અયોધ્યા મામલે હિંદુ પક્ષને જીત અપાવનારા કે. પરાસરન

કે.પરાસરન Image copyright Twitter
ફોટો લાઈન કે.પરાસરન

બાબરી-રામજન્મભૂમિના વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીનને રામલલા વિરાજમાનને આપવાનો ફેંસલો સંભળાવ્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ અનુકૂળ જગ્યાએ પાંચ એકર જમીન આપવા કહ્યું છે.

રામલલા વિરાજમાન તરફથી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ કે. પરાસરને દલીલો કરી હતી. પરાસરનની વય હાલ 93 વર્ષની છે અને તેઓ પોતાની યુવા ટીમ સાથે સુપ્રીમ કોર્ટમાં ભાગવાન રામ તરફથી દલીલ કરી રહ્યા હતા.

9 ઑક્ટોબર 1927એ તમિલનાડૂના શ્રીરંગમમાં જન્મેલા પરાસરન તમિલનાડૂના ઍડ્વોકેટ જનરલ ઉપરાંત ભારતના ઍટર્ની જનરલ પણ રહી ચૂક્યા છે.

તે ઉપરાંત તેઓ વર્ષ 2012થી 2018 વચ્ચે રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. પરાસરનને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.


હિંદુ કાયદાના નિષ્ણાત

Image copyright Getty Images

પરાસરને કાયદામાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે અને હિંદુ કાયદાના અભ્યાસ બદલ તેમને ગોલ્ડ મેડલ પણ મળી ચૂક્યો છે. અભ્યાસ પૂર્ણ કરીને 50ના દાયકામાં તેમણે વકીલાત શરૂ કરી હતી.

તેઓ કૉંગ્રેસ સરકારના ઘણા નજીક રહ્યા. તે ઉપરાંત વાજપેયીની સરકાર દરમિયાન તેમણે સંવિધાનનાં કામકાજોની સમીક્ષા કરવા માટે બનેલી સંપાદકીય સમિતિમાં પણ કામ કર્યું હતું.

પરાસરન હિંદુ ધર્મનું ઊંડું જ્ઞાન ધરાવે છે. અયોધ્યાના મુદ્દે રામલલા વિરાજમાનના વકીલ રહેવા ઉપરાંત તેઓ સબરીમાલામંદિરના મુદ્દે ભગવાન અયપ્પા તરફથી પણ લડી રહ્યા છે.

હિંદુ ધર્મ પર આટલી મજબૂત પકડ હોવાને કારણે જ પરાસરન ભગવાન રામ સાથે ઘનિષ્ઠતા અનુભવે છે. તેમના નજીકના લોકો જણાવે છે કે અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી ચાલેલી રોજની સુનાવણી દરમિયાન તેઓ દરરોજ બહુ મહેનત કરતા હતા.

સુનાવણી સવારે 10.30 વાગ્યે શરૂ થતી હતી અને સાંજે 4થી 5 વાગ્યા સુધી ચાલતી હતી. પરંતુ પરાસરન સુનાવણીથી પહેલાં કેસનાં દરેક પાસા પર ગંભીરતાથી કામ કરતા હતા.

પરાસરનની ટીમમાં પીવી યોગેશ્વરન, અનિરુદ્ધ શર્મા, શ્રીધર પોટ્ટારાજૂ, અદિતિ દાની, અશ્વિનકુમાર ડિએસ અને ભક્તિવર્ધન સિંહ જેવાં યુવા વકીલો છે.

તેમની ટીમ આ ઉંમરે પણ તેમની ઊર્જા અને યાદશક્તિને જોઈને ઉત્સાહિત થઈ જાય છે. તેમને દરેક મહત્ત્વના કેસો મોઢે છે.


પરાસરનની સુપ્રીમ કોર્ટમાં દલીલો

Image copyright Getty Images

રામલલા વિરાજમાન તરફથી દલીલ કરતાં પરાસરને કહ્યું હતું કે આ મુદ્દે કડક પુવારાની માગમાં ઢીલ મળવી જોઈએ કારણ કે હિંદુઓ માને છે કે એ સ્થળ પર ભગવાન રામનો આત્મા રહેલો છે, તેથી જ શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા ભગવાન રામના જન્મસ્થાન સાથે જોડાયેલી છે.

તેમની આ દલીલ બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બોબડેએ પરાસરનને પૂછ્યું હતું કે શું ઇસુ ખ્રિસ્ત બેથલેહામમાં જન્મ્યા હતા એવો પ્રશ્ન કોઈ કોર્ટમાં પુછાયો છે?

તે ઉપરાંત પરાસરને સુપ્રીમ કોર્ટ સમક્ષ ઘણા તર્ક-વિતર્ક રજૂ કર્યા હતા. જેમાંથી સૌથી મહત્ત્વની દલીલ એ હતી કે તેમણે રામજન્મભૂમિને ન્યાયિક વ્યક્તિ ગણાવી હતી.

આ કારણે આ મુદ્દે કોઈ સંયુક્ત કબજો આપી શકાય એમ નહોતું, કારણ કે એ અવિભાજ્ય છે.

પરાસરને પોતાની દલીલોમાં જમીનને દેવત્વનો દરજ્જો આપ્યો હતો. તેમનું કહેવું હતું કે હિંદુ ધર્મમાં મૂર્તિઓને છોડીને સૂરજ, નદી, વૃક્ષો વગેરેને દેવત્વનો દરજ્જો પ્રાપ્ત છે.

તેથી જમીનને પણ દેવત્વનો દરજ્જો આપી શકાય છે. રામજન્મભૂમિ ઉપરાંત પરાસરને બાબરી મસ્જિદના નિર્માણ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે બાબરી મસ્જિદને ઇસ્લામી કાયદા અનુસાર બનાવેલી મસ્જિદ માની શકાય નહીં કારણ કે તેને કોઈ બીજા ધાર્મિક સ્થળને તોડીને બનાવવામાં આવી હતી.

તેમણે એવી પણ દલીલ કરી કે બાબરી મસ્જિદને એક મસ્જિદ રૂપે બંધ કરી દેવામાં આવી હતી જે બાદ તેમાં મુસલમાનોએ નમાજ પઢવાનું બંધ કરી દીધું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો