TOP NEWS: અયોધ્યાના ચુકાદા પર રિટાયર્ડ જસ્ટિસ ગાંગુલીએ સવાલ ઉઠાવ્યા

જસ્ટિસ ગાંગુલી Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ અશોકકુમાર ગાંગુલીએ શનિવારે કહ્યું કે અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાએ તેમના મનમાં શંકા ઊભી કરી છે.

જસ્ટિસ ગાંગુલીએ કહ્યુ, "લઘુમતીઓએ વર્ષોથી જોયું છે કે ત્યાં એક મસ્જિદ હતી. મસ્જિદ તોડવામાં આવી. હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ત્યાં એક રામમંદિર બનશે."

"આ નિર્ણયથી મારા મનમાં એક શંકા જન્મી છે. બંધારણના વિદ્યાર્થી હોવાના કારણે મને આનો સ્વીકાર કરવામાં તકલીફ થઈ રહી છે."

72 વર્ષના જસ્ટિસ ગાંગુલીએ જ વર્ષ 2012માં ટુ-જી સ્પૅક્ટ્રમની ફાળવણીનો ચુકાદો આપ્યો હતો.

જસ્ટિસ ગાંગુલીએ કહ્યું, "વર્ષ 1856-57માં ભલે ત્યાં નમાઝ અદા કરવામાં આવતી હોવાના પુરાવાઓ ન મળ્યા હોય પરંતુ 1949થી અહીં નમાઝ પઢાય છે. આ પુરાવાઓ છે."

"આપણું બંધારણ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અહીં નમાઝ અદા કરાય છે."

"એક એવું સ્થાન જ્યાં નમાઝ અદા થતી હોય અને તે સ્થળ પર એક મસ્જિદ હોય તો પછી અલ્પસંખ્યકોને અધિકાર છે કે તે પોતાની ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરે. આ બંધારણમાં લોકોને મૌલિક અધિકાર મળેલો છે."

જસ્ટિસ ગાંગુલી કહ્યું, "આ નિર્ણય પછી એક મુસલમાન શું વિચારશે? ત્યાં વર્ષોથી એક મસ્જિદ હતી. જેને તોડવામાં આવી. હવે સુપ્રીમ કોર્ટે ત્યાં મંદિર બનાવવાની પરવાનગી આપી દીધી છે."

"એ પરવાનગી એટલે આપવામાં આવી કે તે રામલલા સાથે જોડાયેલી છે. સદીઓ પહેલાં માલિકીનો હક કોની પાસે હતો તે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે? સુપ્રીમ કોર્ટ શું આ વાતને ભુલી જશે કે જ્યારે બંધારણ ઘડાયું ત્યારે ત્યાં એક મસ્જિદ હતી? બંધારણમાં જોગવાઈ છે અને સર્વોચ્ચ અદાલતની જવાબદારી છે કે તે તેનું રક્ષણ કરે."

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ગાંગુલીએ કહ્યું, "બંધારણ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં ત્યાં શું હતું તે નક્કી કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની નથી."

"ત્યારે ભારત કોઈ લોકતાંત્રિક ગણરાજ્ય ન હતું. ત્યારે ત્યાં એક મસ્જિદ હતી, એક મંદિર હતું, એક બૌદ્ધ સ્તૂપ હતો, એક ચર્ચ હતું... આ રીતે જો નિર્ણય કરવા બેસીશું તો અનેક મંદિર-મસ્જિદ અને અન્ય પ્રકારની સંરચનાઓને તોડવી પડશે."

"આપણે 'માઇથૉલૉજિકલ તથ્યો'ના આધાર પર આગળ ન વધી શકીએ."


રૉંગ-સાઇડમાં વાહન ચલાવનારાઓ પાસેથી 10 લાખનો દંડ વસૂલાયો

Image copyright Getty Images

અમદાવાદ મિરરમાં છપાયેલાં અહેવાલ અનુસાર અમદાવાદમાં રૉંગ-સાઈડમાં વાહન ચલાવનારા 733 લોકો પાસેથી ઑક્ટોબર માસમાં રૂપિયા 10,94,500નો દંડ વસૂલાયો છે.

છેલ્લા છ મહિના દરમિયાન આ રીતે વાહન ચલાવવાના સૌથી વધારે ગુના ઑક્ટોબર માસમાં નોંધાયા.

આ પહેલાં સપ્ટેમ્બરમાં 408 વ્યક્તિઓએ નિયમો તોડ્યા હતા. ત્યારે તેમની પાસેથી રૂપિયા 7,34,00 રૂપિયાનો દંડ વસૂલાયો હતો.

'નવો મોટર વ્હિકલ કાયદો' લાગુ થયો તે પહેલાં મેમાં 520 લોકો પાસેથી રૉંગ-સાઇડમાં વાહન ચલાવવા બદલ રૂપિયા 1,75,600નો દંડ વસૂલાયો હતો.


વાઇબ્રન્ટ સમિટ દ્વારા કેટલું રોકાણ આવ્યું? : અશોક ગેહલોત

Image copyright Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ અનુસાર રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું, "મોદીજીએ વાઇબ્રન્ટ સમિટો કરી છે. તેમને પૂછો કેટલું રોકાણ આવ્યું?"

આઇડિયા એક્સચેન્જ નામના કાર્યક્રમમાં અશોક ગેહલોતને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે અગાઉ જ્યારે તેઓ મુખ્ય મંત્રી હતા ત્યારે નિમરાણા વિસ્તારમાં ઘણું બધું રોકાણ થયું હતું પણ હાલ શું થઈ રહ્યું છે?

પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું, "અમે પ્રયાસો કરી રહ્યા છીએ. આપણે સ્માર્ટ સિટી, સ્કિલ ઇન્ડિયા, મૅક ઇન ઇન્ડિયા વિશે ઘણું સાંભળ્યું. મોદીજીએ ઘણા દાવા કર્યા."

વધુમાં તેમણે કહ્યું, "મોદીજીએ વાઇબ્રન્ટ સમિટો યોજી તો તેમને પૂછો કે કેટલું રોકાણ આવ્યું છે?"

"કમલનાથજી(મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી) અને યોગીજી (ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી)એ પણ કર્યું, સાવ સામાન્ય રોકાણ આવ્યું."

"રોકાણ માત્ર ત્યારે જ આવશે, જ્યારે દેશનું વાતાવરણ બદાલાશે. હાલના દિવસોમાં ભયનું એવું વાતાવરણ છે કે જો રોકાણ આવશે તો પણ જતું રહેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો