TOP NEWS : ગુજરાતમાં પાકવીમાની ચૂકવણી ન થતાં ખેડૂતો ગુસ્સે, 5 હજાર ખેડૂતોની રેલી

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સૌરાષ્ટ્રના 5,000 ખેડૂતો પાક વીમાના પૈસા ન ચૂકવાતાં રેલી યોજશે. રેલી યોજ્યા બાદ ખેડૂતો કેશોદના મામલતદારને પોતાની સમસ્યાઓ અંગે મેમૉરેન્મડમ આપશે.

નોંધનીય છે કે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને પગલે આ વર્ષે ગુજરાતના ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ગુજરાત સરકાર પાસેથી પાક નુકસાનીના વળતર અને વીમાના પૈસા સમયસર ચૂકવવાની માગ કરી રહ્યા છે.

પાક વીમાના પૈસા ચૂકવવાની અનેક જાહેરાતો છતાંય ખેડૂતો સુધી પ્રત્યક્ષ સહાય પહોંચાડવામાં રાજ્ય સરકાર કથિતપણે નિષ્ફળ નીવડી હોવાની ચર્ચા છે.

નોંધનીય છે કે એક પછી એક વાયુ, ક્યાર અને મહા વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

તેમજ વાવાઝોડાને કારણે લગભગ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનો સિલસિલો જોવા મળ્યો હતો જે કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું.

ખેડૂતોનો દાવો છે કે કુદરતના માર છતાંય સરકાર અને વીમા કંપનીઓ ખેડૂતોને નુકસાની વળતર ચૂકવવામાં દુર્લક્ષ સેવી રહ્યા છે.

મહારાષ્ટ્ર : ભાજપના ઇનકાર બાદ, ગવર્નરનું શિવસેનાને આમંત્રણ

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી દ્વારા અપાયેલા આમંત્રણના જવાબમાં હાલમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે સામે આવેલા ભાજપે રાજ્યમાં સરકાર રચવાની અસમર્થતા વ્યક્ત કરી છે.

ભાજપના જવાબ બાદ રાજ્યપાલે તરત જ ચૂંટણીમાં 56 બેઠકો મેળવનાર શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ પાઠવ્યું છે.

હવે શિવસેનાએ આજે 7.30 વાગ્યા સુધી રાજ્યપાલને પોતાના નિર્ણયની જાણ કરવાની રહેશે.

મીડિયાના અન્ય અહેવાલો મુજબ એનસીપીએ શિવસેનાને સરકાર બનાવવા સાથ આપવાની તૈયારી દર્શાવી છે.

જોકે, સાથે જ એનસીપીએ શિવસેના સામે એક શરત રાખી છે કે જો ઉદ્ધવ ઠાકરે એનસીપીનો સાથ ઇચ્છતા હોય તો તેમણે એનડીએમાંથી બહાર નીકળી જવું. ઉપરાંત હાલની કેન્દ્રની મોદી સરકારમાં શિવસેનાના મંત્રીએ રાજીનામું આપી દેવું.

પશ્ચિમ બંગાળમાં 'બુલબુલ' વાવાઝોડાનો આતંક

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે 'બુલબુલ' વાવાઝોડું પશ્ચિમ બંગાળમાં ત્રાટકતાં 9 લોકોનાં મૃત્યુ થયા છે.

આ સિવાય લગભગ 60 હજાર ઘરોને નુકસાન થયું છે. રાજ્યમાં વાવાઝોડાથી કુલ 4.6 લાખ લોકો પ્રભાવિત થયા હોવાના સમાચાર મળ્યા હતા.

સરકારી અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે વાવાઝોડા બાદ એમ. વી. ચંદ્રાણી નામક ટ્રૉલરમાં સવાર 8 માછીમારોનો અત્યાર સુધી કોઈ પતો મળી શક્યો નથી.

તેથી અધિકારીઓ દ્વારા આ કુદરતી આફતને પગલે થયેલાં મૃત્યુનો આંકડો વધે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલું બુલબુલ વાવાઝોડાએ બંગાળ સાથે ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં પણ વિનાશ કર્યો છે.

જમ્મુ : આજથી ફરીથી શાળા-કૉલેજો શરૂ થશે

Image copyright Getty Images

લાઇવ હિંદુસ્તાન ડૉટ કોમના અહેવાલ પ્રમાણે અયોધ્યા ચુકાદા પહેલાં જમ્મુમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ન વણસે એ માટે લદાયેલા પ્રતિબંધો રવિવારે રાત્રે સંપૂર્ણપણે હટાવી લેવાયા છે.

પ્રતિબંધો દૂર કરી લેવાયા બાદ આજથી ક્ષેત્રની તમામ શાળા-કૉલેજો રાબેતા મુજબ શરૂ થઈ જશે.

અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર હજુ પણ જમ્મુના કેટલાક વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત ચાલુ રહેશે, પરંતુ તેની સામાન્યા જનજીવન પર કોઈ અસર નહીં પડે.

નોંધનીય છે કે અયોધ્યા ચુકાદાના પગલે શુક્રવારે સુરક્ષા કારણોસર જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરી દેવાઈ હતી.

કાશ્મીરમાં રહેતા સ્થાનિકોનો દાવો છે કે કલમ 370માં ફેરફાર કર્યા બાદ હજી પણ ખીણમાં સ્થિતિ થાળે પડી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો