નરેન્દ્ર મોદી પંજાબમાં, કરતારપુર સાહેબ ભારત માટે કેમ મહત્ત્વનું?

કરતારપુર

ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલા ડેરા બાબા નાનક ગામમાં જાણે બધા જ હરકતમાં આવી ગયા છે.

શનિવારે કરતારપુર કૉરિડોર મારફતે કરતાર પુર સાહિબ ગુરુદ્વારા દર્શન માટે ખુલ્લું મુકાશે.

જેના માટે પંજાબના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પુરુષો, મહિલાઓ અને બાળકો એકઠા થયાં હતાં.

આજે નરેન્દ્ર મોદી પંજાબના સુલતાનપુર લોધી ગયા હતા અને અહીં તેમણે ગુરુદ્વારામાં દર્શન કરી લોકોને સંબોધ્યા હતા.

શનિવારે જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન બંને દેશોનાં પ્રવેશદ્વારા ખુલ્લા મૂકશે ત્યારે લાખો શીખોના વર્ષોનાં સપનાં સાકાર થશે.


ગુરુ નાનક દેવ કોણ હતા?

ગુરુ નાનક દેવ શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરુ હતા.

તેઓ એક આધ્યાત્મિક ગુરુ, કવિ અને સમાજ સુધારક હતા. 12 નવેમ્બર એ તેમની 550મી જયંતી છે.

તેમણે સમાજમાંથી જ્ઞાતિવાદને દૂર કરીને દરેક મનુષ્ય એક સમાન હોવાના વિચારને પ્રાધાન્ય આપ્યું હતું.

તેમણે એક ઇશ્વરની ઉપાસનાને મહત્ત્વ આપ્યું. તેમણે પોતાનો સંદેશ ગુરુબાની તરીકે નોંધીને પોતાના શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડ્યો હોવાનું મનાય છે.


આ સ્થળનું મહત્ત્વ કેમ?

એક માન્યતા મુજબ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક 1522માં કરતારપુર ગયા હતા. તેમણે પોતાના જીવનના અંતિમ 18 વર્ષ ત્યાં વિતાવ્યાં હતાં.

એવું માનવામાં આવે છે કે કરતારપુરમાં જે સ્થાને ગુરુ નાનક દેવનું અવસાન થયું હતું ત્યાં ગુરુદ્વારા બનાવવામાં આવ્યું હતું.

કરતારપુર સાહેબ પાકિસ્તાનમાં આવેલું છે પરંતુ ભારતથી તેનું અંતર માત્ર સાડા ચાર કિલોમિટર છે.

અત્યાર સુધી શ્રદ્ધાળુઓ દૂરબીનની મદદથી કરતારપુર સાહેબનાં દર્શન કરતાં હતાં, તે પણ બીએસએફના જવાનોની હાજરીમાં.

તરણતારણ જિલ્લામાંથી આવેલાં 65 વર્ષનાં હરિન્દર સિંઘ કહે છે, "આ બહુ જ મોટી વાત છે, આના કરતાં મોટી કોઈ ક્ષણ હોઈ શકે નહીં. અમે આખી જિંદગી આ ક્ષણની રાહ જોઈ છે. અમે બહુ જ ખુશ છીએ. "

અન્ય એક સરહદનાં ગામથી આવેલા યાત્રાળુ બલવંત સિંઘ પોતાની ભૂરી પાઘડી સરખી કરતાં કહે છે, "અમે વર્ષોથી ગુરુનાનક દેવને પ્રાર્થના કરતાં હતા કે અમને આ જીવનમાં એક વખત તેમનાં આ ગુરુદ્વારાની મુલાકાત લેવા મળે, અંતે એ સાચું પડ્યું."

પાકિસ્તાનમાં આવેલું આ પવિત્ર સ્થળ શીખ અને અન્ય પંજાબીઓ માટે ખૂબ મહત્ત્વનું છે કારણ કે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવે પોતાના જીવનનાં છેલ્લા 18 વર્ષ અહીં વિતાવ્યાં હતાં.

12 નવેમ્બરે ગુરુ નાનકનો 550મો જન્મદિવસ છે, તે નિમિત્તે આ સીમા ખોલવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી થઈ હતી કે ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાનના આ ગુરુદ્વારાની મુલાકાત માટે વિના મૂલ્યે વિઝા આપવામાં આવશે.

આ કરાર મુજબ દરરોજના 5,000 ભારતીય યાત્રાળુઓને ગુરુદ્વારા દરબાર સાહેબની મુલાકાત માટે મંજૂરી આપવામાં આવશે.


ક્યાં છે આ ગામ અને ક્યાં તૈયાર થયો કૉરિડોર

Image copyright Gurpreet chawla/bbc

પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાયક શહેર આવેલું છે. તેમના ગુરુના નામ પરથી તેમના શ્રદ્ધાળુઓએ આ ગામ બનાવ્યું હોવાનું માનવામાં આવે છે.

રાવી નદીના પૂર્વ કિનારા પર ભારત પાકિસ્તાન સરહદથી 1 કિલોમિટરના અંતર પર ડેરા બાબા નાયક ગુરુદ્વારા આવેલું છે.

નદીના પશ્ચિમ કિનારે પાકિસ્તાનનું કરતારપુર ગામ આવેલું છે. આંતરરાષ્ટ્રીય સીમાથી 4.5 કિલોમિટર અંદર પાકિસ્તાનના નરોવાલ જિલ્લામાં કરતારપુર સાહેબ ગુરુદ્વારા આવેલું છે.

ભારતમાં આવેલા ડેરા બાબા નાયકથી કરતારપુર સાહેબ કૉરિડોરનો રસ્તો 4.1 કિલોમિટર લાંબો છે, તેમાં ડેરા બાબા નાયકથી આંતરરાષ્ટ્રીય સીમા સુધીના આ ફોરલૅન હાઇવે તેમજ આર્ટ પૅસેન્જર ટર્મિનલ બિલ્ડીંગ આવેલાં છે.


પાકિસ્તાનની ચાલ?

ફોટો લાઈન ગુરુદ્વારાની અંદરની તસવીર

એક તરફ યાત્રાળુઓ આ સીમા ખૂલી જવાથી ખૂબ ઉત્સાહમાં છે, ત્યારે ભારતમાં કેટલાંક લોકો એવા પણ છે જે આ પગલાંને પાકિસ્તાનની ચાલ તરીકે જુએ છે.

આ ઉદ્ઘાટન પહેલાં પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે એક નિવેદનમાં કહ્યું હતું, "આની પાછળ આઈએસઆઈની નકારાત્મક ગણતરી છે. આપણે બહુ ધ્યાન રાખવું પડશે."

"એક તરફ તેઓ આપણને માનવતા અને કરુણા દર્શાવી રહ્યા છે અને બીજી બાજુ તેઓ આ કૉરિડોરનો ભારતીય શીખોમાં આઈએસઆઈની મદદથી 2020માં ખાલીસ્તાની લોકમત મેળવવા સ્લીપર સેલ ઊભા કરવાનો વિચાર છે."

હાલ આ વિસ્તારમાં પંજાબ પોલીસ અને કમાન્ડો સાથેનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે, તેમજ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે.

આ સ્થળ હાલ પોલીસની હાજરીથી છાવણીમાં ફેરવાઈ ગયું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર "શનિવારે ઘણા વીઆઈપી અને હજારો લોકો આવી રહ્યા હોવાથી અમે અમૃતસર અને અન્ય વિસ્તારોમાંથી પોલીસ અહીં તહેનાત કરી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો