અયોધ્યા ચુકાદામાં સ્પષ્ટ લખ્યું છે કે જન્મસ્થાન મસ્જિદની બરાબર નીચે હતું : રામ લલાના વકીલ

સી.એસ. વૈધનાથન Image copyright C S Vaidhnathan

અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં આઠ વર્ષથી રામ લલાના પ્રતિનિધિ તરીકે અદાલતમાં રજૂઆત કરતા રહેલા વકીલ સી. એસ. વૈદ્યનાથનનું કહેવું છે કે અદાલતે અનુચ્છેદ 142 સિવાય 1992ની ઘટનાના નિર્ણયનો ઉલ્લેખ કરવાની જરૂર ન હતી, પણ કદાચ મુસલમાનોને રાહત આપવા માટે અદાલતે આવું કર્યું હશે.

સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના અધ્યક્ષપદ હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. અને વિવાદિત જમીન પર હિંદુઓનો અધિકાર હોવાનું સ્વીકારવામાં આવ્યું છે.

જોકે, કાયદાના જાણકારોમાં આ ચુકાદા બાબતે હજુ પણ ભિન્નમત પ્રવર્તે છે. કોર્ટના ચુકાદાથી ખુશ સી. એસ. વૈદ્યનાથન સાથે બીબીસીએ વાત કરી હતી.

તેમણે ચુકાદાની અનેક કાયદાકીય જટિલતા વિશે સમજ આપી હતી અને ચોખવટ કરી હતી.

Image copyright EPA

અદાલતે આ મામલે તર્કના આધારે નહીં, પણ આસ્થાને આધારે ચુકાદો આપ્યો હોય એવું લાગે છે. તમે શું માનો છો?

આ મામલામાં એક અરજદાર ખુદ શ્રી રામ લલા હતા. વિવાદિત જમીન સંબંધે રામ જન્મભૂમિ ન્યાસે અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

આ મામલામાં એક પક્ષકાર એવો હોવો જોઈતો હતો, જે રામ લલા અને અદાલત વચ્ચે સંવાદ કરાવી શકે અને એ કામ ન્યાસે કર્યું હતું.

હવે ખુદ ભગવાન તો અદાલતમાં આવીને પોતાના પક્ષમાં દલીલો કરી શકે નહીં. એટલે ભગવાન તરફથી અમે લોકોએ અદાલતમાં દલીલો કરી અને ચુકાદો અમારી તરફેણમાં આવ્યો.

આસ્થા એક પાસું છે, પણ આ જમીનની માલિકીની હક્ક વિશેના આ ચુકાદાના પુરાવા સંબંધે કાયદાવિદોએ અનેક સવાલ ઉઠાવ્યા છે.

માનનીય સર્વોચ્ચ અદાલતે માત્ર આસ્થાને આધારે ચુકાદો આપ્યો છે, એવું કહેવું ખોટું છે.

અદાલતે પોતે સ્પષ્ટ કર્યું છે કે રામમંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવે. એ ટ્રસ્ટની દોરવણી હેઠળ આ ચુકાદાનો અમલ થશે. તેમાં આસ્થાનો કોઈ મુદ્દો જ નથી.

Image copyright Getty Images

અનેક કાયદા નિષ્ણાતો કહે છે કે તમે આસ્થાનો હવાલો આપીને દલીલો કરી હતી. તમારી પાસે તમારા પક્ષમાં રજૂઆત માટે ભરોસાપાત્ર પુરાવા ન હતા એવું તો નથીને?

વિવાદિત જમીનની માલિકીનો કેસ 1989માં દાખલ કરવામાં આવ્યો હતો. એ સમયે નિવૃત્ત ન્યાયમૂર્તિ દેવકીનંદ અગ્રવાલ ભગવાન રામ તરફથી અદાલતમાં ઉપસ્થિત થયા હતા.

અગ્રવાલજીએ શરૂઆતમાં આસ્થા પર જોર આપ્યું હતું, પણ પછી તેમણે એ તર્ક છોડી દીધો હતો. એટલે એ મામલામાં આસ્થાની ભૂમિકા એટલી મોટી ન હતી.

આ કેસની સુનાવણી કરતા પાંચ જજ પૈકીના ચારે તો ખુદને આસ્થાના તર્કથી બિલકુલ અલગ કરી લીધા હતા. પરિણામ એ આવ્યું કે માત્ર એક જજે નામ વિના 116 પેજનું પરિશિષ્ટ અલગથી લખ્યું.

પાંચમા જજે તેમના ચુકાદામાં સ્પષ્ટ લખ્યું છે કે રામનું જન્મસ્થાન મસ્જિદના ગુંબજની બરાબર નીચે હતું. અદાલતે આ વાત તેની સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવા તથા તથ્યોથી સંતુષ્ટ થયા બાદ કહી છે. અન્ય જજોને એવું લાગ્યું હશે કે તેમણે પોતાની ટિપ્પણી કરવાની જરૂર નથી.

Image copyright EPA

વિવાદિત જમીનને પણ એક પક્ષકાર માનવામાં આવે એ તર્કને તમે લોકોએ ફગાવી દીધો એવી પણ એક વાત છે.

આ મામલામાં બે પક્ષકારોની વાત અમે કહી હતી. એક શ્રી રામ લલા વિરાજમાન હતા અને બીજું જન્મસ્થાન.

અદાલતે પહેલા પક્ષકારને માન્ય ગણ્યા. અદાલતે તેના ચુકાદામાં તેના સ્વીકાર માટે 15-20 તર્ક આપ્યા છે.

અદાલતે કહ્યું છે કે શ્રદ્ધાળુઓના અધિકારના રક્ષણ માટે જ તેમણે ભગવાનને એક પક્ષકાર ગણ્યા છે.

હવે અદાલતે આ વાત સ્વીકારી લીધા ત્યારે જન્મસ્થાનને અલગથી પક્ષકાર માનવાની જરૂર રહી નહીં.

વિવાદિત જમીન પર માત્ર મુસલમાનોનો જ કાયમ કબજો હતો નહીં એ તર્કની વાત કરી તો હિંદુઓનો પણ તેના પર એકાધિકાર રહ્યો નથી. તેને કારણે હિંદુઓનો પક્ષ મજબૂત થયો હતો?

ભારતમાં ક્યાંય પણ કે કહો વિશ્વમાં ક્યાંય પણ, કબજાનું લેખિત પ્રમાણ હોય છે. અમે જે લેખિત પુરાવા અદાલતમાં રજૂ કર્યા હતા એ 12મી સદીના હતા.

તેમાં વિવાદિત સ્થળેથી મળેલા એ સમયના એક પથ્થર પર લખાણ હતું. પછી ખોદકામ દરમિયાન જે શિલાલેખ મળ્યા એ પણ અમે અદાલત સમક્ષ રજૂ કર્યા હતા.

એ ઉપરાંત અલગ-અલગ સમયે આવેલા વિદેશી પ્રવાસીઓના યાત્રા વૃતાંતને પણ અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.

અમે ઈતિહાસકારોને વૃતાંતને અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. એ બધાએ સ્વીકાર્યું છે કે હિંદુઓ તેને રામનું જન્મસ્થાન માનતા હતા અને ત્યાં પૂજા કરતા હતા.

અમારા પક્ષે જે પુરાવા રજૂ કર્યા તેમાં જણાવવામાં આવ્યું હતું કે હિંદુઓ ત્યાં સતત પૂજાપાઠ કરતા રહ્યા છે. કોર્ટે અમારા તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવાને સંતોષકારક ગણ્યા છે.

આપણે માની લઈએ કે તમારા તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવાને આધારે અદાલતે સ્વીકાર્યું છે કે બહારના ચબુતરા પર હિંદુઓ સતત પૂજાપાઠ કરતા હતા, તો પણ અદાલતને તેના આખરી ચુકાદામાં, અંદરના ભાગમાં હિંદુઓના સમાન કબજાના પુરાવા મળ્યા નથી. વિવાદિત ઢાંચાનો એ હિસ્સો તો મુસ્લિમ પક્ષકારોના કબજામાં હતો.

અમારો તર્ક એ હતો કે સમગ્ર ભૂખંડને એક ગણવો જોઈએ. તેને અલગ-અલગ ટુકડામાં મૂલવવાનું યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે અમારા આ તર્કને સ્વીકાર્યો છે.

સર્વોચ્ચ અદાલતે એ પણ સ્વીકાર્યું છે કે અંદરના આંગણામાં હિંદુઓ 1855ની પહેલાંથી પૂજાપાઠ કરતા હતા. એ પછી બ્રિટિશ શાસકોએ સમગ્ર વિસ્તારને બહાર અને અંદર એમ બે વિભાગમાં વહેંચી નાખ્યો હતો, પણ હિંદુ અંદરના આંગણામાં પણ પૂજા કરતા હતા તેના પુરાવા અમે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.

10 ગુણ્યા દસના એક ઓરડાને ભગવાન રામનું જન્મસ્થાન કહી શકાય નહીં. કૌશલ્યાએ જ્યાં રામને જન્મ આપ્યો એ વિશાળ મહેલ હશે અને એક ઓરડો નહીં હોય. અમે માનીએ છીએ કે આ તથ્યની અવગણના કરીને અદાલતની ટીકા કરવી ન જોઈએ.

Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં લખ્યું છે કે 1588થી 1857 વચ્ચે વિવાદિત જગ્યા પર નમાઝ થતી હોવાના પુરાવા મળ્યા નથી.

બાબરી મસ્જિદ કે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તરફથી અદાલતમાં આવેલા લોકોએ સ્વીકાર્યું છે કે ત્યાં 1856 પછી જ નમાઝ પઢવાનું શરૂ થયું હતું.

1528માં ત્યાં એક મસ્જિદ બનાવવામાં આવી હતી અને 1992માં તેને તોડી પાડવામાં આવી હતી એ વાત તો સાચી છેને? સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્વીકાર્યું છે કે ત્યાં મૂર્તિઓ રાખવાનું અને ઢાંચો તોડી પાડવાનું મસ્જિદનો અનાદર અને ગેરકાયદે કામ હતું.

જુઓ. ત્યાં હિંદુઓ મૂર્તિ વિના પણ પૂજાપાઠ કરતા રહ્યા હતા. હિંદુઓના જણાવ્યા અનુસાર, મૂર્તિઓ તો માત્ર પ્રતીકાત્મક હોય છે. અમારી આસ્થા તથા વિશ્વાસ દર્શાવવા માટે અમને મૂર્તિઓની જરૂર નથી.

એ જગ્યા અમારા માટે શ્રદ્ધાની જગ્યા હોય અને અમે ત્યાં જઈને પૂજા કરતા હોઈએ તો અમને મૂર્તિની કોઈ જરૂર નથી. ત્યાં મૂર્તિ કોણે રાખી એ વાતથી કોઈ ફરક પડતો નથી.

Image copyright KK MUHAMMED

હિંદુઓ 1528થી 1857ની વચ્ચે ત્યાં પૂજાપાઠ કરતા હતા તેના કોઈ પુરાવા છે?

હા. એના અનેક પુરાવા છે. ભારત આવેલા મોટાભાગના વિદેશી પ્રવાસીઓએ તેમના યાત્રા વૃતાંતમાં લખ્યું છે કે હિંદુઓ એ વિવાદિત સ્થળે પૂજા કરતા હતા. આ જ કારણે અદાલતે એ યાત્રા વૃતાંતને પુરાવા ગણ્યા છે અને સ્વીકાર્યું છે કે એ સમયમાં હિંદુઓ વિવાદિત સ્થળે સતત પૂજાપાઠ કરતા હતા.

સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં એમ પણ લખ્યું છે કે 1949માં ત્યાં મૂર્તિઓ રાખવાનું અને 1992માં મસ્જિદને તોડી પાડવાનું ગેરકાયદે હતું. હવે અદાલતની આ વાતથી એવી ગેરસમજ થાય છે કે કોઈ કામ ગેરકાયદે હોય તો તે કામ કરનારાઓના તરફેણમાં માલિકીનો ચુકાદો કેવી રીતે આપી શકાય?

મને લાગે છે કે અનુચ્છેદ 142 સિવાય 1992ની ઘટનાઓનો ઉલ્લેખ ચુકાદામાં કરવાની જરૂર ન હતી. અદાલત મુસલમાનોને રાહત આપવા ઈચ્છતી હતી અને મારું માનવું છે કે કદાચ એ જ કારણસર તેમણે તેમના ચુકાદામાં 1992ની ઘટનાનો ઉલ્લેખ કર્યો હશે.

અલબત, તમે આ સંદર્ભે એવું પણ વિચારી શકો કે માલિકીના હક્કના કેસ ક્યારે કરવામાં આવ્યા હતા? 1950, 1961 અને 1989માં. એ પછી જે ઘટના બની તેને માલિકીના હક્કના આ વિવાદ સાથે કોઈ સંબંધ નથી. અનુચ્છેદ 142 હેઠળ મુસ્લિમ પક્ષને રાહત આપવાના હેતુસર જ સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં 1992ની ઘટનાનો ઉલ્લેખ કર્યો હોય એવું લાગે છે.

જુઓ, આ એક ધર્મનિરપેક્ષ દેશ છે, જ્યાં કાયદાનું રાજ છે. કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી. એ જ કારણસર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સર્વાનુમતે એવો ચુકાદો આપ્યો છે કે મસ્જિદના અનાદરની જે બે ઘટના બની છે તે બનવી જોઈતી ન હતી, પરંતુ જમીનની માલિકીના હક્કનો નિર્ણય કરવા માટે આ વાતોના ઉલ્લેખની જરૂર ન હતી. મારું માનવું છે કે અનુચ્છેદ 142 હેઠળ રાહત આપવા માટે જ તેનો ઉલ્લેખ માનનીય અદાલતે પોતાના ચુકાદામાં કર્યો છે.

સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ વિવાદિત સ્થળને એક જ ગણ્યું છે, તેના ભાગલા કર્યા નથી?

અલાહાબાદ હાઈ કોર્ટે જમીનને ત્રણ હિસ્સામાં વહેંચવાનો ખોટો ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટની આ ભૂલને સુપ્રીમ કોર્ટે જ સુધારી છે. અમારો તર્ક એ હતો કે સમગ્ર વિવાદિત જમીન ભગવાન રામ લલાને મળવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એ તર્કનો સ્વીકાર કર્યો છે.

તમે તમારી રજૂઆતમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા(એએસઆઈ)ના રિપોર્ટનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો છે, પરંતુ અનેક સ્વતંત્ર પુરાતત્વવિદોએ તે રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યા છે.

મુસલમાનોએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે જ્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી તેના ત્રણેય ગુંબજ નીચે કોઈ અન્ય ઈમારતનો ઢાંચો ન હતો, પરંતુ તેઓ તેમની આ વાત સાબિત કરી શક્યા નહીં. બીજી તરફ ખોદકામમાં જે અવશેષો મળ્યા તેના પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે મસ્જિદના નિર્માણ પહેલાં ત્યાં એક વિશાળ ઈમારત હતી. એ કારણે મુસ્લિમ પક્ષકારોને એ દલીલ નકામી થઈ ગઈ.

અનેક ઈતિહાસકારોએ આગળ આવીને જણાવ્યું હતું કે મસ્જિદ પાસેથી જે દીવાલ મળી હતી એ ઈદગાહની હતી, જ્યારે મુસલમાનોએ એવો દાવો કર્યો હતો કે એ તો ખાલી જમીન હતી. એ દાવો ખોટો સાબિત થયો હતો.

એએસઆઈનો રિપોર્ટ એવું તો નથી જણાવતો કે મંદિર તોડીને તેની ઉપર મસ્જિદ બનાવવામાં આવી હતી. આ વિશે તમારે શું કહેવાનું છે?

હા. એએસઆઈનો રિપોર્ટ એવું નથી જણાવતો કે મંદિર તોડીને તેની જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ