TOP NEWS: ગુજરાત સરકારે રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી

વિજય રૂપાણી Image copyright Getty Images

ગુજરાત સરકારે રાજ્યની 16 ચેકપોસ્ટો રદ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય મંત્રી વિજય રુપાણીએ આ અંગે પત્રકારપિષદમાં માહિતી આપી છે.

આગામી 20 નવેમ્બરથી રાજ્યની ચેકપોસ્ટો બંધ કરી દેવાશે.

આ ઉપરાંત લર્નિંગ લાઇસન્સ મેળવવા માટેની પણ નવી જાહેરાત કરવામાં આવી છે.

મુખ્ય મંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યની આરટીઓ કચેરી ઉપરાંત હવેથી આઈટીઆઈ અને પોલિટેકનિક સંસ્થાઓમાંથી પણ લર્નિંગ લાઇસન્સ મેળવી શકાશે.

પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્ય મંત્રીએ કહ્યું, "હવેથી રાજ્યની 221 આઈટીઆઈ અને અન્ય પોલિટેક્નિકમાંથી લાયસન્સ મેળવી શકાશે."

રાજ્ય સરકારે આ ઉપરાંત સાત સેવાઓને ઑનલાઇન કરી દીધી છે. જેમાં લાઇસન્સ રિન્યૂઅલનો પણ સમાવેશ થાય છે.

ચેકપોસ્ટનું તમામ કામ ઑનલાઇન કરી દેવાયું છે, જેમાં શુલ્કની ચુકવણી પણ ઑનલાઇન કરી દેવાઈ છે અને કાયદાનો ભંગ કરનાર પાસેથી બમણો દંડ ભરવાની જાહેરાત પણ કરાઈ છે.


ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદ પડશે

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

હવામાનખાતાની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બે દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

દક્ષિણ પશ્વિમ રાજસ્થાન અને સમુદ્રથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ છુટોછવાયો વરસાદ પડી શકે છે.

વરસાદ મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં વરસી શકે છે. આ પહેલાં બુધવારે પણ બનાસકાંઠાના કેટલાંક વિસ્તારો, અમરેલી અને બોટાદ જિલ્લામાં વીજળીઓ ચમકી હતી અને હળવો વરસાદ પડ્યો હતો.


"ભારતની ગંદકી અમેરિકામાં આવે છે"

Image copyright Getty Images

એનડીટીવીના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પર્યાવરણ મુદ્દે ભારત પર નિશાના પર સાધ્યું છે.

ટ્રમ્પે કહ્યું, "ચીન, ભારત, રશિયા જેવા મોટા દેશો તેમનો કચરો દરિયામાં ફેંકે છે, જેના કારણે લૉસ ઍન્જલ્સના પ્રશ્નોમાં વધારો થાય છે."

ટ્રમ્પને ન્યુયોર્કની ઇકૉનૉમિક ક્લબમાં ટ્રેડ-પોલિસી અને ક્લાઇમેટ ચેન્જ અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.

ટ્રમ્પે કહ્યું, "જ્યારે મને લોકો પર્યાવરણને લઈને પ્રશ્નો પુછે છે ત્યારં હું હંમેશાં કહું છું. "

"આપણી જમીન(અમેરિકાની) બીજાની સરખામણીએ નાની છે. કેટલાક બીજા દેશો ચીન, ભારત, રશિયા, આ ઉપરાંત બીજા અનેક પોતાનાં ઔદ્યોગિક એકમોનો કચરા દરિયામાં ઠાલવે છે અને તે તરતોતરતો લૉસ ઍન્જલ્સમાં આવે છે અને તેની સમસ્યામાં વધારો કરે છે."


બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો 2020ના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ હશે

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો આગામી વર્ષે ભારતમાં પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન હશે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ આમંત્રણનો બોલસોનારોએ સ્વીકાર કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સની અગિયારમી બેઠકમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા છે.

બંને રાષ્ટ્રના નેતાઓ વચ્ચે બુધવારે અલગથી મુલાકાત થઈ અને બંને દેશોએ દ્વિપક્ષી મુદ્દા પર સહમતિ સાધી.


'મહાભિયોગને જોવાનો મારી પાસે સમય નથી'

Image copyright Getty Images
ફોટો લાઈન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલિન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની સામે મહાભિયોગની તપાસમાં પહેલીવાર વૉશિંગટનમાં સાર્વજનિક સનુવણી કરવામાં આવી રહી છે.

મહાભિયોગની કાર્યવાહીમાં અમેરિકાના ઉચ્ચ રાજનેતાઓએ ટ્રમ્પ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ટ્રમ્પ પર આરોપ છે કે તેણે પોતાના રાજકીય સ્પર્ધક જૉ બાઈડેન સામે તપાસ શરૂ કરાવવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝૅલેન્સ્કી પર દબાણ કર્યું હતું. જોકે ટ્રમ્પ આ આરોપને સતત નકારતા રહ્યા છે.

સુનવણી કરતી વખતે યુક્રેનમાં અમેરિકાના રાજદૂત બિલ ટેલરે કહ્યું કે ડેમૉક્રેટિક નેતા જૉ બાઇડેનની સામે યુક્રેનમાં તપાસ કરવા ટ્રમ્પે જાતે કહ્યું હતું.

ટેલરે કહ્યું કે તેમના સ્ટાફે તેમને જણાવ્યું હતું કે બાઈડેનની સામે તપાસ કરવા માટે ટ્રમ્પે મન બનાવી લીધું છે.

ટ્રમ્પે જણાવ્યું કે તેમને મહાભિયોગની સુનવણીમાં કોઈ રસ નથી.

તેમણે કહ્યું, "મારી પાસે આને જોવાનો સમય નથી. આ દુષ્ટ ભાવનાથી પ્રેરિત છે, આ છેતરપિંડી છે. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો