હાર્દિક પટેલ : ખેડૂતોને સહાય ન કરી શકે, તો રૂપાણીને 200 કરોડના વિમાન શી જરૂર છે

હાર્દિક પટેલ Image copyright facebook/hardik patel

હાર્દિક પટેલે આજે ફેસબુક લાઇવ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું.

હાર્દિકે સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ગાડી લેવા જઈએ તો તેના ભાવ કંપની નક્કી કરે તો પછી ખેડૂતોના પાકના ભાવ સરકાર કેમ નક્કી કરે છે?

ગુજરાતમાં લાંબા ચાલેલા ચોમાસા અને ત્યાર બાદ 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાના કારણે ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

જે બાદ ખેડૂતોએ પાક નુકસાનના વળતરની અને આ મામલે જલદી વીમા કંપનીઓ વીમો આપે તેવી માગણી કરી છે.

બીજી તરફ ગુજરાતના મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રી બંનેએ ખાતરી આપી છે કે ખેડૂતોને વળતર મળશે.


હાર્દિક પટેલે શું કહ્યું?

ખેડૂતોના પાકને નુકસાન થવા મામલે હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપતા કહ્યું, "અમે સરકારને 12 તારીખ સુધીનો સમય આપીએ છીએ."

"ત્યાં સુધીમાં સરકાર ખેડૂતોના હિત માટેના નિર્ણયો કરે. જો 12 તારીખ સુધીમાં સરકાર નિર્ણયો નહીં કરે તો 13 તારીખથી આંદોલન કરવામાં આવશે."

"અમે એટલા માટે ખેડૂતો માટે બોલીએ છીએ કેમ કે સરકારે ખેડૂતો માટે કંઈ કર્યું નથી. ખેડૂતોની હાલત અત્યારે ખરાબ છે."

"તાજેતરમાં જ એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે, જો ખેડૂતોની વાત નહીં કરીએ તો દિવસેને દિવસે ખેડૂતોની આત્મહત્યાના બનાવ વધશે તેનું પાપ આપણે લાગશે."

હાર્દિક પટેલે કહ્યું, "તમે બધા જાણો છો કે આપણે ફેર ઍન્ડ લવલી લેવા જઈએ તો તેનો ભાવ કંપની નક્કી કરે. આપણે ગાડી લેવા જઈએ તો તેનો ભાવ કંપની નક્કી કરે."

"ખેડૂતો પોતાના ખેતરમાં મગફળી વાવે તો ખેડૂતો તેનો ભાવ કેમ નક્કી કરી શકતા નથી. હું ભાજપ કૉંગ્રેસની વાત નથી કરતો પરંતુ ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે."

"ખેડૂતોને પોતાના પાકનો ભાવ નક્કી કરવાનો અધિકાર આપવો જોઈએ. અમે સરકારનો વિરોધ નથી કરતા અમે સરકારને સમાધાન આપીએ છીએ."

"ખેડૂતને કોઈ સાથ નથી આપતા એટલે તે બોલી શકતા નથી. અમે લોકો ખેડૂતો માટે બોલવાના છીએ. અમે 13 નવેમ્બરના રોજ રાજકોટના પડધરી ખાતે એક દિવસના પ્રતીક ઉપવાસનું આયોજન કર્યું છે."

"ખેડૂતોને તેનો વીમો જલદી આપી દો, ખેડૂત અરજી કરવા જાય કે પોતાનો પાક બચાવવા જાય? વીમો લીધો હોય એને જ નહીં તમામને વળતર આપી દો. સરકાર પાસે ડેટા છે જ."

"સરકારે ખેડૂતોનું દેવું માફ કરી દેવું જોઈએ, જો સરકાર ખેડૂતોનું દેવું માફ ના કરી શકતી હોય તો વિજય રૂપાણીને 200 કરોડના પ્લેનમાં ફરવાની ક્યાં જરૂર છે."


સરકાર માટે વીમાનો પ્રશ્ન

સરકાર માટે વીમાનો પ્રશ્ન હાલ માથાનો દુખાવો બની ગયો છે. વીમા કંપનીઓને અરજી કર્યા બાદ અને તેનો સર્વે થયા બાદ ખેડૂતોને વીમો આપવામાં આવે છે.

આ મામલે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ગુજરાતના જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવશે. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.

પત્રકારો સાથે વાત કરતાં રૂપાણીએ કહ્યું હતું કે તમામને તાત્કાલિક વીમો ચૂકવવામાં આવશે.

આ મામલે ગુજરાતના કૃષિમંત્રી આર. સી. ફળદુ પણ અનેક વખત કહી ચૂક્યા છે કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂતોને વીમો મળશે.

સરકારના કહેવા પ્રમાણે કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપી દીધો છે. ઘણા વિસ્તારોમાં સર્વે થઈ ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો