પ્રવીણ તોગડિયા : 'જો કોર્ટ મારફતે જ રામમંદિરનિર્માણ કરવાનું હતું તો આંદોલન કેમ કરાવ્યું?'

બાબરી મસ્જિદ Image copyright Getty Images

શનિવારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 જજોની બંધારણીય બૅન્ચે અયોધ્યા કેસમાં રામલલ્લા વિરાજમાનની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો હતો.

પોતાના આદેશમાં બંધારણીય પીઠના તમામ જજોએ સર્વસંમતિથી વિવાદિત જમીન રામલલ્લા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો અને સરકારને 3-4 મહિનાની અંદર મંદિરનિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવાનું સૂચવ્યું હતું.

આ સિવાય મુસ્લિમ પક્ષકારોને મસ્જિદનિર્માણ માટે 5 એકર જમીન આપવાનો હુકમ કર્યો હતો.

રામમંદિરના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ રામમંદિર માટે આંદોલન ચલાવનાર મોખરાની સંસ્થાઓ પૈકી એક વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કોર્ટના આદેશ અંગે પોતાની પ્રતિક્રિયા આપી. જેમાં તેમણે ભાજપ પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા. વાંચો આ વાતચીતના ખાસ અંશ.


રામમંદિરનિર્માણ માટે આંદોલનની જરૂર શું હતી?

જ્યારે તેમને રામમંદિરનિર્માણ માટે આંદોલનની સરકારના વલણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભાજપ સરકારના વલણ અંગે પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, "આજે મને આંદોલનમાં આટલા બધા લોકોએ કેમ પ્રાણ ગુમાવવા પડ્યા એ વાતનું દુ:ખ થઈ રહ્યું છે."

"એક જ માતાનાં બે સંતાન, કોઠારી બંધુઓ, ગોધરાના રેલવે સ્ટેશન પર 59 લોકોએ કેમ જીવ ગુમાવવા પડ્યા, કારણ કે આંદોલન કરાયું હતું."

"જો કોર્ટ મારફતે જ રામમંદિરનિર્માણ કરવાનું હતું તો એ માટે તો કોઈ સારો વકીલ નીમી શકાયો હોત. પછી મંદિર માટે આંદોલન કરવાની જરૂર શું હતી?"

"કારણ કે વર્ષ 1984થી આરએસએસ અને ભાજપ કહેતું આવ્યું હતું કે આ કૉંગ્રેસની સરકાર છે અને આપણે સોમનાથની જેમ જ સંસદમાં કાયદો લાવી રામમંદિરનિર્માણ કરવાનું છે."

"આ કૉંગ્રેસની સરકાર ક્યારેય આવી રીતે મંદિર નહીં બનાવે. તેથી આંદોલન કરો અને અમારી સરકાર બનાવો."

"સોગંધ રામ કી ખાતે હે, મંદિર વહીં બનાયેંગેના નારા સાથે અડવાણીજીએ પણ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી."

"આંદોલન એટલા માટે કરાયું હતું કે રામમંદિરનું નિર્માણ કરવાનું હતું. આંદોલન એટલા માટે કરાયું હતું કે જેથી ભાજપની સરકાર આવશે ત્યારે સંસદમાં કાયદો બનાવીને રામમંદિરનું નિર્માણ કરાશે."

"2014માં પૂર્ણ બહુમતની સરકાર રચાઈ પણ ખરી, ત્યારે ટ્રિપલ તલાકનો કાયદો બન્યો, પરંતુ રામમંદિરન ન બન્યું."

"રામમંદિર તો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બન્યું. આજે મારા મનમાં પણ એ વાતનું દુ:ખ થઈ રહ્યું છે કે શું રામમંદિરના નામે સત્તા મેળવવા માટે લોકોના દીકરાઓએ જીવ ગુમાવવા પડ્યા?"

"જો આવું થયું હોય તો એ એક પાપ છે અને ભગવાન આ પાપનો દંડ આપશે."


બાબરી મસ્જિદ ધ્વસ્ત કેમ થવા દીધી?

Image copyright Getty Images

જ્યારે તેમને કહેવાયું કે તેમણે બાબરી મસ્જિદના માળખાને બચાવવા માટે સરકારે પૂરતા પ્રયત્નો નહોતા કર્યા? એ આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે, "6 ડિસેમ્બરના રોજ બાબરી ધ્વંસની ઘટના બની. જો બાબરીનું માળખું દૂર કરાયું ન હોત તો, જરા મને જણાવો કે શું આજ મંદિર બની શક્યું હોત?"

"રામમંદિરનિર્માણ માટે બાબરીનું માળખું દૂર કરવું જરૂરી હતું, પરંતુ કેટલાક લોકો એવા પણ હતા, જેઓ કહેતા હતા કે જ્યાં સુધી બાબરી મસ્જિદનું માળખું સલામત છે ત્યાં સુધી તેને બતાવીને મત મળશે. જો આ માળખાને દૂર કરી દેવાશે તો મત નહીં મળે."

"આવા લોકો 6 ડિસેમ્બરની સવારે બાબરી મસ્જિદને બચાવવા માગતા હતા, જેથી તેમને મત ન ગુમાવવા પડે."

"તેમણે મુસ્લિમ સમુદાય માટે મસ્જિદને બચાવવાનો પ્રયત્ન કર્યો ન હતો."

"એ દિવસે લાખો કારસેવકોએ બાબરી ધ્વંસની યોજનાને અંજામ આપ્યો અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી કલ્યાણ સિંહે પોતાની સરકાર પણ ગુમાવવી પડી."

"કોઈ સત્તા માટે બાબરી મસ્જિદ બચાવવા માગતું હતું તો કોઈ (કલ્યાણ સિંહ) સત્તા જાય તો પણ મંદિરને પક્ષે હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો