પાક લઈએ છીએ. એરંડા અને કપાસ જેવા રોકડિયા પાક અમારે ત્યાં વધુ થાય છે. ત્યાર પછી તરત જ બીજો પાક લેવો હોય તો અમારે ખેતર સાફ કરીને એની પરાળ બાળવી પડે છે."

"પાક રોકડિયો હોવાને કારણે પૈસા વધુ મળે છે એટલે તરત બીજો પાક લઈએ છીએ. જેથી અમે પરાળ બાળતા અચકાતા નથી."


શું કહે છે અધિકારી?

Image copyright Getty Images

ગુજરાતના ઍગ્રિકલ્ચર ડાયરેક્ટર ભરત મોદી આ વાતને સ્વીકારવા તૈયાર નથી.

ભરત મોદીએ કહ્યું કે અમે ખેડૂતોને આ મુદ્દે ઘણા ઍજ્યુકેટ કર્યા છે એટલે ગુજરાતમાં પરાળ બાળવાની પ્રથા લગભગ નહિવત્ છે કારણ કે ખરીફ પાકની જાતો ખૂબ ઓછી છે અને ઝડપથી પાકી જાય છે. જ્યારે ઘઉંનું વાવેતર ગુજરાતમાં લગભગ નવેમ્બર મહિનામાં થાય છે.

તેઓ કહે છે, "પંજાબ અને હરિયાણા બાજુ ખરીફ અને રવિ પાક માટે જમીન તૈયાર કરવા માટે ખેડૂતને ઓછો સમય મળે છે. એટલે ત્યાં પરાળ વધુ બાળવામાં આવે છે."

"જ્યારે ગુજરાતમાં ખરીફ અને રવિ પાક માટે વચ્ચે પૂરતો સમય મળવાના કારણે જમીન તૈયાર કરવા પૂરો સમય મળે છે એટલે ગુજરાતમાં પરાળ બાળવાનું નહિવત્ છે."

"અત્યારે જે લોકોએ ડાંગરનો પાક લઈ લીધો છે એ હવે નવેમ્બરના અંત સુધીમાં ઘઉંનો પાક વાવશે. એટલે ખેડૂતોને ખેતરો સાફ કરવા માટે પૂરતો સમય મળી રહે છે અને ખેડૂતો આ પરાળને પશુના ખોરાક માટે પણ રાખી મૂકે છે."

"ગુજરાતમાં પશુપાલન વધારે હોવાથી ખેડૂતો પરાળને બાળવાના બદલે તે પશુના ખોરાક માટે સાચવી રાખે છે."

"એરંડા અને બીજા પાકનો સમય જૂન-જુલાઇમાં હોય છે અને તેની પરાળ કાઢવા માટે ખેડૂતોને રોટાવેટર મશીન વાપરવા માટે ઍજ્યુકેટ કર્યા છે."

"સરકાર આ મશીન ખરીદવા સબસિડી પણ આપે છે એટલે મોટા ભાગના ખેડૂતો રોટાવેટર મશીનથી એરંડા અને કપાસનાં મૂળિયાં ઉખાડી નાંખે છે. કૃષિ મેળા દરમિયાન અમે એમને પ્રશિક્ષિત કર્યા છે એટલે પરાળ બાળવાની સમસ્યા ઘણી ઓછી છે."

"ક્યાંક પરાળ બળાતી હશે તો પણ એ માર્ચ-એપ્રિલનો ગાળો હોય છે એટલે વધુ પ્રદૂષણ થવાનો સવાલ નથી."

"એટલું જ નહીં સોઇલ ટેસ્ટિંગના પ્રયોગો પછી ખેડૂતોને એ સમજાવવામાં સફળ રહ્યા છીએ કે, પરાળ બાળવાથી જમીનને નુકસાન થાય છે. ખેડૂતોની માનસિકતા બદલાઈ છે અને પરાળ બાળતા નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો