મહારાષ્ટ્ર : શિવસેનાને સરકાર બનાવવા આમંત્રણ, NCPએ કહ્યું ભાજપ-એનડીએ સાથે છેડો ફાડો પછી ટેકો

ચંદ્રકાંત પાટિલ Image copyright ANI

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ભાજપે અસમર્થતા દાખવતા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ હવે શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન NCPએ કહ્યું કે શિવસેના ભાજપ-એનડીએ સાથે સંપૂર્ણ છેડો ફાડો પછી ટેકાની વાત થશે.

અગાઉ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચેની સત્તાની ખેંચતાણમાં નવો વળાંક આવ્યો. ભાજપે રાજયપાલ ભગતસિંહ કોશ્યારીએ આપેલું સરકાર રચવાનું આમંત્રણ નકારી દઈ શિવસેનાને શુભેચ્છા પાઠવી હતી.

આ દરમિયાન એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે અમે અમારા ધારાસભ્યોની 12 તારીખે મિટિંગ બોલાવી છે. જો શિવસેનાને અમારો ટેકો જોઈતો હોય તો તેમણે ભાજપ સાથે છેડો ફાડયાની જાહેરાત કરવી પડે અને તેમણે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સને આપેલો ટેકો પરત ખેંચી તેમના મંત્રીઓએ કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપવું પડે.

અગાઉ તેમણે કહ્યું હતું કે શિવસેના તરફથી કોઈ આમંત્રણ મળ્યું નથી. આ અંગે ફાઇનલ નિર્ણય કૉંગ્રેસ-એનસીપીની બેઠકમાં લેવામાં આવશે.

મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે રાજ્યપાલને આની જાણ કરી.

મુંબઈમાં ભાજપની કોર કમિટિની બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચંદ્રકાંત પાટિલે કહ્યું કે જો શિવસેના એનસીપી સાથે મળીને સરકાર બનાવવા માગે તો બનાવી શકે છે તેમને શુભેચ્છાઓ.

ચંદ્રકાંત પાટિલે શિવસેના પર જનાદેશનું અપમાન કરવાનો આરોપ પણ મૂક્યો.

આ પછી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આગામી મુખ્ય મંત્રી શિવસેનાના જ હશે. જોકે, એમણે શિવસેના સરકાર રચવાનો દાવો ક્યારે અને કેવી રીતે રજૂ કરશે એની કોઈ ચોખવટ ન કરી.

એમણે કહ્યું કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી દિવસોમાં શિવસેનાના જ મુખ્ય મંત્રી હશે એટલે આગામી દિવસોમાં કોઈ પણ સંજોગોમાં શિવસેનાના મુખ્ય મંત્રી પદ હેઠળ સરકાર બનશે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીના પરિણામના 17 દિવસ સુધી પણ ભાજપ અને શિવસેના વચ્ચેનો સત્તાસંઘર્ષ કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી શક્યો.

ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાની 50-50 ટકા વહેંચણી મામલે સહમતી ન થતા કોકડું ગુંચવાયેલું હતું.

આને પગલે બે દિવસ અગાઉ સમયમર્યાદા પૂરી થતા મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાની ફરજ પડી હતી.

આ દરમિયાન કૉંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ કહ્યું હતું કે રાજ્યપાલ ભગત સિંગ કોશ્યારીએ કૉંગ્રેસ-એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવું જોઈએ.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટ છે અને બહુમતી માટે 145 સીટ હોવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105, શિવસેના 56, એનસીપી 54 અને કૉંગ્રેસને 44 સીટ મળી છે.

ભાજપ-શિવસેનાએ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી.

ગઈકાલે રાજ્યપાલે સૌથી મોટો પક્ષ હોવાને નાતે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું.


શિવસેના-ભાજપ સામસામે

Image copyright Getty Images

ભાજપ અને શિવસેનાએ પોતાની મેળે સરકાર રચવાનો દાવો કર્યા છતાં પરિસ્થિતિ બદલાઈ નહોતી.

સરકાર રચવાને આખરી દિવસ સુધી શિવસેના અને ફડણવીસ વચ્ચે વાટાઘાટ ન થઈ શકતા તેમણે રાજીનામું આપવાની ફરજ પડી હતી.

પત્રકારપરિષદમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ''મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષમાં અમારી સરકારે ઘણો વિકાસ કર્યો છે અને હજી મહારાષ્ટ્ર સામે અનેક પ્રશ્નો છે એ પણ સ્વીકારવું જરૂરી છે.''

''મહારાષ્ટ્રની જનતાએ ભાજપ-શિવસેના પર વિશ્વાસ મૂકીને અમને જીત આપી છે. લોકોએ મહાયુતિ માટે મતદાન કર્યું હતું.''

Image copyright Getty Images

''હું સ્પષ્ટપણે કહું છું કે મારી હાજરીમાં શિવસેના સાથે ક્યારેય અઢી વર્ષના મુખ્ય મંત્રીનો નિર્ણય લેવાયો નથી.''

દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કરેલી ટીકાઓને પણ યાદ કરી.

ફડણવીસે કહ્યું કે ''છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન શિવસેનાએ જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી, વિરોધ પક્ષ ટીકા કરે એ તો સમજી શકીએ. પણ જે પક્ષ સાથે સરકાર બનાવવાની છે તેના મુખ્ય નેતાની આ રીતે ટીકા કરે એ યોગ્ય નથી.''

ફડણવીસે શિવસેનાની ટીકા કરવાની પદ્ધતિને અમાન્ય ઠેરવી એની સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે ''આવી ટીકા તો વિરોધપક્ષ કૉંગ્રેસે પણ ક્યારેય કરી નથી.''

એ વખતે ફડણવીસે એવું પણ કહ્યું હતું કે જે પણ સરકાર બનશે એ ભાજપની આગેવાનીમાં બનશે.

ફડણવીસે મૂકેલા આરોપો સામે શિવસેના નેતા સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેએ આકરા જવાબ આપ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ એમને ખોટો પાડવાની કોશિશ થઈ રહી હોવાની વાત કરી હતી.

શિવસેના નેતા સંજય રાઉતે આજે સામનામાં લખેલા એક લેખમાં કૉંગ્રેસ સાથે કેટલાક મતભેદો છતાં તે મહારાષ્ટ્રની દુશ્મન નથી તેમ કહ્યું.

એ સાથે તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રનો નિર્ણય મહારાષ્ટ્ર કરશે અને તે નવી દિલ્હીનું ગુલામ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ