મહારાષ્ટ્ર : દેવેન્દ્ર ફડણવીસનું રાજીનામું, બનશે સરકાર કે રાષ્ટ્રપતિશાસન સસ્પેન્સ બરકરાર

Image copyright CMO Maharashtra

શિવસેના અને ભાજપ વચ્ચે સરકાર બનાવવાને મામલે ગુંચવાયેલું કોકડું ઉકેલવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું છે.

ફડણવીસના રાજીનામાને પગલે શિવસેના અને ભાજપ વચ્ચેની સત્તાની ખેંચતાણમાં નવી સ્થિતિ ઊભી થઈ છે.

બેઉ પક્ષો પોતે પોતાના નેતૃત્ત્વમાં સરકાર રચવાનો દાવો પણ કરે છે.

રાજ્યમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લદાશે તે અંગે સસ્પેન્સ બરકરાર છે. સરકારની રચના માટે હવે ગણતરીના કલાકોનો સમય બચ્યો છે.

ભાજપ-શિવસેના એક સાથે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. સરકાર બનાવવા માટે તેમના ગઠબંધન પાસે પૂરતો આંકડો હોવા છતાં મુખ્ય મંત્રી પદ એટલે કે સત્તામાં બરોબરીની ભાગીદારીના સમીકરણની માગણીને પગલે કોકડું ગૂંચવાયું હતું

મહારાષ્ટ્રમાં સરકાર કોણ બનાવશે એ પ્રશ્નનો જવાબ હજી સુધી મળ્યો નથી.

શિવસેના અને ભાજપના નેતાઓના સરકાર બનાવવાના દાવાઓ વચ્ચે મુખ્ય મંત્રી પદેથી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું છે.


દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું ?

Image copyright Getty Images

પત્રકારપરિષદમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ''મેં રાજ્યપાલને મારું રાજીનામું સોંપી દીધું છે.''

''મેં પાંચ વર્ષ મહારાષ્ટ્રની સેવા કરી અને અમારી સરકારે સંપૂર્ણ રીતે પારદર્શક રહીને કામ કર્યું છે.''

''મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તાર જ નહીં મુંબઈ જેવાં શહેરોમાં પણ વિકાસકાર્યો કર્યાં છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો પ્રયાસ કર્યો છે.''

''મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષમાં અમારી સરકારે ઘણો વિકાસ કર્યો છે અને હજી મહારાષ્ટ્ર સામે અનેક પ્રશ્નો છે એ પણ સ્વીકારવું જરૂરી છે.''

''મહારાષ્ટ્રની જનતાએ ભાજપ-શિવસેના પર વિશ્વાસ મૂકીને અમને જીત આપી છે. લોકોએ મહાયુતિ માટે મતદાન કર્યું હતું.''

''હું સ્પષ્ટપણે કહું છું કે મારી હાજરીમાં શિવસેના સાથે ક્યારેય અઢી વર્ષના મુખ્ય મંત્રીનો નિર્ણય લેવાયો નથી.''

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ''ભાજપની જીતનો સ્ટ્રાઇક રેટ 70 ટકા રહ્યો છે.''

એમણે કહ્યું કે ''બાલાસાહેબ ઠાકરેનું અમે સન્માન કરીએ છીએ એટલે તેમનું અપમાન કરવાનો પ્રશ્ન જ નથી.''

દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કરેલી ટીકાઓને પણ યાદ કરી.

ફડણવીસે કહ્યું કે ''છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન શિવસેનાએ જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી, વિરોધ પક્ષ ટીકા કરે એ તો સમજી શકીએ. પણ જે પક્ષ સાથે સરકાર બનાવવાની છે તેના મુખ્ય નેતાની આ રીતે ટીકા કરે એ યોગ્ય નથી.''

ફડણવીસે શિવસેનાની ટીકા કરવાની પદ્ધતિને અમાન્ય ઠેરવી એની સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે ''આવી ટીકા તો વિરોધપક્ષ કૉંગ્રેસે પણ ક્યારેય કરી નથી.''

ફડણવીસે કહ્યું કે ''મહારાષ્ટ્રમાં જે પણ સરકાર બનશે તે ભાજપના નેતૃત્વમાં જ બનશે એવો વિશ્વાસ અહીં હું તમારી સમક્ષ પ્રગટ કરું છું.''

ફડણવીસે પત્રકાર પરિષદમાં કહ્યું, "ભાજપ-શિવસેનાની યુતિ તૂટી ગઈ છે એવું હું કહેતો નથી, અમારી તરફથી હજી સુધી યુતિ તોડવામાં આવી નથી. એમના(શિવસેના) તરફથી તોડવામાં આવી હોય તો અમને ખબર નથી."


શિવસેનાના નેતૃત્વમાં સરકાર બનશે - સંજય રાઉત

Image copyright Getty Images

દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શિવસેના પર નિશાન સાધ્યું હતું.

ફડણવીસના આરોપોનો જવાબ આપતાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે શિવસેનાને કારણે સરકાર બનાવવાની વાત અટકી નથી.

રાઉતે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ અમે ક્યારેય વ્યક્તિગત ટિપ્પણી કરી નથી."

ફડણવીસને જવાબ આપતાં રાઉતે કહ્યું, "ફરી ભાજપના નેતૃત્વમાં સરકારે બનશે એવું જો તેમનું (ફડવીસનું) કહેવું હોય તો અભિનંદન આપીશું, મારા પક્ષ તરફથી કહું છું કે અમે ઇચ્છીએ તો શિવસેનાના નેતૃત્વમાં સરકાર બનાવી શકીએ છીએ અને અમારો મુખ્ય મંત્રી બની શકે છે."

આ મામલે શિવસેનાનું વલણ સ્પષ્ટ ચીફ ઉદ્ધવ ઠાકરેએ પણ પત્રકાર પરિષદ કરી.

એમણે કહ્યું કે "અમિત શાહ અને ફડણવીસ અમારી પાસે આવ્યા અને યુતિની ચર્ચા કરી."

"ઉપમુખ્ય મંત્રીનો પ્રસ્તાવ આવ્યો ત્યારે જ મેં સ્પષ્ટ કહ્યું હતું કે ઉપમુખ્ય મંત્રીપદ માટે અમે લાચાર નથી"

"મેં તેમને (અમિત શાહને) કહ્યું હતું કે મેં શિવસેનાને વાયદો કર્યો છે કે એક દિવસ શિવસેના પાસે મુખ્ય મંત્રી પદ આવશે."

"અમિત શાહે મને કહ્યું હતું કે ઉદ્ધવજી મારા સમયમાં આપણો સંબંધ બગડ્યો હતો અને હવે અમે જ સુધારીશું."

"ફડણવીસે કહ્યું કે મેં ચર્ચા રોકી દીધી વાત સાચી છે મેં જ રોકી દીધી. કેમ કે તમે ચર્ચા થયા છતાં એવું કહ્યું કે મુખ્ય મંત્રી પદ આપવા અંગે ચર્ચા થઈ જ નથી. એટલે મને શિવસૈનિકો સામે ખોટો પાડવાનો પ્રયાસ થયો એટલે મેં સરકાર બનાવવા અંગેની ચર્ચા રોકી દીધી હતી."

"હું ભાજપનો શત્રુપક્ષ માનતો નથી અને ખોટું બોલવાની અમારી પરંપરા નથી. હું હજી ભાજપ સાથે ચર્ચા કરવા માટે તૈયાર છું પણ ઉપમુખ્ય મંત્રીના પદ માટે અમે તૈયાર નથી."


જો સરકાર નહીં બને તો...

Image copyright Getty Images
ફોટો લાઈન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી

જો 9 નવેમ્બર સુધી કોઈ પણ પક્ષની સરકાર નહીં બની શકે અથવા તો કોઈ પક્ષ રાજ્યપાલના આમંત્રણનો સ્વીકાર કરી ન શકે તો એવામાં રાજ્યપાલની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની બની જાય છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ સચિવ અનંત કળસે બીબીસીની મરાઠી સેવા સાથે વાત કરતાં જણાવે છે, "રાજ્યપાલ અને સૌથી વધારે સીટ મેળવનારી પાર્ટી સરકાર રચવા મહત્ત્વની ભૂમિકા અદા કરે છે."

"કોઈ પણ પાર્ટીને બહુમત ન મળતાં ભાજપે રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો કરતો પત્ર આપવો જોઈએ અથવા રાજ્યપાલ તેમને આ માટે નિમંત્રણ આપી શકે છે."

ભારતના બંધારણના નિષ્ણાંત ડૉ. ઉલ્હાસ બાપત કહે છે, "રાજ્યપાલ સૌથી વધારે બેઠક મેળવનારા પક્ષને નિમંત્રણ આપે છે. મહારાષ્ટ્રમાં હાલની સ્થિતિને જોતાં રાજ્યપાલ ભાજપને બોલાવશે."

"જો ભાજપના નેતા સરકાર રચવા આમંત્રણનો સ્વીકાર કરશે તો તેમણે બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે."

"જો ભાજપ સરકાર બનાવવાનો ઇન્કાર કરી દે તો બીજા નંબરના પક્ષને તક આપવામાં આવશે."

ડૉ. ઉલ્હાસ કહે છે, "જો તમામ દળ સરકાર બનાવવાની ના પાડી દે છે તો રાજ્યપાલ તેની જાણકારી રાષ્ટ્રપતિને આપશે અને અનુચ્છેદ 256 મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ