પાટીદાર બાદ ગુજરાતનો આ સમુદાય કેમ અનામતની માગ કરી રહ્યો છે?

વિચરતા-વિમુક્ત સમુદાય Image copyright VSSM

વિચરતા-વિમુક્ત સમુદાય દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ઓબીસીના (અધર બેકવર્ડ કાસ્ટ) ક્વૉટામાં અલગ અનામત આપવાની માગ કરાઈ છે.

નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા 'મુખ્ય મંત્રી સાથે મોકળા મને' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિચરતા-વિમુક્ત સમુદાયમાં આવતી 40 જ્ઞાતિના આગેવાનોએ પોતાના સમાજના પ્રશ્નોની રજૂઆત કરવાની સાથે ઓબીસી ક્વૉટામાં અલગ અનામત આપવાની માગ ઉચ્ચારી હતી.

હાલ ગુજરાતની 146 જાતિઓને ઓબીસી અનામત હેઠળ 27% અનામતનો લાભ મળી રહ્યો છે. જેમાં વિચરતા-વિમુક્ત સમુદાયની 40 જ્ઞાતિઓનો પણ સમાવેશ થાય છે.

હવે જ્યારે આ જાતિમાં અલગ અનામતની માગ ઊઠી રહી છે ત્યારે આ માગ માટે કયાં કારણો જવાબદાર છે, આ માગ કેટલી વાજબી છે તેમજ આ જાતિને કાયદાકીય રીતે ઓબીસી ક્વૉટામાં અલાયદી અનામત મળી શકે કે કેમ એ પ્રશ્નો ઉદ્ભવે છે.


વિચરતા-વિમુક્ત સમુદાય એટલે શું?

Image copyright VSSM

નિષ્ણાતોના મતે આ સમુદાયના લોકો દેશના જુદા-જુદા ભાગોમાં વિચરતું જીવન ગાળતા હતા. સમયના વહેણની સાથે આ જ્ઞાતિઓના સામાજિક ઉત્કર્ષ માટે પૂરતા પ્રયત્નો નહોતા કરાયા.

તેથી આ સમુદાય સમાજના મુખ્ય પ્રવાહથી તદ્દન અલગ પડી ગયો.

આ સમુદાયના લોકોની સંખ્યા ઓછી હોવાના કારણે સરકારે દાયકાઓ સુધી તેમના સામાજિક-આર્થિક ઉત્થાન માટે કામ કરવાની વાતે ઉદાસીન વલણ અપનાવ્યું.

હાલ ગુજરાતમાં કુલ 40 વિચરતા-વિમુક્ત સમુદાયો આવેલા છે. જેમની કુલ વસતિ 40થી 50 લાખ હોવાનું મનાય છે.

ગુજરાતમાં હાલ વાદી, સલાટ, સરાણિયા, બજાણિયા, ચમઠા, પાવરી, ડફેર, પારકરા, મદારી, નટ, રાવળ, બહુરૂપી, ભવાયા, દેવીપૂજક, ભરથરી, કાંગસિયા, ઓડ, છારા, પારધી, મિયાણા, બફણ, તુરી અને ગારો જેવી કુલ 40 જાતિઓનો સમાવેશ વિચરતી-વિમુક્ત સમુદાયમાં થાય છે.


શા માટે અનામતની માગણી કરાઈ રહી છે?

Image copyright VSSM

નિષ્ણાતોના મત પ્રમાણે આ સમુદાયમાં સતત એવી લાગણી વધી રહી છે કે તેમના સમુદાયને ઓબીસી અનામતમાં આવરી લેવાના કારણે અનામતના જે લાભ સમુદાયને મળવા જોઈતા હતા તે નથી મળી શક્યા.

ઓબીસી સાથે અનામત મળતી હોવાના કારણે તેમના માટે રહેલી શૈક્ષણિક અને વ્યવસાયિક તકોનો પૂરતો લાભ લેવા માટે તેઓ સંપૂર્ણ સક્ષમ નહીં હોવાની લાગણી આ સમુદાયના લોકોમાં છે.

બીજી બાજુ આ સમુદાય જમીનવિહોણો અને છૂટોછવાયો હોવાના કારણે આ સમુદાયના કલ્યાણ માટેની રણનીતિ અન્ય સમાજો કરતાં અલગ હોવી જોઈએ એવી ભાવના સતત આ સમુદાયના લોકોમાં જોવા મળી છે.

આ સમુદાયની આવી વિશિષ્ટ પરિસ્થિતિને કારણે અવારનવાર તેઓ અત્યાચારનો ભોગ પણ બનતા હોય છે. જે કારણે પણ સમાજના આગેવાનો સરકાર પાસેથી વિશિષ્ટ અધિકારો અને રક્ષણ મેળવવા માટેની માગ કરી રહ્યા છે.

નોંધનીય છે કે વિચરતા-વિમુક્ત સમુદાયમાં સમાવિષ્ટ ડફેર અને છારા સમાજને કથિતપણે જન્મજાત ગુનેગાર સમાજનો ટૅગ આપી દેવાયો છે.

જે કારણે તેમને પોલીસ અત્યાચાર અને બેરોજગારીનો વ્યાપક પ્રમાણમાં સામનો કરવો પડે છે.

આ અંગે વાત કરતાં છારા સમાજના આગેવાન અને થિયેટર ઍક્ટિવિસ્ટ આતિશ છારાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "આ કાર્યક્રમમાં વિચરતા સમુદાયના લોકોને સ્થાયી કરવાની, બેરોજગારીના પ્રશ્નનો ઉકેલ લાવવાની, વધુ શૈક્ષણિક તકો ઊભી કરવાની અને વિચરતા સમુદાયને ઓબીસીને મળતી અનામતમાંથી 10% અલગ અનામત આપવાની માગ કરાઈ હતી."

"તેમજ છારા અને ડફેર સમાજ વિરુદ્ધ થતા પોલીસ અત્યાચારોથી બચવા માટે તેમને એટ્રોસિટીના કાયદામાં સમાવી લેવાની રજૂઆત કરાઈ હતી."

આ અંગે વાત કરતાં ડફેર આગેવાન ઉમરભાઈ ઈબ્રાહિમભાઈ ડફેર જણાવે છે કે, "ગુનેગાર જાતિ તરીકેની અપકીર્તિને કારણે અમારા સમુદાયને પોલીસ અને અન્ય જ્ઞાતિઓના અત્યાચારનો ભોગ બનવું પડે છે."

"માત્ર ભૂતકાળની ખરાબ છાપના કારણે અમારા સમાજના પુરુષો અને સ્ત્રીઓ સાથે અન્યાયપૂર્ણ વર્તન કરવામાં આવે છે."

"અમને ગામમાં રોજગારી નથી મળી શકતી. તેથી અમે સરકારને આ કાર્યક્રમમાં માગ કરી હતી કે અમારા પ્રશ્નો પર વિશેષ ધ્યાન આપવામાં આવે."


પરંપરાગત વ્યવસાયોનું અધ:પતન

Image copyright VSSM

ખેડા જિલ્લાના ભરતભાઈ વાંસફોડાએ પરંપરાગત વ્યવસાયો અંગેના પ્રશ્નો અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, "અમારા સમાજના ઘણા લોકો વાંસમાંથી ઘરગથ્થુ વસ્તુઓ બનાવીને વેચવાના વ્યવસાય થકી આવક રળતા હતા."

"અત્યારે બજારના પરિબળો, અન્ય વિકલ્પોની હાજરી અને સરકારી સહાયના અભાવના કારણે અમારો વ્યવસાય પડી ભાંગ્યો છે."

"સરકારી મંડળીઓ દ્વારા અમને પહેલાં રાહત દરે વાંસ આપવામાં આવતા, પરંતુ કેટલાંક વર્ષોથી એ સહાય બંધ કરી દેવાઈ છે."

"અમારી પાસે વૈકલ્પિક રોજગારીના કોઈ સાધનો નથી. જો અમે અમારા પરંપરાગત વ્યસાયોને ટકાવી રાખીશું તો જ અમારાં બાળકોને સારું શિક્ષણ આપી શકીશું અને તો જ તેઓ સમાજના મુખ્ય પ્રવાહનો એક ભાગ બની શકશે."

આ જાતિના પરંપરાગત વ્યવસાય અંગે વાત કરતાં અરવલ્લી જિલ્લાના રમેશભાઈ મદારી જણાવે છે કે, "મદારી સમાજના લોકો જેઓ સદીઓથી સાપ અને અન્ય પ્રાણીઓ સાથે ખેલ બતાવીને જીવન ગાળતા હતા, વર્તમાન કાયદાઓને કારણે તેના પર પ્રતિબંધ મુકાઈ ગયો છે."

"આવી પરિસ્થિતિને કારણે અમારી જ્ઞાતિના ઘણા લોકો હાલ ભીખ માગવા મજબૂર બની ગયા છે."

"અમે સરકારને સાપ, અજગર અને નોળિયા પકડીને તેમની સારી સંભાળ રાખવાની સાથે, તેમનો ખેલ બતાવવાના પરવાના આપી મદારી સમાજના લોકોને પોતાની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે પ્રોત્સાહન આપવામાં આવે એ માટે રજૂઆત કરી છે."


ઓબીસીમાં જ 10 ટકા અનામતની માગ

Image copyright Bharat Patel / VSSM

હાલ આ જાતિઓને ઓબીસીને મળતી 27% અનામતમાં જ 146 જાતિઓ સાથે રાખવામાં આવી છે. વિચરતા-વિમુક્ત સમુદાયના આગેવાનો દ્વારા આ સમુદાયમાં સમાવિષ્ટ જાતિઓ માટે ઓબીસી ક્વૉટામાંથી જ અલગ 10% અનામત આપવાની જોગવાઈ આપવાની માગ કરવામાં આવી છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વિચરતા સમુદાયના લોકોને ઓબીસીના ક્વૉટામાં જ અલગ અનામત આપવામાં આવે છે.

જે મૉડલને અનુસરીને આ સમુદાયના આગેવાનોએ પણ ગુજરાત સરકારને આ પ્રકારની યોજના અમલમાં મૂકવાની દરખાસ્ત કરી છે.

સમાજના આગેવાનોએ પોતાની આ માગણીને યોગ્ય ગણાવતા કહ્યું હતું કે, "અમારા સમુદાયનાં બાળકો શૈક્ષણિક લાયકાતની બાબતમાં ઓબીસીના અન્ય સમુદાયો કરતાં સારું પ્રદર્શન કરી શકતા નથી. જે કારણે સમાજના ઘણા યુવાનો સરકારી નોકરીથી વંચિત રહી જાય છે."

"હાલના માળખા પ્રમાણે અમારા સમુદાયના યુવાનોને લાભ નથી મળી રહ્યો. જો સરકાર આવી અલાયદી વ્યવસ્થાની ગોઠવણ કરી આપશે તો અમારા સમાજના યુવાનો માટે ભવિષ્યમાં ઊજળી તકોનું નિર્માણ કરી શકાશે અને અમારા સમુદાયને મુખ્ય પ્રવાહમાં સામેલ કરી શકાશે."

હાલ ગુજરાત સરકાર દ્વારા આ સમુદાયના લોકોને એપીએલ (અબોવ પૉવર્ટી લાઇન) રાશનકાર્ડ આપવામાં આવે છે.

જ્યારે સમુદાયના આગેવાનોએ સમુદાયના સામાજિક-શૈક્ષણિક પરિસ્થિતિ અંગે તપાસ કરી યોગ્ય પ્રમાણમાં બીપીએલ (બિલૉ પૉવર્ટી લાઇન) રાશનકાર્ડ આપવાની માગ કરી છે.

આ સમુદાયના મોટા ભાગના લોકો કોઈકને કોઈક પરંપરાગત વ્યવસાયમાં વ્યવસાયમાં જોડાયેલા હતા, પરંતુ સ્થાનિક તંત્રની ઉદાસીનતાના કારણે તેમની સંસ્કૃતિ અને પરંપરાગત વ્યવસાય ખતમ થવાના આરે પહોંચી ગયા છે.

નિષ્ણાતોના મતે આ સમુદાયના લોકો માટે આવક મેળવવાની વૈકલ્પિક યોજનાઓ ઘડવામાં આવે એ સાથે તેમના પરંપરાગત વ્યવસાયો, કળા અને સંસ્કૃતિને જાળવવાની દિશામાં પણ કામ થાય એ જરૂરી છે.


આ માગણી કેટલી વાજબી?

Image copyright VSSM

વિચરતા સમુદાય સમર્થન મંચનાં સ્થાપક મિતલબહેન પટેલ વિચરતા-વિમુક્ત સમુદાયની માગણીઓ અને જરૂરિયાતો વિશે વાત કરતાં કહ્યું કે, "આ સમુદાયના લોકોના સામાજિક-શૈક્ષણિક-આર્થિક વિકાસ માટે તેમને ઓબીસીમાં જ અલગ અનામત આપવામાં આવે એ જરૂરી છે."

"આ સમુદાયને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે આપણા સમાજે જેવી જરૂર હતી એવી ઇચ્છાશક્તિનું પ્રદર્શન કર્યું નથી."

"જાણે અજાણે ઘણા સમયથી તંત્ર દ્વારા પણ આ સમુદાયના પ્રશ્નોની ઉપેક્ષા કરાઈ રહી હતી. જોકે, હાલ કેટલાંક વર્ષોથી ગુજરાત સરકાર આ સમુદાયના ઉત્કર્ષ માટે કાર્ય કરી રહી છે."

"સરકાર બક્ષીપંચ દ્વારા અપાયેલી અનામતમાં ત્રણ વર્ગ પાડીને આ સમુદાયના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ભવિષ્યમાં કદાચ પ્રયત્ન કરશે. જે અંતર્ગત ઓબીસીમાં આવતી નબળી જ્ઞાતિઓને અલગ વર્ગમાં મૂકવામાં આવશે."

"નવી પેઢીઓ માટે શિક્ષણની વ્યવસ્થાની સાથે જૂની પેઢી માટે તેમના પરંપરાગત વ્યવસાયોને પુનર્જીવિત કરવાની પણ દરકાર છે."


સરકારની પ્રતિક્રિયા

Image copyright Getty Images

7 નવેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં આ સમુદાયે જ્યારે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી ત્યારે તેમણે આ રજૂઆતોના જવાબમાં કહ્યું હતું કે, "વિચરતા-વિમુક્ત સમુદાયના આગેવાનો દ્વારા ઉઠાવાયેલા તમામ મુદ્દાઓ અમારી ટીમ દ્વારા નોંધી લેવાયા છે. ટૂંક સમયમાં આ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સરકાર પગલાં ભરશે."

"સરકાર તો આ સમુદાયના ઉત્કર્ષ માટે પ્રયત્નો કરી રહી છે અને ભવિષ્યમાં વધારે જુસ્સા સાથે પ્રયત્ન કરશે, પરંતુ આ સમુદાયના શિક્ષિત આગેવાનોએ પણ સમાજના ઉત્થાન માટે પ્રામાણિક પ્રયત્નો કરીને સરકારને સહાય કરવી જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ