રિષભ પંતે રાજકોટની મૅચમાં કરી ભૂલ, લોકોએ ઉડાવી મજાક

રોહિત શર્મા Image copyright Pti
ફોટો લાઈન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરીને ભારતને જીત અપાવી

રાજકોટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટી-20 મૅચમાં ભારતનો શાનદાર વિજય થયો છે.

રોહિત શર્માએ પોતાની કારકિર્દીની 100મી ટી-20 ઇન્ટરનેશનલ મૅચમાં ધમાકેદાર બેટિંગ કરીને ભારતને 8 વિકેટે જીત અપાવી હતી.

રાજકોટમાં રમાયેલી આ મૅચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારત તરફથી બેટિંગમાં ઊતરેલા ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને ધમાકેદાર બેટિંગ કરતા 118 રનની ભાગીદારી કરી હતી.

રોહિત શર્માએ રાજકોટના મેદાનમાં જાણે આતશબાજી કરતાં 6 ફૉર અને 6 સિક્સ સાથે 43 બૉલમાં 85 રન કર્યા હતા.

શિખર ધવને 31, કે. એલ. રાહુલે 8 અને શ્રેયાંસ ઐયરે 24 રન કર્યા હતા.

મૅચમાં મૅન ઑફ ધી મૅચ બનેલા કપ્તાન રોહિત શર્મા તો છવાયેલા રહ્યા પરંતુ વિકેટકીપર રિષભ પંતની લોકોએ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી.


રિષભ પંતની કેમ થઈ ટીકા?

રિષભ પંત ભારતીય ટીમમાં મિડલ ઑર્ડર બૅટ્સમૅન અને વિકેટકીપરની ભૂમિકામાં છે. જોકે, તેઓ છેલ્લા ઘણા સમયથી ટીકાકારોના નિશાને છે.

આ વચ્ચે જ રાજકોટમાં 7 નવેમ્બરને રમાયેલી મૅચમાં તેમણે એક ભૂલ કરી દીધી અને લોકોએ સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડાડવાનું શરૂ કરી દીધું.

રિષભ પંતે બાંગ્લાદેશના બૅટ્સમૅન લિટન દાસને ખોટી રીતે સ્ટમ્પ આઉટ કર્યા. જેનો ફાયદો બાંગ્લાદેશને મળ્યો.

બાંગ્લાદેશ બેટિંગ કરી રહ્યું હતું ત્યારે છઠ્ઠી ઓવર માટે યુઝવેન્દ્ર ચહલ આવ્યા. તેમના ત્રીજા બૉલમાં રિષભ પંતે બાંગ્લાદેશના બૅટ્સમૅનને સ્ટમ્પ આઉટ કર્યા.

બાંગ્લાદેશની વિકેટ ઝડપવાની ભારતીય ખેલાડીઓ ખુશી મનાવી રહ્યા હતા. ત્યાં મામલો થર્ડ અમ્પાયર પાસે પહોંચ્યો.


રિષભે ખોટી રીતે સ્ટમ્પ આઉટ કર્યા

Image copyright Getty Images
ફોટો લાઈન 2019ના વર્લ્ડ કપની મૅચમાં બાંગ્લાદેશ સામેની મૅચમાં વિકેટકીપર રિષભ પંત

જોકે, ભારતીય ટીમની ખુશી વધારે સમય ટકી નહીં અને થર્ડ અમ્પાયરે લિટન દાસને નોટ આઉટ જાહેર કર્યા.

લિટન દાસને સ્ટમ્પ આઉટના રિપ્લેમાં ખબર પડી કે રિષભ પંતે બૉલને વિકેટની આગળથી પકડી લીધો હતો.

તેમના ગ્લવ્ઝનો કેટલોક ભાગ સ્ટમ્પની આગળ હતો. જેના કારણે અમ્પાયરે તેને નો બૉલ જાહેર કર્યો અને બૅટ્સમૅનને ફ્રી હિટ આપી.

લિટન દાસે આ ભૂલનો ફાયદો ઉઠાવીને ફ્રી હિટમાં ફૉર મારી. જે બાદ રિષભ પંત સોશિયલ મીડિયા યૂઝર્સમમાં મજાકનું પાત્ર બની ગયા.

જોકે, આ જ લિટન દાસને ત્યાર બાદ રિષભ પંતે રન આઉટ કર્યા હતા.


લોકોએ શું કહ્યું?

બિકરમ નામના યૂઝર્સે કહ્યું કે જ્યારે તમે બીવાયજેયુ ઍપ પરથી વિકેટકીપિંગ શીખો ત્યારે આવું થાય.

જ્યારે સ્પોર્ટસેન્ટર નામના હૅંડલ પરથી ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની અને રિષભ પંતની સરખામણી કરવામાં આવી.

અનિકેત ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે ધોની સર રિષભ પંતને બેઝિક વિકેટકીપિંગ શીખવાડો.

અનિરબાન રૉય નામના એક યૂઝર્સે કહ્યું કે આપણા ભવિષ્યના ધોની કેટલા હોશિયાર છે.

વર્લ્ડ કપ બાદ ફરી મેદાન પર રમવા ઊતર્યા નથી તે મહેન્દ્ર સિંહ ધોની સાથે મોટા ભાગના લોકોએ રિષભ પંતની સરખામણી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો