રામમંદિરના કારણે ભાજપનો દેશમાં રાજકીય ઉદય થયો?

1989માં પ્રચારમાં વ્યસ્ત લાલકૃષ્ણ અડવાણી Image copyright Getty Images
ફોટો લાઈન 1989માં પ્રચારમાં વ્યસ્ત લાલકૃષ્ણ અડવાણી

બાબરી મસ્જિદ અને રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. વિવાદિત જમીન રામલલ્લા વિરાજમાનને તથા મસ્જિદ માટે અલગ જમીન આપવાનો કોર્ટે આદેશ કર્યો છે.

આ સાથે જ ભારતીય જનતા પક્ષે 1980ના અંતમાં રામમંદિરનિર્માણ માટે આરંભેલી ચળવળ સફળ થઈ હોવાનો દમ ભર્યો હશે.

ભાજપની રચના 1980માં થઈ હતી. તેના મોટા ભાગના નેતાઓ જનસંઘના હતા.

નોંધનીય છે કે 1984માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 2 જ બેઠકો મળી શકી હતી.

આ ચૂંટણીના થોડા સમય પહેલાં જ વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અયોધ્યામાં રામમંદિર બનાવવાના મુદ્દાનો ચૂંટણીમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો હતો, પરંતુ એ સમયે આ મુદ્દાની એ ચૂંટણીમાં મોટી અસર જોવા મળી નહોતી.

આ ચૂંટણીમાં તત્કાલિન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી અને કૉંગ્રેસ પક્ષ માટે સર્જાયેલી સહાનુભૂતિની લહેરના કારણે ભાજપને આ ચૂંટણીમાં સખત હારનો સામનો કરવો પડ્યો હતો.


વિવાદની શરૂઆત

Image copyright Getty Images

ભાજપ તરફથી 2 વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયેલા અને અયોધ્યાના રહેવાસી રામ વિલાસ વેદાંતીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ ચળવળ બાદ લોકોને કૉંગ્રેસ પક્ષના કારણે હજુ સુધી રામમંદિર નહીં બની શક્યું હોવાની વાતની જાણ થઈ."

ચૂંટણીમાં 400 બેઠકો મેળવ્યા બાદ કૉંગ્રેસ પક્ષમાં થોડાક જ મહિનામાં મુશ્કેલીભર્યું વાતાવરણ સર્જાવા લાગ્યું.

ન્યાયાલયે એક મુસ્લિમ મહિલા શાહ બાનોને ભરણપોષણનાં નાણાં ચૂકવવાનો હુકમ કર્યો હતો.

આ હુકમનો અમલ થતો અટકાવવા માટે રાજીવ ગાંધી સરકાર એક નવો કાયદો લઈ આવી. જેના કારણે તેમની સરકાર પર મુસ્લિમ તુષ્ટિકરણના આરોપો લાગવા માંડ્યા અને સરકાર દબાણમાં આવી ગઈ.

આ ઘટના બાદ મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવી રહેલા હિંદુઓને મનાવવા માટે કૉંગ્રેસને એક રસ્તો સૂઝ્યો.

1 ફેબ્રુઆરી, 1986ના રોજ ફૈઝાબાદના ન્યાયાધીશ કે. એમ. પાંડેએ હિંદુઓ પૂજા-અર્ચના કરી શકે એ માટે બાબરી મસ્જિદનાં તાળાં ખોલવાનો હુકમ કર્યો.

નોંધનીય છે કે વર્ષ 1949થી ત્યાં રામલલ્લાની મૂર્તિ મૂકી દેવાઈ છે, પરંતુ આ પહેલાં ઇમારતની અંદર જઈને પૂજા કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.


રાજકીય નુકસાનની ભરપાઈ કરવું ભારે પડ્યું?

જોકે, બાબરી મસ્જિદ પર લાગેલાં તાળાં કોર્ટના હુકમ બાદ ખોલવામાં આવ્યાં હતાં. તેમ છતાં સરકારે જેટલી ઝડપ આ આદેશને લાગુ કરવામાં બતાવી તેના પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે 'શાહ બાનો' કેસમાં પક્ષને થયેલા રાજકીય નુકસાનની ભરપાઈ માટે તેણે આવું કર્યું છે.

'શાહ બાનો કેસ'માં સરકારે ભરેલાં પગલાંને કારણે હિંદુઓમાં કથિત મુસ્લિમ તુષ્ટિકરણ વિરુદ્ધ જે અજંપો સર્જાયો હતો તેણે યુદ્ધારુઢ ભાજપ અને તેના હિંદુવાદી સાથી પક્ષોને મજબૂત બનાવવાનું કામ કર્યું.

બીબીસી ઉર્દૂના વરિષ્ઠ પત્રકાર શકિલ અખ્તરે જણાવ્યું કે, "રાજીવ ગાંધીની સરકાર દ્વારા 'શાહ બાનો કેસ'માં લેવાયેલા નિર્ણય અને સલમાન રશદીના પુસ્તક પરના પ્રતિબંધને કારણે દેશના ઉદારમતવાદી હિંદુઓ ખાસ કરીને યુવાનો રોષે ભરાયા હતા."

"રાજીવ ગાંધી સરકારનાં આ પગલાને કારણે હિંદુઓમાં મુસ્લિમો અને કથિતપણે મુસ્લિમોની તરફેણ કરતી સરકાર માટે દુશ્મનાવટનો ભાવ પેદા કરી દીધો."

"આ સિવાય લગભગ તમામ હિંદુઓનાં મનમાં તુષ્ટિકરણ અને વોટ-બૅન્કના રાજકારણની છબિ સ્પષ્ટ બની ગઈ હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી વાર તમામ હિંદુઓ એક નાગરિક તરીકે નહીં, પરંતુ એક હિંદુ તરીકે વિચારી રહ્યા હતા."


રામરાજ્યનું સપનું

Image copyright Getty Images

જે બાદ 1989ની લોકસભાની ચૂંટણી આવી. આ ચૂંટણીમાં પણ કૉંગ્રેસ હિંદુઓને આકર્ષવાના પ્રયત્નો કરતી રહી.

આરએસએસ અને વીએચપીના રામમંદિરના મુદ્દા પરથી લોકોનું ધ્યાન હઠાવવા, કૉંગ્રેસ હિંદુઓને રામરાજ્ય સ્થાપવાનાં સપનાં દેખાડવા લાગી.

રાજીવ ગાંધીએ પોતે ફૈઝાબાદ જઈને રામરાજ્ય સ્થાપનાના પોતાના વાયદાનો પ્રચાર કર્યો. ત્યાર બાદ આ ઘટના જ મંદિરના પાયાનો પથ્થર બની. પરંતુ કૉંગ્રેસ પક્ષનું હિંદુ તરફી વલણ હંગામી સાબિત થયું.

વરિષ્ઠ પત્રકાર વી. એન. દાસ આ અંગે જણાવે છે કે, "આ સમયે કૉંગ્રેસે કયો રસ્તો સ્વીકારવો એ વિશે તેના નેતાઓ અવઢવમાં હતા. રાજીવ ગાંધીએ હિંદુત્વના મુદ્દા પર પકડ મજબૂત કરી પરંતુ પછી તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું. જેનો ફાયદો ભાજપને થયો"

કૉંગ્રેસના આ અપૂરતા પ્રયત્નો વિશે વાત કરતાં લખનૌ સ્થિત વરિષ્ઠ પત્રકાર વિરેન્દ્રનાથ ભટ્ટે કહ્યું, "ભારતમાં શરદ પૂર્ણિમાના દિવસે 'ખીર' બનાવવાની પરંપરા છે. આ ખીરને છત પર મૂકીને સવારે ખાવામાં આવે છે. કૉંગ્રેસે શરદ પૂર્ણિમાની 'ખીર' બનાવી તો ખરી, પરંતુ કમનસીબે તે આ 'ખીર' પી ન શકી."

ભાજપે તો માત્ર કૉંગ્રેસે જે કામ શરૂ કર્યું હતું તે તેણે ઉપાડી લીધું. આ કારણે જ વિરેન્દ્રનાથ ભટ્ટ કૉંગ્રેસને જ ભાજપના ઉદય માટે જવાબદાર ગણે છે. "હું ખૂબ જ દૃઢપણે માનું છું કે કૉંગ્રેસના કારણે જ ભાજપને આટલી જ્વલંત સફળતા સાથેની શરૂઆત હાંસલ થઈ શકી."


ભાજપનો સંકલ્પ

આ રસ્તા પર ચાલીને જ ભાજપે 1989માં પાલમપુરમાં ઠરાવ પસાર કર્યો કે અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે મંદિરનું નિર્માણ કરવું.

એ જ વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીઓમાં, પોતાના ચૂંટણીઢંઢેરામાં ભાજપે પહેલીવાર રામમંદિરનિર્માણની વાત સામેલ કરી.

તેનું પરિણામ એ આવ્યું કે 1984માં માત્ર 2 જ બેઠકો મેળવનાર ભાજપને 1989માં 85 બેઠકો મળી ગઈ.

શકીલ અખ્તરના જણાવ્યા મુજબ, "આ દેશમાં રાષ્ટ્રવાદના ઉદયની શરૂઆત હતી. અડવાણીને દેશના બદલાતા મિજાજનો ખ્યાલ આવી ગયો હતો."

"રામજન્મભૂમિની ચળવળે હિંદુઓમાં રહેલી વેરવિખેર રાષ્ટ્રવાદની ભાવનાને રાજકીય ચળવળ અને ધર્મને આધારે હિંદુ રાષ્ટ્રવાદમાં ફેરવી નાખી."

"રામજન્મભૂમિની ચળવળે દેશમાં પહેલી વાર હિંદુ રાષ્ટ્રવાદને સાંકળીને હિંદુઓના અંતરાત્માનો અવાજ બનાવવાનું કામ કર્યું."

ભાજપની વધતી લોકપ્રિયતાએ મંદિરના મુદ્દાને વધુ જલદ બનાવ્યો. આ સિવાય તત્કાલિન ભાજપપ્રમુખ અડવાણીના વધતા કદના કારણે જનતાદળની સરકાર ચિંતિત હતી.

વર્ષ 1990માં વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંઘે ભાજપની વધતી લોકપ્રિયતાને ઘટાડવા માટે મંડલ કમિશનની ભલામણોને આધારે અનામત દાખલ કરી.

મંડલ વિ. મંદિરની આ સ્પર્ધામાં ભાજપની જીત થઈ. સપ્ટેમ્બર, 1990માં અડવાણીએ રથયાત્રાનું આયોજન કર્યું, જેથી કારસેવકો મંદિરનિર્માણમાં મદદ કરી શકે.

રથયાત્રા દરમિયાન મુંબઈમાં અડવાણીએ કહ્યું હતું કે, "લોકો કહે છે કે હું રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદ અંગેના કોર્ટના નિર્ણયનો આદર નથી કરતો. મને જરા કહો તો ખરા, રામ ક્યાં પેદા થયા હતા એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે?"


અડવાણીની રથયાત્રા

Image copyright Getty Images

પત્રકાર વિરેન્દ્ર નાથ ભટ્ટ અનુસાર, અડવાણીની રથયાત્રામાં હિંદુ મતદારોને આકર્ષવા માટે જરૂરી બધું જ હતું.

તેમણે કહ્યું, "અડવાણીની રથયાત્રાએ ભાજપને એવો મંચ આપ્યો, જેણે તેને રાષ્ટ્રીય પાર્ટી બનાવવામાં ઘણી મદદ કરી."

જ્યારે 1991માં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાઈ, ત્યારે ભાજપને એ ચૂંટણીમાં ગઈ ચૂંટણીની સરખામણીએ 35 બેઠકો વધુ એટલે કે 120 બેઠકો મળી.

આ જ વર્ષે ઉત્તર પ્રદેશમાં પણ પહેલી વાર ભાજપની સરકાર બની અને કલ્યાણ સિંહ ત્યાંના મુખ્ય મંત્રી બન્યા. 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી ધ્વંસની ઘટના બાદ ન માત્ર કલ્યાણ સિંહની સરકાર પડી ભાંગી, પરંતુ ભાજપને પણ ઘણું નુકસાન વેઠવું પડ્યું.

આ ઘટના બાદ એવું લાગવા માંડ્યું કે રામમંદિરના મુદ્દાના કારણે ભાજપે જેટલી સફળતા મળવવાની હતી તે પક્ષને અગાઉથી જ મળી ચૂકી હતી.


શું હવે મંદિરના મુદ્દાની જરૂર નથી?

Image copyright Getty Images

લખનૌ સ્થિત વરિષ્ઠ પત્રકાર સુનિતા અરોન ભાજપના ઉદયનાં સાક્ષી રહ્યાં છે. "બાબરી ધ્વંસની ઘટના બાદ પક્ષનો ગ્રાફ સતત નીચે પડતો ગયો. વાજપેયીના નેતૃત્વમાં પક્ષે આ મુદ્દાને પાછળ છોડી દીધો."

"આ દરમિયાન પક્ષની કેન્દ્રમાં સરકાર બની ગઈ, જે કારણે પક્ષના નેતાઓને રામમંદિરનો મુદ્દો ફરી ચગાવવાની જરૂર ન લાગી."

"કદાચ આ જ કારણે પક્ષે વર્ષ 2004ની ચૂંટણીમાં 'ઇન્ડિયા શાઇનિંગ'નું સૂત્ર આપ્યું. તેમ છતાં ભાજપ ચૂંટણી હારી ગયો."

"2009ની ચૂંટણી વખતે પણ પક્ષે રામમંદિરના મુદ્દાને આગળ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપૂર્ણ શક્તિથી નહીં. ત્યાર બાદ વર્ષ 2014માં ભાજપે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ વિકાસના મુદ્દો આગળ મૂકવાનું કામ કર્યું."

રામમંદિરના મુદ્દાને સ્થાન વિકાસને પ્રાધાન્ય આપી આજે ભાજપ આખા દેશમાં સૌથી મોટો પક્ષ બની ગયો છે.

જો તમે ભાજપના ચૂંટણીઢંઢેરા તરફ એક નજર કરશો તો તમને બધું જ માત્ર બે લાઇનમાં જ સમજાઈ જશે. તેમને હવે વિજય માટે હિંદુકાર્ડ કે મંદિરના મુદ્દાની જરૂર નહોતી.

એક હિંદુ નેતા તરીકે નરેન્દ્ર મોદી જ્યારે વિકાસની વાત કરે છે ત્યારે તેઓ હિંદુઓને રીઝવવા માટે શ્રેષ્ઠ આકર્ષણ બની જાય છે"

સુનિતા અરોન પ્રમાણે, માત્ર મંદિરના મુદ્દાને કારણે જ ભાજપનો રાજકીય ઉદય થયો છે એવું નથી. "આ મુદ્દાએ પક્ષને મજબૂતી આપી. કૉંગ્રેસની અસફળતા, રાજીવ ગાંધીના મૃત્યુ બાદ નેતૃત્વમાં સર્જાયેલો ખાલીપો અને અન્ય પક્ષોમાં અંદરોઅંદરના ઝઘડાને કારણે પણ ભાજપને સત્તામાં આવવામાં મદદ કરી છે."

આજે ભાજપ દેશનો સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે, એ વાતમાં કોઈ બેમત નથી. જોકે, વિરોધી પક્ષના નેતાઓ હજુ પણ કહે છે કે ભાજપ સમાજમાં કોમી વિવાદો વધારીને અને રામમંદિરના મુદ્દાને આગળ મૂકીને સત્તા પર આવી છે. જોકે, ભાજપ આ તમામ આરોપોને નકારે છે.

ઊલટું ભાજપ કૉંગ્રેસ પર હિંદુ-મુસ્લિમના કોમી વિવાદને જન્મ આપવાનો આરોપ લગાવે છે. તેઓ કહે છે કે કૉંગ્રેસે મુસ્લિમોનો વોટ-બૅન્ક તરીકે ઉપયોગ કર્યો, કોમી રાજકારણની શરૂઆત કરી.

રામ વિલાસ વેદાંતી જણાવે છે કે, "ભાજપ અને મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રવર્તી રહેલો હિંદુ-મુસ્લિમ વિવાદ બિલકુલ ખતમ થઈ જશે અને વર્ષ 2024 સુધીમાં ભારત વર્લ્ડ લીડર બની જશે."

તમામ નિષ્ણાતો માને છે કે રામમંદિરના મુદ્દાના કાણે ભારતનું રાજકારણ સાવ બદલાઈ ગયું છે.

તેઓ બધા જ માને છે કે માત્ર ભાજપના ઉદય માટે જ નહીં, પરંતુ કૉંગ્રેસની અધોગતિ માટે પણ રામમંદિરનો મુદ્દો જ જવાબદાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ