અયોધ્યા ચુકાદો : મુસ્લિમ પક્ષ નારાજ, ઓવૈસી બોલ્યા, 'પાંચ એકર જમીનની ખેરાત નથી જોઈતી'

અસદુદ્દીન ઓવૈસી Image copyright Getty Images

અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે, તેના પર ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમિનના નેતા અસદુદ્દીન ઓવૈસીએ અસંતોષ વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું, "ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ તરફથી મારું પણ માનવું છે કે અમે આનાથી સંતુષ્ટ નથી. સુપ્રીમ કોર્ટ સુપ્રીમ ચોક્કસથી છે પણ અચૂક નથી એવું એ જસ્ટીસ જે. એસ. વર્માએ કહ્યું હતું. 6 ડિસેમ્બર 1992માં જેમણે બાબરી મસ્જિદને તોડી, આજે એમને જ સુપ્રીમ કોર્ટ કહી રહ્યું છે કે ટ્રસ્ટ બનાવીને મંદિરના નિર્માણનું કામ શરૂ કરો. જો મસ્જિદ ન તોડી પડાઈ હોત તો કોર્ટનો નિર્ણય શો હોત?

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપવા માટે આપેલા આદેશ પર પણ ઓવૈસીએ અસહમતી દર્શાવી.

તેમણે જણાવ્યું, "હું એ તમામ વકીલોનો આભાર માનું છું, જેઓ મુસ્લિમો વતી કેસ લડ્યા. પાંચ એકર જમીનનો ચુકાદો આપ્યો છે, હિંદુસ્તાનના મુસ્લિમ એટલા ગરીબ નથી કે 5 એકર જમીન ન ખરીદી શકે. અમારે ખેરાત નથી જોઈતી. અમે કાયદાકીય હક માટે લડી રહ્યા હતા. આપણે પાંચ એકરની ઑફરને નકારવી જોઈએ. દેશ હિંદુરાષ્ટ્રના રસ્તે જઈ રહ્યો છે."

કૉંગ્રેસ દ્વારા રામમંદિરના નિર્માણ મુદ્દે સમર્થન અપાતાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "કૉંગ્રેસે પોતાનો અસલ રંગ ઝળકાવ્યો છે. કૉંગ્રેસે કપટ અને દંભ ન કર્યાં હોત તો 1949માં ત્યાં મૂર્તિઓ રખાઈ ન હોત. રાજીવ ગાંધીએ જો તાળાં ખોલ્યાં ન હોત તો હજુ પણ ત્યાં મસ્જિદ હોત. જો નરસિમ્હા રાવ પોતાની ફરજ ચૂક્યા ન હોત તો હજુ પણ ત્યાં મસ્જિદ હોત."


પુસ્તકનું કવર શા માટે શૅર કર્યું?

ઓવૈસીએ એક પુસ્તકનું કવર પોતાના અધિકૃત ટ્વીટર હૅન્ડલ પર શૅર કર્યું.

ઑક્સફોર્ડ ઇન્ડિય દ્વારા છાપવામાં આવેલા આ પુસ્તકનું નામ છે, 'સુપ્રીમ બટ નૉટ ઇનફૅલિબલ' એટલે કે 'સર્વોચ્ચ પણ અચૂક નહીં.'

આ પુસ્તકમાં સુપ્રીમ કોર્ટ સંબંધિત નિબંધોનું સંપાદન કરાયું છે. પુસ્તકના સંપાદકોમાં એ રાજીવ ધવન પણ સામેલ છે, જેમણે આ મામલે સુન્ની પક્ષ તરફથી દલીલ કરી હતી.

પત્રકારપરિષદમાં ઓવૈસીએ જણાવ્યું કે 'સુપ્રીમ બટ નૉટ ઇનફૅલિબલ' તેમણે નહીં જસ્ટીસ જે. એસ. વર્માએ કહ્યું હતું, જેનું સન્માન સંઘ પરિવાર પણ કરે છે.


ચુકાદાના અભ્યાસ બાદ નિર્ણય

સુપ્રીમ કોર્ટ દ્વારા સુન્ની વકફ બોર્ડના દાવાને ખારિજ કરાતાં તેમના વકીલ ઝફરયાબ ઝિલાનીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે.

તેમણે ચુકાદા બાદ યોજાયેલી પત્રકારપરિષદમાં બોર્ડના ભવિષ્યનાં પગલાં વિશે માહિતી આપી હતી.

ઝિલાનીએ કહ્યું છે કે તેઓ ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ હાથ ધરશે અને પછી સમીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે સર્વાનુમતે ચુકાદો આપતાં કહ્યું કે બાબરી મસ્જિદ ગુબંજનું સ્થળ હિંદુ પક્ષકારોને મળવું જોઈએ.

મસ્જિદની કોઈ કિંમત આંકી ન શકાય એટલે સુપ્રીમના આદેશ મુજબ પાંચ એકર જમીન લેવાનો કોઈ અધિકાર નથી.

ઝિલાનીએ કહ્યું હતું કે ચુકાદાનું સન્માન થવું જોઈએ અને તેની સામે કોઈ વિરોધ કે પ્રદર્શન ન થવાં જોઈએ.

શરિયત મુજબ મસ્જિદનું કોઈ મૂલ્ય ન થઈ શકે. તેના બદલે પાંચ એકર તો શું પાંચસો એકર જમીન પણ ન લઈ શકીએ, તેની માલિકી માત્ર અલ્લાહની છે.

ઝિલાનીએ પત્રકારપરિષદમાં ચુકાદા પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "જ્યારે કોર્ટ દ્વારા એ વાત સ્વીકારી લેવાઈ છે કે એ જગ્યા પર નમાઝ પઢવામાં આવતી હતી. તેમજ મસ્જિદની અંદર મૂર્તિ મૂકવી ગેરકાયદેસર હતી. તેમ છતાં જમીન તેમને સોંપી દેવાની વાત બિલકુલ વાજબી નથી."


હવે આગળ શું?

હવે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા મુસ્લિમ પક્ષકારો માટે વૈકલ્પિક સુવિધા કરવાનો આદેશ કરીને, વિવાદિત જમીન રામલલ્લા વિરાજમાનને સોંપી દેવાઈ છે, ત્યારે દાયકાઓથી વિવાદિત જમીન પર પોતાની માલિકીનો દાવો કરનાર સુન્ની વકફ બોર્ડના વકીલ ઝફરયાબ ઝિલાની અંદરોઅંદર ચર્ચા કર્યા બાદ સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ રિવ્યૂ પીટિશન દાખલ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો