રામજન્મભૂમિ ચુકાદો : અયોધ્યામાં નવી મસ્જિદ કઈ રીતે બનશે

મસ્જિદ Image copyright Getty Images

અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે. જેમાં કોર્ટની પાંચ જજોની બંધારણીય પીઠે બાબરી મસ્જિદના ગુંબજની જગ્યા હિંદુપક્ષને આપવાનો જ્યારે મુસ્લિમ પક્ષને મસ્જિદ બાંધવા અયોધ્યામાં અન્ય સ્થળે 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું કે બાબરી મસ્જિદના ગુંબજની જગ્યા હિંદુઓને મળે જ્યારે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ માટે અયોધ્યામાં અન્ય સ્થળે 5 એકર અનુકૂળ જમીન આપવામાં આવે.

ત્યારે એક સવાલ એ પણ થાય કે કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ બાંધવા માટે જમીન આપવાનું કહ્યું એ ક્યારે શક્ય બનશે?


ચુકાદા સામે રિવ્યૂ પિટિશન?

Image copyright Getty Images

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સેક્રેટરી ઝફરયાબ ઝિલાનીએ ચુકાદા બાદ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના બૅનર હેઠળ પત્રકારપરિષદ યોજી હતી.

જેમાં ચુકાદાથી તેઓ અંસતુષ્ટ હોવાનું કહી ચુકાદા સામે રિવ્યૂ પિટિશનનો વિકલ્પ ઉપલબ્ધ હોવાની વાત કહી હતી.

જોકે તેમણે એમ પણ કહ્યું કે તમામ નિર્ણયો સંપૂર્ણ ચુકાદો વાંચ્યા બાદ, તેનું વિશ્લેષણ કર્યા પછી જ લેવામાં આવશે.

બાદમાં યુપીના સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારુકીએ સ્પષ્ટતા કરી કે તેઓ ચુકાદાને આવકારે છે અને તેઓ રિવ્યૂ પિટિશન કરવા અંગે વિચારી રહ્યા નથી.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે 'રિવ્યૂ પિટિશન કરવામાં આવશે એવું કહેનારા વકીલ કે સંસ્થાની વાત એ તેમની વ્યક્તિગત છે અને તેમાં સુન્ની વકફ બોર્ડનું વલણ સામેલ નથી.'

જોકે, બાદમાં ઝિલાનીએ એવી પણ સ્પષ્ટતા કરી કે તેઓ મુસ્લિમ બોર્ડના સેક્રેટરી તરીકે પત્રકારપરિષદ સંબોધી રહ્યા હતા નહીં કે વકફ બોર્ડના પ્રતિનિધિ તરીકે.

મસ્જિદ બાંધવાના પૈસા ક્યાંથી આવશે?

Image copyright AFP

આ મામલે વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી કહે છે કે હાલની વિવાદીત જમીન હિંદુ પક્ષને આપવામાં આવી છે, જેમાં વાત 2.77 એકરની છે, તે ખરેખર લગભગ 1500 સ્ક્વૅરયાર્ડ છે.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "જ્યાં સુધી મસ્જિદની વાત છે તો એ માટે સરકારે અયોધ્યામાં 5 એકર જગ્યા ફાળવવા માટે કહ્યું છે તથા તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્નેને નિર્દેશ આપ્યા છે."

"જેમ મંદિર બાંધવા માટે ટ્રસ્ટ બનાવી તેની કમિટી નક્કી કરવા કહેવાયું છે, તેવી જ રીતે આ મામલે પણ કામગીરી કરી શકાય."

"સરકાર 1993ની અયોધ્યા જમીન 'સંપાદન પ્રક્રિયા' હેઠળ જમીનની વ્યવસ્થા કરી શકે છે અને આગળની પ્રક્રિયા માટે ઍક્વિઝિશન ઑફ સર્ટન એરિયા ઍટ અયોધ્યા ઍક્ટનાં સૅક્શન 6 અને 7નો ઉપયોગ થઈ શકે."

મંદિર કે મસ્જિદ બાંધવા માટેના ફંડની વાત કરતાં તેમણે કહ્યું,"ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. આથી સરકાર મંદિર, મસ્જિદ બાંધવા માટે સીધું ફંડ આપી શકે નહીં. ટ્રસ્ટ તેની રીતે વ્યવસ્થા કરી શકે અથવા પક્ષકાર ભંડોળ ભેગુ કરી શકે."

આ ટ્રસ્ટનું ગઠન ઍક્વિઝિશન ઑફ સર્ટન એરિયા ઍટ અયોધ્યા ઍક્ટ, 1993નાં સૅક્શન 6 અને 7 હેઠળ કરવા કહેવાયું છે.

ત્રિપાઠીએ વધુમાં ઉમેર્યું,"કેન્દ્ર સરકારે ત્રણ મહિનામાં એક યોજના તૈયાર કરવાની છે. જેમાં ટ્રસ્ટની કામગીરી સંબંધિત જરૂરી જોગવાઈઓ, મૅનેજમૅન્ટ, ટ્રસ્ટીની સત્તાઓ, મંદિર-મસ્જિદના મામલા અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે."

તેમણે કહ્યું,"કોર્ટે બંધારણના આર્ટિકલ 142 હેઠળ મળેલી સત્તા વાપરીને ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીનનો પ્લૉટ ફાળવી આપવા માટે નિર્દેશ કર્યો છે."

"કોર્ટ અનુસાર 1993ના કાયદા હેઠળ સંપાદન કરી શકાય એવી જમીન કેન્દ્ર સરકાર જમીન ફાળવી શકે છે અથવા રાજ્ય સરકાર અન્ય કોઈ જગ્યાએ અનુકૂળ જમીન આપી શકે છે."

"જમીન ફાળવણી બાદ વકફ બોર્ડ મસ્જિદ બાંધવા માટે અન્ય સંગઠનની મદદ લઈ શકે છે. તેની તેમને છૂટ છે."

રિવ્યૂ પિટિશનની શક્યતા પર તેમણે કહ્યું કે બંધારણીય પીઠનો ચુકાદાનો છે એટલે રિવ્યૂ પિટિશનની સફળ થવાની શક્યતા નહિવત્ લાગી રહી છે.

મસ્જિદ બાંધવાની જવાબદારી કોની?

Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ દીપીકા ચાવડાનું કહેવું છે કે કોર્ટે સંતુલિત ન્યાય, જેને સંપૂર્ણ ન્યાય કહી શકાય, તે આપવા માટે બંધારણના આર્ટિકલ 142ની સત્તાનો ઉપયોગ પણ કર્યો છે.

તેમણે કહ્યું, "અયોધ્યાનો કેસ એક સિવિલ કેસ છે. તેમાં ટાઇટલનો મુદ્દો હતો અને તેના પર ચુકાદો આપ્યો છે."

"આથી હવે મંદિર કે મસ્જિદ બાંધવાની કામગારી જે તે પક્ષના સિરે પર જાય છે. મંદિર માટે ટ્રસ્ટની રચના કરવા કહ્યું છે, તો મસ્જિદ માટે જમીન ફાળવી દેવા કહેવાયું છે."

"હવે કમિટી બનશે અને પછી જે-તે પક્ષ સરકારોને પ્રપોઝલ આપી શકે છે. ત્યાર બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે."

"કોર્ટે ટાઇટલનો વિવાદ હતો તેમાં નિર્ણય સંભળાવ્યો હોવાથી હવે મંદિર-મસ્જિદ બાંધવાની પ્રક્રિયાને આકાર આપવાની કામગારી કેન્દ્ર સરકારનો વિષય છે."

"ટ્ર્સ્ટ બની શકે છે અને તેમાં સરકારની ભૂમિકા ભજવી શકે છે."

જોકે, 'ન્યૂ દિલ્હી સુન્ની વકફ બોર્ડ'ના પ્રતિનિધિ શકીલ અહમદ સઈદનું કહેવું છે કે જ્યાં હાલ મસ્જિદ છે તે જમીનની માગણી થઈ હતી આથી તેના સિવાયની જમીનની વાતની કોઈ જરૂર નથી.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "હજુ ચુકાદાનું વિશ્લેષણ બાકી છે. કોઈ ટિપ્પણી કરી નહીં કરી શકાય. બાદમાં તમામ વરિષ્ઠ વકીલો સાથે ચર્ચા-વિચારણા બાદ ભાવિ નિર્ણય કરવામાં આવશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો