TOP NEWS: ગુજરાત પ્રદૂષણના 2500 મેટ્રિક ટન કણો હવામાં ઠાલવે છે?

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટના મુજબ ગુજરાત દર વર્ષે લગભગ 2500 મેટ્રિક ટન પ્રદૂષણના ઘાતક કણો હવામાં છોડી પ્રદૂષણમાં ઉમેરો કરે છે. ઑસ્ટ્રેલિયા બેઝ્ડ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપ્લાઇડ સિસ્ટમ ઍનાલિસિસના રિપોર્ટમાં આ ખુલાસો થવા પામ્યો છે.
આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં માનવીય અને ઔદ્યોગિક પ્રવૃતિઓને કારણે દર વર્ષે લગભગ 1038 મેટ્રિક ટન સલ્ફર ડાયોક્સાઇડ, 629.5 નાઇટ્રોજન ડાયોક્સાઇડ 403.1 મેટ્રિક ટન એમોનિયા અને 332.8 મેટ્રિક ટન ઘાતક PM 2.5ના ઘાતક પ્રદૂષણના કણો હવામાં ભળી રહ્યા છે.
અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે ગુજરાતમાં વાયુપ્રદૂષણની સ્થિતિ ગંભીર છે અને 'લૅન્સેટ 2018'ના રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં રાજ્યમાં પ્રદૂષણને કારણે 29,791 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે પુરૂષોના સરેરાશ આયુષ્યમાં 1.8 વર્ષ અને મહિલાઓના સરેરાશ આયુષ્યમાં 1.5 વર્ષનો ઘટાડો થયો હતો.
અહેવાલ અનુસાર દેશનાં મોટાં શહેરોમાં વધી રહેલા પ્રદૂષણના સ્તરને જોતાં આ રિપોર્ટના કારણે ગુજરાત સરકારની ચિંતામાં વધારો થઈ શકે છે.
ચાર દાયકામાં પ્રથમ વાર ગ્રાહકખર્ચમાં ઘટાડો નોંધાયો : NSO ડેટા
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે વર્ષ 2017-18માં ચાર દાયકામાં પહેલી વાર ગ્રાહકખર્ચમાં ઘટાડો નોંધાયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા તાજેતરમાં કરાયેલા કન્ઝમ્પ્શન એક્સપેન્ડીચર સર્વે પ્રમાણે ગ્રામીણ માગમાં સુસ્તીને આ ઘટાડાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે.
આ સર્વેના મહત્ત્વપૂર્ણ સૂચકાંક, ભારતમાં ઘરગથ્થુ ગ્રાહકખર્ચ પ્રમાણે 2011-12ની સરખામણીએ ભારતમાં એક વ્યક્તિ દ્વારા કરાતા સરેરાશ ખર્ચમાં 2017-18માં 3.7%નો ઘટાડો જોવા મળે છે. 2011-12માં આ ખર્ચ 1501 રૂ. પ્રતિ વ્યક્તિ હતો, જ્યારે 2017-18માં આ ખર્ચ 1446 રૂ. થઈ જવા પામ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે : ઉપરાજ્યપાલ મુર્મુ
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મુર્મુએ નવનિર્મિત કેન્દ્રશાસિતપ્રદેશમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે એવી જાહેરાત કરી છે.
જમ્મુ-કાશ્મીરના તલવારા ખાતે આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટરની પાસિંગ આઉટ પરેડને સંબોધિત કરતાં ઉપરાજ્યપાલ મુર્મુએ કહ્યું હતું, "ભલે આ વિસ્તાર કેન્દ્રશાસિત હોય, તેમ છતાં અહીં એક ધારાસભા પણ છે. ટૂંક સમયમાં પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે."
કુલભૂષણ જાધવ કેસમાં ભારત સાથે કોઈ સોદો નહીં : પાકિસ્તાન
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાને કુલભૂષણ જાધવના મામલે ભારત સાથે કોઈ પણ જાતની વાતચીતનો ઇનકાર કરી દીધો છે.
પાકિસ્તાનના વિદેશમંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે સાપ્તાહિક પ્રેસ બ્રિફ્રિંગ દરમિયાન આ વિશે કહ્યું હતું કે, "આ બાબતે કોઈ સોદો નહીં થાય. દરેક નિર્ણય કાયદા અંતર્ગત લેવાશે."
વધુમાં તેમણે જણાવ્યું કે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના નિર્ણયને પાકિસ્તાનના બંધારણ પ્રમાણે જ અમલમાં મૂકવામાં આવશે.
નોંધનીય છે કે પાકિસ્તાની આર્મી દ્વારા આ પહેલાં જણાવાયું હતું કે તેઓ જાધવના કેસમાં વિવિધ ન્યાયિક વિકલ્પો તપાસી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો