અયોધ્યા નિર્ણયથી બાબરી મસ્જિદ તોડનારાંઓની માગ પૂરી થઈ - જસ્ટિસ ગાંગુલી

પ્રતીકાત્મત Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય પીઠે સર્વાનુમતે નિર્ણય રામમંદિરની તરફેણમાં આપ્યો પરંતુ સાથે એ પણ કહ્યું કે બાબરી મસ્જિદ તોડવી એ એક ગેરકાનૂની કૃત્ય હતું.

પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે માન્યું કે મસ્જિદની નીચે એક સંરચના હતી જે ઇસ્લામિક નહોતી પરંતુ એમ પણ કહ્યું કે ભારતીય પુરાતત્ત્વવિદોએ મંદિર તોડીને મસ્જિદ બાંધવામાં આવી હતી એવો દાવો નથી કર્યો.

જ્યારે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આવ્યો ત્યારે અલગઅલગ રીતે તેની વ્યાખ્યા શરું થઈ પરંતુ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અશોક કુમાર ગાંગુલી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે સવાલ ઊભો કરનાર પ્રથમ વ્યક્તિ હતા.

જસ્ટિસ એ.કે. ગાંગુલીનો મુખ્ય સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટે જે આધાર પર વિવાદિત જમીન હિંદુ પક્ષને સોંપવાનું કહ્યું તે એમની સમજણની બહાર છે.

અયોધ્યા કેસના ચુકાદા સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ ઉપર બીબીસીની ભારતીય ભાષાઓના સંપાદક રૂપા ઝાએ જસ્ટિસ ગાંગુલી સાથે વાતચીત કરી અને એમને પૂછ્યું કે તેમને નિર્ણય સામે વાંધો શું કામ છે.

જસ્ટિસ ગાંગુલીએ કહ્યું કે જે રીતે આ નિર્ણય આપવામાં આવ્યો છે તે એમને પરેશાન કરે છે.

એમણે કહ્યું ''બાબરી મસ્જિદ લગભગ 450-500 વર્ષથી ત્યાં હતી, આ મસ્જિદ 6 ડિસેમ્બર 1992માં તોડી દેવાઈ. મસ્જિદને તોડાતી સૌએ જોઈ છે અને તેને લઈને અપરાધિક કેસ પણ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે મસ્જિદ તોડી દેવાની ઘટનાને ગેરકાયદે ગણાવી તેની ટીકા કરી છે. આ સાથે જ અદાલતે એ નિર્ણય આપ્યો કે મસ્જિદની જમીન રામ લલા યાને કે હિંદુ પક્ષની છે. જ્યાં મસ્જિદ હતી ત્યાં મંદિર હતું અને એને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી તેનું કોઈ પ્રમાણ નથી. એવું કહેવામાં આવ્યું કે મસ્જિદની નીચે કોઈ સંરચના હતી પંરતુ તે મંદિર જ હતું એવી કોઈ સાબિતી નથી.''

જસ્ટિસ ગાંગુલી કહે છે કે આ એમનો પહેલો વાંધો છે.

Image copyright Getty Images
ફોટો લાઈન સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ગાંગુલી

બીજો વાંધો રજૂ કરતા તેઓ કહે છે કે ''વિવાદિત જમીન આપવા માટે પુરાતાત્ત્વિક પુરાવાને આધાર બનાવવામાં આવ્યા છે પંરતુ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે પુરાતાત્ત્વિક પુરાવાઓથી જમીનના માલિકીહકનો નિર્ણય થઈ શકે એમ નથી. આવામાં સવાલ થાય છે કે તો પછી શેના આધાર જમીન આપવામાં આવી?''

સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદના નિર્ણયમાં પુરાતાત્ત્વિક પુરાવાઓ ઉપરાંત યાત્રા વૃત્તાંતનો પણ ઉલ્લેખ કર્યો છે. આ વિશે જસ્ટિસ ગાંગુલી કહે છે કે ''યાત્રા વૃત્તાંત પુરાવો ન થઈ શકે. ઇતિહાસ પણ પુરાવો ન થઈ શકે. જો આપણે પુરાતાત્ત્વિક ખોદકામના પુરાવાઓને આધારે ત્યાં કઈ સંરચના હતી તે નિયત કરીશું તો ક્યાં પહોંચીશું?''

''અહીં તો મસ્જિદ 500 વર્ષથી હતી અને જ્યારથી ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ત્યાં મસ્જિદ હતી. બંધારણ અમલ આવવાથી દરેક ભારતીયને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે. લઘુમતીઓને પણ ધાર્મિક આઝાદી મળેલી છે. લઘુમતીઓને અધિકાર છે કે તેઓ એમના ધર્મનું પાલન કરે. એમને અધિકાર છે કે તેઓ એ સંરચનાનો બચાવ કરે. બાબરી મસ્જિદ વિધ્વંસનું શું થયું?''

Image copyright Getty Images

જસ્ટિસ ગાંગુલી કહે છે કે ''2017માં રાજ્ય વિરુદ્ધ કલ્યાણ સિંહના કેસના ફકરા 22માં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બાબરી વિધ્વંસ એક એવો અપરાધ હતો જેણે ભારતીય બંધારણના ધર્મનિરપેક્ષતાના મૂલ્યોને ઠેસ પહોંચાડી છે.''

''એ કેસ હજી ચાલી રહ્યો છે અને જેમણે અપરાધ કર્યો છે તેમને દોષિત ઠેરવવાના બાકી છે. અપરાધ થયો છે તેમાં કોઈ સંદેહ નથી અને તેનાથી ભારતીય બંધારણમાં લિખિત ધર્મનિરપેક્ષતાના મૂલ્યનું ગંભીર ઉલ્લઘંન થયું છે. આ વાત સુપ્રીમ કોર્ટે કહી છે. હજી એ નક્કી કરવાનું બાકી છે કે આ ગુનો કોણે કર્યો હતો.''

શું બાબરી વિધ્વંસનો કેસ હવે તાર્કિક નિષ્કર્ષ પર પહોંચી શકશે? એ સવાલના જવાબમાં જસ્ટિસ ગાંગુલી કહે છે કે ''મને નથી ખબર કે આનો અંત શું હશે પરંતુ સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસની આકરી ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટે આવું અગાઉ પણ કર્યું હતું અને આ નિર્ણયમાં પણ કર્યું છે. હવે તમે જમીન હિંદુ પક્ષકારને આપી રહ્યાં છો જેનો આધાર છે પુરાતાત્ત્વિક પુરાવાઓ, યાત્રા વૃત્તાંત અને આસ્થા.''

''શું તમે આસ્થાને આધાર બનાવીને નિર્ણય આપશો? એક સામાન્ય માણસ આને કેવી રીતે સમજશે? ખાસ કરીને જે લોકો કાયદાના દાવપેચ નથી જાણતા તે આને કેવી રીતે સમજશે?''

''લોકોએ વર્ષોથી ત્યાં એક મસ્જિદ જોઈ. અચાનક તે મસ્જિદ તોડી દેવાઈ. એ તમામને હેરાન કરનારી ઘટના હતી. બાબરી વિધ્વંસ હિંદુઓ માટે પણ ઝટકો હતો.''

''જે અસલી હિંદુ છે તેઓ મસ્જિદ વિધ્વંસમાં ભરોસો ન કરી શકે. આ હિંદુત્વના મૂલ્યોની વિરુદ્ધ છે. કોઈ હિંદુ મસ્જિદ તોડવા ન ઇચ્છે અને જે મસ્જિદ તોડે તે હિંદુ નથી. હિંદુત્વમાં સહિષ્ણુતા છે. હિંદુઓના પ્રેરણાસ્રોત ચૈતન્ય, રામકૃષ્ણ અને વિવેકાનંદ રહ્યા છે.''

Image copyright Getty Images

જસ્ટિસ ગાંગુલી કહે છે ''મસ્જિદ તોડી દેવામાં આવી અને હવે સર્વોચ્ચ અદાલત ત્યાં મંદિર બનાવવાની પરવાનગી આપી દીધી છે. જેમણે મસ્જિદ તોડી હતી એમની એ જ માગ હતી અને માગ પૂરી થઈ ગઈ. બીજી તરફ બાબરી વિધ્વંસના કેસ પૅન્ડિંગ છે. જેમણે કાયદો તોડ્યો અને બંધારણની વિરુદ્ધ કામ કર્યું એમને કોઈ સજા નથી મળી અને વિવાદિત જમીન પર મંદિર નિમાર્ણનો નિર્ણય આવી ગયો.''

''હું સુપ્રીમ કોર્ટનો એક ભાગ રહ્યો છું અને તેનું સન્માન કરું છું પંરતુ અહીં મામલો બંધારણનો છે.''

''બંધારણના મૌલિક કર્તવ્યોમાં લખેલું છે કે વૈજ્ઞાનિક અભિગમ, તર્કશીલતા અને માનવતાને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે એ પણ લખેલું છે કે સાર્વજનિક સંપત્તિની રક્ષા કરવામાં આવે, મસ્જિદ સાર્વજનિક સંપત્તિ જ હતી. આ બંધારણના મૌલિક કર્તવ્યોનો હિસ્સો છે. મસ્જિદ તોડવી એક હિંસક કૃત્ય હતું.''


જો જસ્ટિસ ગાંગુલીએ નિર્ણય આપવાનો હોત તો શું નિર્ણય આપત?

Image copyright Getty Images

આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે ''આ એક કાલ્પનિક સવાલ છે તે છતાં હું કહી શકું છું કે જો મારે નિર્ણય આપવાનો હોત તો હું પ્રથમ મસ્જિદ બહાલ કરાવત અને સાથે જ લોકોને ભરોસોમાં લેત કે ન્યાયની પ્રક્રિયામાં નિષ્પક્ષતા અને બંધારણના ધર્મનિરપેક્ષતાના મૂલ્યોનું મહત્ત્વ પ્રસ્થાપિત થાય.''

''જો એ ન થઈ શકત તો હું કોઈ પણ પક્ષકારના પક્ષમાં કોઈ નિર્માણનો નિર્ણય ન આપત. અહીં કોઈ સેક્યુલર ઇમારત બનાવવાનો આદેશ આપત. જેમાં, શાળા, વિશ્વવિદ્યાલય, સંગ્રહાલય હોઈ શકે. મંદિર અને મસ્જિદ બીજે ક્યાંય જ્યાં વિવાદિત જમીન ન હોય ત્યાં બનાવવાનો આદેશ આપત.''

અયોધ્યા કેસમાં 5 જજોના નિર્ણયથી અલગ એક પરિશિષ્ટ જોડવામાં આવ્યું છે અને એમાં કોઈ જજની સહી નથી આના પર જસ્ટિસ ગાંગુલીનું શું કહેવું છે?

જસ્ટિસ ગાંગુલીએ કહ્યું કે ''આ અસામાન્ય છે પરંતુ તેઓ આમાં નથી પડવા માગતા.''

Image copyright Getty Images

આ નિર્ણયનો ભારતની લોકશાહી અને ન્યાય વ્યવસ્થા પર શું પ્રભાવ પડશે? એ સવાલના જવાબમાં જસ્ટિસ ગાંગુલીએ કહ્યું કે આ નિર્ણયથી જવાબ ઓછાં મળ્યા છે અને સવાલ વધારે ઊભાં થયા છે. હું આ નિર્ણયથી હેરાન-પરેશાન છું અને આમાં મારું કોઈ અંગત હિત નથી.

વિવાદિત જમીનના ચુકાદાની બાબરી વિધ્વંસ કેસ પર શું અસર પડશે એ વિશે જસ્ટિસ ગાંગુલીએ કહ્યું કે મને આશા છે કે તેની તપાસ સ્વતંત્ર રીતે થશે અને કેસ અંજામ સુધી પહોંચશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ