અયોધ્યા : રામમંદિર મામલે કેન્દ્ર સરકારના ટ્ર્સ્ટમાં શું હશે વિશ્વ હિંદુ પરિષદની ભૂમિકા? - ગ્રાઉન્ડ રિપોર્ટ

વિશ્વ હિંદુ પરિષદના નેતા અને બે વખત સંસદ સભ્ય રહેલાં રામવિલાસ વેદાંતી
ફોટો લાઈન વિશ્વ હિંદુ પરિષદના નેતા અને બે વખત સંસદ સભ્ય રહેલાં રામવિલાસ વેદાંતી

અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદ અંગે 9 નવેમ્બરે સર્વોચ્ચ અદાલતે વિવાદિત જમીન પર રામમંદિર બનાવવાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. હવે અયોધ્યામાં આને લઈને ભારે ચહલપહલ મચી છે.

વિશ્વ હિંદુ પરિષદના નેતા અને બે વખત સંસદસભ્ય રહેલા રામવિલાસ વેદાંતી કહે છે, "અમે જ્યારે ભગવાન રામના જન્મસ્થળ પર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરીશું તો અયોધ્યાની કાયાપલટ થઈ જશે."

રામભક્ત અને પૂજારી છબીલ શરણ કહે છે કે તેમનાથી હવે રાહ જોવાતી નથી. તેમને લાગે છે કે જલદી રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જાય.

ફોટો લાઈન છબીલ શરણ

શરણને લાગે છે કે રામમંદિર બનાવ્યા પછી અયોધ્યા દુનિયાનું સ્વર્ગ બની જશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અયોધ્યામાં લોકોની આશાઓ વધી ગઈ છે.

પૂજારીઓથી લઈને સામાન્ય માણસોની આશાઓ પણ વધી ગઈ છે.

ભગવાં કપડાં પહેરેલાં એક રામભક્તે કહ્યું, "હું ઇચ્છું છું કે અયોધ્યા ભારતનું સાંસ્કૃતિક કેન્દ્ર બને અને અહીં હિંદુત્વ સાથે જોડાયેલી બાબતોને ભણાવવામાં આવે."

વેદાંતી પણ કહે છે કે જો તમે અયોધ્યાનાં ખંડેરોને જોશો તો અહીંના સમૃદ્ધ ભૂતકાળનો અહેસાસ થાય છે.

વેદાંતી ઇચ્છે છે કે ભૂતકાળનું 'ખોવાયેલું ગૌરવ' પરત આવશે.

કેટલાક લોકોને લાગે છે રામમંદિર માટે ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી.

છબીલ શરણ બાળકોની જેમ રાહ જોતા દેખાયા, તેમણે કહ્યું કે તે મંદિર માટે કામ કરવાની ઇચ્છા રાખે છે.

તેઓ કહે છે, "અમે 25 વર્ષો સુધી રાહ જોઈ છે. મંદિર આંદોલન સાથે જોડાયેલા કેટલાક લોકો હવે આ દુનિયામાં રહ્યા નથી."

"અમારું સારું ભાગ્ય છે કે અમે જીવિત છીએ અને છેવટે અમારું સપનું પૂરું થશે."


અયોધ્યામાં મસ્જિદ બનશે તો ક્યાં બનશે?

ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

વિશ્વ હિંદુ પરિષદ એટલે વીએચપીએ રામમંદિરને લઈને આંદોલન 1984માં શરૂ કર્યું હતું.

આ આંદોલન બાબરી મસ્જિદની જગ્યાએ રામમંદિર બનાવવાને લઈને હતું.

આ આંદોલન કરી રહેલા લોકોનો મત હતો કે બાબરી મસ્જિદ રામના જન્મસ્થાન પર પ્રાચીન મંદિર તોડીને બનાવવામાં આવી હતી.

આ મંદિર આંદોલનમાં જ્યારે ભાજપે પ્રવેશ કર્યો ત્યારથી તે ઝડપી બન્યું.

આંદોલનનું નેતૃત્વ ભાજપના તત્કાલીન પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીએ પોતાના હાથમાં લીધું હતું અને છેવટે 6 ડિસેમ્બર, 1992એ બાબરી મસ્જિદને તોડવામાં આવી.

વીએચપીએ મંદિરનિર્માણ માટે પથ્થરો પર કોતરણી કરવાનું કામ પહેલાંથી જ શરૂ કર્યું હતું.

વીએચપીના પ્રવક્તા શરદ શર્મા કહે છે, "જ્યારે અમે 1990ના સપ્ટેમ્બર મહિનામાં મંદિરનિર્માણનું કામ શરૂ કર્યું તો અમને ખ્યાલ આવ્યો કે એક દિવસે તો આનું ફળ જરૂરથી મળશે."

ગત 29 વર્ષોથી મંદિરની સામગ્રી તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું હતું. વીએચપીના ચંપત રાય કહે છે કે સામગ્રી તૈયાર કરવાનું કામ 60 ટકા પૂર્ણ થઈ ગયું છે.

તેમની પાસે મંદિરનો નમૂનો પણ છે. મંદિરનો આકાર કેવો હશે, આની સંપૂર્ણ ડિઝાઈન આમની પાસે છે.

મંદિરનું આ કામ અયોધ્યામાં જ્યાં ચાલી રહ્યું છે તેને વીએચપી કારસેવકપુરમ કહે છે.


પ્રવીણ તોગડિયા ભાજપથી નારાજ કેમ છે?

આની દેખરેખ રામજન્મભૂમિ ન્યાસ કરી રહ્યું છે, જે વીએચપીનું જ એક ટ્રસ્ટ છે.

પૂર્વ સંસદસભ્ય રામવિલાસ વેદાંતી કહે છે કે મંદિરના પ્રસ્તાવિક નમૂનાના હિસાબથી રામમંદિર બનશે કે નહીં, આને લઈને તે કાંઈ ચોખ્ખું કહી શકે તેમ નથી કારણ કે નવું મંદિર વધારે વિશાળ બનશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે નવું મંદિર 67 એકરમાં બનશે અને આખી જમીન સરકારની પાસે છે.

2.77 એકર વિવાદિત જમીન, જેમાં બાબરી મસ્જિદ હતી, તેનો પણ આમાં સમાવેશ થઈ જશે.

જોકે વેદાંતી કહે છે કે મંદિર 200 એકરમાં બનશે. આનો અર્થ છે કે વધારે જમીનની જરૂરિયાત હશે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે મંદિરનિર્માણના ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ બનશે. તો શું ટ્રસ્ટ બન્યા પછી રામજન્મભૂમિ ન્યાસની ભૂમિકા પૂર્ણ થઈ જશે?


ફોટો લાઈન શરદ શર્મા

શરદ શર્મા કહે છે કે કેન્દ્ર સરકાર તેમનાં કામનો અનાદર કરી શકશે નહીં.

તેઓ કહે છે, "અમે મંદિર આંદોલના અગ્રણી રહ્યા છીએ. અમે વર્ષોથી મંદિરનિર્માણના કામમાં લાગેલા છીએ."

"મને આ વાતની ખાતરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમારી પાસેથી સલાહ લેશે અને તમામ સંબંધિત પક્ષને તક આપશે."

વેદાંતી ન્યાસમાં ખૂબ મોટું સ્થાન ધરાવે છે. તે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પાસે સૂચિત મંદિર પર જલદી જ વાતચીત શરૂ કરવાના છે.

તેઓ કહે છે, "સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર જે ટ્રસ્ટ બનશે તે કેવું હશે, તેને લઈને કાંઈ પણ ખ્યાલ નથી."

"પરંતુ અમે એ વસ્તુને લઈને એટલી ખાતરી છે કે અમે એ ટ્રસ્ટનો ભાગ હોઈશું."

"યોગીજીએ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે અયોધ્યામાં મળવા માંગે છે. હું તેમને મળીશ."

વર્ષોથી મંદિરઆંદોલનને નજીકથી જોનારા સ્થાનિક પત્રકાર મહેન્દ્ર ત્રિપાઠી કહે છે, "આ વાતની પૂરી આશંકા છે કે ટ્રસ્ટનો ભાગ બનવા માટે હિંદુત્વવાદી સંગઠનો વચ્ચે ટકરાવ થશે."

"જે આ નિર્ણયની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે માગ કરી રહ્યા છે કે તેમનો પણ ટ્રસ્ટમાં સમાવેશ કરવામાં આવે."

સર્વોચ્ચ અદાલતના નિર્ણયથી નિર્મોહી અખાડો આખા પરિદૃશ્યમાંથી બહાર થઈ ગયો છે.

નિર્મોહી અખાડાના પૂજારી આનાથી પરેશાન છે અને તે અંદરોઅંદર વાતચીતમાં આ અંગે ટીકા કરે છે. ત્રિપાઠી કહે છે કે નિર્મોહી અખાડાના લોકો પણ આ ટ્રસ્ટનો ભાગ બનવા માગે છે.

અખાડાના પ્રમુખ પૂજારી મહંત દિનેદ્રદાસ કહે છે, "અમે પણ રામમંદિર માટે વર્ષોથી લડાઈ લડી છે. અમે અદાલતના આ નિર્ણયથી ખુશ છીએ પરંતુ અમે લોકો મુખ્ય પૂજારીઓ સાથે વાત કર્યા પછી જ કંઈક કહીશું."

જોકે આ નિર્ણય પછી કારસેવકપુરમમાં ખુશીનો માહોલ છે.


ભારતના ઘણા બધા વિસ્તારોમાંથી શ્રદ્ધાળુ આવી રહ્યા છે અને શ્રદ્ધા દર્શાવી રહ્યા છે. અહીં તમામ મત સાથે જોડાયેલા પૂજારીઓને જોઈ શકાય છે.

મહંત રામચંદ્રદાસનું માનવું છે કે હિંદુઓના તમામ ફાંટાઓનો ટ્રસ્ટમાં સમાવેશ કરવામાં આવો જોઈએ.

વીએચપીના શરદ શર્મા પણ કહે છે કે નિર્મોહી અખાડા મંદિર આંદોલનનું ભાગ રહ્યું છે અને તેને પણ કોઈ ભૂમિકા મળવી જોઈએ.

અદાલતે મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે અલગથી જમીન આપવાનો આદેશ કર્યો છે. સ્થાનિક મુસલમાન ઇચ્છે છે કે જમીન બાબરી મસ્જિદની આસપાસ જ મળે.

સ્થાનિક હિંદુઓનું કહેવું છે કે આ રાજ્ય સરકારની જવાબદારી છે કે તે મસ્જિદ માટે જમીન ક્યાં આપે છે.

પરંતુ જેટલા પણ પૂજારીઓ સાથે વાત કરી છે તેમણે વાત કરી તેમણે કહ્યું કે સરકારે અયોધ્યામાં મસ્જિદ માટે જમીન આપવી ન જોઈએ કારણ કે આ હિંદુઓનું પવિત્ર સ્થળ છે.

જોકે શહેરની અંદરના વિસ્તારોમાં ઘણી મસ્જિદ છે. મુસ્લિમ ઇચ્છે છે કે નવી મસ્જિદ શહેરની બહાર ન બને.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો