અયોધ્યા ચુકાદો : સુન્ની વકફ બોર્ડને માલિકીહક ગુમાવવા છતાં પાંચ એકર જમીન કઈ રીતે મળી?

સર્વોચ્ચ અદાલતની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન ચુકાદા પૂર્વે સર્વોચ્ચ અદાલત બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

શનિવારે દેશની સર્વોચ્ચ અદાલતે લગભગ સાત દાયકાથી ચાલી રહેલા રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદ પર ચુકાદો આપ્યો.

ચુકાદામાં રામલલા વિરાજમાનને વિવાદાસ્પદ જમીનનો કબજો આપવાનો ચુકાદો આપ્યો હતો. આ સિવાય આ કેસમાં પ્રતિવાદી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવાનો ચુકાદો આપ્યો હતો.

દેશના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.

ચુકાદાને પગલે અયોધ્યા, ઉત્તર પ્રેદશ સહિત દેશભરમાં કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


સુન્ની વક બોર્ડને જમીન

દેશની સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં [પૅરેગ્રાફ 805.1 (i,ii,iii,V) ]માં જણાવ્યું છે કે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને પાંચ એકર જમીન ફાળવવામાં આવે છે, જે મળેલી જમીન ઉપર મસ્જિદ તથા અન્ય આનુષંગિક સવલતો ઊભી કરી શકે છે.

અયોધ્યા ઍક્ટ 1993 હેઠળ કેન્દ્ર સરકારે સંપાદિત કરેલી જમીનમાંથી અથવા તો રાજ્ય સરકાર દ્વારા અયોધ્યામાં અનુકૂળ જગ્યાએ પાંચ એકર જમીન ફાળવવી. આ માટે બંને સરકારોએ પરસ્પર મસલત કરવી.

સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં નોંધ્યું હતું કે આ નિર્દેશ આપવા માટે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ મળેલા વિશેષાધિકારનો ઉપયોગ કર્યો છે


નિર્મોહી અખાડાને પ્રતિનિધિત્વ

સર્વોચ્ચ અલાદતે તેના ચુકાદામાં રામજન્મભૂમિ અંગે નિર્મોહી અખાડાના માલિકીહકને [પૅરેગ્રાફ 805.1.(i)] ફગાવી દીધો હતો.

જોકે, નિર્મોહી અખાડાને મંદિરના સંચાલન માટેના ટ્રસ્ટ કે સત્તામંડળમાં પ્રતિનિધિત્વ આપવું કે નહીં, [પૅરેગ્રાફ 805.4] તે અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર ઉપર છોડ્યો હતો.

આ આદેશ આપવા માટે પણ સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ મળેલા અધિકારને ટાંક્યા હતા.

કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં ટ્રસ્ટ કે વહીવટીમંડળ સ્થાપવાનો નિર્દેશ આપ્યો છે.


શું કહે છે બંધારણનો અનુચ્છેદ 142?

બંધારણના અનુચ્છેદ 142 હેઠળ, ન્યાય તોળવા માટે સુપ્રીમ કોર્ટ એવો ચુકાદો કે નિર્દેશ આપી શકે જે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા હેઠળ નિર્દેશિત ન હોય.

જ્યાં સુધી દેશની સંસદ કાયદો ન બનાવે, ત્યાર સુધી કોઈ ચુકાદાને કાયદાની જેમ લાગુ કરવાના આદેશ પણ આપી શકે છે.

આ સિવાય સર્વોચ્ચ અદાલત ન્યાયની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે કોઈ પણ ખૂણેથી વ્યક્તિને હાજર થવા નિર્દેશ આપી શકે અથવા તો કાગળિયા પુરાવા કે દસ્તાવેજ મગાવવાના આદેશ કરી શકે છે.

સર્વોચ્ચ અદાલતના ચુકાદા કે નિર્દેશ સમગ્ર દેશમાં લાગુ પડે છે.

બંધારણના ચૅપ્ટર ચાર હેઠળ દેશનાં ન્યાયતંત્ર, ન્યાયાધીશ, તેમની સત્તા, પગાર અને ભથ્થા અંગે જોગવાઈઓ કરવામાં આવી છે. અનુચ્છેદ 124થી 147 સુધી વિસ્તરે છે.


શું હતો ચુકાદો?

દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નેતૃત્વમાં આગામી મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ તથા જસ્ટિસ અબ્દુલ નઝીરની બેન્ચે ચુકાદો આપ્યો હતો.

બેન્ચે સર્વાનુમત્તે ચુકાદો આપતા નિર્મોહી અખાડાનો માલિકીહક માટેનો દાવો કાઢી નાખ્યો હતો, પરંતુ તેને ટ્રસ્ટમાં સ્થાન આપવા અંગેનો નિર્ણય કેન્દ્ર સરકારના વિવેકાધિકાર ઉપર મૂક્યો હતો.

આ સિવાય અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવા નિર્દેશ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ