ગુજરાતમાં ચોમાસું કેમ પૂરું થવાનુ નામ નથી લેતું? કમોસમી વરસાદ કેમ વરસી રહ્યો છે?

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

ચોમાસું વીત્યું એને બે મહિનાની થઈ ગયા છે, છત્તાં પણ ગુજરાતમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં પહેલાં મહા અને પછી ક્યાર વાવાઝોડાંને કારણે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

પાક નિષ્ફળ જવાને કારણે કેટલાક ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાના પણ સમાચાર છે.

ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે. પાકનુકસાનીને કારણે સરકારે ખેડૂતોને 700 કરોડની સહાય આપવાનો નિર્ણય કરવો પડ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત કેટલાંક વિસ્તારોમાં આજે (ગુરુવારે) અને આવતી કાલે (શુક્રવારે) વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

આજે કચ્છમાં વરસાર અને કરાં પડવાના સમાચાર છે.

રાજ્યમાં બુધવારે પણ બનાસકાંઠાના કેટલાંક વિસ્તારો, અમરેલી અને બોટાદ જિલ્લામાં વીજળીઓ સાથે હળવો વરસાદ વરસ્યો હતો.


ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ થવાનું કારણ

ગુજરાતમાં પહેલાં પણ કમોસમી વરસાદ વરસ્યો તેનું કારણ અરબ સાગરમાં ઉભા થયેલાં 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાં હતું. હાલ વરસાદ થવાનું કારણ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

હવામાન વિભાગે કરેલી જાહેરાત મુજબ દક્ષિણ પશ્વિમ રાજસ્થાન અને તેના પડોશી વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 2.1 કિલોમિટરની ઊંચાઈએ સર્જાવાને કારણે વરસાદ વરસી શકે છે.

બીબીસી ગુજરાતીએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહન્ટી સાથે વાતચીત કરી હતી તેમણે કહ્યું કે દ્વારકા અને બનાસકાંઠા વિસ્તારમાં હળવો વરસાદ થવાની આશા છે.

આ સાયક્લોનના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં શુક્રવારે પણ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આ આગાહી સાચી પડતી જણાય છે. કચ્છમાં વરસાદ અને કરાં પડવાની ઘટનાઓ બની છે.


ગુજરાતમાં શિયાળામાં કેમ વરસી રહ્યો છે વરસાદ?

Image copyright Getty Images

ગુજરાતમાં કમોસમી વરસાદ માટે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને મહ્દઅંશે જવાબદાર માનવામાં આવે છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચાર વાવાઝોડાં આવ્યા જેના કારણ કમોસમી વરસાદ આવ્યો અને હાલ પણ કમોસમી વરસાદ ચાલુ છે.

ગુજરાતમાં આવેલાં કમોસમી વરસાદ અને વાવાઝોડાં અંગે 'સ્કાયમૅટ વેધર સર્વિસ'ના ઉપાધ્યક્ષ અને હવામાનશાસ્ત્રી મહેશ પાલાવતે ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ગણાવ્યું હતું.

આ કમોસમી વરસાદનું એક કારણે ગ્લોબલ વૉર્મિંગ પણ હોઈ શકે છે. ગુજરાતમાં કમોસમી વરસાદ મુખ્યત્વે વાવાઝોડાંના કારણે આવ્યો હતો. તો આ વાવાઝોડાં કેવી રીતે આવી રહ્યા છે?

'ડાઉન ટુ અર્થ' માં જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણની સમસ્યા પર લખતાં નેહા યાદવ એક લેખમાં લખે છે, "બંગાળની ખાડી કરતાં અરબ સાગરમાં વધારે વાવાઝોડાં સર્જાતાં નથી. અરબ સાગરના ઠંડા પ્રવાહમાં 50 ટકા વાવાઝોડાં ટકી શકતાં નથી. દરિયાની ઠંડી જળસપાટી વાવાઝોડાના સર્જન માટે અનુકૂળ નથી હોતી."

"જોકે, વાવાઝોડાની સર્જનપક્રિયામાં ફેરફાર નોંધાયાં છે અને ગત વર્ષોના જળવાયુ સંબંધિત ડેટા જણાવે છે કે અરબ સાગરમાં છાશવારે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સર્જાવાં લાગ્યાં છે. છેલ્લાં 15 વર્ષ (વર્ષ 1998થી વર્ષ 2013)માં અરબ સાગરમાં પાંચ ભયાનક વાવાઝોડાં સર્જાયાં હતાં."

"હિંદમહાસાગરના તાપમાન અંગેનો અભ્યાસ જણાવે છે કે મહાસાગર ગરમ થઈ રહ્યો છે, ખાસ કરીને અરબ સાગરનું તાપમાન ખૂબ ઝડપથી વધી રહ્યું છે."

"અરબ સાગર ક્લાઇમેટ ચેન્જને ઝડપથી પ્રતિભાવ આપી રહ્યો છે અને વધુને વધુ વાવાઝોડાં ઉત્પન્ન કરી રહ્યો છે. તેને લીધે કમોસમી વરસાદમાં પણ ભારે વધારો થઈ ગયો છે."

'મહા' વાવાઝોડું લક્ષદ્વીપના ટાપુઓ પાસેથી ઉત્પન્ન થયું હતું. જેના કારણે લક્ષદ્વીપ, કેરળ અને તામિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

'મહા' વાવાઝોડું પાછળથી ફંટાઈ ગયું હતું પરંતુ તેના કારણે ગુજરાતના કેટલાંક સ્થળે વરસાદ થયો હતો. જેના કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.

'ક્યાર' વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસા બાદ પણ વરસાદ પડ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો