'એ ગોરાઓ સાથે ફરતી પણ લગ્ન તો અમારા જેવા સાથે જ કરતી' ભાઈચંદ પટેલની કહાણી

ભાઇચંદ પટેલ Image copyright Getty Images

50ના દાયકામાં તેઓ દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને સૌથી મોટો અફસોસ એ હતો કે તેમની કોલેજમાં કુલ 800 છોકરાઓ વચ્ચે એક જ છોકરી અભ્યાસ કરતી હતી.

એ સમયે છોકરી સાથે ડેટ પર જવાનું તો દૂર રહ્યું, છોકરીઓનો હાથ પકડવા જેવી બાબતને પણ મોટું સ્કેન્ડલ ગણવામાં આવતી હતી.

છોકરાઓની હોસ્ટેલમાં છોકરીઓ આવે એ તો લગભગ અશક્ય હતું. ભાઈચંદ પટેલે છોકરીઓની આ કમીનું સાટું તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ(એલએસઈ)માં અભ્યાસ કરવા ગયા ત્યારે વાળી લીધું હતું.


એલએસઈના દિવસો

Image copyright Getty Images
ફોટો લાઈન લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સની ઈમારત

એ દિવસોનું વર્ણન કરતાં 'આઈ એમ અ સ્ટ્રેન્જર હિઅર માયસેલ્ફ' પુસ્તકના લેખક ભાઈચંદ પટેલ જણાવે છે કે "એલએસઈમાં અભ્યાસ કરતી છોકરીઓ વર્કિંગ ક્લાસમાંથી આવતી હતી. એ છોકરીઓ તેમના મેકઅપ તથા કપડાં પર બહુ ધ્યાન આપતી ન હતી. કદાચ અઠવાડિયે એક જ વાર સ્નાન કરતી હતી, પણ હું ઈનર ટેમ્પલમાં કાયદાનો અભ્યાસ કરવા ગયો ત્યારે કોઈ બાળકને ચૉકલેટના સ્ટોરમાં છોડી દીધો હોય એવું મને લાગ્યું હતું."

"એ જમાનામાં બ્રિટનમાં જાતિવાદ તેના ચરમ પર હતો. એ સમયે પણ એ છોકરીઓ અમારા જેવા અશ્વેત છોકરાઓને મળે તેની સામે તેમની મમ્મીઓને કોઈ વાંધો ન હતો, શરત એટલી જ કે છોકરીઓ ગર્ભવતી ન થવી જોઈએ કે તેમને અમારા જેવા છોકરાઓ સાથે પ્રેમ ન થવો જોઈએ."


ભારતીય, પાકિસ્તાની છોકરીઓને ગોરાઓમાં રસ

Image copyright Bhaichand patel

ભાઈચંદ પટેલની નિખાલસતાનો નમૂનો જુઓ, જેમાં તેઓ સ્વીકારે છે કે "એ દિવસોમાં અમે છોકરાઓ અમારા પાકીટમાં કૉન્ડોમ રાખતા હતા. તેની ક્યારે જરૂર પડે કોને ખબર. સૌથી વધુ હિંમતવાળું કામ બ્રુટ્સની દુકાને કાઉન્ટર પર જઈને સેલ્સ ગર્લ પાસેથી કૉન્ડોમનું પેકેટ માગવાનું હતું. એ દિવસોમાં કૉન્ડોમ સસ્તાં ન હતાં."

"અમારા જેવા વિદ્યાર્થીઓની પહોંચની બહારની ચીજ હતા. મજાની વાત એ હતી કે અમારી સાથે અભ્યાસ કરતી ભારતીય અને પાકિસ્તાની છોકરીઓ પર અમે મરતા હતા, પણ તેમને અમારામાં કોઈ રસ ન હતો. એ છોકરીઓ ગોરા છોકરાઓ સાથે હરતીફરતી હતી, પણ એ છોકરીઓ તેમના સ્વદેશ પાછી ફરી ત્યારે તેમણે અમારા જેવા છોકરાઓ સાથે જ લગ્ન કર્યાં હતાં."


હજુ પણ છે ફિજીનો પાસપોર્ટ

Image copyright Getty Images
ફોટો લાઈન ભાઈચંદ પટેલ તેમની પાર્ટીઓ માટે વિખ્યાત છે.

પ્રશાંત મહાસાગરના એક નાના દેશ ફિજીમાં પોતાની જિંદગી શરૂ કરનાર ભાઈચંદ પટેલને અનેક વડાપ્રધાનો, મહારાણીઓ, અભિનેત્રીઓ, સુંદર સ્ત્રીઓ અને દિલચસ્પ લોકોને મળવાની તક સાંપડી છે. લેખક, પત્રકાર અને ફિલ્મ સમીક્ષક ભાઈચંદ પટેલ વકીલાત કરી ચૂક્યા છે.

તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એક મોટા હોદ્દા પર કામ કર્યું હતું. હાલ તેઓ દિલ્હીના ટોચના સોશલાઈટ છે અને તેમની પાર્ટીઓમાં સામેલ થવા માટે દિલ્હીના મોટા-મોટા લોકો પડાપડી કરતા હોય છે.

મુંબઈ, લંડન, મનીલા અને કૈરોમાં રહી ચૂકેલા ભાઈચંદ પટેલ પાછલાં લગભગ 20 વર્ષથી દિલ્હીમાં રહે છે, પણ તેમણે તેમનું ફિજીનું નાગરિકત્વ હજુ પણ જાળવી રાખ્યું છે.


પાર્ટીઓ માટે વિખ્યાત

ભાઈચંદ પટેલ કહે છે કે "હું નાની ઉંમરે ફિજી સરકારની સ્કૉલરશિપ પર ભારતમાં ભણવા આવ્યો હતો. પછી લંડન ભણવા ગયો હતો. ત્યાં પાંચ વર્ષ રહ્યો. ત્યાં કાયમ માટે રહી જવાનું વિચાર્યું હતું, પણ ત્યારે મેં નક્કી કર્યુ હતું કે હું ફિજીનો નાગરિક છું અને ફિજીનો નાગરિક જ રહીશ. હું ત્યાં કદાચ રહી નહીં શકું, કારણ કે એ બહુ નાનો દેશ છે. તેની કુલ વસતિ 10 લાખથી પણ ઓછી છે."

"હું દર બીજા વર્ષે ફિજી જાઉં છું. મારી નાની બહેન અત્યારે પણ ત્યાં જ રહે છે. કોઈ એકવાર ફિજી જાય તો તેને ભૂલી શકે નહીં. બહુ સ્વચ્છ જગ્યા છે. ત્યાંના લોકો જિંદાદિલ છે. હું ફિજીમાં જ મોટો થયો છું. હિન્દી સમજું છું, પણ હિન્દી મારી માતૃભાષા નથી. મારી ભાષા ભોજપુરી છે. મારા માતા-પિતા બન્ને મૂળ ગુજરાતનાં. તેમની સાથે પણ હું ભોજપુરીમાં વાત કરતો હતો.


રજની પટેલના આસિસ્ટન્ટ બન્યા

Image copyright Bhaichand patel
ફોટો લાઈન રજની પટેલ કૉંગ્રેસના મોટા નેતા અને દેશના નામાંકિત વકીલ હતા

1966માં ભારત આવ્યા પછી ભાઈચંદ પટેલ મુંબઈના વિખ્યાત વકીલ રજની પટેલના આસિસ્ટન્ટ બન્યા હતા.

એ સમયે રજની પટેલ માર્કસવાદી હતા. પછી તેઓ કોંગ્રેસના સભ્ય બન્યા હતા અને ઈન્દિરા ગાંધીએ તેમની નિમણૂંક મુંબઈ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે કરી હતી.

ભાઈચંદ પટેલ કહે છે કે "એ સમયે રજની પટેલને મુંબઈના દાદા કહેવામાં આવતા હતા. તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કરતાં પણ વધુ શક્તિશાળી હતા. તેઓ વિખ્યાત અને કાબેલ વકીલ હતા. હું ફિજીથી આવ્યો હતો. તેમને બિલકુલ જાણતો ન હતો. હું રજની પટેલને ઓળખતી એક વ્યક્તિ પાસે ગયો હતો. તેમણે રજની પટેલને ફોન કરીને જણાવ્યું હતું કે ફિજીથી મારા એક દોસ્ત આવ્યા છે અને તમારી સાથે કામ કરવા ઈચ્છે છે."

"બીજા દિવસે રજની પટેલે મને બોલાવીને કામ સોંપી દીધું હતું. બે-ત્રણ વર્ષ પછી મેં તેમને પૂછ્યું હતું કે તમે મને તમારી સાથે રાખવા રાજી કેમ થઈ ગયા હતા? એમણે જવાબ આપ્યો હતો કે તમે ફિજીથી આવ્યા હતા. અહીં કોઈને જાણતા ન હતા. તમારી મદદ કરવી એ મારી ફરજ હતી."

રજની પટેલ સાથે કામ કરતી વખતે ભાઈચંદ પટેલની મુલાકાત વિખ્યાત અભિનેત્રી મીના કુમારી સાથે થઈ હતી. એ સમયે રજની પટેલ મીના કુમારીના પતિ કમાલ અમરોહી માટે એક કેસ લડી રહ્યા હતા.

ભાઈચંદ પટેલ કહે છે કે "ભલે ગમે તેટલો મોટો ફિલ્મસ્ટાર હોય, પણ તેનું બેન્ક બેલેન્સ મામૂલી હોય છે એ વાત મેં અનુભવે જાણી છે. મીના કુમારીનું પણ એવું જ હતું. એ સમયે તેઓ તેમની ચરમ શિખર પરથી ઉતરી ચૂક્યાં હતાં. તેમનું શરીર બેડોળ થઈ ગયું હતું અને તેમને કામ મળવાનું બંધ થઈ ગયું હતું."


મારિયો મિરાન્ડા અને આર.કે. લક્ષ્મણ વચ્ચેની હરીફાઈ

Image copyright Getty Images
ફોટો લાઈન કાર્ટૂનિસ્ટ મારિયો મિરાન્ડા

મુંબઈમાં વસવાટ દરમિયાન ભાઈચંદ પટેલની મુલાકાત વિખ્યાત કાર્ટૂનિસ્ટ મારિયો મિરાન્ડા સાથે થઈ હતી.

ભાઈચંદ કહે છે કે "આર. કે. લક્ષ્મણ અને મારિયો મિરાન્ડા બન્ને ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં એક છત નીચે કામ કરતા હતા, પણ બન્ને વચ્ચે જોરદાર હરીફાઈ હતી. લક્ષ્મણને મારિયો જરા પણ પસંદ ન હતા અને તેઓ મારિયો માટે હંમેશા મુશ્કેલી ઊભી કરતા હતા."

"મારિયો મિરાન્ડાનાં કાર્ટૂન ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં ન છપાય એ લક્ષ્મણ સુનિશ્ચિત કરતા હતા. મારિયોના કાર્ટૂન કાં તો ફિલ્મફેરમાં છપાતાં હતાં અથવા ખુશવંત સિંહ ઈલેસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયાના તંત્રી બન્યા પછી તેમાં છપાતાં હતાં. મારિયો મારા દોસ્ત હતા. તેઓ વારંવાર પાર્ટીનું આયોજન કરતા હતા અને મને તેમાં બોલાવતા હતા. તેઓ 'પ્લે બૉય' સામયિકનો દરેક અંક વાંચતા હતા. એ સમય ભારતમાં 'પ્લે બૉય' પર પ્રતિબંધ હતો."


રાહુલ સિંહ સાથેની દોસ્તી

લંડનમાં અભ્યાસ દરમિયાન ભાઈચંદ પટેલની મુલાકાત ખુશવંત સિંહના દીકરા રાહુલ સિંહ સાથે થઈ હતી. એ દોસ્તી આજે પણ મજબૂત છે.

મુંબઈમાં એ બન્ને 'નાઈન અવર્સ ટુ રામા'ની હીરોઈન ડાયના બેકરને ડેટ કરતા હતા. તેઓ તાજ હોટેલની એક રેસ્ટોરામાં બેઠા હતા ત્યારે ભાઈચંદ બાથરૂમ ગયા હતા. તેઓ ટેબલ પર પાછા આવ્યા ત્યારે રાહુલ સિંહ ડાયના બેકરને પોતાની મોટરસાયકલ પર બેસાડીને છૂ થઈ ગયા હતા.

રાહુલ સિંહને એ ઘટના આજે પણ યાદ છે.

તેઓ કહે છે કે "ડાયના બેકર મશહૂર અભિનેત્રી હતાં અને મુંબઈ આવ્યાં હતાં. ભાઈચંદે તેમને તાજ હોટેલની 'સી લાઉન્જ' રેસ્ટોરાંમાં બોલાવ્યાં હતાં. તેમની સાથે હું પણ ગયો હતો. ભાઈચંદનો પ્લાન ડાયનાને મુંબઈમાં ફેરવવાનો અને મોકો મળે તો બીજું કઈંક પણ કરવાનો હતો."

"એ જમાનામાં મારી પાસે રૉયલ ઍનફિલ્ડ મોટર સાયકલ હતી. ભાઈચંદ બાથરૂમ ગયા તો ડાયનાએ મને કહ્યું કે તેઓ ભાઈચંદ સાથે જવા ઈચ્છતાં નથી. તેમણે મને કહ્યું કે તમે મને મુંબઈમાં ફરવા શા માટે નથી લઈ જતા? એ પછી અમે બન્ને મોટર સાયકલ પર સવાર થઈને ત્યાંથી નીકળી ગયા હતા."


ખુશવંત સિંહનો ઊંઘવાનો સમય

Image copyright Getty Images
ફોટો લાઈન ભાઈચંદ પટેલ અને રાહુલ સિંહની દોસ્તી આજે પણ મજબૂત છે.

રાહુલ સિંહ મારફતે ભાઈચંદની મુલાકાત ખુશવંત સિંહ સાથે થઈ હતી. તેઓ ખુશવંત સિંહના આજીવન ચાહક રહ્યા છે.

ખુશવંત સિંહનો એક સિદ્ધાંત હતો. તેઓ લોકોને બરાબર સાત વાગ્યે ડ્રિન્ક્સ પર બોલાવતા હતા અને આઠ વાગ્યે ભોજન પિરસતા હતા અને બરાબર નવ વાગ્યે ઉંઘવા જતા રહેતા હતા.

સમય ખતમ થઈ ગયા બાદ એક વખત તેમણે રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહને પણ રવાના થવા કહી દીધું હતું.

રાહુલ સિંહના પચાસમા જન્મદિવસે આપવામાં આવેલી પાર્ટીમાં ભાઈચંદ પટેલ હાજર હતા. એ પાર્ટીમાં રાહુલ સિંહે રાજીવ ગાંધીને પણ બોલાવ્યા હતા.

એ પ્રસંગને યાદ કરતાં રાહુલ સિંહ કહે છે કે "રાજીવ ગાંધી અમારે ત્યાં ડીનર માટે આવ્યા હતા અને દોઢ કલાક રોકાયા હતા. મારા પિતા ખુશવંત સિંહે રાજીવ ગાંધીને કહ્યું હતું કે અમારા માટે આ બહુ ભાવનાત્મક ક્ષણ છે. જે ઘરમાં તમારા મમ્મી અને નાના ભાઈ આવ્યા હતા એ ઘરમાં તમારાં પગલાં પણ પડી ગયાં. જોકે, હું તમારી સાથે વધુ સમય બેસી નહી શકું, કારણ કે મારા ઉંઘવાનો સમય થઈ ગયો છે. એ ઘટનાના છ મહિના પછી રાજીવ ગાંથી એક બૉમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા."


રેખા અને ભાઈચંદની મુલાકાત

Image copyright Getty Images
ફોટો લાઈન ખુશવંત સિંહ સમયપાલનના આગ્રહી હતા.

લોકો આ વાત પર વિશ્વાસ નહીં કરે, પણ વિખ્યાત અભિનેત્રી રેખા એક સમયે ભાઈચંદ પટેલને પરણવા ઈચ્છતાં હતાં.

ભાઈચંદ કહે છે કે "એ સમયે રેખાનું જીવન એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને અમિતાભ સાથેનું તેનું અફેર સમાપ્ત થઈ ગયું હતું. રેખાએ એક સામયિકને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ તેમના ઘરમાં કામ કરતા ઈલેક્ટ્રિશિયન સાથે પણ લગ્ન કરી શકે છે."

"રેખાએ કોઈ પાસેથી સાંભળેલું કે હું એકલો રહું છું અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સારી એવી નોકરી કરું છું. રેખા દિલ્હી આવી અને અમારી બન્ને દોસ્ત બીના રમાણીએ તેમના નીતિ બાગસ્થિત ફ્લેટમાં અમારી મુલાકાત કરાવી હતી."

"રેખાને થોડી વારમાં ખબર પડી ગઈ હતી કે હું તેમને અનુકૂળ નથી. મારો ચહેરો દેવ આનંદ જેવો ન હતો અને હું પરણેલો પણ હતો."

ભાઈચંદ ઉમેરે છે કે "થોડા દિવસ પછી તાજ પેલેસના ઓરિએન્ટ એક્સપ્રેસ બારમાં હું મુકેશ અગ્રવાલને મળ્યો હતો. તેઓ મારા દોસ્ત હતા. તેમનો રસોઈના ચૂલા બનાવવાનો બિઝનેસ હતો. મેં તેમને મારી રેખા સાથેની મુલાકાત બાબતે જણાવ્યું અને કહ્યું કે રેખા આજકાલ એક પતિને શોધી રહી છે. મુકેશે બીના રમાણીને ફોન કરીને તેમની ઓળખાણ રેખા સાથે કરાવવા કહ્યું હતું."

"એ પછી ફટાફટ ઘટનાઓ બની અને રેખા તથા મુકેશનાં લગ્ન થઈ ગયાં. લગ્નના એક જ સપ્તાહમાં રેખાને અંદાજ આવી ગયો હતો કે એ અને મુકેશ એકદમ અલગ-અલગ પ્રકારની વ્યક્તિ છે. મુકેશ રેખાનો ચાહક હતો. બન્નેમાં કોઈ સમાનતા ન હતી. એ લગ્નનો બહુ દુ:ખદ અંત આવ્યો અને લગ્નના છ મહિના પછી મુકેશે આપઘાત કર્યો હતો."

ભાઈચંદ પટેલની આ આત્મકથામાં આ પ્રકારના અનેક કિસ્સાઓ છે. આ પુસ્તકની ખાસિયત છે ભાઈચંદ પટેલની નિખાલસતા. રાહુલ સિંહ કહે છે કે " આ ખરેખર વાંચવા જેવું પુસ્તક છે. તેમાં ઘણી રમૂજ છે. આ પુસ્તક એકવાર હાથમાં લેશો તો બાજુ પર મૂકી નહીં શકો."


સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સ્વર્ણ સિંહ

Image copyright Bhaichand patel
ફોટો લાઈન ભાઈચંદ પટેલની પાર્ટીમાં રાહુલ સિંહ (છેક ડાબે) અને સુહેલ સેઠ (છેક જમણે).

1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે ભાઈચંદ પટેલ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ન્યૂ યોર્કમાં કાર્યરત હતા. એ સમયે સલામતી પરિષદમાં ભારતના પ્રતિનિધિ સમર સેન અને પાકિસ્તાની પ્રતિનિધિ આગા શાહી દિવસ દરમિયાન જોરદાર ચર્ચા કરતા હતા, પણ રાતે બારમાં જઈને એક સાથે દારૂ પીતા હતા.

એ વખતે સ્વર્ણ સિંહ ભારતના વિદેશ પ્રધાન હતા. સ્વર્ણ સિંહે, તેઓ ભાષણ કરતા હતા ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિને પોતાના ગ્લાસમાં પાણી રેડવા કહ્યું હતું. એ ભાઈચંદ પટેલને ગમ્યું ન હતું.

Image copyright Getty Images
ફોટો લાઈન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભાષણ આપતા સ્વર્ણ સિંહ

એ ઘટનાને યાદ કરતાં ભાઈચંદ પટેલ કહે છે કે "આપણે આપણા ઘરના નોકરને ગ્લાસમાં પાણી લાવવા કહીએ એવું જ એ હતું. સ્વર્ણ સિંહ ભાષણ આપી રહ્યા હતા. એ દરેક જગ્યાએ લાઇવ દેખાડવામાં આવતું હતું. એ વખતે તેમણે પાછળ ફરીને ભારતીય પ્રતિનિધિને તેમના ગ્લાસમાં પાણી નાખવા કહ્યું હતું. પાણીનો ગ્લાસ અને જગ બન્ને તેમની સામે જ પડ્યા હતા. તેઓ જાતે ગ્લાસમાં પાણી લઈ શકતા હતા. આટલા મોટા હોદ્દા પર કામ કરતા સ્વર્ણ સિંહની એ હરકતથી મને બહુ શરમ આવી હતી."


વી. એસ. નાયપોલની કંજૂસી

Image copyright Getty Images
ફોટો લાઈન નોબેલ પુરસ્કાર વિજેતા લેખક વી. એસ. નાયપોલ

વિખ્યાત લેખક વી. એસ. નાયપોલને પણ ભાઈચંદ પટેલ જાણતા હતા.

ભાઈચંદ પટેલ કહે છે કે "નાયપોલને મારા કરતાં વધુ સારી રીતે કદાચ વિનોદ મહેતા અને રાહુલ સિંહ ઓળખતા હતા, પણ નાયપોલ દિલ્હી આવ્યા ત્યારે તેમની દેખભાળની જવાબદારી મને સોંપવામાં આવી હતી. તેનું કારણ કદાચ એ હતું કે મારી પાસે મોટી કાર અને ઉત્તમ રસોઈયો હતો."

"નાયપોલની એક વાત મેં નોંધી છે. તેઓ જ્યારે લોકોની સાથે કોઈ રેસ્ટોરાંમાં જતા ત્યારે મોંઘામાં મોંઘો વાઈન ઓર્ડર કરતા હતા, પણ તેમનો હાથ ખુદના પાકીટ પર ક્યારેય જતો ન હતો. તેઓ ત્રિનિદાદમાં જન્મ્યા હતા અને બ્રિટિશ નાગરિક હતા. તેમને હિન્દીનો એક અક્ષર બોલતાં આવડતો ન હતો, પણ તેમને નોબેલ પુરસ્કાર મળ્યો ત્યારે ભારતીયોમાં તેમને પોતાના કહેવાની સ્પર્ધા શરૂ થઈ હતી એ જાણીને મને બહુ હસવું આવ્યું હતું."


ખુદને કહે છે 'પાર્ટી એનિમલ'

Image copyright Getty Images
ફોટો લાઈન પોતાની હાઉસ પાર્ટીમાં ભાઈચંદ પટેલ.

ભાઈચંદ પટેલ અત્યારે 83 વર્ષના છે, પણ સેક્સમાં તેમનો રસ જરાય ઓછો થયો નથી. તેઓ સ્વીકારે છે કે તેમના માટે 'સેક્સ દોરડાથી બિલિયર્ડ રમવા જેવું છે.'

ભાઈચંદ પટેલ દિલ્હીમાં તેમની પાર્ટીઓ માટે મશહૂર છે. તેમના દ્વારા દર વર્ષે વેલેન્ટાઈન્સ ડે અને ક્રિસમસ નિમિત્તે આપવામાં આવતી પાર્ટીમાં દિલ્હીના 27થી 92 વર્ષની વયના ચૂંટેલા લોકો સામેલ થાય છે.

ભાઈચંદ પટેલ કહે છે કે "વાસ્તવમાં હું લોકોને પ્રેમ કરું છું. હું દિલ્હીમાં એકલો રહું છું. અઠવાડિયામાં ત્રણ-ચાર વખત લોકો મને જમવા બોલાવે છે. એટલે હું પણ તેમને જમવા બોલાવું એ જરૂરી છે. નાની પાર્ટીમાં હું બારેક લોકોને આમંત્રણ આપું છું, કારણ કે મારા ડાઈનિંગ ટેબલ પર આટલા લોકો જ એક સાથે બેસી શકે છે. મારી મોટી પાર્ટી વેલેન્ટાઈન્સ ડેએ હોય છે. મારા બંગલાનું ગાર્ડન બહુ મોટું છે."

"એ દિવસે હું લગભગ 150-200 લોકોને આમંત્રિત કરું છું. ઘરનું ભોજન જમાડું છું, કારણ કે મારો રસોઈયો બહુ સારો છે. મેં આજ સુધી કોઈને કૅટરિંગનું ખાવાનું ખવડાવ્યું નથી."

મેં ભાઈચંદને પૂછ્યું કે તમે તમારા મહેમાનોની પસંદગી કેવી રીતે કરો છો? તેમણે જવાબ આપ્યો કે "દિલચસ્પ લોકો. દિલ્હીમાં આટલા વર્ષ રહ્યા પછી એટલો અનુભવ છે કે દિલચસ્પ લોકો કોણ-કોણ છે એ કહી શકું. મને ગમતા હોય એવા લોકો જ મારી પાર્ટીમાં આવે છે."


આજના ભારતથી ખુશ નથી

Image copyright Bhaichand patel
ફોટો લાઈન પોતાની પાર્ટીમાં ડાન્સ કરતા ભાઈચંદ પટેલ

પોતે યુવાન હતા ત્યારે જે ભારત હતું આજનું ભારત નથી એ વાતનો ભાઈચંદ પટેલને અફસોસ છે.

ભાઈચંદ પટેલ કહે છે કે "દેશ જે તરફ જઈ રહ્યો છે તેનાથી હું બહુ દુઃખી છું.અમારા જમાનામાં આ બધાનો દેશ હતો. હિંદુ, મુસલમાન અને શીખમાં કોઈ ફરક ગણાતો ન હતો. હવે તો લોકોને ધર્મના આધારે મારકૂટ કરવામાં આવે છે."

"કોઈ કહે કે આ દેશ માત્ર હિંદુઓનો છે તો હું એ ક્યારેય માનીશ નહીં. આ દેશને બધા લોકોએ સાથે મળીને બનાવ્યો છે. આ દેશમાં બધાને સમાન તક મળશે તો જ દેશ આગળ વધશે. ચોક્કસ ધર્મના લોકો અમુક ચીજો ખાય છે એટલે એમને નોકરી નહીં મળે એવું કહેવાથી મોટો અત્યાચાર બીજો હોઈ ન શકે. કોઈએ શું ખાવું એ કહેવાવાળા આપણે કોણ?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ